06 April, 2024 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિક્રમ વેધાના સેટ પર હૃતિક રોશન સાથે ગોવિંદ પાંડે.
અમિતાભ બચ્ચન. કરોડોનો આસામી અને દુનિયાભરમાં જેમની છબિને રિસ્પેક્ટની પરાકાષ્ઠાથી જોવામાં આવે છે એ બિગ બી આજે પણ કોઈ સીન માટે જ્યારે કૅમેરાની સામે આવે એટલે થોડીક ક્ષણ નર્વસ થઈ જાય અને આજે પણ કોઈ તેમને પૂછે કે તમે માનો છો કે તમને જીવનમાં ધારેલી સફળતા મળી ગઈ છે તો તેમનો જવાબ ના જ હશે. મેં ઘણા લેજન્ડરી ઍક્ટર સાથે કામ કર્યું છે. ઓમ પુરી, નસીરુદ્દીન શાહથી લઈને શાહરુખ ખાન, આમિર ખાન, અક્ષયકુમાર, હૃતિક રોશન જેવા બીજા અનેક સ્ટારનાં નામ હું ગણાવી શકું જેમની પાસેથી એક જ મેસેજ મને સતત મળતો રહ્યો છે અને એ છે કે કામ કરતા રહો. મહેનતને ક્યારેય ન અટકાવો. જીવનમાં ટકવું હશે તો અટકવું નહીં એ જ સિદ્ધાંત હું શીખ્યો છું અને આ જ વાતને ગાંઠે બાંધીને અત્યાર સુધીનું જીવન જીવ્યો છું.
એક વાત હંમેશાં યાદ રાખજો કે જીવનમાં કેટલાક નિર્ણયો તમારે જાતે લેવા પડતા હોય છે અને એમાં સંઘર્ષ પણ એકલા હાથે કરવો પડે તો માનસિક રીતે તૈયાર રહેવું પડતું હોય છે. સાત ભાઈ-બહેનોમાં હું છેલ્લા નંબરમાં આવતો અને પરિવારથી છુપાવીને ઍક્ટિંગ અને સંગીતના મારા શોખને હું પૂરા કરતો. મને યાદ છે એ સમય જ્યારે મારા મોટા ભાઈઓના હાથનો માર પણ મેં ખાધો છે જ્યારે ભણવામાં માર્ક ઓછા પડ્યા હોય. બ્રાહ્મણ પરિવાર અને પાછા બધા જ ભણવાને સૌથી વધુ પ્રાધાન્ય આપે એવા સમયમાં તેમના એક દીકરાને ઍક્ટર બનવું છે એવું હું કહું તો મારાં અન્નપાણી બંધ થઈ જાય. એક તરફ પરિવારની મરજી હતી અને બીજી તરફ મારી. મારે બૅલૅન્સ કરવાનું હતું. દિલ્હીમાં રહેતા એટલે શરૂઆતમાં એક્સ્ટ્રા ક્લાસના બહાને હું નાટકો શીખવા જતો. એ જ ગાળામાં ગિટાર વગાડતાં શીખ્યો. મારા પિતાજી રામલીલા કરાવતા. ૧૯૭૫ની વાત છે, ત્યારે રામલીલામાં નાના-મોટા રોલ કરીને ઍક્ટિંગના શોખ પૂરા કરતો. હું ટ્વેલ્થમાં હતો ત્યારે મેં ઘરમાં બૉમ્બ ફોડ્યો કે ડૉક્ટર, એન્જિનિયર કે કોઈ મોટો ઑફિસર નહીં, પણ હું ઍક્ટર બનવા માગું છું. સ્વાભાવિક રીતે જ વિરોધ થયો. હું નહીં માનું એવું સમજાઈ ગયા પછી એક જ શરત મારી સામે મુકાઈ કે જે કરવું હોય એ કરજે પણ ભણવાનું પૂરું કરવાનું છે. એ વાત મને માન્ય હતી. ભણવાની સાથે ઍક્ટિંગનો શોખ પૂરો થઈ રહ્યો હતો. એ જ સમયમાં સાથે-સાથે મેં પીએચડી સુધ્ધાં કરી નાખી, જેમાં અનેક મોટા ગજાના લોકો સાથે કામ પણ મળ્યું, ઓળખાણ થઈ અને ખૂબ શીખવા પણ મળ્યું. થોડો સમય મેં મારા ભાઈની કંપનીમાં તેને હેલ્પ કરી. ઍડ્વેન્ચર કંપની છેલ્લાં ૪૫ વર્ષથી ચલાવે છે જેમાં પહાડી એરિયામાં એ રેસ રાખે. જોકે એમાં મજા નહોતી આવતી. થોડો સમય નોકરી કરી, પણ મન માનતું નહોતું એટલે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં જોડાઈને નાટકો શરૂ કર્યાં. તિહાડ જેલથી લઈને કચરો ઉપાડનારાઓ માટે, આદિવાસીઓ માટે, એઇડ્સના દરદીઓ માટે, સ્કૂલ-કૉલેજ, હૉસ્પિટલ્સ એમ દરેક જગ્યાએ અમે ડ્રામાના શો શરૂ કર્યા. અવેરનેસ કૅમ્પેન જેવા આ ડ્રામા-શોમાં અમારું એક જ લક્ષ્ય હતું કે લોકોમાં જાગૃતિ આવે. ૧૯૯૩માં યુનિસેફ માટે એઇડ્સ વિષય પર પહેલું ગીત બનાવેલું. દિવસ-રાત બસ નાટકોમાં જ રચ્યાપચ્યા રહેવાનું. ૪૫૦થી વધારે આવાં નાટકો અને મહેનતની કોઈ સીમા નહીં અને છતાં એ ક્ષણે હું હજી તો ઘણું કરવાનું બાકી છે એ અસંતુષ્ટિમાં જ હતો. આ બધું એટલે કહું છું કે મુંબઈના સંઘર્ષ પહેલાં સંઘર્ષ ખૂબ કર્યો અને હવે ફિલ્મોમાં કામ કરવું છે એમ વિચારીને અહીં આવ્યો ત્યારે પણ સંઘર્ષ ચાલુ જ હતો. રિજેક્શન પણ મળ્યું, હાર પણ માની, દુઃખ પણ ભોગવ્યું અને નિરાશા વચ્ચે પણ જીવ્યો. જોકે એ બધા વચ્ચે પણ અટક્યો નહીં. ફરી એ જ વાત દોહરાવું છું, ટકવું હોય તેણે અટકવું નહીં.
