28 December, 2025 02:45 PM IST | Mumbai | Rashmin Shah
ડોનલ્ડ ટ્રમ્પ સહિત અનેક સેલિબ્રિટીઓનાં નામ એપ્સ્ટીન ફાઇલ્સમાં બહાર આવ્યાં છે.
એપ્સ્ટીન ફાઇલ્સ થકી દુનિયાઆખીને ધ્રુજાવી દેનારા અમેરિકન અબજોપતિ જેફરી એપ્સ્ટીન તો હયાત નથી પણ તેની સાથે સંબંધો રાખનારાઓ આજે પણ તેનું નામ પડે કે બેચાર ધબકારા ચૂકી જાય છે. દુનિયાભરના VIP અને સેલિબ્રિટીઝને ટીનેજ છોકરીઓ સપ્લાય કરનારા એપ્સ્ટીન અને એપ્સ્ટીન ફાઇલ્સનું અથથી ઇતિ જાણવા જેવું છે
બહુ ટૂંકા ગાળામાં અબજોપતિ બની ગયેલો એપ્સ્ટીન મર્યો ત્યારે તેની પાસે ૬૦૦ મિલ્યન ડૉલરની સંપત્તિ હતી. આ આંકડાને જો રૂપિયામાં કન્વર્ટ કરો તો આંકડો અંદાજે સાડાપાંચ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવે છે.
એપ્સ્ટીન ફાઇલ્સ.
આમ તો જાન્યુઆરીથી પણ છેલ્લા બે વીકથી ફરીથી ન્યુઝ-ચૅનલોથી લઈને ન્યુઝપેપર્સ અને સોશ્યલ મીડિયા પર હાવી થઈ ગયેલા આ બે શબ્દોની હકીકત જાણવાનો પ્રયાસ કરવો હોય તો તમારે અમેરિકન અબજોપતિ જેફરી એપ્સ્ટીનની લાઇફમાં ડોકિયું કરવું પડે અને એ તમે કરો તો સમજાય કે જેફરીની લાઇફ કોઈ થ્રિલિંગ વેબ-સિરીઝ કે નખ કોતરવાનું મન થઈ આવે એવી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ કરતાં સહેજ પણ ઓછી ઊતરતી નથી. દુનિયાભરના શ્વાસ અધ્ધર કરી દેનારા જેફરીનું મોત ૨૦૧૯માં થયું અને એ પછી પણ હજી તેણે કરેલા કાંડનું ભૂત ધૂણ્યા કરે છે અને દર ચાર-છ મહિને દુનિયાભરના શ્રીમંતોના ધબકારા વધારવાનું કામ કરે છે. સેક્સ-ટ્રાફિકિંગના કેસમાં અટવાયેલા જેફરીના ઘરમાંથી મળેલા એંસી હજારથી વધારે ફોટોગ્રાફ્સ અમેરિકન ગુપ્તચર એજન્સીઓ પાસે છે, જેમાંથી વારતહેવારે અમુક ફોટોગ્રાફ્સ રિલીઝ થાય છે. અલબત્ત, એ ફોટોગ્રાફ્સ બહાર ન આવે એ માટે પણ અમેરિકાની બૅન્કો સહિત દુનિયાના સેંકડો અબજોપતિઓએ અમેરિકન કોર્ટમાં ઑફિશ્યલી કેસ દાખલ કર્યા છે. શું કામ તેમણે એવું કરવું પડ્યું એ જાણવું હોય તો જેફરી એપ્સ્ટીનને પહેલાં મળવું પડે.
કોણ છે આ એપ્સ્ટીન?
અમેરિકન ફન્ડ-ઇન્વેસ્ટર અને ફાઇનૅન્સ ઍડ્વાઇઝિંગ કંપની જે. એપ્સ્ટીન ઍન્ડ કંપનીના ચૅરમૅન એટલે તમારી આ કથનીનો મેઇન ફેસ જેફરી એપ્સ્ટીન. ૧૯પ૩ની ૨૦ જાન્યુઆરીએ જેફરીનો જન્મ ન્યુ યૉર્કમાં એક બહુ સામાન્ય, કહો કે ગરીબ ઘરમાં થયો હતો. ન્યુ યૉર્કની શહેરી વ્યયવસ્થા એવી છે કે કૉર્પોરેશન ગાર્ડનિંગ વિભાગમાં રોજમદાર રાખે જેણે રોજ શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા બગીચાની જાળવણીનું કામ કરવાનું. જેફરીના પપ્પા સેમુર એપ્સ્ટીન આ જ વિભાગમાં હતા, જેના માટે તે રોજ સવારે છ વાગ્યે ઘરેથી નીકળે અને આખો દિવસ માળીકામ કરે. જરા વિચાર કરો, આ માળીના એક દીકરાને લીધે અત્યારે દુનિયાભરના અઢળક અબજોપતિ આબરૂ જવાની બીકે થર-થર કાંપે છે. ઍનીવેઝ, વાત આગળ વધારીએ.
