03 September, 2022 01:09 PM IST | Mumbai | Umesh Shukla
પ્રતીકાત્મક તસવીર
લોકોની સહનશક્તિ ઓછી થતી જાય છે ત્યારે તમે ગમે તે બફાટ કરશો તો એનું રીઍક્શન ઘણી વાર તમારી કલ્પનાની બહારનું પણ ભોગવી શકો. મુખ્ય વાત શું છે ખબર છે? ક્યારેક લોકો પણ પોતાના અધૂરા જ્ઞાનથી કમેન્ટ કરતા હોય છે.
સમયનો સ્વભાવ છે બદલાવનો અને બૉલીવુડની ફિલ્મોમાં અત્યારે બદલાવની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે એ સમજાઈ જ રહ્યું છે કે ઑડિયન્સ જ કિંગ છે અને સ્ટારડમના નામે ઑડિયન્સ ગમે તે સ્વીકારી લેશે એવો સમય હવે રહ્યો નથી. છેલ્લાં બે-અઢી વર્ષમાં ઘણું બદલાયું છે. ઑડિયન્સ ઘરે રહ્યું છે અને તેણે પોતે પોતાના મનોરંજનના નવા રસ્તાઓ શોધી લીધા છે અને તેણે કન્ટેન્ટની રિચનેસ જોઈ છે. તેણે સાઉથની ફિલ્મો જ નહીં, પણ કોરિયન, સ્પૅનિશ જેવી જુદી-જુદી લૅન્ગ્વેજની ફિલ્મો અને વેબસિરીઝ પણ જોઈ અને એ માણી એટલે હવે ઑડિયન્સનો ટેસ્ટ બદલાયો છે. હજીયે જો તમે એની સામે જૂની ઢબની જ સ્ટિરિયોટાઇપ ફિલ્મો મૂકશો તો એ જોવા રાજી નહીં થાય. કદાચ એવું બને કે પોતાના ગમતા સ્ટાર માટે પહેલા દિવસે એ થિયેટર સુધી ખેંચાય પરંતુ પછી બીજા-ત્રીજા દિવસે તમને એ રિસ્પૉન્સ નહીં મળે. એટલે ફરી એક વાર કહું છું કે હવે માત્ર સ્ટારડમ પર ફિલ્મો નહીં ચાલે, પણ તમારે તમારા કન્ટેન્ટ પર ધ્યાન આપવું પડશે, આપવું પડશે અને આપવું જ પડશે. આનો કોઈ પર્યાય નથી. શ્રેષ્ઠ અને ફ્રેશ કન્ટેન્ટ જ હવે ચાલશે. એમાં એ જરૂર કહીશ છે છેલ્લાં બે-અઢી વર્ષમાં લોકોએ ખૂબ ટફ ટાઇમ પણ જોયો છે. અત્યારે પણ ઘણા લોકો એમાંથી બહાર નથી આવી શક્યા. ક્યાંક ને ક્યાંક અત્યારે હ્યુમરની બહુ જ જરૂર છે. તમારા કન્ટેન્ટમાં હ્યુમર હશે તો કદાચ એને ઑડિયન્સ તરફથી આવકારાશે.
બીજો મુદ્દો છે કૉસ્ટ. આજે તમે એક ફિલ્મ જોવા જાઓ અને બે હજારની નોટ ઊડી જાય છે, એને બદલે એટલા જ રૂપિયામાં તમે બે-ત્રણ ઓટીટી પ્લૅટફૉર્મના વર્ષનાં સબસ્ક્રિપ્શન લઈ શકો. ડેફિનેટલી આ કૉસ્ટે પણ બહુ જ અસર પાડી છે અને ઑડિયન્સ હવે સતર્ક અને ચૂઝી બની ગઈ છે. મને લાગે છે કે રાઇટ ફ્રૉમ, અપર લેવલ ટુ લોઅર લેવલ ઑડિયન્સને ઍટ્રૅક્ટ કરવા માટે તમારે જુદા જુદા રસ્તાઓ અપનાવવા પડશે. હવે તમે તમારા કૉર્પરેટ સ્તરના રેટ્સ રાખશો તો નહીં ચાલે. ઍક્ટરોએ પોતાની ફીઝ ઘટાડવી પડશે. ટિકિટ્સના રેટ ઓછા કરવા પડશે અને થિયેટરમાં મળતા ફૂડના રેટ્સમાં પણ કંઈક ઓછું કરતા જવું પડશે. આ દિશામાં પણ કરેક્શનની બહુ જ પૉઝિટિવ ઇમ્પેક્ટ પડશે.
