ના હોય, પુણેના આ રોડ પર ૫૦ વર્ષથી એકેય ખાડો નથી પડ્યો

17 August, 2025 06:09 PM IST  |  Pune | Laxmi Vanita

પારસી બ્રધર્સે દસ વર્ષની ગૅરન્ટી આપીને આ રોડ ખાસ ઇજનેરી ટેકનિકથી બનાવેલો, જ્યાં હજી ખાડા-ખાબોચિયાં ભરવાં પડે એવી નોબત નથી આવી.

૧૯૭૬માં બનેલા પુણેના JM રોડ માટે કંપનીએ ૧૦ વર્ષની લેખિત ગૅરન્ટી આપી હતી. લગભગ પાંચ દાયકા પછી પણ આ રોડ પર કોઈ મોટું રિપેરકામ કરવાની જરૂર નથી પડી.

પુણેમાં ૧૯૭૬માં બનેલો જંગલી મહારાજ રોડ શહેરની શાન ગણાય છે. પારસી બ્રધર્સે દસ વર્ષની ગૅરન્ટી આપીને આ રોડ ખાસ ઇજનેરી ટેકનિકથી બનાવેલો, જ્યાં હજી ખાડા-ખાબોચિયાં ભરવાં પડે એવી નોબત નથી આવી. આ પ્રકારનો રોડ પુણેમાં કેવી રીતે શક્ય બન્યો એ રસપ્રદ કહાની ખાસ જાણવા જેવી છે

ભારતમાં ચોમાસું આવે એ પહેલાં દરેક શહેરની મ્યુનિસિપલ કૉર્પોરેશન રસ્તાની મરમ્મતમાં લાગી જતી હોય છે. તેમ છતાં જેવો પહેલો વરસાદ આવે એટલે રોડ પર કરેલા રિપેરકામ પર પાણી ફરી જતું હોય છે. આવા રોડને કારણે સામાન્ય લોકોનું જીવન કેવી રીતે ડામાડોળ થાય છે એની વ્યથા વર્ણવી શકાય એમ નથી. જે રોડ પર તમને એક વખત સ્મૂધ ડ્રાઇવ કરવાની મજા આવી હોય એ જ મજા કદાચ બીજા અઠવાડિયે જ બગડી જાય એવું શક્ય બનતું હોય છે. અને જો રોડની આત્મકથા લખાતી હોય ને એની જીવની પૂછવામાં આવે તો કદાચ રોડ બોલી પડે કે ‘શિયાળો, ઉનાળો કે ચોમાસું દરેક ઋતુમાં જુદી-જુદી યાતનાઓથી પસાર થાઉં છું અને ભારેથી ભારે વાહનો, પ્રાણીઓ અને માનવોનું જીવન સરળ બનાવવાની કોશિશ કરું છું. તેમ છતાં મને જેવી મજબૂતી મળવી જોઈએ એવી મળતી નથી.’ પરંતુ ૧૯૭૬માં પુણેમાં બનેલા જંગલી મહારાજ રોડ એટલે કે JM રોડની આત્મકથા બહુ જ જુદી અને રસપ્રદ હશે. તો આ રોડની આત્મકથા તો નહીં પરંતુ એના જન્મથી લઈને એણે હાંસલ કરેલા બધા મોટા પડાવોની વાત કરીએ.

૧૯૭૦ના દાયકાનું પુણે

૧૯૭૦ના દાયકામાં પુણે એક વિકસતું શહેર હતું. ૧૯૭૧ની ગણતરી મુજબ પુણેની વસ્તી અંદાજે ૧૨-૧૩ લાખ હતી. શહેરનો વિકાસ આજની તુલનામાં બહુ જ ઓછો હતો. ચોમાસા બાદ રસ્તાઓ તૂટી પડવા સામાન્ય બાબત હતી. ઋતુ બદલે એટલે નગરપાલિકાના મજૂરો ફરીથી પૅચવર્કમાં લાગી જાય. સામાન્ય રીતે શહેરોની રોડના સંદર્ભમાં આ જ કહાણી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે એ સમયગાળામાં ગમેતેવો ધોધમાર વરસાદ પડતો તો પણ મુંબઈના રસ્તાઓ ઘણી સારી સ્થિતિમાં રહેતા. એ સમયના પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (PMC)ના સ્ટૅન્ડિંગ કમિટી ચૅરમૅન માત્ર ૨૧ વર્ષના શ્રીકાંત શિરોલેએ પોતાને જ સવાલ પૂછ્યો કે ‘ચોમાસામાં મુંબઈના રોડની જેમ આપણા રોડ કેમ મજબૂત નથી રહી શકતા?’ આ સવાલનો જવાબ મેળવવા તેઓ મુંબઈની મુલાકાતે આવ્યા હતા. તેમને મુંબઈના મજબૂત રોડ બનાવવા પાછળ જવાબદાર મુંબઈની રોકોન્ડો કંપનીની ઇજનેરી કળા અને હૉટ મિક્સ ઍસ્ફાલ્ટ વિશે જાણકારી મળી. ત્યાર પછી પુણેના રોડ બદલાવાના હતા.