જેફરીની મમ્મી પૉલિન ગૃહિણી હતી. જેફરીના જન્મ પહેલાં તે સ્કૂલમાં ક્લર્કની નોકરી કરતી. જેફરીના પપ્પા સેમુર ૧૯૯૧માં ગુજરી ગયા, જ્યારે તેની મમ્મી ૨૦૦૪માં ગુજરી. ૨૦૦૩માં જેફરીએ તેની મમ્મીને બર્થ-ડે પર હેલિકૉપ્ટર ગિફ્ટ આપ્યું હતું. જેફરીને એક નાનો ભાઈ માર્ક. માર્ક ન્યુ યૉર્કમાં બિલ્ડર છે. જેલમાં જેફરી ગુજરી ગયો ત્યારે આ જ માર્કે જેફરીની લાશને ઓળખવાનું કામ કર્યું હતું. માર્ક જ પહેલો માણસ હતો જેણે કોર્ટમાં કેસ ફાઇલ કર્યો કે જેફરી ક્યારેય સુસાઇડ કરે નહીં, તેની જેલમાં હત્યા કરવામાં આવી છે. અલબત્ત, માર્કની વાત સાથે અમેરિકાના મોટા ભાગના મીડિયા પણ સહમત છે.
ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે જેફરી મૅથ્સ અને ફિઝિક્સની ફાઇનલ એક્ઝામ આપી શક્યો નહીં એટલે તેની પાસે ડિગ્રી નહોતી, પણ ડિગ્રી વિનાનો આ માણસ ફાઇનૅન્સ કંપની શરૂ કર્યાના એક જ દસકામાં અબજોપતિ બની ગયો. નાનાંમોટાં અનેક કામ કરનારા જેફરીનું મૅથ્સ પાવરફુલ હતું તો સાથોસાથ સ્ટૉક માર્કેટમાં પણ તેની સૂઝ ગજબનાક અને છેલ્લે જેફરીએ એ જ રસ્તો પકડી અમેરિકન વૉલ સ્ટ્રીટમાં કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે ફ્રીલાન્સિંગ કરતો અને એ પછી તેણે પોતાની કંપની શરૂ કરી. આ કંપનીમાં જેફરીનું એક જ કામ રહેતું, ફડચામાં હોય એવી કંપનીઓના શૅર્સ તે ખરીદતો અને પછી સટ્ટાની હવા ઊભી કરી તે એ કંપનીઓના શૅરના ભાવ આસમાને પહોંચાડતો. કહે છે કે જેફરી પોતાના ઇન્વેસ્ટર્સને એક વર્ષમાં ડૉલર ડબલ કરીને આપતો અને એ જ કારણે બહુ ઝડપથી જેફરી કરોડપતિઓ અને અબજોપતિઓ સાથે ઊઠબેસ કરવા માંડ્યો અને બસ, એપ્સ્ટીન ફાઇલ્સની શરૂઆત અહીંથી જ થાય છે.
જેફરી એપ્સ્ટીન માઇકલ જૅક્સન સાથે.
અબજોની સંપત્તિ
બહુ ટૂંકા ગાળામાં અબજોપતિ બની ગયેલો એપ્સ્ટીન મર્યો ત્યારે તેની પાસે ૬૦૦ મિલ્યન ડૉલરની સંપતિ હતી. આ આંકડાને જો રૂપિયામાં કન્વર્ટ કરો તો આંકડો અંદાજે સાડાપાંચ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ દર્શાવે છે. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBIનું માનવું છે કે આટલી જ બેનંબરી સંપત્તિ એપ્સ્ટીન પાસે હશે, જેના કોઈ ડૉક્યુમેન્ટ્સ મળ્યા નથી. મતલબ કે દુનિયાભરમાં એપ્સ્ટાઇને ખરીદેલી સાડાપાંચ હજાર કરોડની સંપત્તિ હવે બિનવારસ કે પછી જે કોઈ ત્રીજી-ચોથી વ્યક્તિના નામે લીધી છે તેના નામની થઈ ગઈ.
એપ્સ્ટીન પાસે પ્રાઇવેટ બોઇંગ હતું તો સાથોસાથ તેની પાસે એક સી-પ્લેન અને ત્રણ બીજાં નાનાં પ્લેન પણ હતાં. તેણે માર્ક અને પોતાની માને એકેક હેલિકૉપ્ટર આપ્યું હતું. બેન્ટ્લી, ફરારી અને રોલ્સ-રૉયસ જેવી સોથી વધુ કાર હતી. સ્થાવર મિલકતની વાત કરીએ તો લિટલ સેન્ટ જેમ્સ નામનો તેનો પોતાનો એક આખો ટાપુ હતો. સિત્તેર એકરમાં ફેલાયેલો આ જ ટાપુ નર્કની દુનિયા હતી. આ આઇલૅન્ડની બાજુમાં ગ્રેટ સેન્ટ જેમ્સ નામનો આઇલૅન્ડ પણ એપ્સ્ટાઇને ખરીદ્યો જેનું ડેવલપમેન્ટ કરે એ પહેલાં જે તેનો પાપનો ઘડો છલકાયો અને તે જેલમાં ગયો, જ્યાં તેનું મોત થયું.
આ ટાપુઓ ઉપરાંત ન્યુ યૉર્કના મૅનહટન એરિયામાં આવેલો તેનો બંગલો ન્યુ યૉર્કની પાંચમા નંબરની સૌથી મોટી પ્રૉપર્ટી હતી જેની કિંમત અંદાજે ૧૧૦ મિલ્યન ડૉલરની થાય છે. આ ઉપરાંત ફ્લૉરિડામાં બીચની બરાબર સામે તેની વીસ એકરમાં પથરાયેલી પામ બીચ વિલા હતી. આ જ વિલા પરથી એપ્સ્ટીનની પહેલી વાર અરેસ્ટ થઈ.
