હાઇપરટેન્શનને લઈને તમારી માન્યતાઓ કેટલી સાચી છે એ ચકાસી જુઓ

28 January, 2019 03:33 PM IST  |  | જિગીષા જૈન

હાઇપરટેન્શનને લઈને તમારી માન્યતાઓ કેટલી સાચી છે એ ચકાસી જુઓ

પ્રતીકાત્મક તસવીર

અમુક રોગોને લઈને આપણી અંદર અમુક માન્યતાઓ ઘર કરી જાય છે. ઘણી માન્યતાઓ લોકો પાસેથી સાંભળી-સાંભળીને આવી હોય છે અને ઘણી ખુદના અનુભવ અને સમજણ પરથી, પરંતુ જરૂરી નથી કે આપણે જે માનીએ છીએ એ સત્ય હોય. રોગો બાબતે માન્યતાઓની ભ્રાંતિમાં ફસાવું યોગ્ય નથી, કારણ કે એ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હાઇપરટેન્શન એક અતિ સામાન્ય અને સાઇલન્ટ રોગ છે જેના વિશેની કેટલી પ્રચલિત માન્યતાઓની હકીકત વિશે જાણીએ.

હાઇપરટેન્શનને હાઈ બ્લડ-પ્રેશર પણ કહેવાય છે. આ રોગ અતિ સમાન્ય છે અને એને કારણે જ એની સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી હોય એ પણ એક સામાન્ય બાબત ગણી શકાય. જરૂરી નથી કે માન્યતાઓ ખોટી જ હોય અને એ પણ જરૂરી નથી કે એ પૂરી રીતે સાચી હોય.

કેટલીક પ્રચલિત માન્યતાઓના સત્યને જાણીએ સાંતાક્રુઝ અને દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ પાસેથી.

માન્યતા ૧ : જો હાઈ બ્લડ-પ્રેશર હોય તો એક્સરસાઇઝ ન કરાય

એ હકીકત છે કે તમે હમણાં ગ્રાઉન્ડ પર વીસ મિનિટ દોડી આવો કે પછી અડધો કલાક સાઇક્લિંગ કરી આવો કે ૧ કલાક સ્વિમિંગ કરી આવો અને તમારું બ્લડ-પ્રેશર માપવામાં આવે તો એ વધારે આવવાનું જ છે. એનું કારણ એ છે કે આ સમયે શરીરમાં લોહીની વધુ જરૂર હતી, પરિભ્રમણ વધારવાનું હતું એટલે પ્રેશર વધેલું છે. પરંતુ એને હાઈ બ્લડપ્રેશરની બીમારી ન કહેવાય. એ જ વ્યક્તિને ફરી ૨૦ મિનિટ શાંતિથી બેસાડી રાખીએ તો તેનું બ્લડ-પ્રેશર ફરીથી નૉર્મલ થઈ જાય છે. બ્લડ-પ્રેશર વધવું-ઘટવું એ શરીરની સામાન્ય પ્રક્રિયા છે. બદલાતી પરિસ્થિતિ મુજબ શરીર પોતાના લોહીનું પરિભ્રમણ બદલતું હોય છે અને એને કારણે પ્રેશર વધ-ઘટ થયા કરે છે. પરંતુ જ્યારે લોહીની નળીઓ એ બૅલૅન્સ જાળવી શકતી નથી ત્યારે પ્રેશર સતત ઉપર રહે છે અને એ જ આ રોગ છે. માટે ઍક્ટિવિટીથી વધતા પ્રેશરને મહત્ત્વ આપવું નહીં. જ્યારે તમે બ્લડ-પ્રેશર માપવાના હો ત્યારે એ પણ ધ્યાન રાખવું કે એકદમ ઍક્ટિવિટી કર્યા પછી તરત ન માપવું.

