01 April, 2023 03:47 PM IST | Mumbai | Dr. Dinkar Joshi
પ્રતિકાત્મક તસવીર
‘મમ્મી, આજે શેનું શાક બનાવ્યું છે?’ કોઈ પણ પરિવારમાં બાળક રસોડામાં જઈને માતાને આવો પ્રશ્ન પૂછે એમાં કંઈ નવું નથી.
‘ભીંડાનું.’ માતા જવાબ વાળે.
‘ભીંડાનું શાક નહીં બનાવવાનું મમ્મી. ભીંડો મને નથી ભાવતો.’ બાળકનું મોં બગડી જાય છે અને તે નારાજ થઈ જાય છે.
‘એવું ન ચાલે. જે રસોઈ કરી હોય એ ખાઈ લેવાની.’ બહારના દીવાનખંડમાં બેસીને છાપું વાંચી રહેલા પિતા હવે આ વાતમાં વચ્ચે પડે છે.
‘કંઈ વાંધો નહીં.’ માતા દીકરા માટે સમાધાન શોધે છે. ‘તને હું બટાટાનું શાક બનાવી દઈશ.’
આ સાંભળીને પિતાએ સહેજ અણગમાથી કહ્યું, ‘તું બાળકને બગાડે છે. ઘરમાં જે કર્યું હોય એ ખાવાની બાળકે ટેવ પાડવી જોઈએ.’
પછી શું થયું એ વાત મહત્ત્વની નથી. આ સંવાદ અને આ દૃશ્ય લગભગ દરેક જણે જોયા કે સાંભળ્યા હશે.
નાની-મોટી કોઈ પણ વાત સમજણ કે એકાત્મતાથી થાય એવું બનતું નથી. ભારતીય જનસંઘના નેતા સદ્ગત દીનદયાળ ઉપાધ્યાયે લખેલું એક પુસ્તક હમણાં વાંચવામાં આવ્યું. આ પુસ્તકમાં તેમણે માણસ-માણસ વચ્ચે સહયોગ સધાયેલો રહે અને એકાત્મ ભાવથી કામગીરી થતી રહે એ માટે વિચારણા કરી છે. એ વિચારણાના રાજકીય પાસાને એક બાજુ રાખીને વહેવારિક પાસા વિશે થોડુંક ધ્યાન દેવું રસપ્રદ છે.
બે માણસ એક થાય છે?
સહયોગ અને એકાત્મભાવ મનને રાજી કરી મૂકે એવી વિભાવના છે. ભીંડાનું શાક કરવું કે ન કરવું એવા નજીવા મુદ્દા પર પણ બાળકની જીદ સાથે માતાપિતાના એટલે કે પતિપત્ની વચ્ચેના મતભેદ થોડી વારમાં જ ઉગ્રતા ધારણ કરી લે છે. આવી ઉગ્રતા પહેલી નજરે સાવ નજીવી લાગે છે પણ એનું સ્વરૂપ જુદા-જુદા પરિવેશમાં રોજેરોજ સામે આવે છે. અને આ રોજનો સરવાળો ગણિતના દાખલાની જેમ કશીયે ખબર પડે એ પહેલાં વધતો જાય છે. જરાક પાછું વળીને જોઈએ ત્યારે ભારે આશ્ચર્ય પણ થાય છે. ઘરમાં હોઈએ કે બહાર, ઑફિસમાં હોઈએ કે પછી કોઈ સામાજિક સંબંધમાં હોઈએ, નાના-મોટા પ્રસંગો યાદ કરીએ ત્યારે એવો પ્રશ્ન પણ થાય, આપણે કેટલા મુદ્દાઓ ઉપર સહયોગ કરીએ છીએ.
ભોજન પ્રાણીમાત્ર માટે અત્યંત અગત્યની ઘટના છે. આ ભોજનના મુદ્દે પરમાત્માએ માણસને છ સ્વાદ આપ્યા છે. કોઈ માણસને ગળ્યો સ્વાદ ભાવે છે તો કોઈને તીખો સ્વાદ પસંદ છે. કોઈને ખાટું વધારે ભાવે છે તો કોઈને ખારો સ્વાદ ગમે છે. ગળ્યો સ્વાદ પસંદ કરનારને ગળપણ જ શા માટે પ્રિય છે અને તીખી વાનગીને પસંદ કરનારને તીખાશ જ શા માટે વહાલી છે એનો કોઈ ખુલાસો આપી શકાશે નહીં. પસંદગી માટે કોઈ કારણ નથી. એ જ રીતે નાપસંદગી માટે પણ કોઈ ચોક્કસ કારણ હોતાં નથી. અને આમ છતાં આ અંતર ક્યારેક ભારે મોટું થઈ જતું હોય છે.
