જ્યાં પગ જમાવવા અઘરા છે ત્યાં હાફ મૅરથૉન દોડી આવ્યા આ ચાર વીરલાઓ

05 March, 2023 10:15 AM IST  |  Mumbai | Jigisha Jain

હજી ગયા અઠવાડિયે જ લદાખના પૅન્ગૉન્ગમાં યોજાયેલી આઇસ મૅરથૉન વિશ્વમાં સૌથી ઊંચા સ્થળે યોજાયેલી મૅરથૉન તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાં નોંધાઈ છે, જ્યાં પરસેવો પણ બરફ થઈ જાય એવી માઇનસ ૧૨થી ૧૫ ડિગ્રી ઠંડીમાં આ કપરું સાહસ કુલ ૭૫ જણે કર્યું હતું

પુષ્પક દેસાઈ, ડૉ. પરાગ શાહ, સીએ કૃપાલી નિસર, પ્રકાશ નાગર

એમાંથી મુંબઈના જે ચાર ગુજરાતીઓએ ભાગ લીધેલો તેમના સ્વાનુભવે જાણીએ કે આ આઇસ મૅરથૉન કઈ રીતે અલગ અને આહ્‍લાદક અનુભવ આપનારી હતી

બરફની સપાટ સલ્લી હોય એના પર હાથ મૂકી જોયો છે? એ પણ લપસી જાય છે. એના પર ચાલવાનું તો સમજો કે અઘરું જ છે. જો ધ્યાન ન રાખ્યું તો પગ લપસી શકે છે અને હાડકાં ખોખરાં થઈ શકે છે. સ્નો પર ચાલવાનું સહેલું છે. બરફ પર ચાલવાનું અઘરું. ચાલવાનું તો છોડો, જો તમને આ બરફ પર દોડવાનું કહેવામાં આવે તો? એ પણ ભરપૂર સુસવાટા મારતા પવનમાં અને માઇનસ ૧૨થી માઇનસ ૧૫ ઠંડીમાં. આ અશક્ય લાગતું કામ ફેબ્રુઆરીમાં સંભવ બન્યું.

લેહ-લદાખમાં હાલમાં ફેબ્રુઆરીની ૨૦મી તારીખે દુનિયાના સૌથી ઊંચા સ્થળ પર એટલે કે ૧૩,૮૬૨ ફીટની ઊંચાઈ પર હાફ મૅરથૉનનું આયોજન થયું હતું જેની નોંધ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ થઈ છે. લદાખમાં આવેલું પૅન્ગૉન્ગ તળાવ શિયાળામાં જામી જાય છે. આ તળાવ પર જામેલા બરફ પર ૨૧ કિલોમીટરની દોડ લગાવીને ભારતની ૭૫ વ્યક્તિઓએ પોતાનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાવ્યું છે. આ તળાવ ૭૦૦ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે જેમાંથી અમુક ભાગ ચીનમાં અને અમુક ભાગ ભારતમાં છે અને આ તળાવનો અમુક ભાગ વિવાદાસ્પદ ભૂમિમાં આવે છે. શિયાળામાં અહીં -૩૦ ડિગ્રી સુધી તાપમાન જાય છે જે આ ખારા પાણીના તળાવના પાણીને બરફમાં બદલાવી નાખે છે. લગભગ ૩-૪ કલાક ચાલેલી આ મૅરથૉન લદાખના લુકુંગથી શરૂ થયેલી અને માન ગામે પૂરી થઈ હતી. ગ્લોબલ વૉર્મિંગના સમયમાં હિમાલયને બચાવવાની પહેલનો સંદેશ આપવા આ મૅરથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે લેહ-લદાખમાં વિન્ટર ટૂરિઝમને પ્રમોટ કરવા માટે શરૂ થયેલી આ મૅરથૉન દ્વારા બૉર્ડર પાસે રહેતા લોકોને રોજગારની વધુ તક મળે એના પ્રયાસ રૂપે ઍડ્વેન્ચર સ્પોર્ટસ ફાઉન્ડેશન ઑફ લદાખ, લદાખ ઑટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, લદાખ ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ અને લેહ ડિ​સ્ટ્રિક્ટ ઍડ‍્મિનિસ્ટ્રેશન દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કુલ ૭૫ લોકો આ મૅરથૉનમાં ભાગ્યા હતા, જેમાંથી ૨૫ લોકલ પબ્લિક અને ત્યાં રહેતા આર્મીના લોકો હતા. બાકી ૫૦ લોકો ભારતના જુદા-જુદા વિસ્તારમાંથી આવ્યા હતા.

