જેવી ડૂંડી એવા ઘઉં, જેવી સાસુ એવી વહુ

10 January, 2023 03:46 PM IST  |  Mumbai | Jigisha Jain

સાસુ-વહુનો સંબંધ વર્ષોથી ખૂબ વગોવાયેલો છે, પરંતુ સમય બદલાતાં આ સંબંધમાં રહેલી કડવાશ ધીમે-ધીમે ઓગળતી જાય છે અને મીઠાશનું ઝરણું ફૂટ્યું છે ત્યારે મળીએ આધુનિક વિચારસરણી ધરાવતાં સાસુ-વહુને જેમની વચ્ચેનો સુમેળ ચાડી ખાય છે કે સમાજ હવે ઘણો બદલાઈ રહ્યો છે

વહુઓ કરિશ્મા અને દેવલ સાથે કૌશાબહેન વોહરા.

આ કહેવતને ‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મમાં ડાયલૉગ તરીકે લેવામાં આવી છે. સાસુ-વહુનો સંબંધ વર્ષોથી ખૂબ વગોવાયેલો છે, પરંતુ સમય બદલાતાં આ સંબંધમાં રહેલી કડવાશ ધીમે-ધીમે ઓગળતી જાય છે અને મીઠાશનું ઝરણું ફૂટ્યું છે ત્યારે મળીએ આધુનિક વિચારસરણી ધરાવતાં સાસુ-વહુને જેમની વચ્ચેનો સુમેળ ચાડી ખાય છે કે સમાજ હવે ઘણો બદલાઈ રહ્યો છે

સાસુ-વહુના બહુ વગોવાયેલાં સંબંધો હવે ઘણા જ મૅચ્યોર થઈ રહ્યા છે અને એ મૈત્રીના સ્તરે પહોંચ્યા છે એવું જોવા મળે ત્યારે સમાજ તરીકે આપણે પરિપક્વ થયાં છીએ એવો સંતોષ મળે.

હાલમાં જ આવેલી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં બાઈજીનું પાત્ર ભજવતાં રત્ના પાઠક શાહ અને તેમની વહુ મોંઘીનું પાત્ર ભજવતી માનસી પારેખ વચ્ચે અદ્ભુત પ્રેમ અને લાગણીનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે, જેમાં દીકરાના લગ્નેતર સંબંધની જાણ પછી મા દીકરાનો નહીં, વહુનો સાથ આપે છે અને તેને ખુદ પોતાના હાથે ડિવૉર્સ પેપર આપીને તેને આગળ વધવા જણાવે છે એટલું જ નહીં, સામે પક્ષે વહુથી પણ પતિ તો છૂટી જાય છે પણ સાસુની માયા છૂટતી નથી અને તેમને પોતાની જવાબદારી સમજીને તે ડિવૉર્સ પછી પણ પોતાની સાથે જ રાખે છે. બાઈજીના પાત્રની જેમ વહુને દરેક વાતની છૂટ આપનાર, તેની કાળજી કરનાર, તેના નવા શોખમાં તેનો સાથ આપનાર અને તેના માન માટે લડનાર સાસુ હોય તો કોઈ પણ વહુના મોઢામાંથી મોંઘીએ બોલેલા શબ્દો નીકળે જ કે મને તો મારા નસીબનું બધું મળી ગયું છે. ચાલો આજે મળીએ એકદમ મૉડર્ન સાસુ અને એમની નસીબદાર વહુઓને.

સૉરી બોલાય એવી સાલસતા 

જોગેશ્વરીમાં રહેતાં ૭૧ વર્ષના પ્રેમલતાબહેન પારેખ અને તેમની બંને વહુઓ વચ્ચે મૈત્રીભર્યો સંબંધ છે. વહુને દીકરીથી વિશેષ રાખતાં પ્રેમલતાબહેન કહે છે, ‘હું ભાગ્યે જ ગુસ્સે ભરાઉં છતાં જો ક્યારેય ભૂલથી પણ કશું બોલાયું હોય તો મને સૉરી બોલવામાં પણ નાનપ નથી લાગતી, કારણ કે કોઈનું મનદુઃખ થાય એ પહેલાં મારો જ જીવ એટલો બળ્યો હોય.’ 

પોતાનાં સાસુનું મોઢું જોઈને જ તેમના મનમાં શું ચાલે છે એ સમજી જતી પ્રેમલતાબહેનની મોટી વહુ શીતલ પોતાનાં સાસુનાં વખાણ કરતાં કહે છે, ‘અમારી નણંદ કરતાં પણ વિશેષ અમને તેઓ પ્રેમ કરે છે એમ કહીએ તો ખોટું નથી. હું પરણીને આવી ત્યારે મારા દાદાસસરા અને દાદીસાસુ પણ હતાં એટલે ઘરમાં વહુઓએ સાડી જ પહેરવાની, પરંતુ મારાં સાસુને કારણે ધીમે-ધીમે ઘરના વડીલોમાં બદલાવ આવ્યો અને અમે લોકોએ ડ્રેસ પહેરવાનું શરૂ કર્યું.’

