બજારમાં થોડા દિવસ ઘટાડો આવે એનાથી લાંબા ગાળાના રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર નથી

13 April, 2025 04:43 PM IST  |  Mumbai | Foram Shah

અહીં ખાસ જણાવવું રહ્યું કે આવી પરિસ્થિતિમાં ભય તો બધાના મનમાં વ્યાપેલો હોય છે. આમ છતાં દરેકની પોતપોતાની પારિવારિક સ્થિતિ અલગ-અલગ હોય છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આપણે બધા જાણીએ છીએ કે ૨૦૦૮માં સબ પ્રાઇમ ક્રાઇસિસ આવી હતી. ૨૦૨૦માં કોરોનાનો રોગચાળો ફેલાયો હતો. એ વખતે સમગ્ર વિશ્વમાં શૅરબજારોમાં કડાકો બોલાયો હતો.

આજે આપણે એપ્રિલ ૨૦૨૫માં છીએ અને બજાર કઈ દિશામાં જશે એના વિશે કંઈ પણ કહેવું મુશ્કેલ બની ગયું છે. આજની તારીખે પણ ઘણા લોકોની સંપત્તિનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે.

૨૦૦૮ હોય, ૨૦૨૦ હોય કે ૨૦૨૫ હોય; બધા વખતે મનુષ્યના મનમાં ભયનું વાતાવરણ એકસમાન બાબત રહી છે. મનુષ્ય ભય અને ચિંતામાં હોય ત્યારે તેને કંઈ સૂઝતું નથી.

હાલમાં મને એક પરિચિતનો ફોન આવ્યો. તેમની પાસે પૂરતું ધન છે અને ખાવાવાળું કોઈ નથી. નજીકના ભવિષ્યમાં તેમણે કોઈ મોટો ખર્ચ પણ કરવાનો નથી અને અણધાર્યો ખર્ચ આવી પડે તો એ પૂરો કરવા જેટલું ધન પણ તેમની પાસે છે. આમ છતાં તેમના મનમાં પ્રશ્ન હતો કે હાલ બજારમાં નાણાંનું રોકાણ કરવું કે પછી જે કર્યું છે એ ઉપાડી લેવું? ખરું પૂછો તો આ સવાલ તેમનો એકલાનો નથી, ઘણી મોટી સંખ્યામાં આખી દુનિયાના લોકોનો છે.

અહીં ખાસ જણાવવું રહ્યું કે આવી પરિસ્થિતિમાં ભય તો બધાના મનમાં વ્યાપેલો હોય છે. આમ છતાં દરેકની પોતપોતાની પારિવારિક સ્થિતિ અલગ-અલગ હોય છે. દરેક પરિવારમાં નાણાકીય લક્ષ્યો હોય છે. જીવનના અલગ-અલગ તબક્કે આ લક્ષ્યો અલગ-અલગ હોય છે. એને બાહ્ય પરિબળો સાથે ઓછો અને આંતરિક પરિબળો સાથે વધારે સંબંધ હોય છે. દા.ત. જેઓ પોતાના સંતાનને વિદેશ ભણવા મોકલવા માગે છે તેઓ વિદેશી ચલણના હૂંડિયામણ દરમાં ચાલી રહેલી વૉલેટિલિટીને અનુલક્ષીને અથવા પોર્ટફોલિયો ઘટી ગયો હોવાને કારણે સંતાનને મોકલવાનું માંડી નહીં વાળે. કોઈને સારવાર કરાવવાની તાકીદે જરૂર પડે તો એ વ્યક્તિનો ઇલાજ બજારની સ્થિતિ જોઈને નહીં, પણ એ વ્યક્તિની આરોગ્યની સ્થિતિના આધારે નક્કી થશે.

અહીં ખાસ જણાવવાનું કે આપણે બધા આપણા ભૂતકાળના અનુભવના આધારે નાણાકીય બાબતોમાં પ્રતિક્રિયા આપતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિને ઘટી રહેલા બજારમાં વધુ રોકાણ કરવાની તક દેખાતી હોય છે, જ્યારે બીજા કોઈ માણસને વધુ નુકસાન થવા પહેલાં બજારમાંથી રોકાણ ઉપાડી લેવાનું મન થઈ જાય છે. આમ આ નિર્ણયો પરિસ્થિતિ પ્રત્યેના દૃષ્ટિકોણ પર નિર્ભર હોય છે.

ઉક્ત ચર્ચા દ્વારા એટલું જ કહેવાનું છે કે આપણા નાણાકીય નિર્ણયોને આપણાં નાણાકીય લક્ષ્યો સાથે તથા આપણી એકંદર આર્થિક સુખદ સ્થિતિ સાથે સંબંધ છે. જેઓ લાંબા ગાળા માટે રોકાણ ધરાવે છે તેમણે બજારમાં થોડા દિવસ ઘટાડો આવે એનાથી કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. આથી જેમને સવાલ હોય કે પોતે શું કરવાની જરૂર છે તેમણે પોતાના નાણાકીય આયોજન પર, નાણાકીય લક્ષ્યો પર ફરી એક નજર કરી લેવી જોઈએ અને આવશ્યકતા મુજબનાં પગલાં ભરવાં જોઈએ.

stock market share market finance news mutual fund investment columnists gujarati mid-day mumbai