07 June, 2021 10:47 AM IST | Mumbai | Sanjay Goradia
‘જલસા કરો જયંતીલાલ’ના એક દૃશ્યમાં દિલીપ જોષી. દિલીપ રોલ માટે હા પાડે એ પછી એ કૅરૅક્ટર માટે પણ તે પોતાની રીતે ખૂબ મહેનત કરે. કહો કે દિલીપ કૅરૅક્ટર આત્મસાત્ કરી લે
આપણી વાત ચાલતી હતી જયા બચ્ચન સાથેના મારા બીજા હિન્દી નાટક ‘ડૉક્ટર મુક્તા’ની. ગયા સોમવારે તમને કહ્યું એમ, ૧૯૯૯ની ૧૦ એપ્રિલે ‘મા રિટાયર હોતી હૈ’ નાટક ઓપન કર્યું હતું, તો ૨૦૦૦ની ૧૦ એપ્રિલે અમે ‘ડૉક્ટર મુક્તા’ ઓપન કર્યું હતું. બન્ને નાટકો બે વર્ષ ચાલ્યાં અને એ સમયગાળામાં વિપુલ મહેતા મારી પાસે આવ્યો અને મને કહ્યું કે ‘જલસા કરો જયંતીલાલ’ ઇન્ટરવલ સુધીનું રેડી છે. મિત્રો, ‘જલસા કરો જયંતીલાલ’ની વાત કરતાં પહેલાં તમને આ વિપુલ મહેતાની ઓળખ આપું. આમ તો વિપુલની ઓળખની કોઈ આવશ્યકતા નથી, પણ એમ છતાં...
ગુજરાતી રંગભૂમિનો અત્યાર સુધીનો સૌથી સફળ દિગ્દર્શક એટલે વિપુલ મહેતા. વિપુલે મારાં ૮પથી વધુ નાટકો ડિરેક્ટ કર્યાં છે. વિપુલના નામે ‘કૅરી ઑન કેસર’, ‘બેસ્ટ ઑફ લક લાલુ’ અને ‘ચાલ જીવી લઈએ’ જેવી ગુજરાતી ફિલ્મો પણ બોલે છે અને એમાં ‘ચાલ જીવી લઈએ’એ તો ગુજરાતી ફિલ્મોના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. લગભગ બે-અઢી વર્ષથી એ ફિલ્મ સતત ચાલે છે. વિપુલની નવી ફિલ્મ પણ ઑલમોસ્ટ રેડી છે, લૉકડાઉન ખૂલ્યા પછી એ રિલીઝ થશે. હવે ફરીથી આપણે આવી જઈએ આપણી વાતો પર.
કરીઅરની શરૂઆતમાં વિપુલ ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં નાટકો કરાવતો. ૧૯૯૮માં ઇપ્ટા (IPTA) કૉમ્પિટિશનમાં ‘જયંતીલાલ’ નામનું એક નાટક ભજવાયું હતું. એ નાટક મને બહુ ગમ્યું એટલે મેં વિપુલને કહ્યું કે આ નાટક પરથી તું ફુલલેંગ્થ નાટક બનાવ. ‘જયંતીલાલ’ નાટકના રાઇટર અસ્લમ પરવેઝ ત્યારે વિપુલની બાજુમાં જ ઊભા હતા એટલે વિપુલે મારી ઓળખાણ અસ્લમભાઈ સાથે કરાવી. પછી તો હું મારા કામે લાગી ગયો અને વચ્ચે-વચ્ચે જ્યારે યાદ આવે ત્યારે વિપુલને ‘જયંતીલાલ’ નાટકની યાદ અપાવું. તે હા પાડે, પણ સ્ક્રિપ્ટ તૈયાર કરીને આવે નહીં. બે વર્ષ પછી એક દિવસ અચાનક મને વિપુલનો ફોન આવ્યો, ‘જયંતીલાલ’નો પહેલો અંક અમે વર્કઆઉટ કરી લીધો છે, તમે ફ્રી હો ત્યારે તમને સંભળાવું. જો તમને ગમે તો અમે આગળ વધીએ.’
