24 February, 2024 12:26 PM IST | Mumbai | Rashmin Shah
હીરાબાઈ લોબી, સીદી કમ્યુનિટીની મહિલાઓનાં ઉદ્ધારક- પદ્મશ્રી ૨૦૨૩
‘સૌથી સારું કામ તમે કયરું. રેડિયો પર આવવા માંડ્યા. રેડિયોને લીધે હું તમને દર અઠવાડિયે સાંભળતી થઈ ને મને નવું-નવું ઘણુંય શીખવા મળ્યું...’
૨૦૨૩માં પદ્મશ્રી અવૉર્ડનું સન્માન લેવા આવેલાં ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાંબુર ગામનાં અને મહિલા ઉત્થાનનાં કાર્યોને કારણે દેશભરમાં પૉપ્યુલર થયેલાં હીરાબાઈ લોબીએ રાષ્ટ્રપતિભવનમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ઊભા રહીને વાત કરવાનું શરૂ કરી દીધું હતું અને બાજુમાં બેઠેલા અમિત શાહ તથા સ્મૃતિ ઈરાની તેમને જોતાં રહી ગયાં હતાં. હીરાબાઈ લોબીને એ દિવસ હજી પણ યાદ છે.
‘તમે આમ જ રેડિયો પર આવવાનું ચાલુ રાખજો ને અમને બધાયને શિખામણ આપતા જાજો... તમારો અવાજ સાંભરીને અમને બધાયને કામ કરવાનો જુસ્સો ચડે છે. ને સાયબ... અમારી બાજુની બહુ ફિકર કરતા નઈ. હું છું ન્યાં લગી જાંબુર ને એની આજુબાજુમાં કોઈ દુઃખી નઈ થાય એની જવાબદારી મારી...’
હીરાબાઈ લોબીની વાત સાંભળીને નરેન્દ્ર મોદીએ બે હાથ જોડીને મસ્તક નમાવ્યું અને આખું રાષ્ટ્રપતિભવન તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું. હીરાબાઈનું કામ પણ એવું જ છે. લેશમાત્ર અક્ષરજ્ઞાન ન ધરાવતાં અને નાનપણમાં જ માબાપ ગુમાવી દેનારાં હીરાબાઈએ ગીર-સોમનાથ જિલ્લામાં જ જોવા મળતી સીદી કમ્યુનિટી અને કમ્યુનિટીની મહિલાઓ માટે જિંદગી ખર્ચી નાખી તથા જાત ઘસી નાખી. સીદી કમ્યુનિટી મૂળભૂત આફ્રિકન નસલ ધરાવે છે. સૈકાઓેથી આ વિસ્તારમાં એ લોકો સ્થાયી થયા, પણ દેખાવને કારણે તેમને ખાસ કોઈ કામ મળ્યું નહીં અને કમ્યુનિટી આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગઈ. જોકે હવે એવું નથી. અત્યારે કમ્યુનિટીનાં સ્ત્રી-પુરુષો ખભેખભા મિલાવીને કામ કરે છે. હીરાબાઈ કહે છે, ‘ભારતની આ જ સંસ્કૃતિ છે અને આ જ સંસ્કૃતિ શીખવે છે કે કોઈ એકે આગળ આવીને પોતાની જવાબદારી ઉપાડી લેવાની. જ્યાં પણ એવું થયું છે ત્યાં સુખ આવ્યું જ છે, દુઃખ ભાગ્યું જ છે. શિક્ષણ અને રોજગારી બે જ એવા પ્રશ્નો છે જેના અભાવે ગરીબી જન્મે છે.’
પ્રશ્નોના જવાબ રેડિયોમાં
શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રમાં હીરાબાઈએ અઢળક કામ કર્યું. આજે તેઓ સીદી કમ્યુનિટી માટે બે આંગણવાડી ચલાવે છે તો સાથોસાથ આર્થિક ઉપાર્જન માટે અનેક પ્રકારનાં કામ પણ કરે છે. હીરાબાઈ કહે છે, ‘રેડિયો મારા જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવી ગયો છે. ભણી તો હતી નહીં, પણ નવું-નવું જાણવાનો બહુ શોખ એટલે ગામમાં એક રેડિયો હતો. નાનપણમાં હું ઘરનાં કામ પૂરાં કરીને રોજ રેડિયો સાંભળવા જઉં અને પછી રેડિયોની બાજુમાં કાન મૂકીને આખો દિવસ હું એ સાંભળું. રેડિયો સાંભળતાં-સાંભળતાં મનમાં પ્રશ્નો બહુ થાય, પણ ગામમાં કોઈ એવું નહીં જે જવાબ આપી શકે એટલે ફરી એ જ પ્રશ્નોના જવાબની આશામાં રેડિયો સાંભળું.’
