હું સુરતમાં અને મુંબઈમાં મારા ગોળધાણા ખવાઈ ગયા

31 August, 2024 10:27 AM IST  |  Mumbai | Pallavi Acharya

૧૫ વર્ષની ઉંમરથી કમર્શિયલ નાટકોમાં કામ કરતા થઈ ગયેલા પરેશ ગણાત્રાને આપણે ઘણાં ગુજરાતી નાટકો, હિન્દી સિરિયલો અને ફિલ્મોમાં જોયા છે. ૫૯ વર્ષના પરેશભાઈના જીવનની રસપ્રદ વાતો વાંચીએ

પરેશ ગણાત્રા

બચપન કે દિન

નાનપણના કેટલાક ઇમોશનલ અને કેટલાક મસ્તીભર્યા કિસ્સા પરેશભાઈએ કહ્યા. મિડલ ક્લાસ ફૅમિલીમાં પરિસ્થિતિ એવી હોય કે બાળકો માટે કે ઘરની કોઈ વસ્તુ લાવવી હોય તો પપ્પાનો પગાર આવે એની રાહ જોવી પડતી હતી એમ જણાવતાં પરેશભાઈ કહે છે, ‘વિલે પાર્લે-ઈસ્ટમાં આવેલી ચાલના મારા ઘરની સામેથી જ મોટી ગટર વહેતી હતી જે આજે પણ છે. હું ચોથા ધોરણમાં હતો ત્યારની એક વાત મને યાદ છે. સ્કૂલમાં પહેરવાનાં મારાં મોજાં ફાટી ગયાં હતાં એથી હું મોજાં પહેર્યા વિના જ સ્કૂલમાં ગયો. ટીચર કહે કે મોજાં પહેર્યાં નહીં હોય તો સ્કૂલમાં નહીં આવવા દઈએ. મમ્મી કહે કે હવે પગાર આવવામાં ચારેક દિવસ બાકી છે તો ચાલશે, પછી લાવી દઈશું. મોજાં નહોતાં પહેર્યાં એટલે મમ્મીને સ્કૂલમાં બોલાવ્યાં અને કહે મોજાં નથી તો છોકરાને ચારેક દિવસ ઘરે રાખો, મોજાં લાવો પછી મોકલજો. એ સાંભળીને મમ્મીને બહુ લાગી આવ્યું હતું.’ આટલી વાત કરતાં પરેશભાઈ પણ ઇમોશનલ થઈ ગયા હતા.

આ ઘટનાના એકાદ વર્ષ પછી ગ્રાન્ટ રોડ ખાતેના મણિભુવનમાં આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં પરેશભાઈએ સ્કૂલ માટે પ્રાઇઝ મેળવ્યું ત્યારે સ્કૂલમાં આયોજિત ૨૬ જાન્યુઆરીની પરેડમાં તેમના પેરન્ટ્સને પ્રિન્સિપાલે સ્કૂલમાં બોલાવ્યા અને કહ્યું ‘તમારો દીકરો સ્કૂલનું ગૌરવ છે, નાક છે વગેરે...’ ત્યારે પરેશભાઈનાં મમ્મીએ તેમને સંભળાવ્યું કે તેને તમે મોજાં વિના ચાર દિવસ ઘરે બેસાડ્યો હતો. પરેશભાઈ કહે છે, ‘મારાં મમ્મી બોલવામાં જરા તીખાં હતાં.’

વિલે પાર્લેની લાયન્સ જુહુ હાઈ સ્કૂલમાં તેઓ ભણ્યા છે જ્યાં પરેશ રાવલ, સંજય છેલ વગેરે તેમની સાથે હતા. પરેશભાઈ કહે છે, ‘આ સ્કૂલ અને શિક્ષકોએ ખૂબ મહેનત કરીને અમારા જીવનનો પાયો નાખ્યો છે. સ્કૂલના ઘણા લોકો જીવનમાં આગળ છે. અમારા સહાધ્યાયીઓનું દસેક વર્ષથી રીયુનિયન થાય છે. અમે એકબીજાના ટચમાં રહીએ છીએ. અમે જ્યારે પણ મળીએ ત્યારે અમારો ટૉપિક એ જ હોય છે કે આપણે કેવા હતા ને શું કરતા હતા.’