મુંબઈથી બોરીવલીમાં રહેતા મૅરથૉન રનર-કમ કોચ પ્રકાશ નાગર, ઘાટકોપરના જનરલ સર્જ્યન ડૉ. પરાગ શાહ, વિલે પાર્લેના જ્વેલરી બિઝનેસમૅન પુષ્પક દેસાઈ અને વાશીમાં રહેતી ૩૦ વર્ષની કૃપાલી નિસર પણ આ અદ્ભુત, અભૂતપૂર્વ અને આહ્‍લાદક અનુભવ આપનારા સાહસનો ભાગ હતાં. આ દુર્ગમ વિસ્તારમાં પોતાનું કૌવત પુરવાર કરી ચૂકેલા અને સાહસવીરોના અનુભવ વિશે તેમની પાસેથી જ જાણીએ.

હાડ ગાળતી ઠંડી

આ મૅરથૉનમાં તો તાપમાન ૧૨થી ૧૫ ડિગ્રી જેટલું ઓછું હતું. જેને લીધે આપણને અહીં જેટલો ઑ​​ક્સિજન મળે છે એના ૫૦ ટકા ઑક્સિજન  પણ માંડ ત્યાં મળે. મૅરથૉનમાં દોડવું અઘરું છે, પરંતુ આઇસ મૅરથૉનમાં દોડવું તો એથીયે અઘરું છે, કારણ કે આટલા નીચા તાપમાનમાં હવા પાતળી હોય છે અને ઑક્સિજનની ભરપૂર કમી. આ પરિસ્થિતિમાં ત્યાં દોડવું રિસ્કી છે. ત્યાં રહેતા લોકોના જીવનમાં એને કારણે જ ઘણી હાડમારી છે. જે વિશે વાત કરતાં પ્રકાશભાઈ નાગર કહે છે કે ‘ત્યાંના લોકોને એક ઈંડું પણ લેવું હોય તો ૬ કિલોમીટર દૂર જવું પડે છે. તેઓ પોતે મરઘી પાળી શકતા નથી, કારણ કે આટલા નીચા તાપમાનમાં મરઘી જીવી જ શકે નહીં. પાણી, ખોરાક અને રોજિંદી વસ્તુ માટે પણ તેઓ કેટલી મુશ્કેલીનો સામનો કરે છે.’

હાડમારી શબ્દ ટૂંકો કહેવાય

ત્યાં આટલી ઠંડીમાં શું હાલત થાય છે એ બાબતે વાત કરતાં ડૉ. પરાગ શાહ કહે છે કે ‘ત્યાં કોઈ પણ પ્રવાહી જામી જાય છે એટલે પાણીની તકલીફ રહે છે. ગરમ કરી-કરીને પાણીનો વપરાશ કરવો પડે છે. બરફ લઈ, ગરમ કરી એને પાણી બનાવીને એનો ઉપયોગ થાય છે. આટલી ઠંડીમાં ત્યાં ડ્રેનેજ પાઇપ પણ જામી જાય છે, એટલે ગટર વ્યવસ્થા મુશ્કેલ છે. કુદરતી હાજતે જવામાં જમીનમાં ખાડા કરીને જવું પડે અને પછી એ ખાડા પુરવાના. જોકે અમુક ખાસ હોટેલોમાં વ્યવસ્થા હોય, પરંતુ અમારી મૅરથૉન જ્યાં હતી ત્યાં અમે હોમ-સ્ટેમાં જ રહ્યા હતા. એ લોકોએ ખરેખર અમને ખૂબ સાચવ્યા છે. તેમનું જીવન જેટલું કપરું છે એટલા જ તે લોકો સરળ છે.’

