ઑર્ગેઝમ ફીલ થયા પછી મને માથું દુખવા લાગે છે, કારણ શું હોઈ શકે?

14 July, 2020 07:26 PM IST  |  Mumbai | Dr. Ravi Kothari

ઑર્ગેઝમ ફીલ થયા પછી મને માથું દુખવા લાગે છે, કારણ શું હોઈ શકે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: હું પચીસ વર્ષનો છું. મને છેલ્લા કેટલાક સમયથી વિચિત્ર સમસ્યા શરૂ થઈ છે. સામાન્ય રીતે ઑર્ગેઝમ ફીલ થયા પછી મને માથું દુખવા લાગે છે. લગ્ન પહેલાં પણ મને ક્યારેક આવું થતું હતું. જોકે એ વખતે ફ્રીક્વન્સી અને તીવ્રતા બન્ને ઓછી હતી. હવે સમાગમ કે હસ્તમૈથુનથી વીર્યસ્ખલન કર્યા પછી મને માથામાં દુખાવો થાય છે. બાકી મને માથું દુખવાની ખાસ ફરિયાદ નથી રહેતી. ગમેએટલો થાકેલો હોઉં કે ખૂબ કામ કર્યું હોય, ભૂખ્યો હોઉં ત્યારે પણ મને માથું નથી દુખતું. સમાગમ અને મૅસ્ટરબેશન પછી એટલો દુખાવો થાય છે કે પેઇનકિલર લીધા વિના નથી મટતો. એને કારણે હું બને ત્યાં સુધી સમાગમ પછી દવા લઈને જ સૂઈ જાઉં છું. વળી હસ્તમૈથુન કરવાની મને ખૂબ આદત પડી ગઈ છે. ઘણું મન દબાવું છતાં કાબૂ નથી રહેતો. મને કોઈ એવો ઇલાજ બતાવો જેનાથી વીર્યસ્ખલન થયા પછી માથામાં દુખાવો જ ન થાય.

જવાબ: સમાગમ કર્યા પછી ઘણા લોકોને માથાનો દુખાવો થાય છે. એને પોસ્ટ-કોઇટલ હેડેક કહે છે. એમાં વ્યક્તિ ચરમસીમાએ પહોંચે એ પછી તરત જ માથું ભારે લાગવા લાગે અને દુખાવો થાય છે. જો એવું હોય તો તમે પેઇનકિલર લો છો એ ચાલી જાય.

બીજું, પહેલાં તો વીર્યસ્ખલન વખતે તમારા મનમાં શું વિચારો આવે છે એ જાણવું ખૂબ જરૂરી છે. જો મેડિકલી કે ધાર્મિક રીતે તમારા મનમાં વીર્યસ્ખલન બાબતે કોઈ ખોટા ખ્યાલો હશે તો તમને જરૂર માનસિક અસર થશે. હસ્તમૈથુન કરવું એ ખરાબ છે અથવા તો એને લીધે ધીરે-ધીરે શરીર ક્ષીણ થતું જશે એવી કોઈ ગેરમાન્યતાઓ ઘર કરી ગઈ હોય તો એ દૂર કરવી રહી. આ માટે કોઈ કાઉન્સેલર પાસે જઈને મગજના મૂળમાંથી માન્યતા દૂર કરાવો.

જો દુખાવો સહન થઈ શકે એમ હોય તો કદાચ ઉપરની ચીજોથી તમને ફાયદો થશે, પરંતુ જો દુખાવો અસહ્ય લાગતો હોય અને નિયમિતપણે તમારે પેઇનકિલરનો સહારો લેવો પડતો હોય તો એ લક્ષણો હળવાશમાં ન લેવાં જોઈએ. શક્ય હોય તો કોઈ સારા ન્યુરોલૉજિસ્ટને બતાવીને જરૂર પડે મગજનું સ્કૅન કરાવી લેવું હિતાવહ છે. એના આધારે તમારું યોગ્ય નિદાન અને સારવાર કરવાનું સહેલું થશે.

columnists sex and relationships dr ravi kothari