મસ્તીખોર

પરેશ રાવલ મસ્તી ન કરે અને હું મસ્તી ન કરું એવું ન બને એમ કહેતાં પરેશભાઈએ એક પ્રસંગ કહ્યો: ‘સ્કૂલમાં છોકરીઓને હું બહુ સતાવતો. એ સમયે તો છોકરીઓ સાથે વાત પણ નહોતી કરી શકાતી. વાત કરીએ તો શુંનું શું થઈ જાય. પણ હું ક્લાસની કોઈક છોકરીના ઘરનો નંબર કોઈ પણ રીતે મેળવી લેતો અને પછી ક્લાસના કોઈ પણ છોકરાના નામે તેના ઘરે ફોન કરીને કહેતો, ‘કાલે ક્યાં મળીશું? સાથે કૉફી પીવા આવીશ...’ વગેરે. દર વખતે જુદા-જુદા છોકરાઓના નામે હું ફોન કરીને હેરાન કરતો. ક્લાસની એક છોકરી એવી હતી જે કોઈની સામે ક્યારેય સ્માઇલ ન કરે. તેને લાગતું કે તે ખૂબ બ્યુટિફુલ છે. તેને આ રીતે દર પંદર દિવસે જુદા-જુદા છોકરાઓના નામે ફોન કરીને મેં હેરાન કરી હતી. તેના પિતાએ સ્કૂલમાં ફરિયાદ કરી એ પછી મેં બંધ કરી દીધું હતું. બાકી જે છોકરાના નામે ફોન કર્યો હોય તેની સાથે બીજા દિવસે પેલી છોકરી ઝઘડે અને હું તમાશો જોઈને મજા લેતો રહું.’

પિકનિક જવાના પૈસા નહીં

સ્કૂલનો વધુ એક પ્રસંગ પરેશભાઈએ કહ્યો. ‘સ્કૂલમાંથી પાંચ દિવસ અજંતા-ઇલોરાની પિકનિક જવાની હતી. ૬૦૦ રૂપિયા ભરવાના હતા. પરેશભાઈની ફૅમિલી પાસે એટલા પૈસા નહોતા એથી તેમણે જવાની ના પાડી. પરેશભાઈ કહે છે, ‘ન જવા મળે એટલે દુઃખ થાય, પણ સ્ટ્રગલ કરનારા લોકો આવી ઉછાંછળી ચીજો ન કરી શકે. મારાં ટીચર ઇન્દુમતી દેસાઈ મારા ઘરે આવ્યાં. મમ્મીએ આર્થિક કારણ કહ્યું તો કહે કે હું પૈસા ભરીશ, પણ અમે તેને લઈ જઈશું, તમારી સગવડે આપજો. સ્કૂલમાં હું બધાને વાર્તા કહું, ગીતો ગાઉં અને એન્ટરટેઇન કરતો હતો. આ ટીચર હયાત નથી, પણ પ્રિન્સિપાલ ઇન્દુબહેન પટેલ હયાત છે. અંધેરી રહે છે. હું તેમને મળું છું. તેઓ શિસ્તનાં ખૂબ આગ્રહી. તેમને લીધે જ આજે હું આટલો ડિસિપ્લિન્ડ છું. હંસાબહેન, પ્રવીણસર, પદ્‍માબહેન, ત્રિવેદીસર વગેરે બહુ મહેનત કરતાં. અમને ફીલ થતું કે અમે સેફ હૅન્ડમાં છીએ. એન.એમ. કૉલેજથી બીકૉમ કર્યું.’