આ પણ વાંચો : પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા

સાસુ નહીં, મિત્ર 

વહુઓ શીતલ અને પૂજા સાથે પ્રેમલતાબહેન પારેખ.

પ્રેમલતાબહેનની નાની વહુ પંજાબી છે અને જ્યારે તે લગ્ન કરીને આવી ત્યારે તેને અજુગતું ન લાગે એના પૂરા પ્રયત્નો પ્રેમલતાબહેને કર્યા. પોતાના એ શરૂઆતના દિવસો યાદ કરતાં હાલમાં લંડન રહેતી પૂજા કહે છે, ‘મને શરૂઆતમાં ગુજરાતી ખાવાનું ભાવતું નહીં. હું કશું બોલતી નહીં, પરંતુ મારાં સાસુ સમજી ગયાં અને એ અને મારાં જેઠાણી બંનેએ ઘરમાં પનીર, છોલે, રાજમા બનાવવાની શરૂઆત કરી જે ઘરમાં પહેલાં ક્યારેય નહોતાં બનતાં, પણ મારા માટે તેમણે આ બદલાવ લાવ્યો. લગ્નના એક જ મહિના પછી ન્યુ યર પાર્ટીમાં સ્કર્ટ પહેરવા માટે મને મૂંઝવણ થતી હતી કે મારા સસરાને ન ગમે તો? ત્યારે મારાં સાસુએ મને કહ્યું, ગભરાશ શું? જીન્સ પહેરીને ઘરેથી નીકળ અને ગાડીમાં સ્કર્ટ પહેરી લેજે. તું ઘરે આવીશ ત્યારે તારા સસરા સૂઈ ગયા હશે તો એમને તો ખબર પણ નહીં પડે. તું તારે જા. સાચું કહું તો આવી સલાહ મિત્રો આપે, સાસુ નહીં. અને એ દિવસે એટલે જ તેઓ સાસુ મટીને મિત્ર બની ગયાં.’ 

પૂરેપૂરો સપોર્ટ 

બોરીવલીમાં રહેતાં ૬૨ વર્ષનાં કૌશા વોહરા એક મૉડર્ન સાસુનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જેનો પુરાવો આપતાં તેમની મોટી વહુ દેવલ કહે છે, ‘મારાં લગ્ન પહેલાં મારા પતિ યુએસમાં રહેતા હતા. લગ્ન પછી એ ભારત પાછા આવી જવાના હતા, પરંતુ મારાં સાસુએ ના પાડી. તેમણે કહ્યું કે તું ૨-૩ વર્ષ ત્યાં જ રહે. વહુને ફેરવ. બંને જીવનની મજા માણો પછી પાછાં આવજો એટલું જ નહીં, અમે પાછાં આવ્યાં એ પછી પણ મમ્મીએ મને કહ્યું કે તું એન્જિનિયર છે. જૉબ શોધી લે. ઘરમાં આપણે કુક રાખી લઈશું, પણ તું કામ ન છોડીશ. આવી કાળજી આપણી કોણ રાખે?’

કૌશાબહેનની નાની વહુ કરિશ્મા કંપની સેક્રેટરીનું ભણી છે. પોતાની વાત કરતાં તે કહે છે, ‘હું પરણી ત્યારે સીએની એક્ઝામ આપતી હતી. પછી પાછું મેં ફીલ્ડ બદલ્યું. એક સમયે હું ખુદ છોડી દેવાની હતી ભણવાનું, પરંતુ મમ્મીનો ભરપૂર સપોર્ટ હતો કે ના, તું ભણ એટલે હું ભણી શકી. ઘરના કામ માટે એમણે અમને ક્યારેય નથી સંભળાવ્યું. ઊલટું ખૂબ સાથ આપ્યો છે.’