જોકે વપરાશમાં લેવા માટે પાણીનો બરફ ક્યાંથી લાવવામાં આવે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. પરાગ શાહ કહે છે કે ‘જ્યારે શિયાળામાં નદી કે તળાવ જામવાનું હોય ત્યારે આ ઠંડા પાણીને અહીં સ્પ્રેની જેમ હવામાં છોડવામાં આવે છે જે વાતાવરણમાં જઈને બરફ બની જાય છે અને એ સ્પ્રેથી જામેલો બરફ એક જગ્યાએ જમા થાય છે અને પિરામિડ આકારનો બને છે. જેને એ લોકો આઇસ સ્તુપા કહે છે. આ પિરામિડમાં જમા થયેલો બરફ તે લોકો આખો શિયાળો પીગળાવીને વાપરે છે. આ કૉન્સેપ્ટ વિખ્યાત સોનમ વાંગચુકે અહીં શરૂ કર્યો હતો જે ખૂબ જ ઉપયોગી છે.’

વાતાવરણને સાનુકૂળ

મૅરથૉનમાં દોડનારા લોકો ૭ દિવસ પહેલાં લેહ-લદાખ પહોંચી ગયા હતા. જેનું કારણ એ જ હતું કે એ વાતાવરણને તેઓ અનુકૂળ થઈ શકે. ત્યાનું નીચું તાપમાન અને ઓછા ઑક્સિજન  લેવલ સાથે શરીરને અનુકૂળ કરવું જરૂરી છે. નહીંતર તમે ત્યાં જઈને સખત માંદા પડી શકો છો. એ વિશે વાત કરતાં ડૉ. પરાગ શાહ કહે છે કે ‘આ પ્રોસેસમાં તમારે શરીરને ત્યાંના વાતાવરણ સાથે અનુકૂળ થવાનો સમય આપવો પડે છે. ઘણા લોકો ત્યાં જતાંની સાથે હીટરમાં રહેવા લાગે છે અને અત્યંત ગરમ કપડાંઓ પહેરે છે. આ પરિસ્થિતિમાં શરીર ટેવાતું નથી. રૂમમાં હીટર અને બહાર ઠંડી એમ શરીરને કન્ફ્યુઝ ન કરવું જોઈએ. જો શરૂઆતમાં થોડું સહન કરશો તો શરીર આપોઆપ ટેવાશે. હું આ સિદ્ધાંતને અનુસર્યો હતો. આવી જગ્યાએ જાઓ ત્યારે એકાદ દિવસ રૂમમાં પડ્યા રહો, ખૂબ પાણી પીવો. ત્યાં જે ઑક્સિજનની કમી છે એ હવામાંથી નહીં, પાણીમાંથી મેળવવાની કોશિશ કરવી પડે છે. બીજા દિવસથી બધું માફકસર થઈ જાય છે. ઘણા લોકો ત્યાં જઈને ઑક્સિજન માટે દવા લે છે, પણ હું એમાં માનતો નથી.’

ખાસ શૂઝ વિના અશક્ય

બરફ પરની મૅરથૉનમાં કઈ રીતે ભગાય એ સમજાવતાં પુષ્પક દેસાઈ કહે છે કે ‘તમે નૉર્મલી દોડતા હો તો તમારો પાછલો પગ પાછળ તરફ પુશ કરીને પછી તમે ભાગો, પણ બરફ પર પગ ઉપાડીને તમારે ભાગવું પડે. અમારાં શૂઝની અંદર સ્પાઇક્સ હતાં જે બરફમાં ખૂંપી જાય એટલે પગ પાછળ તરફ જઈ ન શકે. આ રીતે દોડવાની પ્રૅ​ક્ટિસ તો કોઈને જ નહોતી. કોઈ કરે પણ ક્યા? એટલે અહીં આવીને જ એ પ્રૅ​ક્ટિસ કરવી પડી. મજાની વાત એ છે કે અમે સામાન્ય રીતે ચાલવામાં પણ ત્યાં આ પ્રકારનાં શૂઝ જ પહેરતા હતા છતાં ગભરાતા હતા કે પડી ન જવાય, પરંતુ ત્યાં રહેતાં નાનાં બાળકો અમારી બાજુમાં જ બરફમાં રમતાં હતાં. સાવ નૉર્મલ શૂઝ એટલે કે સ્પાઇક વગરનાં, જેમાં લપસવાની ખૂબ બીક રહે છે એ અને એક જૅકેટની અંદર તેઓ મજા કરતાં હતાં.’