વાત અહીં જ પૂરી નથી થતી. ન્યુ મેક્સિકોમાં એપ્સ્ટીન પાસે દસ હજાર એકરમાં પથરાયેલું જાયન્ટ ફાર્મહાઉસ હતું. આ ફાર્મહાઉસ પર તે પોતાનું સાયન્સ સેન્ટર અને બેબી ફાર્મ બનાવવા માગતો હતો. પૅરિસના સૌથી પૉશ એરિયામાં દસ એકરમાં પથરાયેલી તેની વિલા હતી. તમને જે આઇલૅન્ડની વાત કરી એ આઇલૅન્ડ પર લાવવા-મૂકવા માટે એપ્સ્ટાઇને વીસ બોટ તૈયાર કરી હતી તો સાથોસાથ એક સબમરીન પણ બનાવી હતી. આટઆટલું ખરીદ્યા પછી પણ તેની પાસે અઢળક ડૉલર આવતા-જતા હતા એટલે એપ્સ્ટીન પેઇન્ટિંગ્સ અને સ્ક્લ્પ્ચર પણ ખરીદતો થઈ ગયો હતો.
મોતના અડતાલીસ કલાક પહેલાં જ એપ્સ્ટાઇને વિલ બનાવ્યું હતું, જે મુજબ આ સંપત્તિનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું અને ટ્રસ્ટના પાવર પોતાના નાના ભાઈ માર્કને આપ્યા હતા. જોકે FBI અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) વચ્ચે પડતાં કોર્ટે આ તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો. પછી આ સંપત્તિનો ઉપયોગ વિક્ટિમ કમ્પેન્સેશન ફન્ડ એટલે કે પીડિત મહિલાઓને વળતર ચૂકવવામાં કરવામાં આવ્યો તો સાથોસાથ ટૅક્સચોરીમાં તેણે કરેલા ગોટાળાના દંડપેઠે પણ કરવામાં આવ્યો. બહુ ઓછી માત્રામાં ફન્ડ બચ્યું, જે તેના ભાઈ માર્કને મળ્યું પણ માર્કે હમણાં જ સ્ટેટમેન્ટ આપ્યું કે એ ફન્ડમાંથી મોટા ભાગનું ફન્ડ જેફરી પર લગાવેલા આરોપના બચાવમાં ખર્ચાઈ ગયું.
પીડિત મહિલાઓને અત્યાર સુધીમાં ૧૭૦૦ કરોડ ચૂકવવામાં આવ્યા છે અને હજી પણ ચૂકવવાનું કામ ચાલુ છે. આ થઈ આડવાત, હવે ફરી આવીએ મૂળ વાત પર. કોઈને પણ મનમાં સવાલ જન્મે કે એપ્સ્ટીન આટલા ટૂંકા સમયમાં અબજોપતિ બન્યો કઈ રીતે?
એપ્સ્ટીનના આઇલૅન્ડ વિશે થોડું..
સિત્તેર એકરમાં ફેલાયેલો આ જ ટાપુ નર્કની દુનિયા હતી.
જેફરી એપ્સ્ટીનના પ્રાઇવેટ આઇલૅન્ડ લિટલ સેન્ટ જેમ્સ પર જ તેનાં બધાં કાળાં કરતૂતો ચાલતાં હતાં અને એટલે જ અમેરિકન મીડિયા આ આઇલૅન્ડને પીડોફિલિયા આઇલૅન્ડ કે સિન આઇલૅન્ડ કહે છે, જેનો અર્થ થાય છે પાપ કે વિકૃતિનો આઇલૅન્ડ.
સિત્તેર એકરમાં પથરાયેલો આ આઇલૅન્ડ એપ્સ્ટાઇને ૭.૯પ મિલ્યન ડૉલરમાં ખરીદ્યો અને પછી એના પર બીજા પ મિલ્યન ડૉલરનો ખર્ચ કર્યો. ત્યાં એક મેઇન વિલા, એક ગેસ્ટ વિલા, હેલિપૅડ, સ્વિમિંગ-પૂલ અને ગૉલ્ફ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યાં હતાં તો આ જ આઇલૅન્ડ પર મંદિર જેવી એક ઇમારત પણ બનાવવામાં આવી હતી જે સતત બંધ રહેતી હતી. આ ઇમારતના અંદરના ભાગમાં કોઈ મૂર્તિ કે જીઝસનો ક્રૉસ મળ્યો નથી. આ ઇમારત શું કામ બનાવવામાં આવી એનો જવાબ પણ કોઈને મળ્યો નથી.
પીડિતાઓનું કહેવું છે કે એપ્સ્ટીન અને તેના સાથીઓ દ્વારા મૉડલિંગ અને મસાજ-થેરપીના બહાને તેમને ટાપુ પર લાવીને કેદ કરવામાં આવતી અને પછી તેમના પાવરફુલ મહેમાનો દ્વારા તેમના પર રેપ કરવામાં આવતો. આઇલૅન્ડ ચારે બાજુએ પાણીથી ઘેરાયેલો હોવાથી ત્યાંથી ભાગવું પણ સહેલું નહોતું.
એપ્સ્ટીનના મોત પછી આ આઇલૅન્ડ લાંબો સમય એમ જ પડ્યો રહ્યો પણ ૨૦૨૩માં આ આઇલૅન્ડ અબજોપતિ ઇન્વેસ્ટર સ્ટીફન ડેકોફે ખરીદ્યો. હવે તે અહીં લક્ઝરી રિસૉર્ટ બનાવવાનું પ્લાનિંગ કરે છે.