જો તમને હાઈ બ્લડ-પ્રેશર છે જ તો ઍક્ટિવિટી તમારા માટે ખરાબ નહીં, પરંતુ હેલ્ધી છે. હાઈ બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખવા માટે ઊલટું જરૂરી છે કે તમે એક ઍક્ટિવ લાઇફ જીવો. તમને હાઈ બ્લડ-પ્રેશર છે અને તમે અત્યાધિક વધુ એક્સરસાઇઝ કરો એ ઠીક નથી. એવું તો તમે હેલ્ધી હો, તમને કોઈ રોગ ન હોય અને તમે કરો તો પણ એ તમારા માટે ઠીક નથી. પરંતુ બેઠાડુ જીવન ન રહે, શરીર ઍક્ટિવ રહે, વજન એકદમ કાબૂમાં રહે અને સ્નાયુઓ શિથિલ ન રહે એટલી એક્સરસાઇઝ તો તમારે કરવી જ રહી.

માન્યતા ૨ : સ્ટ્રેસને કારણે બ્લડ-પ્રેશર વધે છે

સ્ટ્રેસ હેલ્થ માટે સારું નથી જ એવી માન્યતા બધાના મનમાં ઘર કરી ગઈ છે. પરંતુ સ્ટ્રેસ વગરનું જીવન શક્ય જ નથી. બધા લોકો સંત નથી બની જવાના. સ્ટ્રેસથી ભાગવાને બદલે સ્ટ્રેસને કઈ રીતે લેવું અને સ્ટ્રેસ હોવા છતાં એની અસર શરીર અને મન પર ન પડવા દેવી એ સ્કિલ વિકસાવવી મહત્ત્વની છે. ઘણા લોકો એવા પણ છે જે ડૉક્ટર પાસે જઈને કહે છે કે છેલ્લા બે મહિનાથી ઑફિસમાં ઘણું સ્ટ્રેસ રહે છે ડૉક્ટર, મારું BP માપી જુઓને. એવા બે મહિનાના સ્ટ્રેસથી હાઇપરટેન્શનની તકલીફ આવી શકે નહીં. સ્ટ્રેસ ચોક્કસ વ્યક્તિને અસર કરે છે અને એને કારણે બ્લડ-પ્રેશર પર અસર આવી શકે છે, પરંતુ એ લાંબા ગાળાના સ્ટ્રેસની વાત છે. નાના-મોટા રોજિંદા સ્ટ્રેસને કારણે કે પછી અચાનક આવી ચડેલા સ્ટ્રેસને કારણે હાઇપરટેન્શન થાય નહીં. જે વ્યક્તિને નાની-નાની વાતે સ્ટ્રેસ લેવાની આદત હોય, જે વ્યક્તિ સતત ચિંતાઓમાં રચીપચી રહેતી હોય, જે વ્યક્તિની જીવનશૈલી આ સ્ટ્રેસને કારણે જ યોગ્ય ન હોય, ખોરાક અનિયમિત અને અનિયંત્રિત હોય, ઊંઘ થતી ન હોય, વજન વધ્યા કરતું હોય, બેઠાડુ જીવન વધુ હોય તો એવી વ્યક્તિને લાંબા ગાળે આ દરેક વસ્તુની અસર શરીર પર થાય અને તેની લોહીની નળીઓ પર અસર થવાને લીધે હાઇપરટેન્શન આવી શકે છે. આમ સ્ટ્રેસ લાંબા ગાળે હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ નાના-નાના સ્ટ્રેસથી ગભરાવાની જરૂર નથી. શરીર એટલું મૅનેજ કરી લેતું હોય છે.

