કિડની પર આવેલા પ્રેશરને હું કોઈ પણ દીવાલ પર પાથરી શકું

19 July, 2020 10:11 PM IST  |  Mumbai | Manoj Joshi

કિડની પર આવેલા પ્રેશરને હું કોઈ પણ દીવાલ પર પાથરી શકું

પ્રતીકાત્મક તસવીર

નાના હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં એક પ્રતિજ્ઞા વાંચી હતી. આજે પણ એ પ્રતિજ્ઞા આપણાં પુસ્તકોમાં આવે છે એટલે જો એ વાંચવી હોય તો તમે કોઈ પણ પાઠ્યપુસ્તક ખોલીને એ વાંચી શકો છો.

ભારત મારો દેશ છે.

બધા ભારતીયો મારાં ભાઈ-બહેન છે.

ભારત મારો દેશ છે. આજે પણ આ હકીકત છે, પણ એક જ હકીકત એવી રહી છે જેને કોઈ ઠુકરાવી નથી શકતું. બાકીની એક પણ પ્રતિજ્ઞામાં કોઈને રસ નથી, કોઈને દિલચસ્પી નથી અને કોઈને એ યાદ પણ નથી કરવી. નાનપણમાં તો સ્કૂલમાં એ દરરોજ બોલાવવામાં આવતી. પ્રાર્થના કરાવતા શિક્ષક સૌથી પહેલાં બોલે અને એ બોલે પછી આપણે એ પ્રતિજ્ઞાને જોરથી ઝીલવાની અને પુનરાવર્તન કરવાનું. વારંવાર, એકધારી અને વર્ષો સુધી બોલાવેલી એ પ્રતિજ્ઞા અત્યારે કેટલા લોકો પાળી રહ્યા છે.

જવાબ છે કોઈની પાસે?

ભારત મારો દેશ છે અને એટલે જ હું ગુટકા ખાઈને ભારતમાં મન પડે ત્યાં થૂંકું છું. ભારત મારો દેશ છે એટલે જ વેફર્સ ખાઈને હું કારની વિન્ડો ઉતારીને પૅકેટ હવામાં રમતું મૂકી દઉં છું. ભારત મારો દેશ છે અને મારા કચરાને પણ આ દેશમાં આઝાદી છે. ભારત મારો દેશ છે અને મારો દેશ છે એટલે જ હું જેવો ભણી લઉં કે બીજી જ મિનિટે અમેરિકા અને કૅનેડા જવાની તૈયારી શરૂ કરી દઉં છું. ઘરને નહીં, આડોશી-પાડોશીને ડેવલપ કરવા એ મારો ધર્મ છે, એવું ધારીને જ તો હું ફૉરેન જવાની બધી તૈયારી આરંભી દઉં છું. અહીં મને રહેવું નથી, કારણ કે આ દેશ રહેવાલાયક છે જ નહીં. આ દેશ કરતાં તો બીજા દેશ શ્રેષ્ઠ છે અને એટલે જ મારે અહીંથી નીકળીને શ્રેષ્ઠ સ્થાન પર રહેવા નીકળી જવું છે. અહીં હું બધું બગાડી શકું, ફૉરેનમાં હું બધા નિયમો પાળી શકું અને એ પછી પણ હું કહેવાઈશ તો આ જ દેશનો નાગ‌‌‌‌રિક. કારણ, કારણ ભારત મારો દેશ છે.

ભારત મારો દેશ છે અને એટલે ક્યારેક મારી કિડની પ્રેશર કરે તો હું ક્યાંય પણ ઊભો રહી જાઉં છું. ઝાડને ભલે હું આમ પાણી ન પીવડાવું, પણ આ રીતે હું મારાં મળમૂત્ર તો એની ઓથમાં જ મૂકી આવું. યુ સી, ભારત મારો દેશ છે, આ દેશમાં મને જેકાંઈ કરવું હોય એ કરવાની આઝાદી છે અને એ આઝાદી મારો જન્મસિદ્ધ અધિકાર છે. ભારત મારો દેશ છે અને એટલે સિગ્નલ તોડવાના બધા અધિકાર હું ભોગવું છે. મારી પાસે લાઇસન્સ માગવામાં આવે ત્યારે પણ હું વિનાસંકોચ મારું માન, મારો મરતબો દેખાડી દઉં છું. આ મારો અધિકાર છે ભાઈ. હું કોણ છું, મારી હેસિયત શું છે, મારી તાકાત શું છે એની દુનિયાને ખબર હોવી જોઈએ.

હું ભારતીય છું અને ભારતીય છું એટલે જ મને ખબર છે કે આ દેશની એકેક સંપત્ત‌િ, એકેક નિયમ, બનાવવામાં આવેલી એકેએક સિસ્ટમ અને એકેક પ્રથાને તોડવાનો મારો અધિકાર છે. હું ભારતીય છું અને એટલે જ મને ખબર છે કે હું બેફામ ટૅક્સ-ચોરી કરી શકું છું અને હું ઇચ્છું એમાં ભેળસેળ કરી શકું છું. હું ભારતીય છું અને એટલે જ મને પ્રામાણિક રહેવાની કોઈ જરૂરિયાત લાગતી નથી. મારા આચરણમાં, મારા વિચારમાં ક્યાંય શુદ્ધતા હોવી પણ મને જરૂરી નથી લાગતી, કારણ, કારણ એ જ છે. જૂનું અને જાણીતું કારણ...

હું ભારતીય છું.

columnists manoj joshi