જેફરી એપ્સ્ટીને સેંકડો છોકરીઓનું શોષણ કર્યું હતું, પરંતુ તેની વિરુદ્ધ માત્ર ૩૬ છોકરીઓએ સ્ટેટમેન્ટ આપ્યાં હતાં.
કમાણીના કીમિયાઓ
એપ્સ્ટીન મહા-અબજોપતિઓનું ફન્ડ હૅન્ડલ કરતો, તે લોકોના કરોડો ડૉલરને અબજોમાં કન્વર્ટ કરી આપતો અને એમાંથી કમિશન લેતો. એપ્સ્ટીનની કંપની ટૅક્સ-ફ્રી આઇલૅન્ડ પર લિસ્ટ થતી એટલે ટૅક્સની બચતમાં પણ તે બહુ મોટો ભાગ લઈ શકતો હતો. તમે ઇનરવેઅર બ્રૅન્ડનું નામ સાંભળ્યું હશે, ‘વિક્ટોરિયાઝ સીક્રેટ’. આ બ્રૅન્ડના માલિક લેસ વેક્સનરે પોતાની તમામ કૅશનું હૅન્ડલિંગ કરવાનો પાવર ઑફ ઍટર્ની એપ્સ્ટીનને આપ્યો હતો. વેક્સનરને અબજો કમાવી આપ્યા પછી એપ્સ્ટાઇને નક્કી કર્યું હતું કે તે ક્લાયન્ટ તરીકે માત્ર એક અબજ ડૉલરનું ફન્ડ ધરાવતી હશે એવી જ કંપનીઓને લેશે. અમેરિકાની અનેક બૅન્કો પણ એપ્સ્ટીનની ક્લાયન્ટ બની હતી તો અનેક બીજી બ્રૅન્ડ્સ પણ ક્લાયન્ટ બની હતી. માઇક્રોસૉફ્ટ અને ઍપલ સહિત બીજી પણ અનેક કંપનીઓ તેની સાથે જોડાઈ હોવાનું કહેવાય છે. જોકે એના કોઈ પુરાવાઓ મળ્યા નથી.
આ કંપનીઓને અબજો કમાવી આપ્યા પછી એપ્સ્ટીન કરોડો કમાતો પણ એપ્સ્ટીનની આ સિવાયની પણ ઇન્કમ હતી જાસૂસીની. એવું કહેવાય છે કે અમેરિકાની CIA અને ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ માટે પણ એપ્સ્ટીન કામ કરતો, આ સંસ્થાઓ માટે તે હનીટ્રૅપ ગોઠવતો અને બદલામાં તેને આ સંસ્થાઓ થકી અબજોની આવક થતી. કહેવાતી આ વાતમાં તથ્ય ત્યારે લાગે જ્યારે તમે જેફરી એપ્સ્ટીનના કોર્ટ-કેસની વિગત ધ્યાનથી જુઓ.
અમેરિકન મીડિયા હાઉસ જ્યારે એપ્સ્ટીન ફાઇલ્સ ખુલ્લી મૂકવાની ડિમાન્ડ કરતાં હતાં ત્યારે CIA પહેલી એવી સંસ્થા નીકળી હતી જેણે એનો વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે એ ડેટા સામાન્ય નાગરિકો માટે જરૂરી નથી, શક્ય છે કે એ ડેટા લીક થયા પછી અમેરિકામાં સામાજિક ઊથલપાથલ મચે. મનમાં મુદ્દો એ આવે કે એવું તે શું હતું એપ્સ્ટીન પાસે કે જેનાથી સામાજિક ઊથલપાથલ સર્જાય?
વાત એપ્સ્ટીનના કાંડની
જેફરી એપ્સ્ટીન પોતાના સંપર્કો વધુ મજબૂત બનાવવા માટે દરેક જાતના રસ્તાઓ અપનાવતો હતો. કહે છે કે ૧૯૯૦થી ૧૯૯પ સુધીના સમયગાળામાં તેણે ડ્રગ્સ પર વધારે ફોકસ કર્યું હતું, પણ એક તબક્કો એવો આવી ગયો કે તેના સેલિબ્રિટી મહેમાનો કાં તો એ છોડવા માંડ્યા અને કાં તો તેમને પણ એ મટીરિયલ સરળતાથી મળવા માંડ્યું એટલે એપ્સ્ટાઇને તેમને હાથમાં રાખવા માટે નવા રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું અને એમાં તેની નજર માઇનર છોકરીઓ પર પડી. તેરથી સોળ વર્ષની ઉંમર ધરાવતી ટીનેજરો સાથે ફિઝિકલ રિલેશન રાખવાં યુરોપથી માંડીને અમેરિકામાં પણ ગેરકાનૂની છે અને એપ્સ્ટીનની પાર્ટનર-કમ-ગર્લ ફ્રેન્ડ ગિઝલેન મૅક્સવેલે તેને સમજાવ્યું કે અબજોપતિઓ આ કામ ક્યારેય જાતે નહીં કરે. બસ પત્યું. એપસ્ટાઇને પોતાના મહેમાનોને ટીનેજર છોકરીઓ પીરસવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ખચકાટ સાથે પણ પછી એક્સાઇટમેન્ટના લેવલ પર એ અબજોપતિ ટીનેજર્સ સાથે મજા કરતા થયા અને એપ્સ્ટીન આ દુનિયામાં આગળ ને આગળ વધતો ગયો. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે અમેરિકી પોલીસે ગિઝલેન મૅક્સવેલની પણ અરેસ્ટ કરી છે જેની સામેના આરોપો પુરવાર થયા પછી ૨૦૨૧માં તેને ૨૦ વર્ષની કેદની સજા આપવામાં આવી છે.
