17 March, 2024 02:37 PM IST | Mumbai | Samir & Arsh Tanna
કણબી રાસ
આજે આપણે વાત કરવી છે કણબી રાસની. આ જે કણબી શબ્દ છે એ ખેડૂત સમુદાયમાંથી જ આવેલો શબ્દ છે. ખેડૂતોને, પાટીદારોને કણબી પણ કહેવામાં આવે છે. આ શબ્દ પહેલી વાર સાંભળ્યો એટલે કણબી શબ્દનો ભાવાર્થ પણ જાણ્યો હતો. કણ કે બીમાંથી જે સર્જન કરી શકે એ કમ્યુનિટી એટલે કણબી. આ જે કણબી રાસ છે એની શરૂઆત જામનગર જિલ્લાના ખેડૂતો દ્વારા થઈ હતી. આ કણબી રાસ ફૉર્મમાં ખેતી-સંબંધિત પ્રવૃત્તિઓ દરમ્યાન કરવામાં આવતી પ્રક્રિયાઓનું અનુકરણ કરવામાં આવે છે. ખેડૂતોનું તમે કામ જુઓ. આખું વર્ષ એ લોકો તડકો, ઠંડી અને વરસાદ વચ્ચે પોણો દિવસ ખુલ્લામાં ખેતરમાં રહે અને એ પછી પણ તેમની એનર્જીમાં ક્યાંય કોઈ ઘટાડો જોવા ન મળે. આ જ એનર્જી તમને કણબી રાસ દરમ્યાન જોવા મળે છે. કણબી રાસ એની લાક્ષણિક કોરિયોગ્રાફીને કારણે બીજા બધા રાસથી અલગ પડે છે.
કણબી રાસમાં જે ગીત હોય છે એને મોટેથી ગાવામાં આવે છે. હા, આ રાસની આ પહેલી ખાસિયત છે. કણબી રાસ દરમ્યાન માઇકનો ઉપયોગ કરવાનું ટાળવામાં આવે છે અને આજે પણ આ રાસ ગાનારા શક્ય હોય ત્યાં સુધી માઇકનો ઉપયોગ નથી કરતા. કદાચ આ જ કારણ હશે કે બંધ ઑડિટોરિયમમાં વધારે ઇકો-ઇફેક્ટ આવતી હોવાથી કણબી રાસ એમાં જોવા નહીં મળતો હોય. ઍનીવે, મોટેથી ગાવું એ એની પહેલી ખાસિયત છે તો આ જ રાસમાં ખેડૂતોએ જે બે અન્ય કાર્ય કરવાનાં હોય એને કોરિયોગ્રાફીમાં સાવ અલગ જ રીતે વણી લેવામાં આવ્યાં છે.
ઊભા પાક પરથી પક્ષીઓને ઉડાડવા અને ખેતર વચ્ચે બળદને ભગાડવા આ બન્ને પ્રક્રિયામાં તમારામાં એનર્જી જોઈએ અને એ માટે તમારી પૂરી મહેનત પણ માગી લે. આજે પણ ખેતીકામ કરતા ખેડૂતોમાં તમને ક્યાંય મેદસ્વિતા જોવા નહીં મળે. ખડતલ શરીર અને કસાયેલી કાયા સાથે કામ કરતા ખેલૈયાઓ જ આ રાસમાં જોવા મળે છે. અમને આ રાસની મૂળ જે કોરિયોગ્રાફી છે એ ખરેખર બહુ ગમે છે. જો કોઈ પણ જુએ તો તે પણ એના પર મોહી પડે. સૌથી અગત્યની વાત. જો કહેવામાં ન આવ્યું હોય કે આ કણબી રાસ છે અને જોનારાએ દેશી પદ્ધતિથી થતી ખેતી જોઈ હોય તો તે એટલું તો પામી જ જાય કે આ જે રાસ ચાલે છે એમાં ખેડૂતોની ઍક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઘૂંટણિયે પડવું અને એ જ અવસ્થા સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તો ભીની માટી ભરેલાં ખેતરો ભીનાં હોય એ સમયે પગ ઊંચકીને ચાલવાની જે રીત હોય એ બધું કણબી રાસમાં સમાવવામાં આવ્યું છે. કણબી રાસમાં દર પંદરમી સેકન્ડ સ્ટેપ બદલે છે અને બદલતા એ સ્ટેપ વચ્ચે રાસના ગીતના આરોહ-અવરોહમાં પણ એ જ સ્તર પર ચેન્જ આવતો રહે છે.
