આંખને દૃષ્ટિ હોય, પણ યાદ રહે કે દિમાગને વિઝન હોય અને આવશ્યક એ જ છે

29 December, 2018 09:31 AM IST  |  | મનોજ નવનીત જોષી

આંખને દૃષ્ટિ હોય, પણ યાદ રહે કે દિમાગને વિઝન હોય અને આવશ્યક એ જ છે

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?  

આ આપણે નથી સમજી શક્યા. ક્યારેય નહીં એવું કહું તો પણ ચાલે. આ જ વાતને ગોરી પ્રજાએ ખૂબ સરસ રીતે જીવનમાં ઉતારી છે એવું મારું ઑબ્ઝર્વેશન કહે છે. આંખની નજર અને દિમાગની દૃષ્ટિ વચ્ચે ખૂબ મોટો ફરક છે અને જે ફરક છે, તફાવત છે એને આપણે સૌએ સમજવો જોઈશે. જ્યારે પણ આ વાતને સમજવામાં થાપ ખાવામાં આવી છે ત્યારે નુકસાન વર્તમાનને નથી થયું, પણ એ નુકસાન ભવિષ્યે જોવું પડ્યું છે. જેણે પણ આ વાત સમજવામાં થાપ ખાધી છે એ કાયમ આજની જરૂરિયાતને, અત્યારની આવશ્યકતાને જોઈને જ આગળ વધ્યો છે; પણ તેણે ક્યારેય ર્દીઘદૃષ્ટિ નથી વાપરી અને ર્દીઘદૃષ્ટિ નથી વાપરી એટલે નુકસાન ભવિષ્યે જોયું છે.

 

વિઝન. જો વિકાસ જોઈતો હોય, આગળ વધવું હોય તો વિઝન એટલે કે દૃષ્ટિને કામે લગાડવી પડશે. દરરોજની જે જવાબદારી છે એ જવાબદારીની સાથોસાથ અને એ જવાબદારીઓ પૂરી કરતાં-કરતાં પણ નવી અને ઊંચાઈ પર લઈ જવાનું કામ જે કરી શકે એ દૃષ્ટિ કેળવવી પડશે. આ કેળવણી કોઈ આપી ન શકે. એ કેળવણી સમજદારીમાંથી જ આવે અને આ સમજદારી કાં તો જાતે કેળવવી પડે અને કાં તો અનુભવ સાથે આવે.

 

હું કહીશ કે અંગ્રેજોએ કેળવણી જાતે મેળવી હતી અને એટલે જ તેમણે અનુભવની સાથે આવતી કડવાશ ભોગવવાનો સમય નહોતો આવ્યો. મારું પણ કહેવું એ જ છે કે આપણે પણ શું કામ આ વિઝન, આ ર્દીઘદૃષ્ટિ અને ર્દીઘદૃષ્ટિ માટેનો દૃષ્ટિકોણ ન કેળવી શકીએ? અનુભવના આધારે જો એ મળશે તો જોખમી પુરવાર થશે; પછી એ ચાહે ધનની દૃષ્ટિથી જોખમી હોય, સમયની દૃષ્ટિએ કે કોઈ વખત શાખની દૃષ્ટિએ પણ જોખમી હોઈ શકે છે. ધોળી પ્રજાએ હંમેશાં બે વાત પર ધ્યાન આપ્યું છે. પર્ફેક્ટ ટાઇમ મૅનેજમેન્ટ અને અવૉઇડ મિસઅન્ડરસ્ટૅન્ડિંગ. ગેરસમજનું નિરાકરણ કેમ કરવું એના વિશે ભવિષ્યમાં ક્યારેક વાત કરીશું, પણ ટાઇમ મૅનેજમેન્ટ વિશે અત્યારે વાત કરવાનો આ પર્ફેક્ટ સમય છે. અંગ્રેજોએ સમયના ભોગે કોઈ અનુભવ લેવાનો પ્રયાસ નથી કર્યો. ધન અને શાખની બાબતમાં અંગ્રેજો સૌથી વધારે ચીકણા પણ છે અને સૌથી વધારે મોટા હાથવાળા પણ છે. એકબીજાથી એકદમ વિપરીત કહેવાય એવી આ વાતને જરા વિગતવાર સમજવાનો પ્રયાસ કરજો.

અનુભવ માટે સમય ખર્ચવો નહોતો એટલે તેમણે સીધો રસ્તો અપનાવ્યો - અનુભવી પાસેથી શીખો. અમેરિકા, કૅનેડા, બ્રિટન કે ઑસ્ટ્રેલિયા જઈને જોઈ આવવાની છૂટ. તમને દેખાઈ આવશે કે કાળા વાળ કરતાં સફેદ વાળની શું કિંમત છે અને સફેદ વાળને કેવું મહkવ મળે છે. અનુભવનું અહીં મૂલ્ય છે, જ્યારે આપણે અનુભવને ઉતારી પાડીએ છીએ. અનુભવ અહીં પૂજાય છે, જ્યારે આપણે ત્યાં અનુભવને હસી કાઢવામાં આવે છે. આપણે હંમેશાં વિદેશના ચીલે ચાલ્યા છીએ, પણ આપણે એવું કરવા જતાં એ ભૂલી જઈએ છીએ કે આપણી એ નકલમાં અક્કલ નથી હોતી અને એટલે જ આપણે સમય આવ્યે ધોબીપછાડ ખાવી પડે છે. જો એ ન ખાવી હોય તો ઍટ લીસ્ટ તમે અનુભવીની કિંમત કરવાનું શીખજો. અનુભવે શીખવાને બદલે અનુભવી પાસેથી શીખજો. લાભમાં રહેશો, ફાયદામાં રહેશો.

columnists