સિનેમામાં સત્ત્વ હોય તો એ ક્રાન્તિ પણ લાવી શકે

05 August, 2023 01:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

`કશ્મીર ફાઇલ્સ’એ દેશની જનતાની ચેતનાને હચમચાવી. એવા અઢળક લોકોના અમને ફોન અને વિડિયો મળ્યા, જેમણે કાશ્મીરી પંડિત સાથે ફિલ્મ જોઈ અને આંખોમાં આંસુ સાથે તેમની માફી માગી કે એ સમયે અમે તમારી મદદ ન કરી શક્યા.

પલ્લવી જોષી

‘કશ્મીર ફાઇલ્સ’ના રિસર્ચ વખતે અમે જે અનુભવ કર્યા એણે અમને મહિનાઓ સુધી સૂવા નહોતાં દીધાં. સિફતપૂર્વક દાટી દેવામાં આવેલા સત્યને સિનેમા થકી બહાર લાવવાની અમને જે તક મળી એને લીધે જ લોકજુવાળ જાગ્યો. જાતઅનુભવ પરથી કહું છું કે ફિલ્મ-મેકિંગ એક જવાબદારી છે. માત્ર સસ્તું મનોરંજન નહીં, પણ વાસ્તવિકતાનો ચિતાર એમાં ઝિલાય અને લોકો પાસે કંઈક લઈ જવા માટે મેસેજ હોય એ સિનેમાની જવાબદારી છે

`કશ્મીર ફાઇલ્સ’એ દેશની જનતાની ચેતનાને હચમચાવી. એવા અઢળક લોકોના અમને ફોન અને વિડિયો મળ્યા, જેમણે કાશ્મીરી પંડિત સાથે ફિલ્મ જોઈ અને આંખોમાં આંસુ સાથે તેમની માફી માગી કે એ સમયે અમે તમારી મદદ ન કરી શક્યા. એક આખેઆખા ચૅપ્ટરને દબાવી દેવામાં આવ્યું હતું, એને બહાર લાવવાનું કામ કોણે કર્યું, સિનેમાએ. 

ચાર વર્ષનું ઇન્ટેન્સ રિસર્ચ અને ૭૦૦ લોકો સાથે વન-ટુ-વન વાતો. 

તમે કલ્પના ન કરી શકો કે ‘કશ્મીર ફાઇલ્સ’ બનતી હતી ત્યારે અમારા લોકોની માનસિક હાલત શું હતી. સિનેમામાં તમે જ્યારે વાસ્તવિકતા લાવવાનો પ્રયાસ કરતા હો છો ત્યારે એનો પ્રભાવ અકલ્પનીય હોય છે, પણ એ પ્રભાવ ત્યારે જ દેખાય જ્યારે તમારા પ્રયાસોમાં નિષ્ઠા હોય. મને હંમેશાં લાગ્યું છે કે સિનેમા સમાજને બદલી શકે છે, જો તમે એમાં સિન્સિયરલી ઇન્વૉલ્વ થયા હો અને જો તમારી સ્ટોરીમાં સમાજને કંઈક કહેવાના પ્રયાસ થયા હોય. માત્ર એન્ટરટેઇનમેન્ટ તરીકે માઇન્ડલેસ કૉમેડી થતી હોય એ સિનેમા ન ગણાય અને એને એવું ગણવું પણ ન જોઈએ.
ફરી એ જ વાત પર આવું જેનાથી આપણે વાતની શરૂઆત કરી.

‘કશ્મીર ફાઇલ્સ’ માટે કરેલું ચાર વર્ષનું ઇન્ટેન્સ રિસર્ચ અને ૭૦૦ લોકો સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્શન. રાતોની ઊંઘ હરામ થઈ જાય જ્યારે તમે વાસ્તવિકતાની એકદમ નજીક જાઓ અને ‘કશ્મીર ફાઇલ’ એવી જ ફિલ્મ હતી. ફિલ્મની લંબાઈની મર્યાદાને ધ્યાનમાં રાખીને અઢી કલાકમાં જેટલું સમાઈ શકે એટલું સમાવવાની અમે કોશિશ કરી, પરંતુ વાતો ઘણી હતી. ઘણું એવું છે જેને બહાર લાવવાનું બાકી હતું. કાશ્મીરનો લોહિયાળ ઇતિહાસ છે એમ કાશ્મીરનો સાંસ્કૃતિક ઇતિહાસ પણ છે, એનું સૌંદર્ય અને એની સાથે સંકળાયેલી અઢળક ગાથાઓ રિસર્ચ દરમ્યાન અમને જાણવા મળી, જેનું પ્રસ્તુતીકરણ હવે ઝીફાઇવ પર આવી રહેલી ૭ એપિસોડની વેબ-સિરીઝમાં થશે, અમારી ફિલ્મ રિલીઝ થયાના લગભગ દોઢેક વર્ષ પછી. અફકોર્સ, ‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મે દેશની જનતાની ચેતનાને હચમચાવી નાખી. એવા અઢળક લોકોના અમને ફોન અને વિડિયો મળ્યા જેમણે કાશ્મીરી પંડિત સાથે એ ફિલ્મ જોઈ અને આંખોમાં આંસુ સાથે તેમના ખભે હાથ મૂકીને માફી માગી કે એ સમયે અમે તમારી મદદ ન કરી શક્યા. એક આખેઆખા ચૅપ્ટરને દબાવી દેવામાં આવ્યું હતું. એ બહાર લાવવાનું કામ કોણે કર્યું તો જવાબ છે, સિનેમાએ. 

