વડોદરાના આ વડીલે પચાસ વર્ષમાં કર્યો છે પચીસ જેટલા દેશોના ૪૦૦થી વધુ વિન્ટેજ કૅમેરાનો સંગ્રહ

13 September, 2026 05:59 PM IST  |  Vadodara | Shailesh Nayak

૮૩ વર્ષના શાંતિલાલ ગજ્જર ડિજિટલ કૅમેરાના યુગમાં રોલવાળા કૅમેરા એકઠા કરી રહ્યા છે : મુંબઈ, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં કૅમેરાનું એક્ઝિબિશન કરીને અને ફોટોગ્રાફીના રોલવાળા કૅમેરાના વારસાને જીવંત રાખવાનું કામ કરી રહ્યા છે આ વડીલ

પોતાની દુકાનમાં જાતજાતના વિન્ટેજ કૅમેરા સાથે શાંતિલાલ ગજ્જર.

વડોદરાનું દાંડિયાબજાર દેશ-દુનિયામાં જાણીતું છે. અહીં કૅમેરા રિપેર કરવાની એક દુકાન આવેલી છે. જોકે આસપાસમાં આવેલી અન્ય દુકાનો કરતાં આ દુકાન કંઈક અલગ છે, કંઈક વિશેષ છે. આ દુકાન એક સંગ્રહાલય જેવી છે જેમાં ફોટોગ્રાફી માટેના જાતજાતના અને વર્ષો જૂના કૅમેરાઓ સારી રીતે સચવાયેલા જોવા મળશે. આજના ડિજિટલ યુગમાં મોબાઇલથી ફોટો પાડી શકાય છે અને વિડિયો પણ ઉતારી શકાય છે એવા સમયે વડોદરામાં રહેતા ૮૩ વર્ષના વડીલ શાંતિલાલ ગજ્જર ભુલાતા જતા ફોટોગ્રાફીના રોલવાળા કૅમેરાને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યા છે.

સ્પાય કૅમેરા જોઈને થયું અચરજ

વડોદરામાં ફોટોગ્રાફીના કૅમેરાના વારસાનું જતન કરી રહેલા શાંતિલાલ ગજ્જરે કેવી રીતે કૅમેરા સંગ્રહ કરવાનો શોખ કેળવ્યો એ વિશે વાત કરતાં ‘મિડ ડે’ને કહે છે, ‘૧૯૬૧માં હું રેડિયો રિપેરિંગનું કામ કરતો હતો. આ કામ ૧૯૮૦ના અરસામાં બંધ કરીને એ સમયે વેડિંગ ફોટોગ્રાફીની મેં શરૂઆત કરી હતી. આ દરમ્યાન કૅમેરા રિપેર કરવાનું કામ પણ કરતો હતો. મારી દુકાનની બાજુમાં ટીવી રિપેર કરવાની એક દુકાન હતી. ૧૯૭૫માં તે દુકાનદારે કામ બંધ કરીને તેની દુકાનમાંથી ભંગાર કાઢ્યો હતો. એમાં મને એક નાનો કૅમેરા દેખાયો. આ કૅમેરા જોઈને મને નવાઈ લાગી કે આવી જાતના પણ કૅમેરા આવે છે! આ કૅમેરા એક રૂપિયાની ચલણી નોટ કરતાં પણ નાનો હતો. આ એક સ્પાય કૅમેરા હતો જે ૧૯૫૦માં બન્યો હતો. એ દુકાનવાળા ભાઈને કહીને એ કૅમેરા મેં મારી પાસે રાખ્યો. ત્યારથી મને કૅમેરા એકઠા કરવાનો શોખ લાગ્યો હતો. આમ પણ મારું કૅમેરાના રિપેરિંગનું કામ હતું એટલે કોઈને કૅમેરા ન જોઈતા હોય તો એ વેચવા માટે મારી દુકાને આવતા હતા. એમાંથી કંઈક અલગ પ્રકારના જૂના કૅમેરા દેખાય તો એ ખરીદીને એકઠા કરવાની શરૂઆત કરી. એમ કરતાં-કરતાં થોડાઘણા કૅમેરા ભેગા થયા એટલે મને થયું કે કૅમેરાનું કલેક્શન ચાલુ કરું. એ પછી જ્યાં પણ કોઈ જગ્યાએ મને રોલવાળા જૂના કૅમેરા દેખાય તો એ ખરીદી લેતો હતો. આવી રીતે એક પછી એક કૅમેરાનો સંગ્રહ કરતો ગયો.’