એપ્સ્ટીન સામે પહેલી ફરિયાદ થઈ ૨૦૦પમાં. ફ્લૉરિડાની એક મહિલાએ પામ બીચ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી કે તેની ૧૪ વર્ષની દીકરીને એક મહિલા (જેનું નામ ગિઝલેન મૅક્સવેલ હતું એ પછી ઇન્ક્વાયરીમાં ખૂલ્યું) મસાજના નામે એપ્સ્ટીનના ઘરે લઈ ગઈ જ્યાં એપસ્ટાઇને તેના પર રેપ કર્યો અને એ પછી અન્ય ત્રણ લોકોએ પણ ફિઝિકલ રિલેશન બાંધ્યાં.
શેમ ઑન અંકલ સૅમ
પામ બીચ પોલીસને શરૂઆતમાં તો લાગ્યું કે એ લેડી એપ્સ્ટીનને બ્લૅકમેઇલ કરવા માગે છે પણ જ્યારે એપ્સ્ટીનના વિલમાં તપાસ કરી તો કમ્પ્યુટર લૉગ્સમાંથી તેમને ખબર પડી કે આ બહુ મોટું ટીનેજર સેક્સ-નેટવર્ક છે. પોલીસને CCTV કૅમેરાનાં ફુટેજ મળ્યાં, જેમાં રોજ અસંખ્ય ટીનેજર પામ બીચ વિલામાં આવતી દેખાઈ. સ્ટાફમાંથી કેટલાકે ઇમોશનલ થઈને સ્ટેટમેન્ટ્સ પણ આપ્યાં કે એપ્સ્ટીન અને ગિઝલેન વિલામાં આવતી છોકરીઓને હજારો ડૉલર આપતાં અને જો તે બીજી છોકરીઓને લાવે તો એના પર કમિશન પણ આપતાં.
ઇન્ક્વાયરી દરમ્યાન છોકરીઓની સંખ્યા વધવા માંડી અને છોકરીઓને અમેરિકાનાં બીજાં સ્ટેટ્સમાંથી પણ લાવવામાં આવતી હોવાનાં પ્રૂફ પણ મળવા માંડ્યાં એટલે પામ બીચ પોલીસે FBI સામે રજૂઆત કરી અને FBIએ આખો કેસ હાથમાં લીધો. ખાનગી રાહે શરૂ થયેલી એ ઇન્ક્વાયરીને ‘ઑપરેશન ટાઇગર’ નામ આપવામાં આવ્યું હતું. આ ઑપરેશનમાં એપ્સ્ટીન અને તેની પાર્ટનર મૅક્સવેલ વિરુદ્ધ પચાસથી વધુ ટીનેજર્સે સ્ટેટમેન્ટ આપ્યાં.
આ જે પચાસ ટીનેજર્સ હતી એમાં વર્જિનિયા જિફ્રે અને ઍની ફાર્મર ખુલ્લા મોઢે દુનિયાની સામે આવી. આ જે ઍની છે એ ઍનીએ તો સૌથી પહેલાં ૧૯૯૬માં એપ્સ્ટીન અને મૅક્સવેલ સામે ફરિયાદ કરી હતી, પણ એ સમયે કોઈએ એ ફરિયાદને ગણકારી નહીં. વિચારો, પોલીસ માત્ર આપણે ત્યાં જ આળસુ હોય એવું નથી. અમેરિકન પોલીસ પણ એટલી જ બેદરકાર અને આળસુ છે. જો ૧૯૯૬માં ઍની ફાર્મરની કમ્પ્લેઇન્ટને ગંભીરતાથી લઈ લેવામાં આવી હોત તો એપ્સ્ટીન જેવો રાવણ દસ માથાળો બને એ પહેલાં જ કચડાઈ ગયો હોત. પણ ના, એવું થયું નહીં અને છેક ૨૦૦પમાં તેની સામે પહેલી ફરિયાદ લેવામાં આવી. હજી તો તમે જુઓ, ૨૦૦પમાં એપ્સ્ટીન-મૅક્સવેલ સામે કેસ દાખલ થયા પછી છેક ૨૦૦૮માં તેની અરેસ્ટ થઈ અને માત્ર ૧૩ મહિનાની તેને સજા થઈ. આ સજા પણ વર્ક-રિલીઝ સાથેની હતી એટલે કે એપ્સ્ટીન નામનો પાપી રોજ સવારે નવથી રાતના નવ એટલે કે ૧૨ કલાક ઑફિસ જઈને કામ કરતો અને રાતે જેલમાં આવીને સૂઈ જતો.
