મા-બાપ દયા નહીં, શાંતિનાં અધિકારી છે; ઉપેક્ષા નહીં, આદરનાં હકદાર છે

04 July, 2025 07:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે ઘર-પરિવારથી દૂર જાય ત્યારે અપરિચિતોને મળવાનો તેમને સંકોચ નથી થતો! અજાણ્યાઓ સાથે પરિચય કેળવવા આવી મીટમાં સામેથી નાણાં ખર્ચીને જાય છે!

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

થોડા સમય પહેલાં છાપામાં એક ફોટો જોયેલો. ‘અજાણ્યા લોકોને મળવાનું અને તેમની સાથે વાતો કરવાની. એમ હળતાં-મળતાં પછી એ અજાણ્યાઓ એકમેકના ઓળખીતા બને. ના, આ કોઈ ડેટિંગ ઍપની વાત નથી. મુંબઈ, બૅન્ગલોર, ગુડગાંવ, હૈદરાબાદ જેવાં શહેરોમાં કોઈ ડીસન્ટ રેસ્ટોરાં કે ક્લબ અથવા કોઈ હૉલ ભાડે રાખીને આવી બેઠકો ગોઠવાય છે. શહેરોમાં ભણવા કે નોકરી કરવા આવેલા યંગસ્ટર્સ પોતાના પરિવારજનો, સ્નેહીઓ અને મિત્રોને મિસ કરતા હોય અને નવા વાતાવરણમાં કોઈ પરિચિત ન હોય ત્યારે આવી વ્યવસ્થા દ્વારા તેઓ પોતાનું મિત્રવર્તુળ ઊભું કરી શકે.

આ વાંચતાં મને યાદ આવ્યા અનેક યંગસ્ટર્સ જેઓ પોતાનાં સગાંસંબંધીના વર્તુળમાં કોઈ પ્રસંગ હોય તો ભાગ્યે જ હાજરી આપે છે. તેઓ એમ કહીને જવાનું ટાળે છે કે અમને તો ત્યાં કોઈ ઓળખતું પણ નથી. વડીલો કહે કે આપણાં સગાંસ્નેહીઓને વાર-તહેવારે મળો તો બધા ઓળખે અને સંબંધ પણ રહે. પરંતુ આ યુવા પેઢીને એ સ્વજનોને મળવાનું જુનવાણી લાગે છે. જોકે ઘર-પરિવારથી દૂર જાય ત્યારે અપરિચિતોને મળવાનો તેમને સંકોચ નથી થતો! અજાણ્યાઓ સાથે પરિચય કેળવવા આવી મીટમાં સામેથી નાણાં ખર્ચીને જાય છે!

જે ટીનેજર્સ કે યુવાઓ ઘરે પોતાના પરિવાર સાથે હોય છે તેમને ઘરના સ્વજનો સાથે વાત કરવાનો સમય નથી અને મોટા ભાગનાને રસ પણ નથી. પ્રિયજનો નજીક હોય ત્યારે તેમની હાજરીની પણ નોંધ નહીં લેતાં સંતાનોને જોયાં છે. વડીલો પણ સ્વીકારી લે કે ભઈ યુવા પેઢી પોતાનાં કામકાજ કે વ્યવસાયમાં વ્યસ્ત હોય એટલે તેમને ડિસ્ટર્બ કરતાં ગભરાય પરંતુ આજે આ ઍટિટ્યુડ યુવાઓથી, કિશોરો અને છેક બાળકો સુધી પહોંચી ગયો છે! ઘરમાં દાદા-દાદી કે નાના-નાની પોતાની જરૂરિયાતો કે સગવડ સાચવવા માટે છે એની બાળકોને ખબર છે પરંતુ તેમની સાથે વાતો કરવાની કે સમય ગાળવાની તેમને બિલકુલ જરૂર નથી લાગતી.

હમણાં એક પ્રસિદ્ધ જીવનગુરુનો સંદેશો સાંભળ્યો. એમાં તેમણે વૃદ્ધાવસ્થામાં મા-બાપની સંતાનો દ્વારા થતી ઠંડી ઉપેક્ષાનું સચોટ આલેખન કર્યું છે. જીવનનાં આકરાં સત્યો સમજાવતાં તેઓ મા-બાપને સલાહ આપે છે કે તમે ઉપેક્ષા નહીં, આદરને પાત્ર છો; દયા નહીં, શાંતિનાં હકદાર છો. તમારો સમય પણ કીમતી છે અને તમારું મૂલ્ય સમજે એવા લોકો વચ્ચે રહેવાનો અધિકાર તમે રળ્યો છે એ વાતો જે સંતાનો નથી સમજતાં. તેમની પાસે જવાને બદલે પોતાનું માન જાળવી પાછાં વળી જજો.

કમનસીબે યુવાઓના વર્તનમાં વર્તાતી ઉપેક્ષાની ઝલક આજે કેટલાંક બાળકોમાં પણ દેખાઈ રહી છે. એ વધુ કઠોર સત્ય છે.

-તરુ મેઘાણી કજારિયા

columnists gujarati mid day mumbai relationships Sociology social media