મેકર્સ તરીકે જ્યારે અમે લોકોને મળતાં અને તેમની યાતનાભરી વાતો સાંભળતાં ત્યારે અંદર સુધી એ પીડા અમને હચમચાવી નાખતી. અમે ઊંઘી નહોતાં શકતાં. એ પીડા, એ ત્રાસ, એ અન્યાય અમારાં રૂંવાડાં ઊભાં કરનારાં હતાં. અમારી અંદર પણ અકલ્પનીય ગિલ્ટ હતું કે અમે હાજર હતાં, હયાત હતાં અને આપણા જ દેશના એક ખૂણામાં આવું કંઈક ઘટી રહ્યું હતું એને માટે આપણે કંઈ જ ન કર્યું. એ અફસોસનું વર્ણન નહોતું થઈ શકતું. એક સ્ટેજ તો એવો આવ્યો હતો કે અમને એમ લાગવા માંડેલું કે હવે જો આ કામ પૂરું નહીં થાય તો અમે માનસિક રીતે સંતુલન ગુમાવી બેસીશું. જોકે એક તરફ ગિલ્ટ અને પીડા હતી તો બીજી બાજુ લોકજુવાળ જાગ્યો, લોકોની હમદર્દી જાગી અને અન્યાય થયો હતો એ લોકોની વાત મોડી-મોડી પણ સાંભળવામાં આવી. એક વર્ગ પર થયેલા દારુણ અત્યાચાર પ્રત્યે લોકોની સંવેદનશીલતા તો જાગી. આ કામ સિનેમાએ કર્યું! બહુ જ પાવરફુલ માધ્યમ છે આ સિનેમા. સમાજની ચેતનાને જગાડવાનું અને દિશાસૂચન કરવાનું કામ સિનેમા કરી શકે અને અફકોર્સ અસરકારક રીતે કરી દેખાડે. શરત એટલી કે તમારી વાર્તામાં સત્ત્વ જોઈએ. ટેક-અવે મેસેજ જોઈએ. માઇન્ડલેસ કૉમેડીની અહીં ચર્ચા નથી થઈ રહી.
એક ફિલ્મ જો ઇન્ટેન્સ સ્ટોરી સાથે હોય તો એ તમને ખુશી, દુઃખ, પીડા, સંતોષ અને ગિલ્ટ સહિતનાં મલ્ટિપલ ઇમોશન્સ આપે, જે ‘કશ્મીર ફાઇલ્સ’ વખતે અમે અનુભવ્યું. મેં મારા કામમાં સતત મહિલાઓને અપલિફ્ટ કરે એવા વિષયને લઈને અથવા તો સમાજને દિશા ચીંધવાનું કામ કરે એ વિષયોની પસંદગી કરી છે. એક કિસ્સો કહું તમને. 