આ તેર મહિનાની સજાને અમેરિકાના ન્યાયતંત્રના ઇતિહાસમાં સૌથી મોટો વિવાદાસ્પદ ચુકાદો ગણાવવામાં આવે છે. ૩૬ છોકરીઓનાં સ્ટેટમેન્ટ અને ૩૦૦૦થી વધારે અન્ય પુરાવાના આધારે એપ્સ્ટીનને આજીવન જેલ થઈ શકતી હતી પણ ૧૩ મહિનામાં તે હરામી છૂટી ગયો. આવું થવાનાં કારણો પૈકીનું એક કારણ એવું ગણવામાં આવે છે કે એ સમયે અમેરિકી ગવર્નમેન્ટે હસ્તક્ષેપ કરીને પીડિતાના વકીલ ઍલેક્ઝાન્ડર એકોસ્ટાને કહ્યું હતું કે એપ્સ્ટીન ઇન્ટેલિજન્સ માટે કામ કરતો હોવાથી અમેરિકા માટે તે ખૂબ મહત્ત્વનો છે, તેને વહેલી તકે રિલીઝ કરવો રહ્યો. કહેવાય છે કે એ સમયે એપ્સ્ટીનની ટીનેજર્સ છોકરીઓવાળી જાળમાં અમેરિકાના અનેક પૉલિટિશ્યનો આવી ગયા હોવાથી પણ તે સૌ ઇચ્છતા હતા કે એપ્સ્ટીન વહેલી તકે બહાર આવે. વૉટેવર, ૨૦૦૮ની માત્ર ૧૩ વર્ષની અને એ પણ વર્ક-રિલીઝ જેવી મલાઈદાર શરત સાથે થયેલી સજાને કારણે એપ્સ્ટીન બીજાં ૧૧ વર્ષ ખુલ્લેઆમ પોતાના ગુનાઓ કરતો રહ્યો, અન્ય ટીનેજર્સનું જીવન બરબાદ કરતો ગયો.
બનાવવું હતું બેબી ફાર્મ...
જેફરી એપ્સ્ટાઇને મૅરેજ કર્યાં નહોતાં. લાઇફ દરમ્યાન તેની સાતથી વધુ ગર્લફ્રેન્ડ હતી પણ એ બધીમાં છેલ્લી ગર્લફ્રેન્ડ અને ક્રાઇમ-પાર્ટનર ગિઝલેન મૅક્સવેલ સાથે તેનાં રિલેશન સૌથી વધારે લાંબો ટક્યાં. ક્યારેય મેરેજ નહીં કરનારા એપ્સ્ટીનની ઇચ્છા સોથી વધારે બાળકો પેદા કરવાની હતી અને એ માટે તેણે પોતાના ન્યુ મેક્સિકોના ફાર્મહાઉસમાં બેબી ફાર્મ બનાવવાનું પણ શરૂ કર્યું હતું, જ્યાં તે પોતાના શુક્રાણુઓ સાચવવાનું અને સરોગસીથી બાળકોને પેદા કરવાનું કામ કરવા ઇચ્છતો હતો. અમેરિકી કોર્ટે એપ્સ્ટીનના આ વિચારને માનસિક વિકૃતિ ગણાવી હતી, જ્યારે એપ્સ્ટીનનું કહેવું હતું કે ઇન્ટેલિજન્ટ DNA જેટલા વધુ ફેલાય એટલો જ સોસાયટીને લાભ થાય.
હવે બન્યો બિન્દાસ
સાવ મામૂલી, કહો કે ફાલતુ જેવી સજા ભોગવનારા એપ્સ્ટીનને હવે સમજાઈ ગયું હતું કે પોતે જેમ ધારશે એમ સિસ્ટમ કરશે અને આ માનસિકતા જ્યારે માણસના મનમાં આવી જાય ત્યારે એ ભૂરાયો આખલો બની જાય. એપ્સ્ટીન સાથે પણ એવું જ થયું. પહેલી વારની જેલ પછીનાં ૧૧ વર્ષમાં એપ્સ્ટાઇને સાતસોથી વધારે ટીનેજર્સનું જીવન બરબાદ કર્યું. આ જે ટીનેજર્સ હતી એમાં તે ક્યારેય આફ્રિકન ટીનેજર્સ લાવતો નહીં, કારણ કે આફ્રિકામાં ૧૩ વર્ષની છોકરીને પુખ્ત માનવામાં આવે છે અને તેની સાથે ફિઝિકલ રિલેશનની છૂટ આપવામાં આવી છે. એપ્સ્ટીન અને મૅક્સવેલ એવું સેક્સ પીરસવા માગતાં હતાં જે દુનિયામાં કોઈ પીરસતું ન હોય. મૅક્સવેલે પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે જો બધું બરાબર ચાલ્યું હોત તો એપ્સ્ટીનની ઇચ્છા હતી કે એકાદ વર્ષમાં ફરીથી એજ-ગ્રુપ ચેન્જ કરીને આઠથી પંદર વર્ષનું કરી નાખવું જેથી તેના ક્લાયન્ટ કે પછી તેની સાથે દોસ્તી રાખવા માગતી સેલિબ્રિટીઝને નવું વેરિએશન મળવા માંડે.
અલબત્ત, એપ્સ્ટીન નામના આ રાક્ષસને ખબર નહોતી કે આવનારા સમયમાં ફરી એ જ કેસ ખૂલવાનો છે જેમાં મામૂલી સજા સાથે તે નરાધમ બહાર આવી ગયો હતો. એપ્સ્ટીનને ફરીથી જેલમાં ધકેલવાનું કામ પણ એક મહિલા જ કરી ગઈ.
પ્રિન્સ ઍન્ડ્રુ પાંચ યુવતીની ગોદમાં સૂતા હોય એવી તસવીર અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટનનું લેડીઝ ડ્રેસ પહેરેલું પેઇન્ટિંગ પણ એપ્સ્ટીન ફાઇલ્સમાં બહાર આવ્યું હતું.
પહેલો ઘા પત્રકારનો...