રોલવાળા જાતભાતના કૅમેરા

એક વાર કોઈ ચીજમાં રસ પડે અને એમાં ઊંડાં ઊતરીએ એટલે પૅશન આપમેળે વિકસે. શોખ કેળવાઈ ગયા પછી તો એમાં પાછું વળીને જોવાપણું રહેતું જ નથી એમાં સતત વૃદ્ધિ થતી રહે છે. વડોદરાના આ વડીલના કેસમાં પણ કંઈક એવું બન્યું. શોખ કઈ રીતે પૅશનમાં ફેરવાતો ગયો એની વાત કરતાં શાંતિલાલ ગજ્જર કહે છે, ‘રોલવાળા કૅમેરા એકઠા કરવાનો શોખ લાગતાં અલગ પ્રકારના કૅમેરા એકઠા કરતો ગયો. છેલ્લાં પચાસેક વર્ષમાં મારી પાસે ૪૦૦ જેટલા રોલવાળા કૅમેરા એકઠા થયા છે. સૌથી જૂનો કૅમેરા ૧૯૩૦માં બનેલો છે અને એ આજે પણ ચાલુ હાલતમાં છે. બહુ વર્ષો પહેલાં પ્લેટવાળા કૅમેરા આવતા હતા એ પણ મારી પાસે છે. આ ઉપરાંત પોલરૉઇડ કૅમેરા, રેડિયો કૅમેરા, સ્નાઇપર ગન જેવો કૅમેરા, ચાવીથી ચાલતો કૅમેરા, સ્પ્રિંગ વાઇન્ડિંગ મૉડલનો કૅમેરા, માઇક્રો ફિલ્મવાળો કૅમેરા પણ મારી પાસે છે. વિવિધ આકાર અને કદ ધરાવતા કૅમેરા મારી પાસે છે. બે હાથથી પકડવો પડે એવો હેવી કૅમેરા પણ સંગ્રહમાં છે. એક ફુટ લાંબો કૅમેરા પણ છે અને એક રૂપિયાની ચલણી નોટ જેવડો ટચૂકડો કૅમેરા પણ મારા સંગ્રહમાં છે. મારી પાસે જે કૅમેરા છે એમાંના મોટા ભાગના કૅમેરા ચાલુ હાલતમાં છે. વડોદરામાં બનેલા કૅમેરા, ભારતમાં બનેલા કૅમેરા ઉપરાંત જર્મની, ઇંગ્લૅન્ડ, અમેરિકા, ઑસ્ટ્રિયા, રશિયા, તાઇવાન, મલેશિયા, ઇન્ડોનેશિયા, કોરિયા, થાઇલૅન્ડ સહિતના દેશોમાં બનેલા કૅમેરા પણ મારી પાસે છે.’

