26 May, 2024 12:43 PM IST | Mumbai | Pravin Solanki
ગૃહિણી
ક્યા બાત હૈ. ગૃહિણી માટે આટલી સુંદર વ્યાખ્યા બીજી કોઈ હોઈ જ ન શકે. ગૃહિણી ઘરનો મોભ છે; ઘરનો ઉંબરો છે; ઘરની આબરૂ છે; ઘરની આન, ઘરની શાન અને ઘરની લક્ષ્મી છે; ઘરની દેવી છે, દુર્ગા છે. સમાજના મોટા ભાગના પુરુષો એ મિથ્યાભિમાનમાં રાચતા હોય છે કે ઘરસંસાર તેમના થકી જ ચાલે છે; કેમ કે તેઓ કમાય છે, આર્થિક દોર તેમના હાથમાં છે. જોકે આ માત્ર ને માત્ર પુરુષોની ભ્રમણા છે. આવું જે વિચારે છે તે પુરુષને ખબર નથી કે ગૃહિણીની મહત્તા શું છે; તેનું કાર્ય, તેની નિ:સ્વાર્થ ભાવના, સેવા, નિષ્ઠા શું છે; તેનો ત્યાગ અને તપશ્ચર્યા શું છે?
કોઈ દિવસ આપણને વિચાર આવ્યો છે કે ઘરની સ્ત્રી ક્યારે સૂએ છે અને ક્યારે ઊઠે છે? બધાને સુવડાવીને જે સૂએ છે અને બધા કરતાં પહેલાં જેની સવાર પડે છે તે ગૃહિણી છે. કેટકેટલાં કામો સવારથી ચૂપચાપ મૂંગા મોઢે ખૂબ સહજતાથી કોઈ પણ જાતના બદલાની ભાવના વગર કરી નાખતી હોય છે તે ગૃહિણી છે. આપણને ક્યારેય વિચાર આવ્યો છે કે વહેલી સવારે દૂધ કોણ લે છે? ચા-નાસ્તો ક્યારે સવારના ટેબલ પર ગોઠવાઈ જાય છે? ગાદલાં, ગોદડાં, રજાઈ ક્યારે સંકેલાઈ જાય છે? રાતના સૂતાં પહેલાં ઘરનાં બધાં બારી-બારણાં અને લાઇટો બંધ કોણ કરે છે? ઍર-કન્ડિશનમાં તમે થરથરતા હો ત્યારે ઠંડીથી જાગી ન જાઓ એની કાળજી રાખીને તમને કોણ ઓઢાડે છે?
ઘરની ગૃહિણી ઘરની વ્યવસ્થા એટલે કે મૅનેજમેન્ટની ગુરુ હોય છે. વિચાર કરો કે ઘરમાં કેટકેટલી નાની-મોટી વસ્તુઓની જરૂર હોય છે. શાકભાજીથી માંડીને ઘઉં-ચોખા, સાકર, ગોળથી માંડીને તજ, લવિંગ, ઇલાયચી, સામો, સાબુદાણા. ઓહ ભગવાન, કેટકેટલી વસ્તુઓની રોજિંદી જરૂરિયાતો... આ બધી વસ્તુઓ ઘરમાં કેટલી પડી છે, કેટલી ખલાસ થઈ ગઈ છે એને યાદ રાખવી ભગીરથ કામ છે જેની આપણે કલ્પના સુધ્ધાં નથી કરી શકતા.
મારા ઘરની વાત કરું તો દર ૩૦ દિવસે નવી મુંબઈની APMC માર્કેટથી કરિયાણાનો સમાન આવે. આમ તો હું ઘરમાં ન હોઉં ત્યારે જ આવે, પણ આ વખતે તબિયતને કારણે ઘરમાં હાજર હતો. વળી એ દિવસે હું મારી બારીએ કોઈની રાહ જોઈને ઊભો હતો ત્યાં મારી બારીમાંથી મારા ઘર સામે મેં ટેમ્પો ઊભેલો જોયો. બારીમાં મને ઊભેલો જોઈને તે માણસ મોટેથી બરાડ્યો : પરવીન
સોલંકી કા ઘર કૌનસા હૈ?
મેં કહ્યું : યહી હૈ, ક્યા હુઆ?
તે ચાર-છ ગૂણીઓ ઉતારતાં બોલ્યો : યે સમાન કુઠે ઠેવું?
ત્યાં સુધીમાં મારા ઘરનું મહિલામંડળ આવી ગયું અને હું જેની રાહ જોતો હતો તે ગેસ્ટ પણ આવી ગયા. મારી વાઇફ જ્યોતિએ મને કહ્યું કે આપણું કરિયાણું નવી મુંબઈથી આવે છે.
હું ચોંક્યો : કેમ છેક ત્યાંથી? ઘાટકોપરમાંથી કેમ નહીં?
મારી વાઇફે શાંતિથી કહ્યું : દર મહિને આવે છે. તમે ઘરમાં રહો તો ખબર પડેને?
