શું સામાજિક મૂલ્યોના પતન પાછળ ફક્ત સ્પર્ધા જ જવાબદાર છે?

26 June, 2023 03:35 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

વ્યક્તિની પોતાની ઇચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષા આમાં બિલકુલ ભાગ નથી ભજવતી?

પ્રતીકાત્મક તસવીર

આજકાલ જેને જુઓ તે પોતાના દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ માટે સ્પર્ધાને જવાબદાર ઠેરવી રહ્યું છે, પરંતુ શું આ કારણ પૂર્ણપણે સાચું છે? વ્યક્તિની પોતાની ઇચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષા આમાં બિલકુલ ભાગ નથી ભજવતી? એક વાર આપણે બધાએ આપણા ગિરેબાનમાં ઝાંકી આ પ્રશ્નનો સાચો જવાબ મેળવવાનો વફાદાર પ્રયત્ન કરવો જોઈએ...

આપણે બધા સ્પર્ધાત્મક યુગમાં જીવી રહ્યા છીએ. જીવનના દરેક ક્ષેત્રમાં સ્પર્ધા છે પછી એ સ્કૂલ હોય, કૉલેજ હોય કે નોકરી-ધંધાનું સ્થળ હોય. ગળાકાપ હરીફાઈ સૌકોઈની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. આપણા બધાના માનસિક તાણ અને આંતરિક દબાણ પાછળનું સૌથી મોટું કારણ પણ આ સ્પર્ધા જ છે. આ સ્પર્ધામાં ટકી રહેવા કોઈ તનતોડ મહેનત કરે છે તો કોઈ પોતાની લાયકાત વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જોકે ઘણા એવા પણ છે જે ખોટું બોલી, લાંચ આપી, ચાપલૂસી કરી આગળ વધવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતાની આ પ્રકારની વર્તણૂક માટે સ્પર્ધાને જવાબદાર ઠેરાવે છે. બીજા કરે છે એટલે અમારે કરવું પડે છે, અમે નહીં કરીએ તો કોઈ બીજું કરી લેશે વગેરે જેવાં કારણો આપે છે; પણ શું કારણો સાચાં છે? શું આવા લોકોને કારણે સમાજમાં નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું છે? 
આ અત્યંત સંવેદનશીલ સવાલો છે, જેના પર ફક્ત આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ અનેક સંશોધનો થયાં છે અને હજી પણ થઈ રહ્યાં છે. એ બધામાંથી એક રિસર્ચ અનુસાર સામાજિક મૂલ્યોના પતન પાછળ સ્પર્ધા જવાબદાર છે, પણ એ હદે નહીં જેટલું લોકો ધારે છે કે કહે છે. તો ચાલો આજે પોતપોતાના ક્ષેત્રમાં સતત આગળ રહેવા અને સફળતાનાં શિખરો આંબવા મથતા રહેતા લોકો સાથે આ વિષય પર થોડી ચર્ચા કરી જોઈએ.

ઝડપથી મેળવવાની લાય

બોરીવલીમાં રહેતા અને ઑરેકલ ઇન્ડિયામાં બિઝનેસ મૅનેજર તરીકે કામ કરતા ૪૧ વર્ષના નીરવ મહેતા કહે છે કે ‘મૂલ્યો એક અત્યંત વ્યક્તિગત બાબત છે. પ્રત્યેક વ્યક્તિએ એની પરિભાષા બદલાય છે. આજના ઝડપી યુગમાં કોણ કેટલું પોતાનાં મૂલ્યોને વફાદાર છે અને કેટલી લાંબી એ વફાદારી ટકાવી રાખશે એ કહેવું મુશ્કેલ બની ગયું છે, કારણ કે બધા જ મહત્ત્વાકાંક્ષી બની ગયા છે. કોઈને ઝડપથી બહુ બધા પૈસા કમાવવા છે તો કોઈને ઝડપથી સફળતાનાં શિખરો આંબવાં છે. કોઈને મોટી ગાડી લેવી છે તો કોઈને મોટું ઘર. કોઈને નાની ઉંમરે દુનિયા ફરવી છે તો કોઈને નાની ઉંમરે રિટાયરમેન્ટ લઈ નિરાંતની જિંદગી જીવવી છે. આવા લોકો પોતાનાં મૂલ્યો સાથે બહુ સરળતાથી સમાધાન કરી લેતા હોય છે. ખોટું બોલી, કોઈની ચાપલૂસી કરી, અન્યોને નીચા પાડી આગળ વધવામાં તેમને કશું જ અજુગતું લાગતું નથી.’ 
પોતાના અંગત અનુભવો અને વિચારધારાની વાત કરતાં નીરવભાઈ વધુમાં ઉમેરે છે કે ‘આજકાલ કૉર્પોરેટ જગતમાં સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આવામાં ઘણી વાર ઓછી પ્રતિભાવાળી મહિલાઓ પણ પોતાના ઉપરીની ચાપલૂસી કરી આગળ નીકળી જતી જોવા મળે છે. તો બીજી બાજુ ક્રિકેટ અને બૉલીવુડ જેવાં ક્ષેત્રોમાં આજે પણ મહિલાઓને પુરુષો કરતાં ઓછું મહેનતાણું મળે છે. જ્યારે ફિલ્મના હીરોને ન ફક્ત તેમના અભિનયની ફી મળે છે, પરંતુ ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશનથી લઈ એની કમાણીના નફામાં પણ તેમનો ભાગ હોય છે. મોટી-મોટી કંપનીઓના ઑર્ડર મેળવવા અધિકારીઓને વેકેશન પર મોકલવા, વાઉચર્સ કે ગિફ્ટ કાર્ડ્સ આપવાં હવે બહુ સામાન્ય બાબત બની ગઈ છે. તો બીજી બાજુ અધિકારીઓ દ્વારા વેન્ડર્સને અપાતા ઑર્ડર્સમાં પોતાનો કટ રાખવાની સિસ્ટમ પણ બહુ જૂની અને જાણીતી છે. આ અને આવાં અનેક ખોટાં કામોને લોકો પોતાનો અધિકાર સમજવા માંડ્યા છે.’ 

વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા

એટલું તો સમજાય છે કે હવેના સમયમાં દરેક ક્ષેત્રમાં લોકો આગળ વધવા ખોટા રસ્તા અપનાવી રહ્યા છે, પરંતુ શું એવું નથી લાગતું કે એમ કરવા પાછળનું મુખ્ય કારણ સ્પર્ધા કરતાં પણ પોતાની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા વધુ છે? બીજાથી આગળ વધવાની, જલદીથી જલદી, વધુથી વધુ પ્રાપ્ત કરી લેવાની લાલસા છે? આ મુદ્દે વધુ પ્રકાશ પાડતાં ઘાટકોપર ખાતે સ્કિનોડેન્ટ નામે પોતાની ક્લિનિક ચલાવતા ડર્મેટોલૉજિસ્ટ ડૉ. રાજ પરીખ કહે છે કે ‘આવશ્યકતા અને ઇચ્છા વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. હવે લોકો પોતાની આવશ્યકતા નહીં, ઇચ્છાઓ સંતોષવા મૂલ્યો તથા પોતાના વ્યવસાયની નૈતિકતા સાથે સમાધાન કરી રહ્યા છે. અમારા મેડિકલ પ્રોફેશનનો જ દાખલો આપું તો અમારું કામ દરદીને સાચી અને સારી સારવાર આપવાનું છે, પરંતુ ઘણા ડૉક્ટરો લૅબોરેટરી પાસેથી કટ મેળવવા દરદી પાસે બિનજરૂરી ટેસ્ટના ખર્ચા કરાવે છે, દવા બનાવનારી કંપનીઓ પાસેથી પર્ક્સ મેળવવા ખોટી દવાઓ લખી આપે છે. પ્રેક્ટો વગેરે જેવા અનેબલર્સને પૈસા આપી તેમની વેબસાઇટ પર પોતાનું નામ આગળ રખાવે છે. તમે સારા ડૉક્ટર હશો, તમારી સારવાર ફાયદાકારક હશે તો લોકો દૂર-દૂરથી તમારી પાસે આવશે. એ માટે તમારે ગૂગલ પર ખોટા રિવ્યુઝ મૂકવાની જરૂર નથી. એમ છતાં લોકો એવું કરે છે, કારણ કે તેમને જલદી આગળ વધવામાં રસ છે. એ માટે આવા શૉર્ટ કર્ટ લેવામાં તેઓ બે ઘડીનો પણ વિચાર કરતા નથી.’ 
આગળ જતાં આ શૉર્ટ કટ દ્વારા જે પૈસા મળે છે અને એ પૈસા દ્વારા જે કમ્ફર્ટ અને લક્ઝરી મળે છે એની વ્યક્તિને આદત પડી જાય છે. આખરે આ આદત જ તેના પગની બેડીઓ બની તેને નિરંતર એ ખોટા માર્ગ પર ચાલ્યા કરવાની તથા વધુને વધુ ખોટાં કામો કરવાની ફરજ પાડે છે. 

