૧૯૬૦માં જે પેઇન્ટિઁગ વીસ હજારમાં વેચાતું હતું એના આજે વીસ કરોડ આવે

24 February, 2024 11:08 AM IST  |  Mumbai | Ruchita Shah

ભારતીય કલા પ્રત્યે લોકોના દૃ​ષ્ટિકોણમાં આવેલા બદલાવનું આ પ્રૂફ છે. એને લાવવા માટે મથેલા દેશના ઘણા કર્મવીરોમાંથી એક કર્મવીર એટલે ડૉ. સરયુ વિનોદ દોશી.

સરયુ દોશી, આર્ટ હિસ્ટોરિયન- પદ્‍મશ્રી ૧૯૯૯

વાત એક-બે વર્ષની નથી, પણ મિનિમમ ૬૦ વર્ષ સુધી આર્ટને લગતી દેશની વિવિધ સંસ્થાઓમાં મહત્ત્વની પોઝિશન પર કામ કરવું અને દિવસનો પોણા ભાગનો સમય એમાં જ ખર્ચી નાખવો અને છતાં વળતરરૂપે એક રૂપિયો પણ ન લેવો. આર્ટ માટેનું આવું સમર્પણ અને આર્ટ માટેનું આવું ડેડિકેશન જવલ્લે જ જોવા મળે. અત્યારે સાઉથ મુંબઈમાં રહેતાં એઇટી પ્લસની ઉંમરનાં સરયુબહેનનો એક પણ દિવસ કામ વિનાનો નથી જતો. ધારો કે તેમણે કોઈ સંસ્થાનું કામ ન કરવાનું હોય તો પણ પેઇન્ટિંગ સ્ટડીનું કામ તેઓ તેઓ સતત કરતાં જ રહે છે.

આર્ટ સાથેનો પરિચય
જેતપુરમાં જન્મેલાં સરયુબહેનના પિતા એ જમાનામાં સિવિલ એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ થયેલા. એ પછી જોકે તેમનું મેજર એજ્યુકેશન મુંબઈમાં જ થયું. સરયુબહેન કહે છે, ‘હું સાત વર્ષની હતી ત્યારે મુંબઈમાં ભણવાનું શરૂ કર્યું. સ્કૂલમાં ત્યારે આર્ટ અને લિટરેચર પર ખૂબ ભાર મુકાતો. એ દરમ્યાન જ આર્ટ માટેનું મારું પૅશન મને સમજાઈ ગયું હતું. સ્કૂલનું એજ્યુકેશન પત્યા પછી કૉલેજમાં અને પછી પોસ્ટ-કૉલેજ જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં, પણ હું આર્ટ સાથે જોડાયેલી રહી છું.’

જૈનોના મિનિએચર આર્ટ ફૉર્મમાં અને એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટરી ઍન્ડ કલ્ચર વિષયમાં ૧૯૭૧માં પીએચડી કરનારાં અને ત્યાર પછી યુનિવર્સિટી ઑફ શિકાગોમાં પોસ્ટ-ડૉક્ટરલ રિસર્ચ કરનારાં સરયુબહેન કદાચ ભારતનાં પહેલાં એવાં આર્ટ હિસ્ટોરિયન હતાં જેમણે ઑફિશ્યલી આર્ટ વિષય માટે વિદેશની યુનિવર્સિટીનાં બાળકોને ભણાવ્યાં હોય. ભારતના ક્લાસિક અને કન્ટેમ્પરરી આર્ટમાં જેમની વિદ્વત્તાનાં વખાણ દુનિયામાં થયાં છે એ સરયુબહેને ભારત સરકારની નૅશનલ ગૅલરી ઑફ મૉડર્ન આર્ટમાં ડિરેક્ટર તરીકે સેવા આપી છે. એ દરમ્યાન પ૦ વર્ષની સાલગિરહ માટે તેમણે અમિતાભ બચ્ચનને આમંત્રિત કર્યા જેમને કારણે આર્ટને લગતી અવેરનેસમાં ઉછાળ જોવા મળેલો. ૧૯૯૬થી ૨૦૦૫ દરમ્યાન તેમણે મોટા ગજાનાં કહી શકાય એવાં તેરથી વધારે આર્ટ એક્ઝિબિશન અને શોનું આયોજન કરીને લોકો કઈ રીતે આર્ટ તરફ ખેંચાય એના માટે કામ કર્યું. એમાં તેમણે કરેલા એક નવતર પ્રયોગની વાત કરતાં તેઓ કહે છે, ‘એ સમયે અમે પેઇન્ટિંગ માટે લોકોનું આકર્ષણ વધે એ માટે સેલિબ્રિટીઝ ચૉઇસ, આર્સ્ટિસ્ટ ચૉઇસ, કલેક્ટર ચૉઇસ જેવા વિભાગો પાડીને ગૅલરીમાં બેસવાની જગ્યાએ આર્ટ એક્ઝિબિશન કરેલું. આમાં બન્યું એવું કે જે લોકોને પેઇન્ટિંગમાં રસ ન પણ પડે, પણ મારા ફલાણા ફેવરિટ ઍક્ટરનું ફેવરિટ પેઇન્ટિંગ કયું છે એ જોવા પણ તેઓ આર્ટ ગૅલરી તરફ ખેંચાય અને એમાં જ તેને કલા પ્રત્યે પ્રેમ જાગી જાય તો આપણો ઉદ્દેશ સફળ. સામાન્ય જન આર્ટ પ્રત્યે જાગૃત થાય એ માટે આવા ઘણા પ્રયોગો વારંવાર અમે કર્યા છે અને એનું પરિણામ આજે દેખાય પણ છે. આની ક્રેડિટ હું એકલી લઉં એ યોગ્ય નથી, પરંતુ એવા ઘણા લોકો જેઓ આર્ટને સમર્પિત હતા તેમના સ​હિયારા પ્રયાસનું જ આ પરિણામ છે કે પહેલાં ભારતીય ચિત્રકારોનાં નામ પણ ભાગ્યે જ કોઈને ખબર હતાં એટલે તેમનાં પેઇન્ટિંગ્સને ઊંચા દામ મળવાનું તો દૂરની વાત રહી. જોકે આજે લોકો પેઇન્ટર્સને ઓળખે છે અને એટલે જ ૧૯૬૦માં જે પેઇન્ટિંગ ધારો કે વીસ-પચ્ચીસ હજારમાં વેચાવાનું હોય એના આજે ૨૦ કરોડ પણ મળવા માંડ્યા છે.’