કપડાં અને પરસેવો

જ્યારે બરફ પર આટલા નીચા તાપમાનમાં દોડવાનું હોય ત્યારે ૪-૫ લેયર્સ કપડાં પહેરવાં પડે છે. ત્યાંના લોકલ્સ સિવાય બહારથી આવેલી લગભગ દરેક વ્યક્તિએ લેયર કપડાં પહેર્યાં હતાં, પરંતુ વધુપડતા ગરમ કપડાં પહેરવાં પણ હાનિકારક છે, એમ સમજાવતાં ડૉ. પરાગ શાહ કહે છે કે ‘આટલી ઠંડીમાં તમે દોડો ત્યારે પરસેવો તો થવાનો જ છે. એ પરસેવો ન થવો જોઈએ, કારણ કે પરસેવો અંતે પાણી છે અને એ પાણી તમારા શરીર પર જામી જાય છે. મોઢા કે નાકમાં થતો પરસેવો આખો બરફ બનીને તમારા ચહેરા પર ચોંટી રહે છે અને એ તમને બીમાર કરી શકે છે, એટલે એટલાં કપડાં ન જ પહેરવાં જેથી તમને પરસેવો થાય. હું જ્યારે ટ્રાયલ-રનમાં ગયેલો ત્યારે મેં જોયું કે ઓછાં કપડાં પહેરવાથી પરસેવો ઓછો થાય છે એટલે મુખ્ય દોડમાં મેં વધુપડતા કપડાં નહોતાં પહેર્યાં. ઊલટું દોડ પૂરી કરતી વખતે છેલ્લી ૫ મિનિટ મેં બધાં જૅકેટ દૂર કરી, છાતી ખુલ્લી કરીને દોડ્યો હતો. ૬૧ વર્ષની ઉંમર હોવા છતાં પણ મને કશું જ થયું નથી.’

હેલ્થનું સતત મૉનિટરિંગ

ત્યાં મેડિકલ ચેક-અપ પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું હતું. જે દિવસે દોડ હતી એના બે દિવસ પહેલાં પ્રકાશભાઈનું બીપી શૂટ-અપ થઈ ગયેલું. ૧૯૯/૧૧૦ જેટલું બીપી અને ઑક્સિજન લેવલ ૭૦ જેટલું જ હતું. તેમને દોડવાની ના પાડી દેવામાં આવી. એ વિશે વાત કરતાં પ્રકાશભાઈ કહે છે કે ‘ડર તો મને પણ લાગ્યો હતો, પરંતુ મને અંદરથી એમ હતું કે ના, દોડવું તો છે જ. અહીં સુધી આવીને ખાલી હાથે પાછું ન જઈ શકાય. મને ઑક્સિજન  આપવામાં આવ્યો. મન મક્કમ કરીને મેં વિચાર્યું કે કંઈ પણ કરીને ઠીક થવું જ છે, દોડવું જ છે. એ મક્કમતાને કારણે જ કદાચ હું સમયસર ઠીક થયો અને મને દોડવાની પરવાનગી મળી.’

કઈ રીતે દોડવાનું?