જૂના કૅમેરા પાછળ કર્યો ૨૦ લાખનો ખર્ચ  

સંગ્રહ કરવાલાયક વસ્તુઓનો સંગ્રહ કરવાના શોખમાં ભાવતાલનું મહત્ત્વ રહેતું નથી. કૅમેરાના સંગ્રહ પાછળ થયેલા ખર્ચ વિશે વાત કરતાં શાંતિલાલ ગજ્જર કહે છે, ‘અત્યાર સુધીમાં ૪૦૦ કૅમેરા ખરીદવા પાછળ અંદાજે ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જોકે આ રકમ એકસાથે નથી ખર્ચી, પણ જ્યારથી હું કૅમેરાનો સંગ્રહ કરતો ગયો ત્યારથી થયેલો આ કુલ ખર્ચ છે. એવું પણ બન્યું છે કે કોઈ કૅમેરા મળતો ન હોય અને એવો કૅમેરા મારા હાથમાં આવી ગયો હોય તો વધુ ભાવ આપીને પણ એ ખરીદી લીધો હતો. એવા પણ કિસ્સા બન્યા છે કે લોકોને જેમ-જેમ ખબર પડતી ગઈ કે મારી પાસે જૂના કૅમેરાનો સંગ્રહ છે તો કેટલાક લોકોએ સામેથી આવીને તેમની પાસે રહેલા જૂના કૅમેરા મને ગિફ્ટ કર્યા છે. એની પાછળનો તેમનો આશય એ હતો કે મારી પાસે આ જૂના કૅમેરા સચવાશે. મારી પાસે રહેલા કૅમેરા મારે વેચવાના નથી.’

મ્યુઝિયમ બનાવવાનો વિચાર

વર્ષો જૂના રોલવાળા ૪૦૦ જેટલા કૅમેરાનું મ્યુઝિયમ બનાવવાનો વિચાર શાંતિલાલ ગજ્જરના મનમાં રમી રહ્યો છે. આ મુદ્દે તેઓ કહે છે, ‘આ બધા કૅમેરાનું મ્યુઝિયમ મારે બનાવવું છે, પણ મારી એવી કૅપેસિટી નથી. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી હું કૅમેરાને સાચવીને રાખીશ. બીજું એ કે આજની પેઢીને મારા આ જૂના કૅમેરા વિશે જણાવવું છે. કેવી રીતે આ કૅમેરા ચાલે, એનો કેવો વપરાશ હતો, કેવી રીતે કૅમેરામાં ફિલ્મ લોડ કરવાની, કેવી રીતે ફોકસ થાય એ બધી ટેક્નિક વિશે આજની પેઢીને જાણકારી આપવી છે. જોકે જે લોકો મારી દુકાને આવે છે અને પૂછપરછ કરે છે તેમને હું સમજ આપું છું, કેમ કે હવે તો રોલવાળા કૅમેરાનો જમાનો બદલાઈ ગયો છે. ૨૦૦૫ પછી તો રોલવાળા કૅમેરા બંધ થઈ ગયા અને બધું ડિજિટલ થઈ ગયું છે.’
તેમનો આ સંગ્રહ સાચવવા માટે તેમનો દીકરો અતીત પણ તેમને પ્રોત્સાહન આપે છે. આજની નવી જનરેશનના ફોટોગ્રાફરો તેમના કલેક્શનને ધરોહર ગણાવી રહ્યા છે. દરેક કૅમેરા વિશેની તેમની ઊંડી સમજને કારણે ફોટોગ્રાફીપ્રેમીઓ માટે શાંતિલાલ ગજ્જર હરતી-ફરતી ઇન્સ્ટિટ્યૂટ છે. 

કૅમેરાનું એક્ઝિબિશન

વિન્ટેજ વસ્તુઓ લોકોને ગમતી હોય છે અને એ જોવા મળે તો લોકો એમાં રસ પણ લેતા હોય છે. શાંતિલાલ ગજ્જર પણ તેમની પાસે રહેલા જૂના રોલવાળા કૅમેરાનું એક્ઝિબિશન કરતા આવ્યા છે. તેમણે તેમની પાસે રહેલા એકથી એક ચડિયાતા ક્લાસિક કૅમેરાનું વડોદરા ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર તેમ જ મુંબઈમાં એક્ઝિબિશન કર્યું છે. આ કૅમેરા વિશે તેઓ લોકોને જાણકારી આપે છે અને લોકો આ કૅમેરા જોઈને દંગ રહી જાય છે.

vadodara photography photographer columnists gujarati mid day