CAની એક્ઝામ આપી હતી

મારે તો પહેલેથી ઍક્ટર જ બનવું હતું, પણ હું ભણવામાં હોશિયાર એટલે ઘરવાળાની ઇચ્છા હતી કે હું CA બનું એમ કહેતાં પરેશભાઈ કહે છે, ‘સ્કૂલ કૉમ્પિટિશનમાં ભાગ લેવાનું મને ગમતું. સ્કૂલમાં હું ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં નાટક કરતો હતો અને એ કરવામાં મને મજા પડતી હતી, પણ ઘરની આર્થિક સ્થિતિ ઠીક-ઠીક હતી એટલે થતું કે ડૉક્ટર, એન્જિનિયર કે CA બનું. ત્યારે ઍક્ટિંગ ફીલ્ડમાં એટલી ઑપોર્ચ્યુનિટી નહોતી. મેં CAની એન્ટ્રન્સ એક્ઝામ આપી, પણ એ જ દિવસે મારાં દાદી ગુજરી ગયાં. એ પછી CA થવાનો મૂડ જ ન રહ્યો અને ઘરવાળાને હતું કે હું CA થાઉં, પણ એ ન થઈ શક્યું. બીકૉમ થઈને તરત હું જૉબ પર લાગી ગયો. પછી થયું કે ખાલી બીકૉમથી કંઈ ઝાઝું કમાઈ ન શકાય એટલે સોમૈયા કૉલેજથી MBA કર્યું, કારણ કે મારે ઘર પણ લેવાનું હતું. ૧૯૯૮માં મારી પહેલી મૂવી આમિર ખાન સાથેની ‘મન’ આવી. એ પછી પણ ૨૦૦૦ની સાલ સુધી અમે પાર્લાની ચાલમાં જ રહેતાં હતાં. એ પછી ૪ વર્ષ દહિસર રહ્યાં અને એ પછી કાંદિવલી શિફ્ટ થયાં. ૨૦૦૨માં ‘આંખેં’ આવી અને ૧૯૯૪માં મેં નાટક કરવાનું છોડી દીધું. પછી ‘વેલકમ’ અને ‘નો એન્ટ્રી’ ફિલ્મો આવી.’

પૈસા કમાવાના હતા

સૌથી પહેલી જૉબ પરેશભાઈએ લૉઇડ્સ સ્ટીલ કંપનીમાં કરી, પછી લૉઇડ્સ ફાઇનૅન્સમાં કરી અને ત્યાર બાદ ૧૯૯૮માં બિરલા ગ્લોબલ ફાઇનૅન્સમાં કરી. તેઓ કહે છે, ‘મારે મુંબઈમાં ઘર લેવાનું હતું એટલે પૈસા કમાવા જૉબ કરવી જરૂરી હતી. ૨૦ વર્ષ જૉબ કરી. પહેલું ઘર ૨૦૦૭માં મેં લીધું. ૨૦૦૬ માર્ચમાં જૉબ છોડી દીધી.’

ફ્રી હોય ત્યારે પરેશભાઈ અગાઉ જે ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતા હતા એ જુએ છે. મ્યુઝિક સાંભળે અને મિત્રો મળે ત્યારે આજે પણ ક્રિકેટ રમી લે છે. તેઓ માને છે કે ગમતી ચીજો કરવા મળે તો મજા આવે.