અહીં ઉલ્લેખનીય છે કે સરયુબહેન લલિત કલા ઍકૅડેમીમાં ૧૯૯૯થી ૨૦૦૨ સુધી ચૅરમૅન રહ્યાં જે કલાક્ષેત્રે ખૂબ મહત્ત્વપૂર્ણ સંસ્થા મનાતી. તેમણે મુકુલ આનંદ દ્વારા શરૂ થયેલા માર્ગ પબ્લિકેશન માટે ૧૯૮૧થી ૧૯૮૬ સુધી એડિટર તરીકે સેવા બજાવી અને એમાં પણ તેમણે એ માધ્યમ થકી આર્ટની ભરપૂર સેવા કરી. લોકોમાં જાગૃતિ લાવવા માટેનાં આ વર્ષો ખૂબ મહત્ત્વનાં હતાં.

આપણી પાસે ખજાનો
યુનિવર્સિટી ઑફ મિશિગન, યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયામાં આર્ટ વિષય પર તેઓ લેક્ચર આપવા માટે પણ જતાં. સરયુબહેને આર્ટ હિસ્ટરી અને એના કલ્ચર પર ઢગલાબંધ આર્ટિકલ અને પુસ્તકો પણ લખ્યાં છે અને આ જ વિષય પર લખાયેલાં પુસ્તકોમાં એડિટિંગની જવાબદારી પણ સુપેરે સંભાળી છે. ૧૯૯૯માં પદ્‍મશ્રી મેળવનારાં સરયુબહેનને ‘ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઇટાલિયન સૉલિડેરિટી’ અવૉર્ડથી ઇટલીની સરકારે સન્માનિત કર્યાં હતાં. આર્ટ ઑફ ઇન્ડિયા સોસાયટી દ્વારા તેમને લાઇફટાઇમ કૉન્ટ્રિબ્યુશન અવૉર્ડથી નવાજવામાં આવ્યાં છે. આ સિવાય સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇન્ડિયન ફિલ્મ સર્ટિફિકેશનનાં ૧૯૮૧થી ૧૯૮૯ સુધી તેઓ મેમ્બર હતાં. મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના ઍડ્વાઇઝરી કાઉન્સિલ તરીકે પણ તેમણે કામ કર્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલયનાં તેઓ ટ્રસ્ટી છે અને ભારત સરકારની સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશન્સના ઍડ્વાઇઝરી મેમ્બર. એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈનાં તેઓ મેમ્બર રહી ચૂક્યાં છે. અત્યારે આયુષ્યના આઠ દાયકા વિતાવી દીધા પછી પણ તેઓ સક્રિય છે. ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ઑફ આર્ટ્‍સમાં તેઓ બોર્ડ ઑફ ટ્રસ્ટીનાં મેમ્બર છે અને ઇન્ડિયન નૅશનલ ટ્રસ્ટ ઑફ આર્ટ ઍન્ડ કલ્ચરલ હેરિટેજનાં વાઇસ ચૅરપર્સન છે. આ બધાં જ કાર્યોમાં મળેલા અનુભવના આધારે તેઓ કહે છે, ‘આપણી પાસે આર્ટનો ખજાનો છે. જરૂર છે માત્ર એને ઓળખવાની. ભારતની પ્રાચીન કળા માટે બે જ વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે : પ્રિઝર્વ ઍન્ડ પ્રાઇડ. તમે જાળવણી કરતાં શીખો અને તમારી પાસે જે છે એના માટે ગૌરવ લો, કારણ કે તમને નથી ખબર કે એ ખજાનો કેટલો અમૂલ્ય છે. મજાની વાત એ છે કે ભારત પાસે જેમ એન્શિયન્ટ આર્ટ છે એમ કન્ટેમ્પરરી આર્ટ પણ ડેવલપ થઈ રહ્યું છે. એની ડિમાન્ડ વધી છે.’

હું આર્થિક રીતે એટલી સજ્જ હતી કે મારું ગમતું કામ કરવા માટે પૈસા લેવાની જરૂર જ નહોતી. મારા દેશ માટેનું મારું આ કૉ​ન્ટ્રિબ્યુશન છે જેમાં દેશની કલાના જતન માટે મારાથી થઈ શકે એવા પ્રયાસો મેં કર્યા છે. હું માનું છું કે ઈશ્વરે પોતપોતાના સ્તર પર દરેકને એ ક્ષમતા આપી છે જેમાં તેઓ દેશનું ગૌરવ વધારી શકે.

columnists gujarati mid-day south mumbai