જે દિવસે દોડવાનું હતું ત્યારે બધા ખૂબ ઉત્સાહમાં હોય એ તો સમજી શકાય. વાતાવરણ ખૂબ પૉઝિટિવ હતું અને કોઈ એકને પણ શંકા ન હતી કે આ દોડ પૂરી થશે કે નહીં. એનું એક કારણ એ પણ હતું કે બધા લોકો એક ટ્રાયલ-રન લઇ ચૂક્યા હતા. જ્યાં તાપમાન નીચું છે, ઑક્સિજન લેવલ ૪૦-૫૦ ટકા જેટલું ઓછું છે એવી જગ્યાએ કઈ રીતે દોડી શકાય? શું એની કોઈ ટે​ક્નિક હોય છે? આ બાબતે વાત કરતાં પ્રકાશભાઈ કહે છે કે ‘હા, થોડી વાર દોડ્યા બાદ થોડી વાર ચાલવું જરૂરી છે. મારી ઍપલ વૉચ પર મારા હાર્ટના પેરામીટર્સ સેટ હતા. એનાથી થોડા પણ નંબર ઉપર જાય તો તરત ધબકારા શાંત કરવા માટે હું ચાલવા મંડતો. ત્યાંના લોકલ્સ અને આર્મી તો ખાસ્સું ભાગતા અને પછી બેસી જતા. પછી પાછું ભાગતા. તેમની ટે​ક્નિક અમારા કરતાં જુદી હતી, કારણ કે તેઓ ત્યાંના હતા એટલે તેમનાં અને આપણાં ફેફસાંની કૅપેસિટી જુદી-જુદી હોય.’

શ્વાસ જ છે સુકાન

દોડવામાં હંમેશાં શ્વાસ અતિ મહત્ત્વના હોય છે. જ્યારે બરફ પર નીચા તાપમાનમાં દોડતા હોઈએ ત્યારે કઈ રીતે શ્વાસ લેવા એ સમજાવતાં પુષ્પક દેસાઈ કહે છે કે ‘જ્યારે આપણે દોડીએ ત્યારે નાકથી જ શ્વાસ લેવો જોઈએ, મોઢાથી નહીં એવી ટ્રેનિંગ દરેક દોડવીરને મળે છે, પરંતુ અહીં બરફ પર તમે નાકથી નહીં, મોઢેથી શ્વાસ લો એ જરૂરી છે, કારણ કે મોઢાથી ત્રણ ગણી હવા તમે ખેંચી શકો છો. ત્યાં ઑક્સિજન ઓછું છે એટલે એની માત્રા પૂરી કરવા આવું કરવું પડે, પરંતુ તકલીફ એ હતી કે એ ઠંડી-સૂકી હવા હતી જે ગળામાં જતાંવેંત જ ગળું પકડી લે છે, ગળું ખૂબ સુકાય. આ વાતને સમજીને તેમણે દર ૫ કિલોમીટરના અંતરે સ્ટેશન્સ બનાવ્યાં હતાં, જ્યાં અમને તે લોકો ગરમ પાણી કરીને આપી રહ્યા હતા. આ સેવા ત્યાંના આર્મીના જવાનો કરી રહ્યા હતા. તેમણે અમારું ખૂબ ધ્યાન રાખ્યું છે. તેમની સાથે આટલા દિવસ રહેવું એ અમારા માટે એક લ​બ્ધિ હતી.’

માત્ર દસ ટકા સ્ત્રીઓ

૫૦ વ્યક્તિઓ જે લદાખની બહારથી આવી હતી એમાંથી પાંચ જ સ્ત્રીઓ હતી. બાકી બધા પુરુષો હતા. એમાં એક છોકરી એટલે કૃપાલી નિસર. તે કહે છે કે ‘હું અને બીજી એક છોકરી ફક્ત ૩૦ વર્ષની હતી. બાકી એક છોકરી ૩૪ વર્ષની હતી. એક ૪૫ વર્ષનાં અને એક આન્ટી ૬૦ વર્ષનાં હતાં. લોકોને લાગે છે કે ફિટનેસ સંબંધિત વસ્તુઓમાં યુવાનો વધુ હોય છે. જે એક મિથ્યા વાત છે. ઉંમર ફક્ત એક નંબર છે એ હકીકત છે જે મેં ત્યાં અનુભવ્યું. અમને દરેકને એ વાતનું દુ:ખ હતું કે ઘણી ઓછી સ્ત્રીઓ આ મૅરથૉનનો ભાગ લેતી હતી, પરંતુ એ વાતની ખુશી પણ હતી કે અમે તો છીએ. ખરું કહું તો કદાચ આ પહેલું વર્ષ હતું આ મૅરથૉનનું એટલે ઘણી શંકાઓ લોકોના મનમાં હોય એટલે સ્ત્રીઓ ન આવી હોય એવું પણ બને. ધીમે-ધીમે આ નંબર વધશે જ. સ્ત્રીઓ હંમેશાં આખા પરિવારની કાળજી રાખતી હોય છે, પરંતુ પોતાના હેલ્થની ફિકર કરવાનું ભૂલી જતી હોય છે; પરંતુ ધીમે-ધીમે તેમનામાં જાગૃતિ આવી રહી છે અને વધુને વધુ સ્ત્રીઓ પોતાની ફિટનેસ પર ધ્યાન આપતાં શીખી રહી છે. ત્યાં મળેલી દરેક વ્યક્તિ પાસેથી અમે ઘણું શીખ્યા. એ આખી વાઇબ જ જુદી હતી. આટલા ફિટનેસ ફ્રીક લોકો એકસાથે એક જગ્યાએ મળે ત્યારે એકબીજા પાસેથી અઢળક પ્રેરણા મળે છે અને ગાઇડન્સ પણ ભરપૂર મળે છે.’