એપ્સ્ટીન અને મૅક્સવેલ પોતાની દુનિયામાં મસ્ત બનીને ટીનેજર્સની જિંદગી બરબાદ કરતાં હતાં, જ્યારે જુલિયા બ્રાઉન નામની એક લેડી એ બન્ને વિરુદ્ધ સતત પુરાવાઓ એકઠા કરતી હતી. ‘માયામી હેરલ્ડ’ નામના સ્થાનિક પેપરમાં કામ કરતી જુલિયાએ આ કેસની પીડિતાઓને મળવાનું કામ કર્યું, એ મુલાકાતો થકી અન્ય મહિલાઓ પણ તેને મળી અને જુલિયાએ ૨૦૧૮માં ‘માયામી હેરલ્ડ’માં ‘પર્વર્ઝન ઑફ જસ્ટિસ’ નામની સિરીઝ લખી, જે સંપૂર્ણપણે એપ્સ્ટીન પર આધારિત હતી. આ જ સિરીઝ પરથી ૨૦૨૦માં નેટફ્લિક્સે જેફરી એપ્સ્ટીન પર ચાર એપિસોડની ડૉક્યુમેન્ટરી-સિરીઝ બનાવી. જોકે એ સમયે જેફરીનું મોત થઈ ગયું હતું પણ વેબ-સિરીઝની અનાઉન્સમેન્ટ થઈ ત્યારે જેફરી જીવતો હતો.
જર્નલિસ્ટ જુલિયા બ્રાઉન.
‘પર્વર્ઝન ઑફ જસ્ટિસ’ની એવી ઘાતક અસર થઈ કે અમેરિકન કોર્ટે ૨૦૦૮નો કેસ રીઓપન કરવાનો આદેશ આપ્યો અને એપ્સ્ટીન માટે એ ઘાતક પુરવાર થયું.
૨૦૧૯ની ૬ઠ્ઠી જુલાઈએ એપ્સ્ટીન પૅરિસથી રિટર્ન થયો અને ન્યુ જર્સીના ટેટરબોરો ઍરપોર્ટ પર FBIએ સેક્સ-ટ્રાફિકિંગ હેઠળ તેની અરેસ્ટ કરી. તાત્કાલિક જામીન માગવામાં આવ્યા પણ તેની શ્રીમંતાઈને જોઈને કોર્ટે કબૂલ કર્યું કે કે કાં તો એપ્સ્ટીન ફૉરેન ભાગી જશે અને જો અમેરિકામાં રહેશે તો પુરાવાઓનો નાશ કરવાથી લઈને આક્ષેપ કરનારાઓને ધમકાવવાનું કામ કરી શકે છે. એપ્સ્ટીનની ઇન્ક્વાયરી શરૂ થઈ અને ૧૦ ઑગસ્ટે એપ્સ્ટાઇને જેલમાં સુસાઇડ કર્યુ.
બધાએ એવું ધાર્યું કે એપ્સ્ટીનના મોત પછી હવે મીડિયા શાંત થઈ જશે, પણ એવું બન્યું નહીં. અમેરિકી મીડિયા સતત માગ કરતું રહ્યું કે આ કેસના અન્ય આરોપી પકડાવા જોઈએ એટલે છેક એક વર્ષ પછી ગિઝલેન મૅક્સવેલની અરેસ્ટ કરવામાં આવી અને ૨૦૨૧માં તેને દોષિત જાહેર કરવામાં આવી.
એપ્સ્ટાઇને જે ટીનેજર્સનું જીવન બરબાદ કર્યું તેમને હવે ‘એપ્સ્ટીન સર્વાઇવર્સ’ના નામે ઓળખવામાં અવો છે. તેમને કોર્ટ દ્વારા વળતર ચૂકવવાનું કામ શરૂ થઈ ગયું છે. આ જે યુવતીઓ છે એમાંથી ઘણી યુવતીઓએ હવે દુનિયાભરમાં ચાઇલ્ડ અબ્યુઝ અને હ્યુમન-ટ્રાફિકિંગ વિરુદ્ધ કામ પણ શરૂ કર્યું છે.
‘માયામી હેરલ્ડ’માં લખાયેલી એપ્સ્ટીન વિરુદ્ધની સિરીઝ, એમાં આપવામાં આવેલાં પ્રૂફ અને ત્યાર પછી એપ્સ્ટીનની અરેસ્ટથી લઈને મૅક્સવેલની અરેસ્ટ સુધીની ઇન્ક્વાયરી દરમ્યાન અઢળક એવા ડૉક્યુમેન્ટ્સ, ફોટોગ્રાફ્સ, કૉલ-ડીટેલ્સ અને બીજું લિટરેચર મળ્યું જે જોઈને FBI અને CIA સહિત કોર્ટ પણ હેબતાઈ ગઈ. આ જે ડૉક્યુમેન્ટ્સ-ફોટોગ્રાફ્સ એકત્રિત થયા એને નામ મળ્યું, એપ્સ્ટીન ફાઇલ્સ.
પ્રાઇવેટ જેટમાં પણ જેફરીની ઐયાશીઓ ઓછી નહોતી.
લોલિતા એક્સપ્રેસ
જેફરી પાસે અનેક પ્રાઇવેટ જેટ હતાં પણ એમાં બોઇંગ કંપનીનું 727-200નું જે પ્લેન હતું એમાં દોઢસોથી વધારે લોકોની સિટિંગ અરેન્જમેન્ટ થતી હોય છે પણ એપ્સ્ટાઇને એને મૉડિફાય કરાવી ઊડતા ઘરનું રૂપ આપી દીધું હતું. પ્લેનમાં ત્રણ બેડરૂમ, ડાઇનિંગ એરિયા, ગેમ ઝોન જેવા અનેક એરિયા ડેવલપ કર્યા હતા. કરોડોની કિંમતના આ પ્લેનના મેઇન્ટેન્સ પાછળ જ દર વર્ષે લાખો ડૉલર ખર્ચવામાં આવતા.