સખીભાવ 

પોતાની વહુઓ સાથે મૈત્રીનો સ્ટ્રૉન્ગ બૉન્ડ ધરાવનાર કૌશાબહેન કહે છે, ‘દીકરી માની બેસ્ટ ફ્રેન્ડ હોય. મારે દીકરી નહોતી અને આ બંનેએ આવીને એની ખોટ પૂરી છે. અમે ત્રણેય એક ટીમના મેમ્બર છીએ. જેમ સખીઓ એકબીજાને પોતાના પતિની કૂથલી કરી શકે એમ અમે પણ કરીએ. નાની-મોટી રકઝક હોય કે ઝીણો ગુસ્સો, હું મારા પતિ, જે એમના સસરા થાય એમના વિશે અને તેઓ એમના પતિ, જે મારા દીકરા થાય એમના વિશે જેટલી ફરિયાદો હોય એ બધી એકબીજાને કહી શકીએ. આ રીતે મનને હળવું કરી લેવાની મજા માણી લઈએ. મને ટેક્નૉલૉજીમાં બિલકુલ ખબર નહોતી પડતી એ હું દેવલ પાસેથી શીખી. સમય સાથે જીવવામાં અને આગળ વધવામાં વહુઓનો ટેકો ભરપૂર કામ લાગે.’ 

આ પણ વાંચો : ગર્લ્સ ઍન્ડ બૉય્‍સ, તમારા ફ્રેન્ડ બનવા પેરન્ટ્સે શું કરવું?

સ્ત્રી તરીકેની ફરજ 

પાર્લામાં રહેતાં ડૉ. આશા મણિયાર પણ એ વાત સાથે સહમત થાય છે. પુત્રવધૂ પુત્ર કરતાં વિશેષ જ ગણાય, કારણ કે સ્ત્રી તરીકે ઘણી વાતો તમે પુત્રને ન કહી શકો એવી કેટલીયે વાતો પુત્રવધૂને કહી પણ શકાય અને એ સારી રીતે સમજી પણ શકે. પોતાની વાત કરતાં આશાબહેન કહે છે, ‘જો સાસુ ભણેલી-ગણેલી અને સમજુ હોય તો ઘરે આવનારી છોકરીની સ્ટ્રગલ વધારવાના બદલે ઘટાડે અને એણે એમ જ કરવું જોઈએ, કારણ કે સ્ત્રી તરીકે એની એ ફરજ છે. પુત્રવધૂને દીકરી જ ગણવી અને જો ન ગણી શકો તો સ્ત્રી ગણીને પણ એના જીવનની મુશ્કેલીઓ ઓછી કરવાની કોશિશ કરવી જોઈએ એમ હું માનું છું.’ 

આશાબહેનની મોટી વહુ ડૉ. સીમા મણિયાર ડેન્ટિસ્ટ છે. પોતાનાં સાસુ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘મારાં સાસુએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. હંમેશાં મને પ્રોટેક્ટ કરી છે. હું એમની પાસેથી ઘણું શીખી છું. એમનો જીવન પ્રત્યેનો અભિગમ ખૂબ પૉઝિટિવ છે. અમને બંનેને આર્ટ અને ક્રાફ્ટ ખૂબ ગમે. ઘણી વાર અમે સાથે કરીએ. કેટલીક વસ્તુઓ નવી હોય તો એ મારી પાસેથી શીખવા માગતાં હોય. અમને બંનેને વાંચવાનો પણ એટલો શોખ છે. એમના જેવી રસોઈ કોઈ ન બનાવી શકે. એમણે જ મને પ્રેમથી રાંધતાં શીખવ્યું છે.’

મિત્રતાનો પાયો સાસુ રોપે 

વહુઓ સીમા અને પ્રીતિ સાથે ડૉ. આશા મણિયાર.

આશાબહેનની નાની વહુ ડૉ. પ્રીતિ મણિયાર ફિઝિયોથેરપિસ્ટ છે. એ કહે છે, ‘હું લગ્ન કરીને આવી પછી તેમણે મને મોકળાશ અઢળક આપી. જેમ કરવું હોય એમ, જેમ જીવવું હોય એમ બધાની છૂટ. બીજાં સાસુઓની જેમ નહીં કે ઘરમાં બધાં કામ જ સોંપ્યા કરે. ઊલટું આટલી લિબર્ટી તો મને પિયરમાં પણ નથી મળી. એ પોતે ભણેલાં અને કામનું મહત્ત્વ સમજનારાં હતાં. એટલે કરીઅરમાં એમનો સપોર્ટ જબરદસ્ત રહ્યો. મને લાગે છે કે સાસુ અને વહુના સંબંધોમાં મિત્રતાનો પાયો સાસુ જ રોપી શકે, કારણ કે આ સંબંધ એમના પર વધુ નિર્ભર કરે છે. અમારા સંબંધોમાં મિત્રતા એટલે જ છે કે મારાં સાસુ ટિપિકલ સાસુ નથી. આખરે જેવી ડૂંડી એવા ઘઉં અને જેવી સાસુ એવી વહુ એમ ગણીએ તો સાસુ મિત્રતાભર્યો પ્રેમ રાખે તો વહુ પણ સામે એવી જ રહે.’

columnists Jigisha Jain