રેણુકા શહાણેની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ હતી. નામ હતું ‘રીટા’. રેણુકા શહાણેનાં મમ્મી શાંતા ગોખલેના પુસ્તક પરથી બનાવવામાં આવેલી આ ફિલ્મમાં હું મુખ્ય ભૂમિકામાં હતી. પિતાની નોકરી જતાં ઘર સંભાળવાની જવાબદારી માથા પર લઈને નોકરીએ લાગેલી રીટાને તેનો બૉસ ખૂબ મદદ કરે છે. તેનું ભણવાનું પૂરું કરાવે છે. બહેનોનાં લગ્નમાં સપોર્ટ કરે છે અને ધીમે-ધીમે બન્ને વચ્ચે આત્મીયતા વધે છે. એકબીજા સાથેના ઘનિષ્ઠ સંબંધોની રીટાના બૉસના દીકરાને ખબર પડે છે. એમાં બૉસની ભૂમિકામાં જૅકી શ્રોફ હતા. પારિવારિક અને સામાજિક વિરોધ થાય છે. રીટા ભાંગી પડે છે અને તેના બૉસને આ સંબંધનો સામાજિક સ્વીકાર કરવાની દરખાસ્ત કરે છે, પણ તેનો બૉસ પોતાના લગ્નજીવનનો અંત લાવવા તૈયાર નથી. પરિણીત પુરુષના પ્રેમમાં પડેલી આ યુવતી આ આઘાત સહન નથી કરી શકતી. માનસિક રીતે ભાંગી પડે છે. તેને એક સૅનિટોરિયમમાં શિફ્ટ કરવામાં આવે છે. સંપૂર્ણ રીતે માનસિક સંતુલન ગુમાવે એ પહેલાં તેની એક ફ્રેન્ડ તેને તેની જાત સાથે મળવા પ્રેરે છે. રીટા કોઈના થકી નથી, પણ તે પોતે, જાતે જ અનુભવે છે કે તે બહુ શ્રેષ્ઠ છે. તેની એ લાગણી ધીમે-ધીમે દૃઢ થતી જાય છે. તે જીવનને નવેસરથી આગળ વધારવાનું નક્કી કરે છે. પેલાને છોડવાની હિંમત કેળવે છે અને ફરીથી એક નવી શરૂઆત સાથે આગળ વધે છે. બહુ જ બ્યુટિફુલ સ્ટોરીલાઇનવાળી આ ફિલ્મ લગભગ ૧૫-૧૬ વર્ષ પહેલાં રિલીઝ થયેલી. રિલીઝ થયાના બે દિવસ પછી મને એક યુવતીનો ફોન આવ્યો. તેણે નંબર ક્યાંકથી મેળવ્યો હતો. મને કહે કે આ ફોન મેં તમારો આભાર માનવા માટે કર્યો છે. આ ફિલ્મની વાર્તા અને મારા જીવનની વાર્તામાં ખૂબ સામ્ય છે. હું પણ એક પરિણીત પુરુષના પ્રેમમાં છું અને તેણે હવે મને રિજેક્ટ કરી છે. હું જીવી શકું એમ નહોતી. છેલ્લા કેટલાયે સમયથી જીવનનો અંત લાવીને મરવાના વિચાર કરી રહી હતી. ફ્રેન્ડે બહુ આગ્રહ કરીને આ ફિલ્મ દેખાડી ત્યારે મનમાં હતું કે મારા જીવનની આ છેલ્લી ફિલ્મ છે. એને બદલે ફિલ્મની વાર્તાએ મારા જીવનનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો. ફોનમાં વાત કરતાં-કરતાં તે ખૂબ રડી હતી અને એ વાતો આજે પણ મને શબ્દશઃ યાદ છે. 

તમે પૂછો છોને કે સિનેમા શું કરી શકે? આ સિનેમા કરી શકે છે, આપઘાતની પાળ પર બેસેલી વ્યક્તિને પાછી વાળી શકે છે અને તેનામાં જીવવાની ઉમ્મીદ જગાવી શકે છે. આ એક વ્યક્તિગત ક્રાન્તિ હતી, પણ એ આવી સામાજિક ક્રાન્તિ પણ લાવી શકે છે.

મેં મારા જીવનમાં મહિલાકેન્દ્રિત પાત્રો વધુ ભજવ્યાં છે, કારણ કે તેમની પીડાઓનો પરિચય મેં લોકો થકી મેળવ્યો છે. મહિલાઓ સતત લોકોના જજમેન્ટની એરણ પર વીંધાતી આવી છે. નોકરી કરતી હોય અને ઘરના કામમાં મદદ ન કરી શકે તો તેના વિશે લોકો જજમેન્ટ બાંધી દેતા હોય, માત્ર ઘર સંભાળતી હોય અને બીજું કંઈ ન કરતી હોય તો લોકો તેના વિશે પોતાની માનસિકતા કેળવી લેતા હોય છે. આ લોકો એટલે માત્ર પુરુષો નહીં, એક સ્ત્રી પણ બીજી સ્ત્રીને ભરપૂર જજ કરતી હોય. આ અટકવું જોઈએ. સતત ફિલ્મો દ્વારા આ મેસેજ પહોંચાડવાના પ્રયાસ મેં કર્યા છે, પરંતુ એમાં પરિણામ હજીયે જોઈએ એવું નથી મળ્યું. ધારો કે કોઈ સ્ત્રી માત્ર ઘર સંભાળે છે તો તેની કદર પણ એટલી જ થવી જોઈએ જેટલી વર્કિંગ વુમનની થાય. ઘર સંભાળવું, બાળકોનું જતન કરવું એ આજના સમયમાં પણ એટલું જ મહત્ત્વનું છે. ધારો કે કોઈ સ્ત્રી બાળક આવ્યા પછી બાળકના ઉછેર માટે બ્રેક લઈ લે તો એ બ્રેક લેવા પાછળના તેનાં પોતાનાં કારણ હશે અને એમાં પણ આપણે સલાહસૂચનોનો કે જજમેન્ટ્સનો મારો નાખવાની જરૂર નથી. વ્યક્તિને તેના સમય અને સંજોગો પ્રમાણે સ્વતંત્ર નિર્ણય લેવાની મોકળાશ મળવી જોઈએ. સમાજે એમાં પોતાનાં જજમેન્ટ આપીને તેને તમારા સો કોલ્ડ જજમેન્ટથી સફોકેટ ન કરવી જોઈએ.

pallavi joshi columnists saturday special Movie Kashmir Files