31 October, 2023 03:12 PM IST | Mumbai | Heena Patel
શિલ્પા પાનસુરિયા, ગીતા ભોજ
આમ તો કરવા ચૌથનું વ્રત ઉત્તર ભારતનાં રાજ્યોમાં વધુ જોવા મળે છે, પરંતુ ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જે રીતે કરવા ચૌથનું મહત્ત્વ દર્શાવાય છે એની અસર ગુજરાતીઓ પર પણ પડી છે. અમે મળ્યા એવી ગુજરાતી બહેનોને જેમાંથી કોઈએ કરવા ચૌથના વ્રતની શરૂઆત એમ જ કરી તો કોઈકે પાડોશીના કહેવાથી અને કોઈને ટીવી સિરિયલના ક્રેઝમાંથી મળી પ્રેરણા
પતિના લાંબા આયુષ્ય માટે પરિણીત મહિલાઓ કરવા ચૌથનું વ્રત કરે છે. સામાન્ય રીતે નૉર્થ ઇન્ડિયન લેડીઝ આ વ્રત રાખે છે, પણ હવે તહેવારો અને વ્રતોને કોઈ સીમાઓ નડતી નથી. હવે ઘણી ગુજરાતી મહિલાઓ પણ આ વ્રત રાખતી હોય છે. સવારે સાસુના હાથની સરગી ખાઈને પછી આખો દિવસ નિર્જળા ઉપવાસ રહે અને સાંજે ચંદ્રનાં દર્શન કરી પતિના હાથેથી પાણી પીને વ્રત છોડે છે. આવતી કાલે કરવા ચૌથ છે ત્યારે ચાલો વ્રત રાખનાર કેટલીક ગુજરાતી મહિલાઓ પાસેથી જાણીએ તેમણે કઈ રીતે આ વ્રત રાખવાની શરૂઆત કરી.
સંકષ્ટી અને કરવા ચૌથ
દહિસરમાં રહેતાં ૪૪ વર્ષનાં શિલ્પા પાનસુરિયા છેલ્લાં આઠ વર્ષથી કરવા ચૌથનું વ્રત રાખે છે. શિલ્પા પોતે એક અકાઉન્ટન્ટ છે અને તેમના પતિ કમલેશનો પોતાનો બિઝનેસ છે. તેમને બે દીકરીઓ છે. કરવા ચૌથના વ્રતની તેમના જીવનમાં કેવી અનાયાસ શરૂઆત થઈ એ વિશે શિલ્પા કહે છે, ‘હું પહેલાં નિર્જળા સંકષ્ટી કરતી હતી. સંકષ્ટી અને કરવા ચૌથ બંને એક જ દિવસે આવે. અમારી બાજુમાં જ એક યુપીવાળાં ભાભી રહેતાં હતાં. કરવા ચૌથના દિવસે તેમને ત્યાં સાંજે પૂજા થાય. હું તેમના ઘરે તૈયારીઓ જોવા ગઈ હતી. તો તેમણે મને કહ્યું કે ભાભી, તમે પણ સંકષ્ટીનો નિર્જળા ઉપવાસ આખો દિવસ રાખ્યો છે તો તમારા હસબન્ડને બોલાવીને સાથે-સાથે કરવા ચૌથની પૂજા પણ કરી લો. મને પણ થયું કે લાવ કરી લઈએ. મેં હસબન્ડને કામ પરથી બોલાવીને એ લોકો સાથે કરવા ચૌથની પૂજા કરી. એટલે મારી પહેલી કરવા ચૌથ અચાનક થઈ ગઈ. એ પછીથી મેં દર વર્ષે કરવા ચૌથનું વ્રત કરવાનું શરૂ કર્યું. હવે હું અગાઉથી જ બધી તૈયારી કરી રાખું છું. મેંદી, ગજરા, સાડીથી લઈને પૂજાવિધિની સામગ્રી બધું જ.’
પતિદેવ તો ખુશ-ખુશ
કરવા ચૌથનું વ્રત રાખવા બદલ પતિની પ્રતિક્રિયા કેવી છે? એના જવાબમાં શિલ્પા કહે છે, ‘મારા હસબન્ડ તો ખૂબ ખુશ થઈ ગયા હતા. હવે તો મારા કરતાં તેમને કરવા ચૌથનું એક્સાઇટમેન્ટ વધુ હોય છે. હવે તો અમે બીજી સોસાયટીમાં રહેવા આવી ગયાં, પણ હું એ જ ફ્રેન્ડના ઘરે કરવા ચૌથની પૂજા કરવા માટે જાઉં છું. એ લોકો કરવામાની વાર્તા-પૂજાપાઠ કરે જેનો મને બહુ એટલો આઇડિયા નથી એટલે હું તેમના ઘરે જઈને જ પૂજા કરું છું. રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરી પતિના હાથેથી પાણી પીને વ્રત છોડવાની વિધિ અમે ટેરેસ પર કરીએ છીએ. અમે છ-સાત મહિલાઓ મળીને એકસાથે વ્રત છોડીએ છીએ. દર વર્ષે અમે બધાં મળીને કરવા ચૌથની કેક પણ કટ કરીએ.’