માન્યતા ૩ : બ્લડ-પ્રેશર વધશે તો ખુદને ચોક્કસ ખબર પડશે

ઘણા લોકો માને છે કે તેમને એ અંદાજ આવી જશે કે તેમનું બ્લડ-પ્રેશર વધી રહ્યું છે. આ દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેને ખુદને એ અનુભવાય કે તેનું બ્લડ-પ્રેશર વધી રહ્યું છે, કારણ કે બ્લડ-પ્રેશર વધે એનું કોઈ ચિહ્ન હોતું નથી. કોઈ પણ લક્ષણ દ્વારા એ સમજી શકાય જ નહીં કે વ્યક્તિનું બ્લડ-પ્રેશર વધી રહ્યું છે. સિવાય કે તમે એને માપો નહીં. આ હકીકતનો જેટલો જલદી સ્વીકાર તમે કરી શકશો એટલું જ તમારા માટે ફાયદાકારક રહેશે. ઘણા લોકો પોતાના જ ભ્રમમાં જીવે છે કે મને ખબર પડશે, મને વાંધો નહીં આવે. પરંતુ એવું ન રાખો. બ્લડ-પ્રેશર વધશે તો એ શરીરમાં બીજાં અંગોને નુકસાન પણ કરશે, પરંતુ કોઈ ચિહ્ન દ્વારા ખબર પડશે નહીં. ખાસ કરીને ત્યાં સુધી ખબર નહીં પડે જ્યાં સુધી અંગો પરનું નુકસાન વધી જાય નહીં. જેમ કે હાઈ બ્લડ-પ્રેશરની અસર મોટા ભાગે કિડની પર કે હાર્ટ પર થાય છે. ઘણી વખત એવું બને છે કે દરદીને હાર્ટ સંબંધિત કે કિડની સંબંધિત ચિહ્નો દેખાયાં હોય ત્યારે તે ડૉક્ટર પાસે જાય અને ત્યારે ચેક-અપ કરતાં ખબર પડે કે દરદીને તો હાઇપરટેન્શનની તકલીફ છે. આવું ન થાય એ માટે જ આ રોગમાં એ મહત્ત્વનું છે કે વ્યક્તિ રેગ્યુલર ચેક-અપમાં બ્લડ-પ્રેશર માપતી રહે. બને તો ઘરે જ એક બ્લડ-પ્રેશરનું મશીન વસાવી લેવું અને તમે જો ૪૦-૫૦ વર્ષ કે તેથી ઉપરની ઉંમર ધરાવતા હો તો દર મહિને એક વાર BP માપી લેવું.

આ પણ વાંચો : સ્મોકિંગ સિવાય બીજાં કારણોને લીધે થઈ શકે છે ફેફસાંનું કૅન્સર

માન્યતા ૪ : બ્લડ-પ્રેશર વધારે આવે એટલે દવા લેવાનું ચાલુ કરી દેવું જોઈએ

ઘણા લોકો એવા છે જે એક વાર બ્લડ-પ્રેશર વધારે આવે તો ગભરાઈ જતા હોય છે. જો એકાદ વાર બ્લડ-પ્રેશર વધુ આવે તો એનો અર્થ બિલકુલ એવો નથી કે તમને બ્લડ-પ્રેશર હોય જ. એટલે ચિંતામાં પડી ન જાઓ. આદર્શ રીતે જો તમને એક વાર બ્લડ-પ્રેશર વધુ આવ્યું તો સતત 10 દિવસ સુધી દરરોજ જુદા-જુદા સમયે બ્લડ-પ્રેશર માપો. એનો એક ચાર્ટ તૈયાર કરો અને એ ચાર્ટ લઈને ફરીથી ડૉક્ટર પાસે જાઓ. આવું મોટા ભાગે ત્યારે શક્ય છે જ્યારે તમારી ખુદની પાસે બ્લડ-પ્રેશર માપવાનું મશીન હોય. અથવા તમારી નજીકમાં જ કોઈ દવાખાનું કે ક્લિનિક હોય જેમાં એ સુવિધા હોય. 40-45 વર્ષે કોઈને બર્થ-ડે ગિફ્ટ તરીકે ઘરેણાં, કપડાં કે ઘરનું રાચરચીલું દેવા કરતાં BP માપવાનું મશીન દેવું જોઈએ. ઘરમાં મશીન વસાવેલું હોવાના ઘણા ફાયદા છે. છતાં જો મશીન ન હોય તો પણ ઓછામાં ઓછા 3-5 દિવસનું રીડિંગ લેવું જ જોઈએ. જો દરરોજ અલગ-અલગ સમયે પણ સતત બ્લડ-પ્રેશર વધુ જ રહેતું હોય તો એમ માની શકાય કે તમને આ તકલીફ છે જ અને તમને દવાની જરૂર છે. તમને દવાની જરૂર છે કે નહીં એ નિર્ણય ડૉક્ટરને લેવા દો. એ પણ તમારા જુદા-જુદા સમયે લીધેલા બ્લડ-પ્રેશરનો આખો ચાર્ટ ચેક કર્યા પછી જ. એક વારનું રીડિંગ જાણીને કહી શકાય નહીં કે તમને આ રોગ છે અને દવાની જરૂરત છે. BP = બ્લડ-પ્રેશર

columnists