વન બિગ બ્યુટિફુલ બિલ

23 July, 2025 04:38 PM IST  |  Washington | Sudhir Shah

બિલથી અમેરિકામાં જે બૉર્ડર સિક્યૉરિટી માટે પૈસા ફાળવવામાં આવે છે જે આજ સુધી લગભગ ૧૦ મિલ્યન ડૉલર હતા એ વધારીને ૧૭૦ બિલ્યન ડૉલર ફાળવવામાં આવ્યા છે

ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

અમેરિકાના હાલના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ૨૦૨૫ની ૪ જુલાઈના દિવસે એક બિલ પર સહી કરી છે એના થકી એક નવો કાયદો ઘડ્યો છે. આ બિલનું શીર્ષક છે ‘વન બિગ બ્યુટિફુલ બિલ.’ એમાં સેંકડો જાતજાતનાં પ્રોવિઝનો છે. આપણે ઇમિગ્રેશનની બાબતમાં આ બિલથી શું ફેરફારો આવ્યા છે એ જોઈએ.

આ બિલથી અમેરિકામાં જે બૉર્ડર સિક્યૉરિટી માટે પૈસા ફાળવવામાં આવે છે જે આજ સુધી લગભગ ૧૦ મિલ્યન ડૉલર હતા એ વધારીને ૧૭૦ બિલ્યન ડૉલર ફાળવવામાં આવ્યા છે. આટલી મોટી રકમ બૉર્ડર સિક્યૉરિટી માટે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં અમેરિકાના બજેટમાં ક્યારેય પણ ફાળવવામાં આવી નહોતી.

આના લીધે બૉર્ડર પર જબરદસ્ત પહેરો થશે, જે લોકો અમેરિકામાં મેક્સિકો અને કૅનેડાની બૉર્ડરમાંથી ઘૂસી આવતા હતા એ લોકો અટકી જશે. આ બિલ હેઠળ ૪૬.૫ બિલ્યન ડૉલર મેક્સિકોની સરહદ પર જે દીવાલ ચણવાની છે એના માટે ફાળવવામાં આવ્યા છે. ૪૫ બિલ્યન ડૉલર એક લાખ નવા માઇગ્રન્ટો માટે ડિટેન્શન બેડ બનાવવા માટે ખર્ચવામાં આવશે. એટલે કે જે લોકો ઇલ્લીગલી અમેરિકામાં ઘૂસવા ચાહતા હોય તેમને પકડીને જેલમાં મૂકો તો તેમને રહેવા માટે જે સગવડ કરવામાં આવે એને માટે એક લાખ નવા લોકો રહી શકે એવાં રહેઠાણ માટે ૪૫ બિલ્યન ડૉલર ફાળવવામાં આવ્યા છે. ૨૯.૯ બિલ્યન ડૉલર ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ એન્ફોર્સિસ માટે ફાળવવામાં આવ્યા છે અને દસ હજાર નવા ઑફિસરોને આ રકમ હેઠળ નોકરીએ રાખવામાં આવશે. ૧૭.૩ બિલ્યન ડૉલર લૉ એન્ફોર્સમેન્ટ બૉર્ડર ઉપરના જે છે એ લોકો માટે ફાળવવામાં આવ્યા છે. ૭.૮ બિલ્યન ડૉલર બૉર્ડર પેટ્રોલના એજન્ટ અને તેમનાં વાહનો માટે ફાળવવામાં આવ્યા છે. ૬.૨ બિલ્યન ડૉલર બૉર્ડર પરની ટેક્નૉલૉજી માટે ફાળવવામાં આવ્યા છે અને ૩.૩ બિલ્યન ડૉલર ઇમિગ્રન્ટ જજો માટે અને તેમની કોર્ટના સ્ટાફ માટે ફાળવવામાં આવ્યા છે.

આમ ટ્રમ્પે વન બિગ બ્યુટિફુલ બિલ હેઠળ માન્યામાં ન આવે એટલી મોટી રકમ ઇમિગ્રન્ટોને અમેરિકામાં આવતા અટકાવવા અને જેઓ અમેરિકામાં ઘૂસી આવ્યા હોય તેમને જેલમાં રાખવા માટે, પોલીસ દળ વધારવા માટે, ઇમિગ્રન્ટ ઑફિસર વધારવા માટે, જજો વધારવા માટે ફાળવ્યા છે.

અમેરિકા જવું હોય તો કાયદેસર જજો. કાયદેસર અમેરિકા જવા માટે નૉન-ઇમિગ્રન્ટ તેમ જ ઇમિગ્રન્ટ વીઝા ઘડવામાં આવ્યા છે એની જાણકારી મેળવી લો, પછી અમેરિકામાં પ્રવેશો. ઇલ્લીગલી અમેરિકામાં જવાનો વિચાર બિલકુલ કરતા નહીં.

donald trump us president united states of america international news columnists Sociology gujarati mid day