કૅરૅક્ટર થીમવાળી બર્થ-ડે પાર્ટીની બાળક પર અસર શું?

10 February, 2023 05:09 PM IST  |  Mumbai | Jigisha Jain

મર્ચન્ડાઇઝની દુનિયા વિશાળ થતી જાય છે કે બર્થ-ડેમાં તેમના ગમતા કૅરૅક્ટરની થીમ રાખી કપડાં, કેક, સજાવટ અને રિટર્ન ગિફ્ટ સુધ્ધાં એ કૅરૅક્ટર સાથે સેટ કરી આખું વિશ્વ નિર્માણ કરવામાં આવે છે એની બાળક પર શું અસર થાય છે સમજવાની કોશિશ કરીએ

સિયાના દેસાઈ પરિવાર સાથે

બાળપણમાં કોઈ કાલ્પનિક કૅરૅક્ટર ગમી જાય એ સ્વાભાવિક છે, પણ હવે મર્ચન્ડાઇઝની દુનિયા વિશાળ થતી જાય છે કે બર્થ-ડેમાં તેમના ગમતા કૅરૅક્ટરની થીમ રાખી કપડાં, કેક, સજાવટ અને રિટર્ન ગિફ્ટ સુધ્ધાં એ કૅરૅક્ટર સાથે સેટ કરી આખું વિશ્વ નિર્માણ કરવામાં આવે છે એની બાળક પર શું અસર થાય છે સમજવાની કોશિશ કરીએ

‘મમ્મી, મેં મારા બર્થ-ડેની થીમ વિચારી લીધી છે. આપણે કેક BTSની બનાવીશું (જેમને ન ખબર હોય તેમના માટે BTS એક કોરિયન બૅન્ડ છે જે આજકાલ બાળકોમાં અતિ લોકપ્રિય થઈ રહ્યું છે). પાર્ટીનું મેનુ કોરિયન જ હોવું જોઈએ. મારા ફ્રેન્ડ્સ મને પૂછતા હતા કે એ લોકો મને શું ગિફ્ટ આપે તો મેં તેમને કહી દીધું કે મને તો BTSનાં જ મર્ચન્ડાઇઝ જોઈએ છે. બૅગ્સ, બૉટલ, ટી-શર્ટ, હૅન્ડ બૅન્ડ, એક મગ, ડાયરી બધું જ. એનાં મિનિએચર પણ બહુ ક્યુટ લાગે છે મમ્મી. મેં ઑનલાઇન જોયાં હતાં. એ હું મારા ડેસ્ક પર રાખીશ. આ વખતની પાર્ટીમાં મજા પડી જશે. તને કેવો લાગ્યો આઇડિયા?’ ૧૨ વર્ષની હિયાએ મમ્મીને પૂછ્યું. 

મમ્મીએ કહ્યું હા, બેટા. આઇડિયા તો સારો છે પણ તારો બર્થ-ડે છે કે BTSનો? 

આ પ્રશ્ન હિયાને સમજાયો નહીં. તેણે કહ્યું, અફકોર્સ મમ્મા, મારો બર્થ-ડે છે. તો જો એ તારો બર્થ-ડે હોય તો એમાં તું ક્યાં છે? મને તો એવું હતું કે આપણે એક ઍડ્વેન્ચર કૅમ્પમાં તારી પાર્ટી કરીએ. તને ઝિપ લાઇનિંગ અને રૉક ક્લાઇમ્બિંગ કરવાની કેટલી મજા પડે છે. તારા ફ્રેન્ડ્સને પણ ત્યાં મજા પડશે. એ મોટું કૅમ્પસ છે તો ત્યાં ઊભી ખો રમીશું આપણે. ડ્રેસમાં બધા ઑરેન્જ રંગનાં કપડાં પહેરીશું, કારણ કે ઑરેન્જ તો તને ખૂબ જ ગમે છેને. ઘરેથી બૉમ્બે સૅન્ડવિચ અને બિરયાની લઈ જઈશું અને ડિઝર્ટમાં તારો ફેવરિટ ચૉકલેટ આઇસક્રીમ. તારા ફ્રેન્ડ્સને કહેજે કે એ બધા તેમની ગિફ્ટ સાથે એક-એક લેટર લખે તને, જેને આપણે આ બૉક્સમાં સાચવી રાખીશું.

કેવો લાગ્યો આઇડિયા? 