આજની યુવા પેઢીને મારે આ વાત ખાસ કહેવી છે કે જીવન એક રફ્તાર છે. ચાલતા રહેવું એ જ એની સાચી રીત છે. બાકી સમય અને સંજોગો સતત બદલાતા રહેવાના. તમે જેની ઝંખના કરતા હતા એ મળશે એટલે તમે કોઈ બીજી અપેક્ષા કરશો. જેમ એક ગોલ પાછળ દોડતા હશો એ ગોલ પામ્યા એટલે ફરી પાછું મન બીજા ગોલ તરફ આકર્ષાશે. આ પ્રકૃતિનો નિયમ છે. ચાલતા રહેવું અને દરેક તડકા-છાંયડાને તટસ્થ થઈને જોવું. મેન્ટલ ડિસઑર્ડર્સ એટલે વધ્યા છે, કારણ કે આપણે બધી જ વાત મન પર લઈ લઈએ છીએ. આજના સમયમાં જરૂર છે તટસ્થતાનો અભ્યાસ કેળવવાની. આજના સમયમાં જરૂર છે અનુભવોને કિનારે ઊભા રહીને નિહાળવાનાં કરતબ શીખવાની. જાતને બહુ વધારે પડતું મહત્ત્વ આપીને આસપાસ બની રહેલી ઘટનામાં સતત પોતાનું જ ઇન્વૉલ્વમેન્ટ જોયા કરીશું તો જીવનમાં ક્યારેય શાંતિ નહીં મળે. સફળતા માટે નિરંતર પ્રયાસ કરતા રહેવું, સતત મહેનત માટેની સજ્જતા કેળવવી અને એની વચ્ચે પણ ન્યુટ્રલનેસ માટે જાતને ટ્રેઇન કરવી એ વાતની આજે સર્વાધિક જરૂર છે એવું મને લાગે છે. આજના યંગસ્ટર્સમાં મેં એક વસ્તુ જોઈ છે કે કાં તો તેઓ તદ્દન બેફિકરા છે અથવા તો ફિકરની ચરમસીમા પર છે. તમને નથી લાગતું કે બન્ને વસ્તુ અતિ દર્શાવે છે? અને જ્યાં અતિ છે ત્યાં કોઈ જાતના સુખદ પરિણામની અપેક્ષા ન રાખવી. ધારો કે તમને સફળતા મળી પણ જાય તો લાંબા ગાળે એ તમને સુખ આપનારી ન હોય. સુખ તટસ્થતામાં છે. સુખ સ્થિરતામાં છે અને આજના સમયમાં એની જ સર્વાધિક જરૂર છે. આ જ મારા જીવન સંઘર્ષમાંથી શીખેલી અને મારી આસપાસ રહેલા લેજન્ડરી લોકો પાસેથી મેળવેલી શીખ છે.
એક વાત હંમેશાં યાદ રાખજો કે કોઈ પણ ઝાડ જ્યારે બહાર વિકસતું હોય ત્યારે જેમ બહાર સૂર્યપ્રકાશ અને હવા-પાણીનો સથવારો એની સાથે હોય છે, પણ બહાર વિકસતાં પહેલાં એણે અંદર વિકસવું પડે છે અને જમીનની અંદરનાં એનાં મૂળિયાં જેટલાં ઊંડાં અંદર વિકસશે એટલો જ એનો બહારનો વિકાસ પાકા પાયાનો બનતો જશે. અંદર વિકસિત થવાની યાત્રા સરળ નથી હોતી. ઘોર અંધકાર અને અજાણી ભૂસ્તરમાં પોતાને ખોલતા જવાનું અને પોતાના વિસ્તારને મોટો કરતા જવાનું અઘરું જ હોય છે અને પછીયે એ મહત્ત્વનું છે. જો કોઈ વૃક્ષ એમ નક્કી કરે કે અંધકારનો તો મને ડર લાગે, હું અંદર સફોકેટ થાઉં છું એટલે ફર્ગેટ અબાઉટ ઇનસાઇડ, આઇ વિલ ઓન્લી ફોકસ ઑન આઉટસાઇડ. તો શું એ વૃક્ષનું અસ્તિત્વ ટકે ખરું? બસ, આટલું જ કહીશ કે જ્યારે-જ્યારે જીવનમાં અંધકાર આવે ત્યારે સમજજો કે ઈશ્વર તમારાં મૂળિયાં પાક્કાં કરવા ઇચ્છે છે જેથી તમે ઘટાદાર વૃક્ષની જેમ બહાર વિકસી શકો અને ગમે એવા તોફાન સામે પણ અડીખમ રહી શકો.