આ સિવાયનો પણ એક મહત્ત્વનો મુદ્દો કહી દઉં. પબ્લિક ફિગર હોઈએ ત્યારે બોલચાલમાં આપણે પબ્લિકના સેન્ટિમેન્ટ્સનું ખૂબ વધારે ધ્યાન રાખવું જરૂરી છે. બૉયકૉટનો આ ટ્રેન્ડ બહુ લાંબો ચાલશે એવું લાગતું નથી અને એ પછી પણ તમે એને લાઇટલી જુઓ એ પણ યોગ્ય નથી. તમે સોશ્યલ મીડિયા પર પબ્લિકના ધર્મને લગતા કે રાષ્ટ્રને લગતા લોકોના સેન્ટિમેન્ટ્સની પરવા કર્યા વિના કોઈ પણ આડેધડ કમેન્ટ કરો તો લોકો પણ રીઍક્શન આપશે. આજની પબ્લિક માટે પોતાની બધી જ ફ્રસ્ટ્રેશન કાઢવા માટે સોશ્યલ મીડિયા હાથવગું માધ્યમ છે. લોકો હવે વોકલ બન્યા છે. લોકોની સહનશક્તિ ઓછી થતી જાય છે એવા સમયે તમે ગમે તે બફાટ કરશો તો એનું રીઍક્શન ઘણી વાર તમારે કલ્પનાની બહારનું પણ હોઈ શકે. મુખ્ય વાત શું છે ખબર છે? કમેન્ટ કરનારા લોકો પણ પોતાના અધૂરા જ્ઞાનથી કમેન્ટ કરતા હોય છે. ક્યાંક સાંભળ્યું, ક્યાંક વાંચ્યું એ અધૂરા જ્ઞાનના આધારે તેમણે તો પોતાનો મત આપી દીધો અને પછી જ્યારે લોકો ઉપર ચડી બેસે ત્યારે તેમની પાસે ડિફેન્સ માટે કંઈ હોતું નથી, કારણ કે તેમનો જ નૉલેજનો પાયો કાચો હતો. નહીં, પ્લીઝ હવે સંભલી જઈએ એ બધા માટે ખૂબ જરૂરી છે. હું નથી માનતો કે આ કંઈ ડૂબતો સુરજ છે. થોડાક કરેક્શન પછી પાછું ફિલ્મો પ્રત્યેનું લોકોનું આકર્ષણ વધવાનું જ છે. અને તમે જો એમ કહેતા હો કે ત્રણ સાઉથની ફિલ્મો સારી ચાલવાથી ઑડિયન્સનો ઝુકાવ માત્ર સાઉથની ફિલ્મો પર વધ્યો છે તો એવું નથી. સાઉથની ફિલ્મોમાં પણ પાંચમાંથી એક જ ચાલે છે. બીજું ત્યાં સિંગલ સ્ક્રીનનો કન્સેપ્ટ આજે પણ છે અને એમાંથી પણ ખૂબ મોટો બિઝનેસ આવે છે. થોડાક સમય પહેલાં એક સ્ટ્રાઇક થઈ હતી ફિલ્મ-મેકર્સની સાઉથમાં કે મિનિમમ બાર અઠવાડિયાં પહેલાં ફિલ્મ ઓટીટી પર રિલીઝ ન કરવી. કેટલી મહત્ત્વની વાત છે. આ આપણને પણ લાગુ પડે છે. તમે જ વિચારોને કે જે ફિલ્મ મને અઠવાડિયા પછી ઓટીટી પર જોવા મળવાની જ છે એના માટે હું શું કામ અત્યારે પંદરસો રૂપિયા ખર્ચીને જોવા જાઉં. આ નિયમ આપણે ત્યાં પણ આવે એવાં પગલાં લેવાવાં જોઈએ. કમસે કમ દસ અઠવાડિયાં સુધી એ ફિલ્મ ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ નહીં કરવાની.