હસબન્ડ પાસેથી ગિફ્ટ મળે
આવો જ કંઈ અનુભવ રીમા પાનસુરિયાનો છે. દહિસરમાં રહેતાં રીમા છેલ્લાં ૧૭ વર્ષથી કરવા ચૌથનું વ્રત કરે છે. પતિ સાગર કન્સ્ટ્રક્શન લાઇનમાં છે. રીમાને ૧૦ વર્ષ અને ૧૨ વર્ષની બે દીકરીઓ છે. લગ્નના એક વર્ષ બાદથી જ તેણે કરવા ચૌથ કરવાનું શરૂ કરી દીધું હતું એની વાત કરતાં રીમા કહે છે, ‘અમે પહેલાં જ્યાં રેન્ટ પર રહેતાં હતાં ત્યાં અમારી બાજુમાં પંજાબી ભાભી રહેતાં હતાં. એ કરવા ચૌથનું વ્રત કરતાં હતાં. મેં તેમને અનાયાસે જ પૂછ્યું કે અમે આ વ્રત કરી શકીએ? તો તેમણે હા પાડી. બસ, મેં પણ તેમનું જોઈને કરવા ચૌથનું વ્રત કરવાનું શરૂ કર્યું. વ્રતમાં સવારે વહેલા ઊઠીને સરગી જેમાં મીઠાઈ, ફળ, ડ્રાયફ્રૂટ્સ હોય એ ખાવાનાં ને પછી આખો દિવસ પાણી પણ પીવાનું હોતું નથી. મને સવાર-સવારમાં ખાવાનું ફાવે નહીં એટલે સરગીમાં જે સૂતરફેણી હોય એ થોડી ચાખી લઉં, કારણ કે શુભ કામ શરૂ કરતાં પહેલાં મીઠું ખાવાનું હોય છે. સાંજે અમે સોસાયટીની એક પંજાબી આન્ટીના ઘરે ભેગાં થઈએ અને ત્યાં સાથે મળીને પૂજા કરીએ. એ પછી ચંદ્રનાં દર્શન કરીને પતિના હાથેથી પાણી પીને ઉપવાસ છોડીએ. કરવા ચૌથના દિવસે પહેરવાની સાડી કે ડ્રેસ હોય એ મારા હસબન્ડ જ મને ગિફ્ટમાં આપે છે.’
સિરિયલ જોઈને શરૂ કર્યું
મુલુંડમાં રહેતાં ગીતા ભોજ તેમનાં લગ્ન થયાં ત્યારથી જ કરવા ચૌથનું વ્રત રાખે છે. ૧૮ વર્ષનો દીકરો અને ૧૪ વર્ષની દીકરી છે અને પતિ મહેશભાઈ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે. કરવા ચૌથના વ્રત વિશે ગીતાબહેન કહે છે, ‘ટીવી સિરિયલ જોઈને મને અગાઉથી જ કરવા ચૌથ કરવાનો ક્રેઝ હતો. એમાં પાછાં મારાં લવ મૅરેજ છે. ૨૦૦૧માં મેં મહેશ સાથે લગ્ન કર્યાં હતા. એ સમયે હું ૧૯ વર્ષની અને મહેશ ૨૧ વર્ષના હતા. અમે પાડોશી હતાં. લગ્ન પછી કરવા ચૌથ કરવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં તો સિરિયલમાં જેમ દેખાડે તેમ હું આખો દિવસ નિર્જળા ઉપવાસ રાખીને રાત્રે તૈયાર થઈ ચંદ્રને અર્ઘ્ય આપી પતિને ચાળણીની આરપાર જોઈને તેમના હાથેથી પાણ પીને વ્રત છોડતી. પ્રૉપર પૂજાપાઠનો એટલો આઇડિયા નહોતો. જોકે હવે હું સોશ્યલી થોડી ઍક્ટિવ થઈ હોવાથી સોસાયટીની અન્ય નૉર્થ ઇન્ડિયન લેડીઝ સાથે મળીને એકદમ વિધિપૂર્વક પૂજાપાઠ કરું છું.’