મારે કરવું છે

હું વર્સેટાઇલ છું, ફક્ત કૉમેડી રોલ નથી કરતો; મને બીજું પણ આવડે છે એ પ્રૂવ કરવાનું મારે હજી બાકી છે એમ કહેતાં પરેશભાઈ જણાવે છે, ‘હજી એવો કોઈ રોલ ઑફર નથી થયો કે નેગેટિવ રોલ કરી શકો કે બીજું કંઈ કરી શકો. ટીવીમાં તમે જુદા શેડ્સ બતાવી શકો, પણ એ લિમિટેડ હોય છે. મારે ફિલ્મમાં, વેબ-સિરીઝમાં નેગેટિવ રોલ કરવો છે. મારી એક ઇચ્છા છે કે મારે લોકોને બતાવવું છે કે મને બીજું પણ આવડે છે. એમાં ઘણું બધું કરવા મળે. મને લાગે છે કે નેગેટિવ રોલ કરવો ચૅલેન્જિંગ છે, અઘરો છે. મારે બીબાઢાળ રોલમાંથી બહાર આવવું છે. મારે હું જે ઇમેજમાં બંધાઈ ગયો છું એને બદલવી છે. બાકી મારી કોઈ ભૌતિક ઇચ્છાઓ નથી. ભગવાને મને મારી લાયકાત કરતાં વધુ આપ્યું છે. મારી પાસે મારું ઘર અને ગાડી છે, પૂરતું છે. સેવિંગ્સ છે, મારો પરિવાર સુખદુઃખમાં મારી સાથે છે. તેમની સાથે સમય સ્પેન્ડ કરી શકું છું. એનાથી વધુ શું જોઈએ? મારી પાસે જે છે એનો મને સંતોષ છે. જીવન સરસ ચાલે છે.’

ચાર માળ નહીં ચડાય

પરેશ ગણાત્રાનાં પત્ની લીના અંધેરીનાં છે, પરેશભાઈની જ્ઞાતિનાં જ લોહાણા છે. તેમનાં અરેન્જ્ડ મૅરેજ છે. સગાઈનો એક રસપ્રદ કિસ્સો પરેશભાઈએ કહ્યો. મસ્તીના મૂડમાં તેઓ કહે છે, ‘લવ ફાવ્યો નહીં અને અફેર લાંબું ચાલ્યું નહીં. હું ‘તાથૈયા’ પ્લે કરતો હતો ત્યારે ૨૬ વર્ષનો હતો. દેવેન ભોજાણીનાં મમ્મી અંધેરીમાં રહેતી લીનાનું માગું લઈને મમ્મી પાસે આવ્યાં એટલે મમ્મી અને ઘરના લોકો તેને જોઈ આવ્યાં. તેમને ગમી, પછી મને કહે કે તું મળી લે. હું મળ્યો. મને પૂછ્યું, તને ગમી? મેં હા પાડી, પણ કહ્યું કે હજી એક વાર મારે મળવું છે. નાટક ‘તાથૈયા’ ૬ વર્ષ ચાલ્યું હતું. એવામાં એના એક શો માટે મારે સુરત જવાનું થયું. હું સુરત હતો. મમ્મીએ છોકરી વિશે મામાને વાત કરી. ચોપાટી નજીક મફતલાલ બાથ નજીક રાડિયા ક્લબવાળા એ મારા મામા. લીનાનું ઘર ચોથે માળે હતું. મારા મામા થોડા એજેડ. તેઓ જોવા ગયા. તેમણે કહ્યું કે પરેશને ગમી છે તો ગોળધાણા ખાઈ લઈએ, વારંવાર ચાર માળ હું નહીં ચડું. હું સુરતમાં અને મુંબઈમાં મારી સગાઈના ગોળધાણા ખવાઈ ગયા. મને દેવેનની મમ્મીનો ફોન આવ્યો કે તારી સગાઈ થઈ ગઈ છે. મેં ઘરે આવીને કહ્યું કે હજી મારે એક વાર મળવું હતું અને તમે નક્કી કરી નાખ્યું. હું અને લીના મળ્યાં ત્યારે આ વાતે ખૂબ હસ્યાં. તે માની નહીં હોત તો મારે તેની સાથે ભાગીને લગ્ન કરવાં હતાં.’

columnists gujarati mid-day dhollywood news Gujarati Natak Gujarati Drama