હિયા મમ્મીની વાત સમજી ગઈ અને મમ્મીને ગળે વળગીને કહ્યું, આ આઇડિયા બેસ્ટ છે. છતાં પણ મમ્મી આખરે મમ્મી એટલે તેણે કહ્યું ડોન્ટ વરી, છેલ્લે બધા BTSનાં સૉન્ગ્સ લાઉડસ્પીકર પર સાંભળીશું અને ડાન્સ કરીશું. આસપાસ તૈયાર થાય છે વિશ્વ મૉડર્ન-ડે મા-દીકરી વચ્ચેની આ વાતચીત આજના વધતા જતા ટ્રેન્ડ તરફ ઇશારો કરે છે. બાળકો કાર્ટૂન કૅરૅક્ટર હોય કે ફિલ્મ સ્તર કે પછી કોઈ પૉપ સ્ટાર, તેને વર્ષોથી પસંદ કરતાં આવ્યાં છે. પરંતુ જેમ-જેમ મર્ચન્ડાઇઝિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે એમ-એમ આ થીમ બેઝ્ડ બર્થ-ડે પાર્ટીઓ પણ વધતી જ જાય છે. મિકી માઉસ થીમ, ડિઝની પ્રિન્સેસ થીમ, કુંગફુ પાન્ડા થીમ, ફ્રોઝન થીમ જેવી અઢળક થીમ્સ આવી ગઈ છે જેમાં ડેકોરેશન, કેક, કપડાં, ખાવાનું, રિટર્ન ગિફ્ટ બધું જ એ એક કૅરૅક્ટરથી જોડાયેલું હોય છે. બાળકને એક કૅરૅક્ટર ગમતું હોય તો એ કૅરૅક્ટરનું આખું વિશ્વ તેની આસપાસ ઊભું કરવું એ જ હોય છે થીમ બર્થ-ડે પાર્ટી. આજે સમજવાની કોશિશ કરીએ કે આ પ્રકારની પાર્ટીની અસર બાળકો પર કેવી થાય છે.  

બાળકનું મહત્ત્વ, કૅરૅક્ટરનું નહીં 

ડૉ. દેવલ દોશી સંતાનો સાથે.

જોગેશ્વરીમાં રહેતી ડૉ. દેવલ દોશીનાં ત્રણ બાળકો છે અને તેણે પોતે આ પ્રકારની કૅરૅક્ટર થીમ પાર્ટી માટે ક્યારેય હામી ભરી નથી એમ જણાવતાં કહે છે, ‘મને લાગે છે કે જીવંત કે કાલ્પનિક કૅરૅક્ટરને કરતાં બાળક પોતાને જાણે, પોતાને સમજે એ વધુ મહત્વનું છે. જન્મદિવસ તેનો છે. મહત્ત્વ તેનું હોવું જોઈએ. જાણતાં-અજાણતાં કૅરૅક્ટર થીમમાં મહત્ત્વ એ કૅરૅક્ટરનું વધી જતું હોય છે નહીં કે બાળકનું. મારા બાળકોના બર્થ-ડેમાં પણ થીમ હોય છે, પણ એ જુદી થીમ હોય છે. થીમમાં ફુટબૉલ કે ગાર્ડનિંગ જેવી થીમ હોય છે. બર્થ-ડે એકદમ ઈકો-ફ્રેન્ડ્લી ઢબથી અમે ઊજવીએ છીએ. ગિફ્ટમાં રૅપિંગ પેપર બાળકે જાતે પેઇન્ટ કરવાનું અને આપવાનું. ખાવાનું ઘરે જ બનાવેલું રાખીએ. ગિફ્ટ લાવનારા લોકોને પહેલેથી મેં સૂચના આપેલી હોય કે બાર્બી ડૉલ કે કૅરૅક્ટર્સનાં મર્ચન્ડાઇઝિંગવાળી ગિફ્ટ્સ ન જ લાવતા. આ બધાની અસર એવી છે કે બાળકો જાતે જ વસ્તુઓનું મહત્ત્વ સમજતાં થયાં છે. હવે તેમની ચૉઇસિસ જ એવી થઈ ગઈ છે.’

આ પણ વાંચો : સભાનતા કે શરમિંદગી?

બાળકની દુનિયા સીમિત ન કરો 

કહેવાનો અર્થ એવો છે કે એક કૅરૅક્ટર ગમતું હોય એ તો સારી બાબત છે પરંતુ એના પ્રત્યેનું ઘેલું કેટલે અંશે યોગ્ય ગણાય? હકીકત એ છે કે તમને જો પેપા પિગ ગમતો હોય તો તમે કાર્ટૂન જ્યારે પણ જુઓ ત્યારે પેપા પિગનું જુઓ એ બરાબર છે પરંતુ પેપા પિગ તમારા ખાવામાં, કપડાંમાં, ઘરની દીવાલો પર કે તમારા કૅરૅક્ટરમાં ન ઘૂસી શકે. એ વાતની કાળજી માતા-પિતાએ રાખવી જોઈએ, કારણ કે અંતે તો આ બધી વસ્તુઓ સાથે બાળકની દુનિયા તમે એક કૅરૅક્ટર પૂરતી સીમિત કરી નાખો છો, જે યોગ્ય નથી. પરંતુ ક્યારેક ઊંધું પણ બનતું હોય છે. અંધેરીમાં રહેતાં પૂજા અજમેરા તેમની ૬ વર્ષની દીકરી નિર્વી માટે પો-પેટ્રોલ અને મડાગાસ્કર જેવી થીમ પાર્ટીઓ રાખી ચૂક્યાં છે. પોતાનો અનુભવ જણાવતાં તેઓ કહે છે, ‘બાળકોને અમુક કૅરૅક્ટર્સનું ઘેલું હોય છે. એ તેમને ખૂબ જ ગમતાં હોય પરંતુ આ ઘેલું પાર્ટી પતે એટલે ઊતરી જતું હોય છે. જન્મદિવસ પહેલાં જે બાળક ડોરેમોન પાછળ ગાંડું હતું એ આ રીતે જન્મદિવસ ઊજવ્યા પછી નૉર્મલ થઈ જાય છે. પછી ડોરેમોન સિવાયનાં કૅરૅક્ટર એક્સપ્લોર કરવા લાગે છે. કદાચ એને આપણે એટલું સેલિબ્રેટ કરી લઈએ છીએ કે ત્યાં તેનું લાઇકિંગ પતી જતું હોય છે. ડન વિથ ઇટનો ભાવ નિર્માણ થઈ જાય છે.’ 