રેડિયો સાંભળવાની એ આદત
હીરાબાઈ લોબીને અનાયાસ જ ફળી. એક દિવસ રેડિયો પર આવતા કૃષિજગતના કાર્યક્રમમાં જૈવિક ખાતર બનાવવાની રીત સમજાવવામાં આવી. હીરાબાઈને થયું કે આ કામ જો આપણે કરીએ તો આવક થાય અને પરિવારને ઉપયોગી થઈ શકાય. હીરાબાઈ કહે છે, ‘વિચારતાં-વિચારતાં થયું કે જો હું એકલી ખાતર બનાવું તો થોડુંક બનશે, પણ જો હું મારી સાથે બીજી મહિલાઓને જોડું તો વધારે માત્રામાં ખાતર બનશે અને બધાનાં ઘરમાં આવક શરૂ થશે. મેં મહિલાઓને વાત કરવાની
શરૂ કરી અને ધીમે-ધીમે લોકો મારી સાથે જોડાતા ગયા.’
ખાતર બનાવવાની આ પ્રક્રિયા જ હીરાબાઈને એક નવી દિશામાં ખેંચી ગઈ.
નિઃશુલ્ક આંગણવાડીઓ
ખાતર બનાવવા આવતી કેટલીક મહિલાઓ સાથે તેમનું નાનું બાળક પણ આવતું એટલે હીરાબાઈને વિચાર આવ્યો કે જો નાની આંગણવાડી અહીં જ શરૂ થઈ જાય તો બાળકોને ભણતર મળે અને તેમની માને કામ કરવા મળે. શિક્ષણ અને રોજગાર એમ બન્ને દિશામાં કામ થઈ શકે એટલે તેમણે આંગણવાડી વિશે તપાસ આદરી. જોકે એ સરકારી પ્રક્રિયા લાંબી હોવાથી એક આંગણવાડી બનાવવા માટે શું-શું જોઈએ એ જોવાનું શરૂ કર્યું અને હીરાબાઈએ નિઃશુલ્ક આંગણવાડીનો આરંભ કર્યો! હીરાબાઈએ નક્કી કર્યું કે ખાતર બનાવતાં તેમને જે આવક થશે એ આંગણવાડીને આપશે. કોઈ પણ તત્ત્વચિંતકને પાછળ છોડી દે એવી વાત હીરાબાઈ લોબી કહે છે, ‘ભેગું કરવાની લાય જ માણસને સ્વાર્થી બનાવે. મેં ભેગું કરવું નહીં એવું નક્કી કરીને નિર્ણય લઈ લીધો કે મારી પાસે એક દિવસનું ખાવાનું હોય એટલે બસ, બાકીનું કશું પાસે રાખવાનું નહીં અને આંગણવાડીને આપી દેવાનું.’
હીરાબાઈનું ફલક વિસ્તરતું ગયું અને લોકો એમાં જોડાતા ગયા. અત્યાર સુધીમાં હીરાબાઈ થકી સાતસો સીદી મહિલા અને તેમનાં બાળકોનું જીવન બદલી ચૂક્યું છે. હીરાબાઈને એ વાતનો ગર્વ પણ છે. હીરાબાઈ કહે છે, ‘એવું નહોતું કે મારે સીદી સમાજ માટે કંઈ કરવું હતું; પણ હા, એવું મનમાં હતું કે એ સૌ માટે કામ કરવું જેમને સમાજમાં સ્થાન નથી મળતું અને એ માત્ર શિક્ષણ અને રોજગારના અભાવને લીધે બને છે.’
૧૪થી વધારે ગામોને મદદ
હીરાબાઈએ ઇલેક્શનમાં પણ ભાગ લીધો હતો. જાંબુર ગ્રામપંચાયતનું ઇલેક્શન હતું એ સમયે હીરાબાઈ સરપંચપદ માટે ઇલેક્શનમાં ઊભાં રહ્યાં હતાં અને પછી એક વોટથી હાર્યાં હતાં. હિંમત હારવાને બદલે હીરાબાઈએ નવેસરથી મહેનત શરૂ કરી. હીરાબાઈ કહે છે, ‘ભારતે મારા ભાગ્યમાં કંઈ નવું લખ્યું હશે, વધારે મોટી જવાબદારી લખી હશે એવું ધારીને મેં તાલુકા પંચાયત માટે તૈયારી શરૂ કરી દીધી અને તાલુકા પંચાયતમાં હું જીતી. મને ૧૪થી વધારે ગામોને મદદરૂપ થવાની તક મળી.’
સીદી સમાજ માટે ઉઘાડા પગે દોટ મૂકતાં હીરાબાઈ લોબી પછી કોળી અને ભરવાડ સમાજથી લઈને વનવાસી સમાજ જેવા પછાત વર્ગો માટે પણ કામ કરતાં થયાં. કોઈના નાનામાં નાના કામ માટે પણ છેક ગાંધીનગરનો ધક્કો ખાવામાં પણ હીરાબાઈ લોબીને તકલીફ નથી પડતી. હીરાબાઈ કહે છે, ‘તમારો દેશ ત્યારે જ બળવાન બને જ્યારે તમે એવું ધારો કે બધા કામની જવાબદારી દરેકની છે. જો કોઈના આધાર કાર્ડ માટે હું દોડીશ તો કોઈ મારા કામ માટે દિલ્હી જઈને રજૂઆત કરશે. જો તમે પાછા પગ કરો તો તમારા માટે કોઈ આગળ બાજુએ ચાલવાનું પસંદ ન કરે. આજે ભારતમાં આ ભાવના આવી ગઈ છે અને એટલે તો ભારત આજે દુનિયા આખી સામે છાતી કાઢીને ઊભું રહી શક્યું છે.’