ભગવાનને શાનો પ્રસાદ ભાવે છે?
દુનિયાભરના દરેક ધર્મના અનુયાયીઓ પાસે તેમનાં ચોક્કસ શ્રદ્ધાસ્થાનો હોય છે. આ શ્રદ્ધાસ્થાન જેરુસલેમ હોય, મક્કા-મદીના હોય, ગોકુળ-મથુરા હોય કે પછી સમેત શિખર હોય આ અનુયાયીઓ પોતાના આ સ્થાનકે જઈને તેમની વિધિ અનુસાર પાઠપૂજા કે સ્તુતિ-સ્તવન કરે છે. આ વિધિવિધાનમાં પ્રસાદનો સમાવેશ થતો હોય છે. આ પ્રસાદ એટલે શું એ થોડી સમજવા જેવી વાત છે. આદિકાળમાં માણસે દેવપૂજાનો આરંભ કર્યો ત્યારે ખોરાકની પ્રાપ્તિ એ જીવન ટકાવી રાખવાની સૌથી દુષ્કર જરૂરિયાત હતી. ધાર્મિક અનુયાયીઓએ પોતાના શ્રદ્ધાસ્થાનકે પૂજનીય દેવને અર્પણ કરવા માટે પોતાને જે દુષ્કર હતું એ જ રાખ્યું હોય. આમ દેવને જે ધરવામાં આવ્યું એની પવિત્રતા સાથે એનો પુનઃ સ્વીકાર કરવો એવી માન્યતાનો પ્રસાદ તરીકે ઉદ્ગમ થયો હોય એ સંભવિત છે.
હવે જુદા-જુદા દેશ, સમય અને પરિસ્થિતિ અનુસાર સ્થાનિક માણસોએ પોતપોતાના દેવનો પ્રસાદ પોતપોતાની રીતે કર્યો હોય એ બનવાજોગ છે. આમ જુદા-જુદા દેવસ્થાનકોએ જુદા-જુદા પ્રસાદનાં વ્યંજનોનો વિકાસ થયો હોય એવું બને. બહુ લાંબે ન જઈએ અને તદ્દન નજીકના ભૂતકાળમાં દેવસ્થાનક તરીકે સ્થાન પામેલા સાંઈબાબા કે સંતોષી માતાને જોઈએ ત્યારે એમના માટે આપોઆપ નિર્માણ થઈ ગયેલા ગુરુવાર અને શુક્રવાર યાદ આવે. આ સાથે જ સહજતાથી પ્રાપ્ત થતો ધાણી કે દાળિયાનો પ્રસાદ યાદ આવે. અન્ય ધર્મસ્થાનકોએ સુખડી અથવા લાડુ પ્રસાદ તરીકે ધરાતાં રહ્યાં છે. વાસ્તવમાં આ કોઈ ખાદ્યસામગ્રી દેવની પોતાની પસંદગી નથી હોતી. ભગવાન શિવજીના ગણ કાલભૈરવને એમના મંદિરમાં પ્રસાદ તરીકે મદિરા ધરવામાં આવે છે અને સહુ ભક્તજનો એ મદિરાને પ્રસાદ તરીકે સ્વીકારીને એનું આચમન પણ કરે છે. નવરાત્રિ નિમિત્તે માતાજીને જે પ્રસાદ ધરવામાં આવે છે એને સ્તવનમાં જ સવામણનું સુખલડું અને અધમણની કુલેર એમ કહેવામાં આવ્યું છે. આ મણ, સુખલડુ અને કુલેર જેવા શબ્દો આજે નવી પેઢીના ભક્તજનો ઓળખી પણ નહીં શકે (આ મણ એટલે બ્રિટિશકાળમાં વપરાતું એક માપ છે. સુખલડું એટલે સુખડી અથવા ગોળપાપડી).
માણસે પોતાની સગવડ અનુસાર પોતાના દેવ માટે પ્રસાદ નિર્માણ કર્યો છે એ વૈવિધ્ય છે. માણસે એમાંથી એકાત્મતા શોધી કાઢવાની હોય છે. પ્રસાદના ભાવ સાથે જ્યારે ભક્તિ ભળે છે ત્યારે આ પ્રસાદ પવિત્ર બની જાય છે.