આ પ્લેનને એપ્સ્ટાઇને કોઈ નામ નહોતું આપ્યું પણ મીડિયાએ એને લોલિતા એક્સપ્રેસ નામ આપ્યું, જેની પાછળ વ્લાદિમીર નાબોકોવની નવલકથા કારણભૂત છે. આ નવલકથામાં લોલિતા નામની ટીનેજ છોકરી અને મોટી ઉંમરના વ્યક્તિના સંબંધોની વાત છે. આ પ્લેનમાં ટીનેજ છોકરીઓને લાવવામાં આવતી અને પ્લેનમાં લાવવામાં આવતા VIP મહેમાનો તેમની સાથે મન પડે એ કૃત્ય કરતા. આ પ્લેન મોટા ભાગે ન્યુ યૉર્ક, પામ બીચ, પૅરિસ અને એપ્સ્ટીનના આઇલૅન્ડ વચ્ચે અવરજવર કરતું.
એપ્સ્ટીનના મોત બાદ આ લોલિતા એક્સપ્રેસને ભંગારમાં વેચી દેવામાં આવ્યું અને પછી એ તોડી પાડવામાં આવ્યું.
શું છે એપ્સ્ટીન ફાઇલ્સ?
એમાં પીડિતાથી માંડીને એ તમામ લોકોનાં સ્ટેટમેન્ટ છે જે એપ્સ્ટીન સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલાં હતાં. એંસી હજારથી વધારે ફોટોગ્રાફ્સ છે, જેમાં ટીનેજર્સ અને સેલિબ્રિટીઝ તથા પૉલિટિકલ બિગ શૉટ્સ સ્પષ્ટ દેખાય છે. આ ઉપરાંત એપ્સ્ટીનના પ્લેનમાં ટ્રાવેલ કરીને તેના પ્રાઇવેટ આઇલૅન્ડ પર ગયેલા VIPઓનું લૉગ-લિસ્ટ પણ છે તો સાઠથી વધુ હાર્ડ ડ્રાઇવમાંથી નીકળેલો ડેટા પણ છે. એ ડેટામાં મોટા ભાગનો ડેટા ટીનેજર્સ અને VIPઓની પ્રાઇવેટ મોમેન્ટ્સના છે.
એપ્સ્ટીન સર્વાઇવર્સ તરીકે ઓળખાતા આ લોકોએ ચાઇલ્ડ-અબ્યુઝ અને હ્યુમન-ટ્રાફિકિંગ વિરુદ્ધ કામ શરૂ કર્યું છે.
એક સમયે એ ડેટા જાહેર નહીં કરવાનું કોર્ટે નક્કી કર્યું હતું પણ મીડિયા અને સામાન્ય લોકોના વિરોધ વચ્ચે કોર્ટે એ ડેટાને સમયાંતરે રિલીઝ કરતાં જવાનું નક્કી કર્યું. અત્યાર સુધીમાં રિલીઝ થયેલા એ ફોટોગ્રાફ્સમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને ડોનલ્ડ ટ્રમ્પ, બ્રિટનના પ્રિન્સ ઍન્ડ્રુ વિક્ટોરિયા, માઇક્રોસૉફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, માઇકલ જૅક્સન, કેવિન સ્પેસી, નાઓમી કૅમ્પબેલ સહિતના અનેક હૉલીવુડ સ્ટાર્સ અને મોટા બિઝનેસમેનનો સમાવેશ થાય છે. એવી અફવા પણ છે કે એમાં ભારતના જાણીતા લોકોના પણ ફોટોગ્રાફ્સ છે પણ એ વિશે કોઈ નક્કર માહિતી બહાર આવી નથી. આ ઉપરાંત અમેરિકી કોર્ટ, FBI અને CIA પણ કહે છે કે એ ફોટોમાં દેખાવું કે પછી એપ્સ્ટીનની ઘરે કે તેના પ્રાઇવેટ આઇલૅન્ડ પર જવું એનો અર્થ એવો નથી કે તેના કાળા કારનામાની મજા એ VIP, સેલિબ્રિટીએ પણ માણી છે.
આ લિસ્ટમાં ખ્યાતનામ વૈજ્ઞાનિક હૉકિંગનું નામ નીકળતાં દુનિયાની બોલતી બંધ થઈ ગઈ હતી. ૨૦૦૬માં હૉકિંગ એક કૉન્ફરન્સ પછી એપ્સ્ટીનના આઇલૅન્ડની મુલાકાતે ગયા હતા. આ ઉપરાંત વિશ્વવિખ્યાત જાદુગર ડેવિડ કૉપરફીલ્ડ એપ્સ્ટીનની પાર્ટીઓમાં જોવા મળ્યા હતા.
ફરીથી એક વાર કહેવાનું કે એપ્સ્ટીન સાથે જોવા મળેલા સૌકોઈ આ કારનામામાં સામેલ છે એવું કહેવું કે માનવું એ આંધળે બહેરું કૂટ્યા જેવું છે, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું કે કોલસાની ખાણે બેસવા જવાથી મોઢું કાળું થાય કે નહીં, કપડાં તો કાળાં થાય જ.