રીતસર ધુમાડા છોડતી રેતી પર અમારે ગરબા કરવાના હતા

22 January, 2023 12:08 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

ફિલ્મ ‘હેલ્લારો’નું શૂટ ચાલુ થયું એ સમયે કચ્છમાં ૪પ ડિગ્રી તાપમાન હતું. સવારે દસ વાગે ત્યાં તો તાપ એવો આકરો થઈ જાય કે તમે ખુલ્લામાં ઊભા રહી ન શકો અને એવા વાતાવરણ વચ્ચે અમારે ઉઘાડા પગે ગરબા કરવાના હતા

હેલ્લારો

આપણે વાત કરીએ છીએ ફિલ્મ ‘હેલ્લારો’ની. ‘હેલ્લારો’ ઘણીબધી રીતે અમારા માટે અને ફિલ્મ સાથે સંકળાયેલા સૌકોઈ માટે યાદગાર ફિલ્મ છે. દશકાઓ પછી પહેલી ગુજરાતી ફિલ્મ નૅશનલ અવૉર્ડ જીતી લાવી તો નૅશનલ અવૉર્ડ અનાયત થયો એ સમયે પણ ફિલ્મની તમામ ઍક્ટ્રેસ અવૉર્ડ લેવા માટે સ્ટેજ પર સાથે ગઈ હતી અને એ દૃશ્ય દેશની તમામેતમામ ન્યુઝ-ચૅનલોએ દેખાડ્યું હતું. ફિલ્મની વાત હતી કે રોકો નહીં, અટકાવો નહીં; દેશની મહિલાને આગળ આવવા દો.

ગયા રવિવારે તમને કહ્યું એમ ‘હેલ્લારો’માં માત્ર ગરબાની સાથે જ કોરિયોગ્રાફી જોડવાની નહોતી, પણ ઢોલીનું કૅરૅક્ટર કરતા જયેશ મોરેએ પણ એ જ રીતે ટ્રેઇન થવાનું હતું અને એ કામ જયેશ મોરેએ બહુ સરસ રીતે કર્યું. જો આજે પણ તમને આ ફિલ્મનાં ગીતો જોવા મળે તો તમે જુઓ, એમાં જયેશના ગળામાં જાણે કે જન્મજાત ઢોલ આવ્યો હોય એ જ પ્રકારના એકદમ રિલૅક્સેશન સાથેની તેની બૉડી-લૅન્ગ્વેજ છે. નાનું બાળક પહેલી વાર પેન પકડે એ પછી શરૂઆતમાં તેના માત્ર હાથના જ નહીં, ચહેરાના હાવભાવ પણ બદલાઈ જાય; જે જોઈને કોઈને પણ ખબર પડે કે બાળકે પેન પકડવાનું હવે શરૂ કર્યું છે. ફિલ્મમાં પણ જો એવું દેખાઈ આવે તો એ કૅરૅક્ટર કનેક્ટ ન થાય અને કનેકશન ન બને તો જે વાત તમારે કહેવાની હોય એ કહેવામાં તમે ફેલ થાઓ.

એક ઢોલી ગામમાં આવે છે. આ વાક્ય જ આખી વાત સમજાવી જાય છે. એ વ્યક્તિ હવે માણસ રહી જ નથી, પણ એનાથી આગળ નીકળીને તે ઢોલી થઈ ગઈ છે. એવી વ્યક્તિ જેની સાથે ઢોલ હોય જ હોય. જયેશે આ વાત બહુ સારી રીતે પૉર્ટ્રેટ કરી અને ઢોલી તરીકેની નાનામાં નાની વાતને તેણે એવી સરસ રીતે આત્મસાત્ કરી કે તેને જોતાં એવું જ લાગે કે આ જન્મજાત ઢોલી છે. ઢોલીની બૉડી-લૅન્ગ્વેજથી માંડીને તેના એક્સપ્રેશન, તે જ્યારે ઢોલ વગાડતો હોય ત્યારે તેના ચહેરા પર સંતોષના જે ભાવ હોય એ સહિત તેણે દરેક નાનામાં નાની ડીટેલને પકડી. તમે માનશો નહીં, શૂટિંગ દરમ્યાન જયેશ રીતસર એ વાતનું ધ્યાન રાખતો કે તેના ઢોલને કોઈનો પગ સ્પર્શી ન જાય, કારણ કે ઢોલ ઢોલીનો ધર્મ હોય છે. તમે ક્યારેય તમારા ભગવાનને પગ ન લગાડી શકો. ઢોલ થકી તેને આમદની થાય છે, ઢોલીનું ઘર ચાલે છે એવા સમયે કેવી રીતે તે એવું ધારી શકે કે બીજો કોઈ એ ઢોલને પગ લગાડે.

અમને અત્યારે પણ યાદ છે ‘હેલ્લારો’ ફિલ્મના ગરબા અને શૂટિંગ સમયનું એ વાતાવરણ. ગરબાના શૂટિંગ સમયે ઑલરેડી માર્ચ-એપ્રિલનો પિરિયડ શરૂ થઈ ગયો હતો. આપણે ત્યાં મુંબઈમાં ગરમી મે-જૂનથી શરૂ થાય, ગુજરાતમાં પણ એપ્રિલના એન્ડમાં ગરમીની સાચી અસર દેખાવાની શરૂ થાય; પણ કચ્છમાં એવું નથી હોતું. કચ્છમાં તો માર્ચ પૂરો થતાં સુધીમાં તો કાળઝાળ તાપ શરૂ થઈ જાય અને એમાં રણવિસ્તાર. રણવિસ્તારમાં તો અસહ્ય તાપ શરૂ થઈ ગયો હોય. સવારે દસ વાગે ત્યાં તો જમીન ધગધગવા માંડી હોય. ધગધગતી એ જમીન પર ઉઘાડા પગે ચાલવાનો તો આપણે વિચાર સુધ્ધાં ન કરી શકીએ. અરે, એક ડગલું માંડી ન શકાય. અને અહીં તો ગરબા લેવાના હતા અને એ પણ રણની જમીન પર, જેના પર વેરાયેલી રેતી તાપના કારણે રીતસર ધુમાડા છોડતી હોય.

જો તમને ત્યાંના વાતાવરણની વાત કહું તો અમે ફિલ્મ ‘હેલ્લારો’ના ગરબાનું શૂટ શરૂ કર્યું ત્યારે કચ્છમાં ૪પ ડિગ્રી ટેમ્પરેચર હતું અને એ પણ ઑફિશ્યલ આંકડો છે. રણમાં તો એનાથી પણ બેથી ત્રણ ડિગ્રી વધારે ટેમ્પરેચર હોય, પણ એની નોંધ ન થતી હોય.

એ આકરા તાપ વચ્ચે અમારી આખી ટીમે અને ઍક્ટરોએ કામ કરવાનું હતું. ઉઘાડા પગ, એકધારો તાપ અને એની વચ્ચે ગરબા રમવાના! જરા વિચાર કરો, કાચોપોચો હોય તો તે ના પાડી દે કે મારે નથી કરવી ફિલ્મ, પણ અમારી ટીમ એવી હતી કે એ મહેનત કરવામાં જરા પણ પાછળ ન પડે. 
‘હેલ્લારો’ની તો બહુ બધી ઇન્ટરેસ્ટિંગ વાતો છે, પણ એ વાતો માંડીને કરવી છે એટલે અત્યારે એક બ્રેક લઈએ અને મળીએ નેક્સ્ટ સન્ડે.

columnists hellaro