પતિ-પત્ની બન્ને રાખશે વ્રત
શ્રેણી દંડ અને આદિત્ય રાઘવનાં લગ્નનું પહેલું જ વર્ષ છે અને બંને પહેલી વાર કરવા ચૌથનું વ્રત કરશે. શ્રેણી કહે છે, ‘શા માટે હંમેશાં ફક્ત પત્ની જ પતિ માટે વ્રત કરે? મેં અને રાઘવે નક્કી કર્યું છે કે અમે એકબીજા માટેના પ્રેમ અને લાંબા આયુષ્ય માટે વ્રત કરીશું. મારા હસબન્ડ હરિયાણાના છે. અમે બંનેએ લવ મૅરેજ કર્યાં છે. અમે એક કૉમન ફ્રેન્ડના થ્રૂ મળ્યાં હતાં. રાઘવ ફિલ્મ ડિરેક્ટર અને હું પ્રોડક્ટ ડિઝાઇનર છું.’
લવ મૅરેજમાં પ્રેમ વધે...
બોરીવલીમાં રહેતી એરિયલ યોગ ઇન્સ્ટ્રક્ટર પૂજા મહેતા જ્યારથી લગ્ન થયાં છે ત્યારથી એટલે કે છેલ્લાં ૧૨ વર્ષથી કરવા ચૌથનું વ્રત કરે છે. પૂજા કહે છે, ‘હું આમ તો વારાણસીની છું, પણ મારો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયા છે. લગ્ન પહેલાં મારી સરનેમ પૂજા સિંહ હતી. કરવા ચૌથ અમારા કલ્ચરનો જ ભાગ હતું. એટલે લગ્ન પછી મેં શરૂ કર્યું. મારાં લવ મૅરેજ છે અને મારા હસબન્ડ પરિન શાહ પાઇલટ છે.’
પતિએ કહ્યું, તું કેમ નથી કરતી?
મીરા રોડનાં રહેવાસી રેશમા વૈદ્ય ૨૦૦૨થી કરવા ચૌથનું વ્રત કરે છે. આ વિશે રેશમાબહેન કહે છે, ‘અમે જ્યારે વિલે પાર્લેથી મીરા રોડમાં રહેવા આવ્યાં ત્યારે કરવા ચૌથના દિવસે અમારી સોસાયટીના બગીચામાં કેટલીક મહિલાઓ સજીધજીને પૂજા કરતી હતી. એટલે મારા હસબન્ડે મને ઘરે આવીને પૂછ્યું કે આ મહિલાઓ શેની પૂજા કરી રહે છે? મેં કહ્યું કરવા ચૌથની. તો તેઓ કહે, તું નથી કરતી? તો મેં કહ્યું, આપણા ગુજરાતીઓમાં ન હોય. એટલે હસતાં-હસતાં જ તેમણે કહ્યું કે તું કરવા ચૌથ નથી કરતી એટલે જ મને બીપી આવ્યું છે. વાત હળવી હતી, પણ મને થયું લાવ હું પણ કરું. ત્યારથી મેં પણ તેમની માટે કરવા ચૌથનું વ્રત કરવાનું શરૂ કર્યું. અમારી સોસાયટીનું ગાર્ડન ખૂબ મોટું છે એટલે અમારી સોસાયટીની ૧૦૦-૧૫૦ લેડીઝ ભેગી થઈને એકસાથે થાળ ફેરવે અને પૂજા કરે. હું પણ તેમની સાથે જ જે પણ કંઈ પૂજાવિધિ હોય એ કરું છું.’
પતિને મનાવવા પડ્યા...
મુલુંડમાં રહેતી પાયલ પંચાલનાં લગ્નને બે વર્ષ થયાં છે અને લગ્નના પહેલા વર્ષથી જ તેણે કરવા ચૌથનું વ્રત કરવાનું શરૂ કરી દીધું હતું. આ વિશે પાયલ કહે છે ‘મને બાળપણથી જ વ્રત કરવાં ગમે. લગ્ન પછી વટસાવિત્રી પણ કરતી. એ પછી પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવતા કરવા ચૌથ વ્રત વિશે ખબર પડતાં મેં એ પણ શરૂ કર્યું. મારા પતિ મિહિરને જ્યારે કહ્યું કે મારે કરવા ચૌથનું વ્રત કરવું છે ત્યારે તેમણે મને સ્પષ્ટ કહી દીધું હતું કે આપણે કંઈ કરવું નથી. જે થવાનું હોય એ તો થઈને જ રહે છે. જોકે મને ભગવાનમાં ખૂબ શ્રદ્ધા હોવાથી પ્રેમથી મનાવ્યા એટલે એમણે વ્રત કરવાની છૂટ આપી પણ સાથે-સાથે મને મીઠો ઠપકો પણ આપ્યો કે કોઈ પણ વ્રત કરતી વખતે તને નુકસાન ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખજે.’