ને બધાએ વાત હસી કાઢી. ૩૦-૪૦ કિલોની ગૂણીઓ જોઈને હું મનમાં બબડ્યો કે આણે ઘરણ ટાણે સાપ કાઢ્યો છે. મારી વાઇફ મારા મનના ભાવ કળી ગઈ. તે બોલી : તમે ચા-પાણી પીઓ, અમે અડધો કલાકમાં બધું ઠેકાણે પાડી દઈશું.
મને મનમાં થયું કે નાની-મોટી લગભગ ૫૦-૬૦ આઇટમો હતી એ ક્યારે અને શેમાં ઠેકાણે પડશે? પણ તમે માનશો ફક્ત ૨૦ જ મિનિટમાં બધી વસ્તુઓ એની જગ્યાએ ગોઠવાઈ ગઈ. મને ચમત્કાર લાગ્યો, જાદુ લાગ્યો. વસ્તુ તો ગોઠવાઈ ગઈ એ ઠીક છે, પણ કઈ વસ્તુ કયા ડબ્બામાં છે એની ચબરખીઓ પણ ચીપકાવાઈ ગઈ.
મહેમાન ગયા પછી વાઇફે ખુલાસો કર્યો : આપણે ઘરમાં દર ૩૦-૩૫ દિવસે નવી મુંબઈથી સામાન મગાવીએ છીએ ને એ પ્રમાણમાં એની ક્વૉલિટી અને ભાવમાં પણ ફરક હોય છે.
તેણે વધુ ખુલાસો કરતાં કહ્યું : આમ તો વરસો પહેલાં આપણા ઘરમાં આખા વરસનું એકસાથે અનાજ ભરાતું; પણ પછી એને સાફ કરવાની, જાળવવાની માથાકૂટ વધી જતાં હવે દર મહિને જે જોઈતું હોય એ મગાવી લઈએ છીએ. હોમ ડિલિવરી આવી જાય એટલે બીજી કોઈ માથાકૂટ નહીં અને બાર મહિને થોડી બચત પણ થઈ જાય.
હું મનમાં બબડ્યો : આવું આપણી ગુજરાતી મહિલાઓ જ વિચારી શકે.
બીજું, આપણી ગૃહિણીની વિશિષ્ટતા એ છે કે તેને ક્યારેય પોતાના કામનો થાક નથી લાગતો. ક્યારેય કામ કરતાં-કરતાં તે ફરિયાદ નથી કરતી કે માથું દુખે છે કે પગ દુખે છે. મુખ્ય વાત તો એ છે કે આપણી ગૃહિણીઓ માટે ક્યારેય રવિવાર નથી હોતો. તે પોતાની ફરજ સમજીને, પોતાનો ધર્મ સમજીને બધાં કામ નિ:સ્વાર્થ ભાવે કરતી હોય છે એટલે જ આપણે તેને દેવી કે અન્નપૂર્ણાનો દરજ્જો આપીને માન-સન્માન આપીએ છીએ.
ગૃહિણી માતા સ્વરૂપે હોઈ શકે, દીકરી-બહેન કે પત્ની સ્વરૂપે હોઈ શકે. ગૃહિણીનાં સ્વરૂપ ભલે બદલાયા કરે, પણ તેનું અસલી રૂપ તેનો સ્વભાવ છે. સ્વજનોની સેવા કરવાનો ધર્મ તે ક્યારેય ભૂલતી નથી. કહેવાય છે કે ઈશ્વરે સ્ત્રીને ફુરસદના સમયમાં ઘડી છે, પણ ક્યારેય તેના નસીબમાં ફુરસદની ક્ષણો ઈશ્વરે આપી નથી ને છતાંય તે હંમેશાં હસતી જ હોય છે ને આ જ ભારતીય નારીની વિશિષ્ટતા છે.
સંસ્કૃત સાહિત્યમાં ગૃહિણીની બહુ સુંદર વ્યાખ્યા કરી છે : કાર્યેષુ મંત્રી એટલે કે કામમાં ઉત્તમ હોય, ભોજ્યેષુ માતા - ભોજન માતાની જેમ પ્રેમથી કરાવતી હોય, ધર્મેષુ અનુકૂલા - ધર્મ બાબતમાં અનુકૂળ થનારી હોય, શયનેષુ રંભા તથા ધરતી જેવી ક્ષમાવાન હોય તે આદર્શ ગૃહિણી ગણાય છે.
એ જ પ્રમાણે આદર્શ પુરુષની પણ સરસ વ્યાખ્યા કરી છે:
કાર્યેષુ વીર, તરીતસ્વ વિક્રમે
સખેશું મિત્રમ, દુ:ખેસુ રક્ષક
ધર્મે પ્રવીણ: રસિકો રતેષુ
કાર્ય કરવામાં જે વીર હોય, પરાક્રમ કરવામાં જે ત્વરાવાળો હોય, સુખના સમયમાં જે મિત્ર હોય અને દુઃખના સમયમાં જે રક્ષક હોય, ધર્મમાં પ્રવીણ અને રતિક્રીડામાં જે રસિક હોય તે આદર્શ પુરુષ છે.