16 December, 2023 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હું અને મારી દુનિયા...
મારું બાળપણ બહુ એકલવાયું ગયું છે. મારે બહેન હતી, પણ બીજાં બાળકોને મમ્મી ટિફિન બનાવીને આપે કે પેરન્ટ્સ ટીચર મીટિંગ કે પછી એ પ્રકારનાં ફંક્શનમાં મમ્મી સાથે જ હોય એવું ક્યારેય મારી સાથે નથી બન્યું. મારાં મમ્મી ઍક્ટ્રેસ, મારા નાના પણ ફિલ્મમેકર અને એ પછી પણ ઘરનું વાતાવરણ અમારા માટે સ્ટ્રિક્ટ. સાંજે ૭ વાગ્યા પહેલાં ઘરે આવી જવાનું. છોકરાઓને ફ્રેન્ડ્સ બનાવવાની તો શું વાત, તેમની સાથે વાતો પણ કરવાની નહીં. લાઇફમાં ઘણી એવી બાબતો હતી જે હું મારા બાળપણમાં મિસ કરતી. હવે તો સ્કૂલ-બુલિંગ વિશે અવેરનેસ આવી ગઈ, પણ એ સમયે એની ચર્ચા નહોતી થતી.
તમે માનશો નહીં, પણ મારી બ્યુટી એ સમયે મારી સૌથી મોટી દુશ્મન હતી. એક તો ઍક્ટ્રેસની દીકરી તરીકે હું સ્કૂલના ફ્રેન્ડ્સમાં થોડી અળખામણી બની, તો સાથે મારી બ્યુટી મને એ લોકોની નજીક જવા દે નહીં. સ્કૂલની છોકરીઓ મન ફાવે એવી મારા પર કમેન્ટ્સ કરતી અને મનોમન હું મૂંઝાયા કરું. અરે, મને મનમાં ને મનમાં કે પછી એકલી હોઉં ત્યારે રડવું આવી જતું કે શું કામ હું આટલી બ્યુટિફુલ છું?! અમુક પ્રકારનાં કપડાં પહેરવાનો મને ડર લાગતો કે એ પહેર્યા પછી લોકો મારી શું વાતો કરશે. તમે માનશો નહીં, પણ મારા બાળપણનો એ સમય બહુ ડર અને ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સમાં પસાર થયો છે.
હું મનની વાત કોઈને કહી નહોતી શકતી. મને યાદ છે કે આ જ કારણે મેં નક્કી કરેલું કે હું ક્યારેય ઍક્ટ્રેસ નહીં બનું. ખરેખર, તમને નવાઈ લાગશે કે મને મળેલી તકને મેં પ્રયત્નપૂર્વક ટાળી છે, રિજેક્ટ કરી છે, કારણ કે મને ક્યારેય ઍક્ટ્રેસ નહોતું બનવું. મને એક સિમ્પલ લાઇફ જોઈતી હતી, જેમાં મારો હસબન્ડ હોય, મારાં સંતાનો હોય અને હાઉસવાઇફ જેવું સરળ અને સિમ્પલ જીવન હોય. બસ, આટલી જ સિમ્પલ લાઇફની મારી ઇચ્છા હતી, પણ એ સિમ્પલ લાઇફ મારા નસીબમાં નહોતી. સંજોગો એવા ગોઠવાતા ગયા કે હું ઍક્ટિંગમાં આવી, સંજોગોએ એવો ચેન્જ લીધો કે મારાં લવ-મૅરેજ તૂટ્યાં અને સિંગલ મધર તરીકે મારા પર બે બાળકોને સંભાળવાની જવાબદારી આવી. મમ્મી ઍક્ટ્રેસ હતી, એને કારણે અમને જોઈએ એવું અટેન્શન નહોતી આપી શકી, કારણ, સિમ્પલ કે કામ જરૂરી હતું અને એ જ વાતનું રિપીટેશન મારી સાથે પણ બનવા માંડ્યું, પણ મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો અને હું જે સંજોગોમાંથી પસાર થઈ હતી એમાંથી મારાં બાળકો પણ પસાર ન થાય એની ચોકસાઈ મેં રાખી, જે આજ સુધી અકબંધ છે.
આ જ વાત આજે મારે તમારી સાથે કરવી છે.
કરીઅરગ્રાફની ચર્ચા તો આપણે ક્યારેય કરી શકીએ. દેવ આનંદજીના કહેવાથી ફિલ્મોમાં હું સ્ટેબલ થઈ. ટૉપ લેવલના સ્ટાર સાથે કામ કર્યું. પુષ્કળ ફિલ્મો અને સિરિયલો કરી અને લોકોમાં મારો ચહેરો જાણીતો થયો. નેમ અને ફેમની એ દોટ વચ્ચે પણ મારામાં સિંગલ મધરની દરરોજની સ્ટ્રગલ તો અકબંધ જ હતી. જેણે પોતાનાં સંતાનોને એકલા હાથે મોટાં કરવાનાં હતાં, જેણે બાળકોના ભરણપોષણની જવાબદારી સાથે સંસ્કાર પણ આપવાના હતા અને એક મા અને એક પ્રોફેશનલ ઍક્ટ્રેસ વચ્ચેની સતત ચાલતી આ સ્ટ્રગલ મેં રોજ ભોગવી છે. મને યાદ છે કે ડિલિવરીના આગલા દિવસ સુધી મેં કામ કર્યું છે અને બાળકના જન્મના ૪૦ દિવસ પછી તરત જ હું ફરી ડ્યુટી પર લાગી ગઈ છું. એ સમયે બાળક સાથે રહેવું કે તેમને બહેતર જીવન આપવું એ મારે નક્કી કરવાનું હતું. હજી માંડ દૂધ પીતું હોય એ ઉંમરના બાળકને ઘરે કૅરટેકર પાસે મૂકીને કામ પર જવાનું કોઈ માને ન ગમતું હોય, પણ જીવનના સંઘર્ષોમાં એ પણ એક્સેપ્ટ કરવું પડે. જોકે એમાં પણ રસ્તો શોધી લીધો હતો.