લોકલ્સની વાત માનો

લોકલ્સ સાથેનો અનુભવ બધાનો ખૂબ યાદગાર રહ્યો. જે વિશે વાત કરતાં પ્રકાશભાઈ કહે છે કે ‘તમે આવી દુર્ગમ જગ્યાએ જાઓ ત્યારે હંમેશાં લોકલ્સની જ સલાહ માનવાની. ત્યાં એટલી ઠંડી હતી કે નહાવાનો તો સવાલ જ ઊભો નથી થતો. રેસ પહેલાં હું બીમાર નહોતો પડવા માગતો એટલે ન નહાયો, પણ રેસ પતી ગઈ પછી મારાથી ન રહેવાયું. ૬ દિવસથી હું નહાયો નહોતો એટલે મારે નહાવું હતું. હું જેને ઘરે હતો તેમણે ના પાડી કે ન કરો આવું, શરદી થઈ જશે. છતાં હું નહાવા ગયો. નાહીને બાથરૂમની બહાર આવ્યો અને મને શરદી થઈ ગઈ.’

કુદરતના ખોળે શરણાગતિ

ત્યાં રહેતા લોકો એ વાતાવરણ અને દુર્ગમ પરિસ્થિતિમાં પણ કેવી રીતે જીવે છે. તેમની સ્ટ્રેન્ગ્થ અને તેમનો અભિગમ બન્ને વિશે વાત કરતાં પુષ્પકભાઈ કહે છે કે‘મૅરથૉન દોડીને પૂરી કરવી એ એક વાત છે અને બીજો જે અનુભવ છે એ ત્યાં રહેતા લોકો અને આર્મીના જવાનોને મળવાનો છે. જે એક આહ્‍લાદક અનુભવ કહી શકાય. અમે જ્યારે દોડ શરૂ કરી રહ્યા હતા ત્યારે બધા ઉત્સાહથી ભરેલા હતા. બસ ક્લૅપ થાય અને અમે દોડવાનું શરૂ કરીએ એમ અમે વિચારી રહ્યા હતા, પણ એ દોડ પહેલાં ત્યાંના લોકો પૅન્ગૉન્ગને પહેલા પગે લાગ્યા. એ પાણી જે બરફ બની ગયું હતું એના પર એ લોકો દોડવાના હતા. એટલે એની પરવાનગી માગવા તેઓ એ તળાવને પગે લાગી રહ્યા હતા. કેટલી અદ્ભુત વાત છે. આવી જગ્યાઓએ તમે કુદરતને શરણે હો છો. સંપૂર્ણ રીતે એના પર નિર્ભર હો છો માટે જરૂરી છે કે તમે એ શરણાગતિ સ્વીકારો. અહીં કુદરતને તેઓ ભગવાન માને છે.’