કૉર્પોરેશનનો અસામાન્ય નિર્ણય

પુણેમાં મુંબઈ જેવા રોડ બનાવવા માટે તત્પર શ્રીકાંત શિરોલેએ બહુ જ બોલ્ડ નિર્ણય લીધો. સામાન્ય રીતે રોડના બાંધકામ માટે પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન એટલે કે PMCનું ટેન્ડર ભરવાનું હોય અને ત્યાર બાદ કંપની નક્કી કરવામાં આવતી હોય પરંતુ પુણેનો JM રોડ બનાવવા માટે તેમણે ડાયરેક્ટ મુંબઈની રોકોન્ડો કંપનીની નિમણૂક કરી દીધી. આ કંપની બે પારસી ભાઈઓની માલિકી હેઠળ, રોડ બનાવવા માટે હૉટ-મિક્સ ઍસ્ફાલ્ટ ટેક્નિકનો ઉપયોગ કરતી હતી. આ પદ્ધતિ એ સમયનાં ભારતીય શહેરોમાં બહુ ઓછી જોવા મળતી. આ ટેક્નિકનો પ્રભાવ અદ્ભુત હતો જેના કારણે રસ્તાઓ ટકાઉ બનતા અને વરસાદમાં પણ મજબૂત રહેતા. PMCએ સામાન્ય ટેન્ડર પ્રક્રિયા છોડીને સીધો રોકોન્ડો સાથે કરાર તો કર્યો પરંતુ એમની પાસે રોડને કંઈ નહીહીંથાય એવું વચન પણ માગ્યું. કંપનીએ માત્ર વચન જ ન આપ્યું, ૧૦ વર્ષની લેખિત ગૅરન્ટી પણ આપી કે જો રોડ પર ખાડો પડશે તો મફતમાં મરામત થશે. ૧૯૭૬માં અંદાજે ૧૫ લાખના ખર્ચે JM રોડનું બાંધકામ શરૂ થયું. આ એ સમય હતો જ્યારે સોનાનો ભાવ ર૦૦ રૂપિયા પ્રતિ તોલા હતો અને પેટ્રોલનો ભાવ ૮૦ પૈસા પ્રતિ લિટર હતો. એટલે ત્યારના સમયમાં આ રકમ અધધધ હતી પરંતુ પૈસા વસૂલ કરી દીધા છે આ રોડે. ગૅરન્ટી માત્ર ૧૦ વર્ષની હતી અને આ રોડે લોકોને કે PMCને હેરાન કર્યા વગર લગભગ ૪૯ વર્ષ કાપી નાખ્યાં છે. આવતા વર્ષે આ રોડને ૫૦ વર્ષ થવાનાં છે. આ રોડની મરામતમાં ૨૦૧૩-’૧૪માં નાનું-મોટું રિપેરકામ થયું હતું પરંતુ રોડની મૂળ સપાટીમાં કોઈ જ ફરક નહોતો પડ્યો.

રોડના બાંધકામની વિશેષતા

૭૦ દાયકા પ્રમાણે રસ્તાની પહોળાઈ અને માળખું અત્યંત આધુનિક હતું. આ રોડ બનાવતી વખતે સામાન્ય રસ્તાઓ જેવી પદ્ધતિને બદલે હૉટ-મિક્સ ઍસ્ફાલ્ટ ટેક્નિકનો ઉપયોગ થયો. એટલે કે ડામર અને પથ્થરના ટુકડા મશીનમાં ગરમ કરી, ચોક્કસ તાપમાને મિક્સ કરી, પછી ભારે મશીનથી એકસરખા દબાણે પાથરવામાં આવ્યા હતા. આ રીતે બનેલો રસ્તો મજબૂત બને છે અને વરસાદનું પાણી અંદર નથી જતું. રસ્તાની નીચે પહેલેથી જ મજબૂત પથ્થર અને રેતીનું પાયાનું સ્તર નાખવામાં આવ્યું જેથી એ આખા રસ્તાને સપોર્ટ આપે. એના પર ફાઇબર-રીઇન્ફોર્સ્ડ ઍસ્ફાલ્ટ નાખવામાં આવ્યો એટલે કે ડામરમાં ખાસ ફાઇબર મટીરિયલ મિક્સ કરાયું જેથી એ ફાટે નહીં અને લાંબા સમય સુધી ટકી રહે. સૌથી ખાસ વાત એ હતી કે રસ્તાની નીચે યુટિલિટી ડક્ટ્સ બનાવવામાં આવી. આ ડક્ટ્સ ખાલી ટનલ જેવી હોય છે જેમાં વીજળીના વાયર, પાણીની પાઇપ અથવા ટેલિફોન કેબલ નાખી શકાય. તેથી જો ભવિષ્યમાં મરામત કરવાની હોય કે નવા કેબલ નાખવાના હોય તો રસ્તો તોડવો ન પડે.

