20 July, 2025 04:51 PM IST | Mumbai | Khyati Mashru Vasani
પ્રતીકાત્મક તસવીર
આજે આપણે સોનામાં કરવામાં આવતા રોકાણ વિશે વાત કરવાના છીએ. મોટા ભાગના રોકાણકારો એ વાત ભૂલી જાય છે કે સોનામાંથી કોઈ આવક રળી શકાતી નથી. એમાં ડિવિડન્ડ, વ્યાજ કે ભાડા જેવી બીજી કોઈ આવક થતી નથી. સોનામાં ભાવવૃદ્ધિ થાય એ જ એનું વળતર હોય છે અને આ વળતર સતત મળ્યે જ રાખશે એવી કોઈ ખાતરી હોતી નથી. વાસ્તવમાં એવું જોવા મળ્યું છે કે દાયકાઓ સુધીના લાંબા ગાળામાં સોનાનું મૂલ્ય પ્રમાણમાં ઓછું વધે છે. જો ફુગાવાને ધ્યાનમાં લઈએ તો ક્યારેક એ વળતર નેગેટિવમાં પણ હોય છે.
દાયકાઓની વાત નીકળી જ છે તો ૧૯૯૩થી ૨૦૦૩ સુધીનો જ ગાળો જોઈ લો. એમાં સોનાનો ભાવ લગભગ સ્થિર હતો. ધારો કે તમે રિયલ એસ્ટેટ, ડાયરેક્ટ ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફન્ડ કે ફિક્સ્ડ ડિપોઝિટમાં પણ ૧૦ વર્ષ માટે રોકાણ કર્યું હોય અને ૧૦ વર્ષ સુધી કોઈ ઊપજ આવે જ નહીં તો કેવું લાગે!
તાજેતરનાં વર્ષોમાં સોનાનો ભાવ ઘણો વધી ગયો છે. અનિશ્ચિતતાના સમયમાં સોનું વધે છે એ દેખીતું છે, પરંતુ આવી તેજી થોડા સમય પૂરતી જ હોય છે. સ્થિરતા પાછી આવે એટલે સોનું સુસ્ત થઈ જાય. આવી ચડ-ઊતર લાંબા ગાળાના સંપત્તિસર્જનને પૂરક નથી હોતી.
ભાવનાત્મક રોકાણ વિરુદ્ધ વ્યૂહાત્મક રોકાણ
સપરમા દિવસોએ સોનું ખરીદવું કે પછી આપણા દાદા-પરદાદા અને માતા-પિતા પણ સોનું ખરીદતાં આવ્યાં છે એવું વિચારીને એની ખરીદી કરવી એ સામાન્ય બાબત છે. તમે ફિઝિકલ સોનું ખરીદો એટલે તમારે ઘડામણનો ખર્ચ કરવો પડે, એને સાચવવા માટે લૉકરનું ભાડું ભરવું પડે, વીમો લેવો પડે. એ બધા ખર્ચ વળતરમાં ઘટાડો કરનારા હોય છે. ડિજિટલ ગોલ્ડ અને સૉવરિન ગોલ્ડ બૉન્ડમાં પણ અમુક મર્યાદાઓ છે, જેમ કે લૉક-ઇન પિરિયડ અને લિક્વિડિટીની કમી.
વૃદ્ધિ કરનારી ઍસેટ્સની તુલનાએ સોનામાં રોકાણ
ઇક્વિટીનું રોકાણ વૃદ્ધિ કરનારું મનાય છે. ૨૦થી ૨૫ વર્ષના ગાળા માટે તમે ઇક્વિટી અને સોનામાં કરાયેલા રોકાણની તુલના કરો. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડની જ વાત કરીએ તો એમાં તમને લાંબા ગાળે મૂડીની વૃદ્ધિનો અને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. રિયલ એસ્ટેટના રોકાણમાં પણ અનેક પડકારો હોય છે, પરંતુ એમાં મૂલ્યવૃદ્ધિની સાથે-સાથે ભાડાની આવકનો લાભ સમાયેલો હોય છે. ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂડીની વૃદ્ધિ અને વળતરની સ્થિરતા સાથે માનસિક શાંતિ મળે છે. એ બધાની સરખામણીએ સોનું મુખ્યત્વે કટોકટીની સ્થિતિમાં જ વધતું હોય છે.
પોર્ટફોલિયોમાં સોનાનું સ્થાન
ફાઇનૅન્શિયલ પ્લાનિંગનો વણલખ્યો નિયમ છે કે કુલ પોર્ટફોલિયોમાં સોનાનું સ્થાન પાંચથી ૧૦ ટકા જેટલું હોવું જોઈએ. ફક્ત સોનામાં જ રોકાણ કરાયેલું હોય તો લાંબા ગાળે એ વધારે લાભદાયક રહેતું નથી.
મારી રોકાણકારોને સલાહ છે કે સોનાને સંકટ સમયની સાંકળના સ્વરૂપે જુઓ, સંપત્તિસર્જનની દૃષ્ટિએ નહીં. તમને સતત વળતર આપ્યે રાખે એ રીતનો તમારો પોર્ટફોલિયો હોવો જોઈએ. ટૂંકમાં, સોનામાં કરવામાં આવતું રોકાણ વ્યૂહાત્મક હોવું જોઈએ, ભાવનાત્મક નહીં.