વાતાવરણ પર અસર

કુદરતનું મહત્ત્વ પણ તેઓ વધુ સારી રીતે સમજ્યા અને માણસ દ્વારા કુદરતને થતા નુકસાન વિશે પણ સમજ પડી. એ બાબતે વાત કરતાં પ્રકાશભાઈ કહે છે કે ‘અમે ત્યાં ગયા ત્યારે ખબર પડી કે હિમાલય તરફ ચાલતાં વાહનોમાંથી નીકળતું કાર્બન પૉલ્યુશન જઈને સીધું બરફ પર બેસી જાય છે. કાર્બન કાળું જ હોવાનું એટલે એ વધુ ગરમી પોતાની તરફ આકર્ષે છે અને એને લીધે બરફ વધુ પીગળી રહ્યા છે. આ બાબતે જો આજે નહીં જાગ્યા તો મોડું થઈ જશે એ ગંભીરતા અમે સમજ્યા.’

ખૂબ પામીને આવ્યા

મૅરથૉન દોડનાર આ દરેક વ્ય​ક્તિનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં છપાશે. તેમને પણ એનું સર્ટિફિકેટ થોડા સમયમાં મળશે. બાકી આ દોડ પૂરી કરીને તેમને એક મેડલ આપવામાં આવ્યું જે મેડલમાં આપણું રાષ્ટ્રીય ચિહ્‍ન અશોક સ્તંભના ચાર સિંહો અંકિત થયેલા છે. જે વિશે કૃપાલી કહે છે કે ‘જીવનભરનું સંભારણું બની ગયેલી આ મૅરથૉન અમે ક્યારેય નહીં ભૂલીએ. દુર્ગમ પરિસ્થિતિઓમાં પણ સારી વ્યવસ્થા ત્યાં હતી. ઑર્ગેનાઇઝર્સે અને આર્મીએ અમારું ખૂબ ધ્યાન રાખ્યું અને મેડિકલ વ્યવસ્થાઓ એવી હતી કે અમે બેફિકર રહી શક્યા.’

પ્રકાશ નાગર કહે છે કે ‘એ જગ્યા અને એ અનુભવ તમને જીવનમાં ઘણું-ઘણું શીખવે છે. એ દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકોને જોઈને હું શીખ્યો કે આપણે અહીં આટલી સુવિધાઓ વચ્ચે પણ ફરિયાદો જ કરતા રહીએ છીએ અને અહીં આ લોકો પાસે કેટલી તકલીફો છે છતાં તેઓ ખુશ રહે છે.’

આ બાબતે પુષ્પક દેસાઈ કહે છે કે ‘અહીં મુંબઈમાં તમારી આજુબાજુ તમારી બનાવેલી આખી દુનિયા ફરતી હોય એટલે તમને લાગે કે હું તો આ છું અને હું તે છું. આવી જગ્યાઓએ જાઓ ત્યારે એ તમને અહેસાસ કરાવે છે કે હું કંઈ નથી, બધું કુદરત જ છે. હું તો એના અસ્તિત્વનો એક કણ માત્ર છું. આ ભાવ અંદરથી પ્રગટ થાય છે જે પામીને અમે મુંબઈ પાછા ફર્યા છીએ.’

જાણી લો આ ચાર રેકૉર્ડ હોલ્ડર મૅરથૉન રનર કોણ છે

સીએ કૃપાલી નિસર

૩૦ વર્ષની વાશીમાં રહેતી કૃપાલી નિસર એક ફાર્મા કંપનીમાં સીએ છે. તે પોતાને ફિટનેસ ફ્રીક ગણે છે. ૨૦૧૮થી કૃપાલી જુદી-જુદી મૅરથૉનમાં ભાગ લઈ રહી છે. તે ઘણી હાફ મૅરથૉન અને અલ્ટ્રા મૅરથૉન દોડી આવી છે. સાતારા હિલ્સ પરની પર્વત ચડીને ઊતરવાની આખી મૅરથૉન તે પાર કરી ચૂકી છે. એક સમયે દર બે મહિને એક મૅરથૉન દોડતી કૃપાલી પણ હિમાલયના જુદા-જુદા ટ્રેક અને ચાદર ટ્રેકનો અનુભવ લઈ ચૂકી હતી એટલે એ પણ આ મૅરથૉન માટે સિલેક્ટ થઈ હતી.