આ જે રાસનું ગીત હોય છે એ ભગવાન કૃષ્ણની સ્તુતિમાં હોય છે જેનું એક કારણ છે. કાઠિયાવાડના મોટા ભાગના ખેડૂતો વૈષ્ણવ છે અને કૃષ્ણમાં શ્રદ્ધા ધરાવે છે જેને લીધે કૃષ્ણસ્તુતિના સ્વરૂપમાં આ રાસ રજૂ થાય છે. આ રાસમાં શરૂઆતમાં પુરુષો જ જોવા મળતા, પણ એકાદ સદી કે પછી એની પણ પહેલાંના સમયથી રાસમાં પુરુષો અને મહિલાઓ બન્ને દેખાવા શરૂ થયાં. જોકે છેલ્લાં પચ્ચીસેક વર્ષથી હવે ફરી પાછા આ રાસમાં પુરુષો જ જોવા મળે છે. પુરુષો પહેલાં પણ રાસમાં દાંડિયાનો ઉપયોગ કરતા અને હજી પણ આ રાસમાં દાંડિયાનો જ ઉપયોગ થાય છે.
કણબી રાસની હવે તો મંડળીઓ પણ છે જે મોટા ભાગે સૌરાષ્ટ્રમાં થતા મેળાઓ દરમ્યાન રાસલીલામાં રાસ રજૂ કરતી હોય છે તો ઘણી વાર સરકારી કાર્યક્રમોમાં પણ એ રાસ રજૂ જતો હોય છે. જોકે અગાઉના સમયમાં આ રાસ જન્માષ્ટમી દરમ્યાન ગામેગામ થતો તો અન્ય ધાર્મિક કાર્યક્રમો દરમ્યાન પણ એ જોવા મળતો. આ ઉપરાંત સામાજિક અને લગ્નપ્રસંગ દરમ્યાન પણ જોવા મળતો.
એવું માનવામાં આવે છે કે સૌરાષ્ટ્રનાં રજવાડાંઓએ ગુજરાતમાંથી કણબીઓને બોલાવ્યા અને તેમને ખેતી માટે જમીન આપી. સ્થાનિક સંસ્કૃતિ અને રોજગાર અપનાવ્યા પછી કણબીઓએ સૌરાષ્ટ્રની રાસ પરંપરા અપનાવી અને ખેતીના જીવનની ઝલક દેખાડતો આ રાસ ડેવલપ કર્યો. તમને જાણીને નવાઈ લાગશે પણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં રહેતા કણબીઓએ અલગ-અલગ કોરિયોગ્રાફિક પૅટર્ન સાથે કણબી રાસ ડેવલપ કર્યો જેના મૂળમાં ખેતીના કાર્યનું એક્ઝિબિશન આવતું હતું, પણ સ્ટેપ્સ બદલાતાં હોવાથી એ બધા રાસ એકબીજાથી જુદા પણ લાગે. ઝાલાવાડ તરીકે ઓળખાતા વિસ્તારના કણબી રાસમાં એનર્જીનું પ્રમાણ ઓછું હોય છે તો એની સામે જામનગર વિસ્તારના લતીપુર ગામે ડેવલપ થયેલા કણબી રાસમાં એનર્જીનું પ્રમાણ સૌથી વધારે હોય છે.