મુસીબતમાં મોરાલિટી મુશ્કેલ

અલબત્ત, જીવનની અન્ય બાબતોની જેમ આમાં પણ સિક્કાની બે બાજુઓ છે. એક તરફ મૂલ્યો સાથે સમાધાન ત્યારે થાય છે જ્યારે બીજા બધા કરતાં આગળ નીકળી જવાની ઇચ્છા તીવ્ર બની જાય છે તો બીજી બાજુ મૂલ્યો સાથે સમાધાન ત્યારે સૌથી વધુ થાય છે જ્યારે જીવનમાં પડતીનો સામનો કરવાનો આવે છે. ધંધામાં નુકસાન થાય, લેણદારોને પૈસા આપવામાં મુશ્કેલી થાય, બૅન્કના હપ્તા ન ભરી શકાય વગેરે જેવી પરિસ્થિતિઓમાં માણસ ઘણી વાર એવાં કામો કરવા લાગે છે જે તેના જીવનના મૂળભૂત સિદ્ધાંતોથી વિપરીત હોય છે. 

સ્વીકાર પહેલું પગથિયું

તો આ સમસ્યાનો ઇલાજ શું? આ પ્રશ્નનો જવાબ આપતાં બોરીવલીમાં બી યૉર ફોર્સ નામે પોતાનું સેન્ટર ચલાવતા સકસેસ કોચ ડૉ. પરાગ સંઘવી કહે છે, ‘એ વાત સાચી છે કે આજે દુનિયાના દરેક ક્ષેત્રમાં રૅટરેસ છે અને ઇચ્છા હોય કે ન હોય, બધાએ એમાં દોડવું જ પડે છે. આ દોડને પગલે ઘણી વાર મૂલ્યોનો હ્રાસ પણ થતો હોય છે. અલબત્ત, એનો અર્થ એવો નથી કે લોકોમાં નૈતિકતા મરી પરવારી છે. ઊલટું કારકિર્દીની શરૂઆતમાં બધા જ પોતાનાં મૂલ્યોને વળગી રહેવાનો પ્રયત્ન કરે છે. બિઝનેસમૅન હોય તો સાચા રસ્તે પૈસા કમાવવાના પ્રયત્નો કરે છે, રાજકારણી હોય તો લોકોનું ભલું કરવાના પ્રયત્નો કરે છે. પરંતુ જેમ-જેમ આગળ વધતા જાય છે તેમ-તેમ તેમને એવું લાગવા માંડે છે કે થોડીઘણી બાંધછોડ કર્યા વિના છૂટકો નથી. પરંતુ એક વાર આવી બાંધછોડ કરવાનું શરૂ કરો પછી તમે એના વમળમાં ફસાતા જ જાઓ છો. આ એક એવું વિષચક્ર છે જેમાંથી બહાર નીકળવું ભલભલા માટે મુશ્કેલ બની જાય છે. જોકે એનો અર્થ એવો નથી કે બહાર આવી જ ન શકાય. માણસ ધારે તો શું નથી કરી શકતો? બસ ખરા દિલનો એહસાસ થવો જરૂરી છે. પોતાની ભૂલનો સંપૂર્ણ વફાદારી સાથે સ્વીકાર કરવો જરૂરી છે. વફાદારી હશે તો સામેવાળા ગુસ્સે થાય, ગાળ આપે કે મારે, બધું જ સહન કરવાની ક્ષમતા પણ અંદરથી જ મળી જશે. આ થયો પહેલો તબક્કો.’
આટલું કહી ડૉ. સંઘવી ઉમેરે છે, ‘બીજા તબક્કામાં આ વમળમાંથી બહાર આવવાની તીવ્ર ઝંખના જાગવી જોઈએ. આ ઝંખના જાગે ત્યારે પહેલું કામ એ પરિબળોને ઓળખવાનું કરવું જોઈએ, જે તમને ખોટું કરવા મજબૂર કરે છે. આ પરિબળો ઓળખાઈ જાય તો એમાંથી બહાર આવવાના રસ્તા પણ આપોઆપ મળતા જાય છે. યાદ રાખો, સીધી રીતે પૈસા કમાવવા મુશ્કેલ છે પણ અશક્ય નથી. તમારામાં મહેનત કરવાની તૈયારી હશે, કાબેલિયત, ઝનૂન અને ધગશ હશે તો સફળતા ચોક્કસ મળે જ છે. એના માટે મૂલ્યો સાથે સમાધાન કરવું જરૂરી નથી.’

 કારકિર્દીની શરૂઆતમાં બધા જ પોતાનાં મૂલ્યોને વળગી રહેવાનો પ્રયત્ન કરે છે. બિઝનેસમૅન હોય તો સાચા રસ્તે પૈસા કમાવવાના પ્રયત્નો કરે છે, પરંતુ જેમ-જેમ આગળ વધતા જાય છે તેમ-તેમ તેમને એવું લાગવા માંડે છે કે થોડીઘણી બાંધછોડ કર્યા વિના છૂટકો નથી. - ડૉ. પરાગ સંઘવી, સકસેસ કોચ
falguni jadia bhatt columnists