આ બધું જ કહ્યા પછી હું પૂરેપૂરો ઑપ્ટિમિસ્ટ છું કે અચ્છે દિન આયેંગે. થોડાક કરેક્શનની દિશામાં લોકો આગળ વધી પણ ચૂક્યા છે. હું માનું છું કે લગભગ દિવાળી સુધી ઑડિયન્સના વલણમાં આપણને બહુ જ મોટો બદલાવ દેખાશે. તમે મારી જ વાત લઈ લોને. લૉકડાઉન પહેલાં મેં ‘એક રૂમ રસોડું’ નાટક લૉન્ચ કર્યું ત્યારે લગભગ એના ૨૬ શો થયા હતા. પછી બે વર્ષ લૉકડાઉનમાં ગયાં. હું ખરેખર ટેન્શનમાં હતો. હવે ફરી લૉન્ચ કરીશું તો શું અને કેવો રિસ્પૉન્સ મળશે. એ પછી ફરી જ્યારે રી-લૉન્ચ કરવાનું હતું ત્યારે કેટલાક સ્ટાર્સનું રિપ્લેસમેન્ટ થયું, ફરી ગ્રાન્ડ રિહર્સલ થયાં. ધીમે-ધીમે નાટક પીક થયું. હવે રવિવારે તેજપાલમાં ‘એક રૂમ રસોડું’નો સોમો શો છે. કૅન યુ ઇમેજિન ધીસ. લૉકડાઉન પછી ૭૫ જેટલા શો થયા જ. આ હકીકત છે. જ્યારે વિડિયો કૅસેટ્સ આવીને ત્યારે પણ થોડાક સમય માટે આવો સમય આવેલો. લોકો લાઇવ નાટકો જોવાની બાબતમાં પાછા હઠી રહ્યા હતા, પરંતુ એ લાંબું ટક્યું નહીં. યાદ રાખજો કે પરિવાર સાથે થિયેટર કે ઑડિટોરિયમમાં જઈને જે નાટકો કે ફિલ્મો જોવાની મજા છે એ તમને તમારા ઘરના ટીવી, ફોન કે આઇપૅડમાં જોવામાં નહીં જ આવે. લોકો એનાથી પણ કંટાળશે અને ફરી પાછા વળશે. એમાં જરાય ગભરાવવાની જરૂર જ નથી. થોડીક રાહ જોવાની અને થોડાક આપણી પોતાની અંદર કરેક્શન કરવાની જરૂર છે. આપણે જે વાત કરી એમ કન્ટેન્ટ પર જબરદસ્ત ધ્યાન આપો, ઑડિયન્સ પરથી ખર્ચાનો લોડ ઓછો કરો, સોશ્યલ મીડિયા પર જે પણ શૅર કરો એમાં થોડીક સભાનતા રાખો અને ફિલ્મોને ઓટીટી પર રિલીઝ કરવા માટેની સમયમર્યાદા બાંધો. બસ આટલું કરશો એટલે બધું જ સારું થશે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)
ઉમેશ શુક્લ : ફિલ્મ ‘ઓહ માય ગૉડ’થી દેશમાં એક નવી જ ક્રાંતિની લહેર લાવનારા હિન્દી ફિલ્મો, સિરિયલો અને નાટકોના ડિરેક્ટર-રાઇટરે અડધો ડઝનથી વધુ ફિલ્મો ડિરેક્ટ કરી છે. તેમની ‘મોદીઃ જર્ની ઑફ અ કૉમન મૅન’ વેબસિરીઝને પણ સરાહના મળી હતી.