અમે મળ્યા અને મેં પહેલો અંક સાંભળ્યો. એ સ્ક્રિપ્ટ તો નહોતી, એમાં સ્ટોરી પ્રોગ્રેશન અને સ્ટોરીનો ગ્રાફ હતો. મને એ ગમ્યો એટલે મેં કહ્યું કે તમે આગળ વધો, આપણે આ નાટક કરીએ છીએ. જોકે એ સમયે અસ્લમભાઈએ મને કહ્યું કે ‘સંજયભાઈ, મૈં તો હિન્દી મેં પ્લે લિખુંગા, ગુજરાતી કે લિએ કિસી કી ઝરુરત રહેગી તો નીલેશ રૂપાપરા ગુજરાતી મેં ટ્રાન્સલેટ કરેગા તો ચલેગા...’
મેં હા પાડી. નક્કી થયું કે નાટકની ક્રેડિટમાં મૂળ લેખક તરીકે અસ્લમભાઈનું નામ આપવું અને રૂપાંતરમાં નીલેશ રૂપાપરાને ક્રેડિટ આપવી. આમ ટીમમાં નીલેશભાઈ પણ જોડાયા, પણ
તેમણે ઍક્ટિવલી રસ લીધો એટલે પછી નાટકની ક્રેડિટમાં અસ્લમ પરવેઝ અને નીલેશ રૂપાપરા એમ જૉઇન્ટ ક્રેડિટ આવી. ત્યાર બાદ આ જોડીએ અનેક નાટકો લખ્યાં.
પહેલા અંકના બે સીન તૈયાર થયા, જે મને બહુ ગમ્યા એટલે અમે કાસ્ટિંગની બાબતમાં વિચારવાનું શરૂ કર્યું. જયંતીલાલનું કૅરૅક્ટર કોણ કરે એ ચર્ચા ચાલતી હતી ત્યારે વિપુલે નામ સૂચવ્યું દિલીપ જોષીનું. દિલીપ જોષી એટલે આપણા જેઠાલાલ. એ સમયે પણ દિલીપ ખાસ્સો મોટો સ્ટાર બની ગયો હતો. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ તો દૂર-દૂર સુધી કોઈના મનમાં પણ નહોતું. દિલીપ નાટકોમાં મુખ્ય ભૂમિકા કરતો અને તેનાં નાટકોનાં વખાણ પણ પુષ્કળ થતાં. અમે દિલીપને મળવા ગયા, પણ અમારી મીટિંગની વાત તમને કહું એ પહેલાં મારે તમને દિલીપ અને મારી વાત કહેવી છે. અમારા બન્નેમાં ઘણું સામ્ય. કઈ રીતે એ કહું.
અમે બન્ને મિડલ ક્લાસ ફૅમિલીના. બન્નેનાં કદ-કાઠી સરખાં. મહેન્દ્ર જોષી જ્યારે એક નાટક બનાવતા હતા, જેમાં દિલીપ મુખ્ય ભૂમિકામાં હતો એમાં દિલીપ જેવો જ દેખાય એવો ઍક્ટર જોઈતો હતો, જેને માટે મને પૂછવામાં આવ્યું હતું, પણ મારા બીજા કમિટમેન્ટને કારણે હું એ નાટક કરી શક્યો નહીં અને મહેન્દ્ર જોષી સાથે કામ કરવાની એકમાત્ર તક મેં ગુમાવી હતી. સમાન કદ-કાઠીનો બીજો દાખલો આપું. દિલીપે ‘ચિત્કાર’ અને ‘ભાઈ’ નાટકમાં મારું રિપ્લેસમેન્ટ કર્યું હતું. અમે બન્ને ખેતવાડીના. હું દસમી અને અગિયારમી ખેતવાડીમાં મોટો થયો અને બારમી ખેતવાડીમાં દિલીપના ફાધરની હીરૂપ ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ એજન્સી હતી. દિલીપ નાટકોની સાથે-સાથે પોતાના ફાધરની ટ્રાવેલ એજન્સી પણ સંભાળે. હું મારા ઘરેથી નીકળું એટલે ઘણી વાર મને દિલીપ મળે. દિલીપનાં બાળનાટક મેં જોયાં હતાં. દિલીપે કરેલાં બાળનાટક ‘અડધિયો રાક્ષસ’ અને ‘હે રણછોડ રંગીલા’ મેં જોયાં છે. કાંતિ મડિયાના નાટકમાં દિલીપને બૅકસ્ટેજ કરતો પણ મેં જોયો છે. એ પછી તેણે નાના-મોટા રોલથી પોતાની ઍક્ટિંગ-કરીઅરને આગળ વધારી અને ‘પતિ નામે પતંગિયું’માં મુખ્ય ભૂમિકા ભજવી. જોકે એ પહેલાં દિલીપે સરિતા જોષી સાથે ‘સખા સહિયારા’ નાટકમાં બહુ સરસ રોલ કર્યો હતો. આ બધી વાતનો ભાવાર્થ એ જ કે દિલીપ ખૂબ મહેનતુ અને ધીરજ પણ તેનામાં ભરપૂર.