હું દરરોજ મારાં બાળકો સાથે બે કલાક વાતચીત થાય એવો સમય કાઢી લેતી. રાતે તેમને સુવડાવતી વખતે ‘મમ્મા કામ કરે છે, કામ કરવું એ બધા માટે જરૂરી છે, પણ મમ્મા તમને એટલો જ પ્રેમ કરે છે’ જેવી વાતો કરીને તેમને ક્યાંય એકલતા ન લાગે એવા પ્રયાસ કરતી. બીજો રસ્તો એ કાઢેલો કે એક પ્રોજેક્ટ અને બીજા પ્રોજેક્ટ વચ્ચે ૬ મહિનાનો બ્રેક લેતી. આ ૬ મહિના તેમની સાથે જ પસાર કરવાના. આ ગાળામાં અમે સાથે ખૂબ ફર્યા છીએ. જોકે સૌથી મોટી સ્ટ્રગલ તો ત્યારે મારે સહન કરવી પડી હતી જ્યારે મારાં સંતાનો મને જજ કરવા માંડ્યાં અને એ પણ મારા ક્લોધિંગને લઈને. અમારા ઘરે મારી ફિલ્મ ‘કોયલા’ની સીડી હતી, જે મારી દીકરીએ તોડી નાખી. કારણ કે તેને એમ લાગતું હતું કે મમ્મા આમાં ખરાબ કામ કરે છે. તમે એને મારી લાઇફનો સૌથી ચૅલેન્જિંગ ટાઇમ કહી શકો. દુનિયા તમને જજ કરે તો તમને પેઇન ન થાય કે પછી તમે એને નજરઅંદાજ કરી લો, પણ જો તમારાં પોતાનાં બાળકો જજ કરતાં હોય તો તેમનો સામનો કરવો અઘરો થઈ જાય છે. જોકે ત્યારે પણ બાળકોને ઇગ્નૉર કરવાને બદલે કે તેમના પર ગુસ્સો કરી તેમને ચૂપ કરવાને બદલે મેં તેમને સમજાવ્યાં. દીકરાને સમજાવ્યું કે કપડાંથી કોઈને જજ ન કરાય અને એ પણ સમજાવ્યું કે મમ્મા ઍક્ટિંગ કરે છે તો એ ઍક્ટિંગ કૅમેરા પૂરતી જ હોય. એ પણ સમજાવ્યું કે પુરુષમિત્ર હોવા એ ખરાબ વાત નથી કે એનો ખરાબ અર્થ ન કાઢવાનો હોય. આ અને આવી બીજી ઘણી બાબતો તેમના ઉછેર દરમ્યાન તેમને સમજાવવાનું આવ્યું, તો દીકરા-દીકરીને સમાજે પહેલેથી બાંધેલી પૂર્વનિર્ધારિત પણ અર્થહીન વાતોને દૂર કરવાની ટ્રેઇનિંગ પણ આપી.
મારો દીકરો અત્યારે અમેરિકા ભણવા ગયો છે અને તે ફુલ્લી ફોકસ્ડ છે. તેને કોઈ છોકરી કે પછી આઝાદી સાથેની લાઇફ ઍટ્રૅક્ટ નથી કરતી. મજા કરવાના હેતુથી તે પોતાનો સમય કે વર્ષો બરબાદ નથી કરતો. કારણ એટલું જ કે તેને જે કરવું હોય એ કરવાની તેને છૂટ મળી, પણ એ કરતી વખતે હું તેની બાજુમાં રહી. મેં તેને સમજાવ્યું કે તું એક્સપરિમેન્ટ લઈ લે, પણ એ એક્સપરિમેન્ટના જે લૂપહોલ્સ એ મેં તેને સમજાવી દીધા. એ જાણ્યા પછી તેણે પોતાની મરજીથી જ અમુક ચીજવસ્તુઓને લાઇફમાં આવવા દીધી નહીં અને કાં તો ક્યારેય પર્મનન્ટ ન બનાવી. હવે મહિલાઓને જજ નથી કરતો અને સ્ત્રીને રિસ્પેક્ટ આપે છે, જેની ટ્રેઇનિંગ તેને ઘરમાં નાનપણથી મળી છે.
હું તમને બધાને પણ કહું છું, નાનપણથી જ તમે તમારાં સંતાનો સાથે સતત વાતચીત કરતાં રહો. તેઓ મહત્ત્વનાં છે અને તેમનો ઓપિનિયન મહત્ત્વનો છે એ સમજાવવાની સાથે તે ભૂલ કરતાં હોય ત્યારે પણ તેમને શિફતથી સમજાવવાનું રાખો. મેં સતત મારી જાત પર, મારા જીવન પર અને મારા જીવનની શાંતિ પર કામ કર્યું છે. એમાં મામલો બગડ્યો હોય તો પણ મેં પ્રયાસ પડતા નથી મૂક્યા. હું માનું છું કે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા માટે એ જરૂરી છે. હું હંમેશાં કહેતી હોઉં છું, તમે પણ જાણી લો...
She is working on 3 things right now. Herself. Her life. Her peace. She is me.