પુષ્પક દેસાઈ

જ્વેલરી મૅન્યુફૅક્ચરિંગના વેપાર સાથે સંકળાયેલા વિલે પાર્લેમાં રહેતા ૪૫ વર્ષના પુષ્પક દેસાઈએ વજન ઉતારવા માટે શરૂ કરેલી ફિટનેસ પહેલને લાઇફસ્ટાઇલમાં બદલવામાં સફળ રહ્યા છે. છેલ્લાં ૮-૯ વર્ષથી તેઓ અઠવાડિયાના ૩ દિવસ દોડે છે અને બે દિવસ સાઇકલ ચલાવે છે. આમ, અઠવાડિયાના પાંચ દિવસ એક્સરસાઇઝ કરે છે. તેઓ લાગલગાટ ૩૦૦ કિલોમીટર સાઇકલ ચલાવી શકવાની ક્ષમતા ધરાવે છે અને તેમની એ લાયકાત પર તેમને આ મૅરથૉન દોડવા માટેની પરવાનગી મળી. એ સિવાય તેઓ ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનો શોખ ધરાવે છે. ઠંડીમાં રહેવાનો પણ તેમને અનુભવ છે. એવરેસ્ટ બેઝ કૅમ્પ તેઓ કરી ચૂક્યા છે. ૨૦૧૭માં લેહમાં પણ તેઓ ૧૦૦૦ ફીટની ઊંચાઈ પર દોડી ચૂક્યા છે.

ડૉ. પરાગ શાહ

ઉંમર એ ફક્ત આંકડો છે એ સાબિત કરી બતાવ્યું છે ઘાટકોપરના જનરલ સર્જ્યન ડૉ. પરાગ શાહે. ૬૧ વર્ષની ઉંમરે આ મૅરથૉન દોડવી એ સહજ તો નથી જ. જીવનભર મેડિકલનું ભણતર અને પ્રૅક્ટિસમાં વિતાવનાર પરાગભાઈને ૫૦ વર્ષની ઉંમર પછી થયું કે ફિટનેસ માટે કંઈક કરવું છે. પરાણે જીદ કરીને તેમણે પર્વતારોહણનો કોર્સ કર્યો, બેઝિક અને પછી ઍડ્વાન્સ બન્ને. એ સિવાય તેમણે ઘણી મૅરથૉનમાં ભાગ લીધો હતો. એ સિવાય હિમાલયના ટ્રેક્સ અને લદાખનો અઘરો ગણાતો ચાદર ટ્રેક પણ તેમણે કરેલો. આ અનુભવના આધારે તેઓ આ મૅરથૉન માટે સિલેક્ટ થયા હતા.

પ્રકાશ નાગર

બોરીવલીમાં રહેતા હોમ અને કિચનવેર કંપનીમાં પ્રિન્સિપાલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા ૫૦ વર્ષના પ્રકાશ નાગર અમેરિકન કૉલેજ ઑફ સ્પોર્ટ્સ ઍન્ડ મેડિસિન દ્વારા મૅરથૉન રનર કોચનું સર્ટિફિકેટ મેળવી ચૂક્યા છે. આમ તેઓ ખુદ એક કોચ છે. ઘણી મૅરથૉનનો અનુભવ લઈ ચૂક્યા છે. ૨૦૧૮માં તેઓ ગરમીમાં લદાખમાં દોડ્યા હતા ત્યારે ઠંડી હતી? એના જવાબમાં સહજ રીતે તેમણે કહ્યું ના, ઉનાળો હતો એટલે એ સમયે ૧-૨ ડિગ્રી જેટલું જ તાપમાન હતું. જેમને તેઓ ગરમી કહી રહ્યા હતા એ તાપમાન પર પણ લોકોનું જીવવું અઘરું ગણાય છે, પરંતુ આટલી ટ્રેઇનિંગ હોવાને કારણે અને ઊંચાઈ પર દોડવાનો અનુભવ લીધેલો હોવાને કારણે તેઓ આ મૅરથૉન માટે સિલેક્ટ થયા હતા.

columnists Jigisha Jain