અમે દિલીપને મળ્યા, તેને વાર્તા સંભળાવી અને નાટકના પહેલા બે સીન પણ સંભળાવ્યા. દિલીપને બહુ ગમ્યા અને નાટક કરવાની તેણે અમને હા પાડી.
દિલીપ ફાઇનલ થયો એટલે વાત આવી કે હિરોઇન કોને લેવી? દિલીપનો રોલ ઓથર-બૅક હતો, પણ છોકરીનું પાત્રાલેખન બહુ સિમ્પલ એટલે એને માટે અમારે સારી ઍક્ટ્રેસની જરૂર હતી. મેં ડિમ્પલ શાહને વાત કરી. ડિમ્પલે બધું સાંભળીને તરત જ મને કહ્યું કે ‘સંજય, હું કરીશ, પણ તું પ્રૉમિસ આપ કે આના પછીનું નાટક તું મને મુખ્ય ભૂમિકામાં લઈને બનાવીશ.’ ડિમ્પલે કહ્યું ત્યારે દિલીપ ત્યાં જ બેઠો હતો એટલે મેં દિલીપની સામે જોઈને તેને જ પૂછ્યું, ‘દિલીપ બોલ, ડિમ્પલ કહે છે એમ હવે પછીનું નાટક ડિમ્પલને ધ્યાનમાં રાખીને બનાવું તો તું એમાં રોલ કરશે?’
‘હા, ડન... હું કરીશ.’
મિત્રો, દિલીપે પોતાનું પ્રૉમિસ પાળ્યું પણ ખરું અને ‘જયંતીલાલ’ પછી ડિમ્પલને લીડ રોલમાં લઈને નાટક કર્યું પણ ખરું અને દિલીપે એમાં કામ પણ કર્યું. એ નાટકમાં દિલીપનો સેકન્ડ લીડ રોલ હતો અને એ પછી પણ દિલીપે કોઈ આનાકાની નહોતી કરી. ઍની વે, દિલીપ જોષી અને ડિમ્પલ શાહ ફાઇનલ થયાં. હવે આવી નાટકના ત્રીજા મહત્ત્વના કૅરૅક્ટરની વાત. એ કૅરૅક્ટર હતું ગલીના એક લોકલ ગુંડાનું, જે ગુંડો સમય જતાં સુધરી જાય છે અને ડિમ્પલના પ્રેમમાં પડે છે. નાટકના ક્લાઇમૅક્સમાં પણ આ કૅરૅક્ટરનો બહુ મોટો રોલ બની જતો હતો. એ કૅરૅક્ટર માટે મેં મુનિ ઝાને વાત કરી. મુનિ તૈયાર થયો એટલે અમે નાટકના મુહૂ્ર્તનો દિવસ નક્કી કરીને ભાઈદાસ હૉલમાં બપોરે એક વાગ્યે મુહૂર્ત રાખ્યું.
મુહૂર્ત માટે હું મારી ગાડીમાં ભાઈદાસ જતો હતો ત્યાં મને રસ્તામાં જ મુનિનો ફોન આવ્યો કે ‘સંજય, સૉરી. હું મુહૂર્તમાં નથી આવતો. મારાથી નાટક નહીં થાય.’
માર્યા ઠાર.
પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઊભો થયો. મિત્રો, એ મક્ષિકા વિશે વાત કરીશું આવતા સોમવારે. ત્યાં સુધી ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો અને જો ઘરની બહાર નીકળો તો તમામ ગાઇડલાઇન્સનું પાલન કરજો. ભૂલતા નહીં, ગાઇડલાઇન આપણી સુરક્ષા માટે બનાવવામાં આવી છે.