બાળકની ખુશી માટે 

નાની સિયાનાને મિની માઉસ પ્રત્યે ખૂબ પ્રીત હતી એટલે તેનાં મમ્મી રીમા દેસાઈએ મિની માઉસ થીમ પર બર્થ-ડે પાર્ટી રાખેલી જેમાં તેણે મિની માઉસ મૅસ્કૉટ પણ બોલાવેલો. એ વિશે વાત કરતાં રીમા કહે છે, ‘એ વાત સાચી કે આ પ્રકારની થીમ પાર્ટીમાં કૅરૅક્ટરનું સેલિબ્રેશન વધુ લાગવા લાગે છે. પરંતુ સાચું કહું તો એ મિની મૅસ્કોટ જ્યારે સિયોનાને મળવા આવી ત્યારે તે એટલી ખુશ થઈ ગઈ હતી કે જાણે તેની ફેવરિટ મિની તેને મળવા આવી હોય.

માતા-પિતાને બીજું શું જોઈએ?’ 

નિર્વી અજમેરા પેરન્ટ્સ સાથે.

જે બાબતે પૂજા અજમેરા કહે છે, ‘એક જગ્યાએ હું એક વર્ષના બાળકની બર્થ-ડે પાર્ટીમાં ગયેલી. ત્યાં લાયન થીમ રાખેલી. એક વર્ષના બાળકને શું ખબર પડે? પણ એ લાયન જોઈ-જોઈને ખુશ થતું હતું. અંતે માતા-પિતા આ બધું કરે છે કોના માટે? બાળકની ખુશી માટે જ તો.’ 

ટ્રેન્ડ ફૉલો કરવો સરળ 

તો શું બાળકોને ખુશી તેમના ફેવરિટ કૅરૅક્ટર વગર ન મળી શકે? આ પ્રશ્નનો જવાબ આપતાં રીમા દેસાઈ કહે છે, ‘ના, એવું નથી. બાળકોને તો તેમના બર્થ-ડે પર તેમના મિત્રો સાથે રમવું જ હોય છે. કેક અને રિટર્ન ગિફ્ટ મળે એટલે બસ, પરંતુ આજકાલ માતા-પિતા વધુને વધુ ક્રીએટિવ થઈ રહ્યાં છે, જેને લીધે થીમ્સ શરૂ થઈ છે. બીજું એ કે એક બાળક બીજા બાળકની આ પ્રકારની થીમ પાર્ટી જુએ એટલે પછી એ પણ એમ જ કરવા માગે. આવું થાય ત્યારે સમજાવવું જરૂરી બની જાય છે. બાકી મોટા ભાગે આઉટ ઑફ ધ બૉક્સ વિચારવાવાળા ઘણા ઓછા હોય છે અને ટ્રેન્ડ સેટ થયો છે તો ફૉલો કરી નાખવું એ મહત્ત્વનું બની જતું હોય છે. લોકો આ બાબતે વધુ વિચારતા નથી.’

નવું શું કરી શકાય? 

જો તમને કોઈ કાર્ટૂન કૅરૅક્ટર આધારિત થીમ કરવી ન હોય અને છતાં પણ કંઈક મજેદાર થાય એવું ઇચ્છતા હોય તો કેવા પ્રકારની થીમ રાખી શકાય જેમાં બાળકો ખુશ પણ થાય અને તેમના માનસ પર ખાસ કોઈ ખરાબ અસર ન પડે? એ વિશે વિવિધ ઇવેન્ટ્સ ઑર્ગેનાઇઝ કરતાં વૈશાલી અમિત શાહ પાસેથી લઈએ કેટલાંક સજેશન્સ. 

 નેચર બર્થ-ડે પાર્ટી 

 સ્પોર્ટ‍્સ બર્થ-ડે (ટર્ફ પાર્ટી)

 ઍડ્વેન્ચર બર્થ-ડે

 ટ્રેઝર હન્ટ બર્થ-ડે પાર્ટી 

 બીચ પાર્ટી 

 મ્યુઝિક અને ડાન્સ પાર્ટી 

 ટેરેસ કે હાઉસ પાર્ટી - (ગેમ્સ, ક્રાફ્ટ કે હુલા-હૂપ પાર્ટી)

 બેકિંગ પાર્ટી કે શેફ પાર્ટી કે નો ફ્લેમ કુકિંગ પાર્ટી

columnists Jigisha Jain happy birthday