રોડની અડધી સદીની સફર

૧૯૭૬થી લઈને આજ સુધી JM રોડ પર નાનાં-મોટાં મેઇન્ટેનન્સ કામ તો થયાં છે પરંતુ મોટા પાયે ખાડા પડ્યા નથી, જ્યારે શહેરના બીજા ભાગોમાં ચોમાસા પછી ભારે નુકસાન થાય છે. JM રોડ માત્ર એક રસ્તો નથી પરંતુ પુણેકરનો ગર્વ છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ પુણેના ઘણા જૂના રસ્તાઓને નવી ડિઝાઇન, પેવમેન્ટ, સ્ટ્રીટલાઇટ્સ અને સાઇકલ ટ્રૅક સાથે અપડેટ કરવામાં આવ્યા. આ યોજના હેઠળ ૨૦૧૬-’૧૭માં JM રોડ પણ આસપાસ રીડિઝાઇન થયો જેમાં રસ્તાની બાજુએ પહોળી ફુટપાથ, બેઠકો, ગાર્ડન જેવા ગ્રીન બેલ્ટ અને આધુનિક LED સ્ટ્રીટલાઇટ્સ લગાડવામાં આવી. પરંતુ એક ખાસ વાત એ હતી કે રોડનો મૂળ પાયો અને સપાટી તોડી-ફોડી નવી બનાવવાની જરૂર પડી નહોતી. હૉટ-મિક્સ ઍસ્ફાલ્ટ અને ફાઇબર-રીઇન્ફોર્સ્ડ સ્ટ્રક્ચરે એને ચાળીસ વર્ષ કરતાં વધારે સમય સુધી ખાડા પડવાથી બચાવ્યો હતો. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ફક્ત રસ્તાની આસપાસની સુવિધાઓ બદલાઈ, પણ મધ્યનું મુખ્ય રોડ-સ્ટ્રક્ચર એ જ રહ્યું. આ રોડની મજબૂતી અને આયુથી એક વાત તો સાબિત થાય છે કે જો યોગ્ય ટેક્નિક અને ગુણવત્તાવાળા મટીરિયલથી કામ થાય તો રસ્તા દાયકાઓ સુધી અખંડ રહી શકે. રોડની ખ્યાતિ સાથે આ રોડ પર શહેરના વેપારીઓ અને સાંસ્કૃતિક વારસાનો પણ વિકાસ થયો. મોટી દુકાનો, બ્રૅન્ડ શોરૂમ, રેસ્ટોરાં અને થિયેટર્સ એમ ઘણુબધું અહીં છે. એટલે ટ્રાફિકનું ભારણ પણ સતત રહે છે છતાં રોડ એની મજબૂતી જાળવી રાખે છે.

રોડનું આવું નામ કઈ રીતે પડ્યું?

જંગલી મહારાજ રોડનું નામ નજીક આવેલા જંગલી મહારાજ મંદિર પરથી પડ્યું છે. જંગલી મહારાજ ૧૯મી સદીના એક પ્રખ્યાત સંત હતા જેઓ પુણેમાં આધ્યાત્મિકતા, ઉદારતા અને સમાજસેવાના કારણે લોકપ્રિય હતા. તેમના નિવાસસ્થાન અને મંદિરમાં અનેક ભક્તો આવતા હોવાથી આસપાસનો વિસ્તાર જંગલી મહારાજ તરીકે ઓળખાવા લાગ્યો. જ્યારે ૭૦ના દાયકામાં આ માર્ગનું આધુનિક નિર્માણ થયું ત્યારે એને સત્તાવાર રીતે જંગલી મહારાજ રોડ નામ આપવામાં આવ્યું જેથી આ માર્ગ શહેરની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાયેલો રહે. લોકો આજે આ રોડને JM રોડ તરીકે ઓળખે છે.

pune pune news columnists gujarati mid day mumbai monsoon news Weather Update mumbai potholes