08 December, 2025 03:23 PM IST | Mumbai | Darshini Vashi
પ્રતીકાત્મક તસવીર
આજે માણસને સ્મોકિંગ છોડતાં વાર નહીં લાગે પણ સોશ્યલ મીડિયાને છોડવું તેમના માટે એક પડકાર બની ગયો છે. આવી સ્થિતિમાં જો કોઈ તમને આવીને કહે કે મેં સોશ્યલ મીડિયા પરથી એક્ઝિટ કરી દીધું છે તો ચોક્કસ નવાઈ લાગશે અથવા તો તેની વાત પર વિશ્વાસ નહીં થાય. હમણાં થોડા દિવસ પહેલાં ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા રોનિત રૉયે તેના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર એક મેસેજ છોડ્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે ‘હું થોડા સમય માટે સોશ્યલ મીડિયાના મંચ પરથી વિદાય લઈ રહ્યો છું અને થોડો વધુ સમય હું મારી ફૅમિલી અને મારા માટે આપવા માગું છું.’
આ સાથે તેણે તમામ સોશ્યલ મીડિયાનાં હૅન્ડલ પરથી એક્ઝિટ કરી દીધી હતી. આવા સમયે વિચાર આવે કે ટીવી અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની બહાર પણ રોનિત રૉયની જેમ કોઈએ સોશ્યલ મીડિયાના મંચ પરથી દૂર થઈ જવાનું પગલું લીધું છે ખરું? આ જ સવાલનો જવાબ અમે જ્યારે શોધવા નીકળ્યા ત્યારે જાણીને આશ્ચર્ય થયું કે એવા તો ઘણા લોકો છે જેઓ આવો નિર્ણય અગાઉ જ લઈ ચૂક્યા છે. આવા કેટલાક ગુજરાતીઓ પણ છે જેમણે સોશ્યલ મીડિયાથી થતા ગેરફાયદાઓને જોતાં એને બાય બાય કહી દીધું છે.
હું તો વૉટ્સઍપ પણ નથી વાપરતો
ફેસબુક અને ઇન્સ્ટા તો ઠીક, હું તો વૉટ્સઍપ પર પણ નથી એમ જણાવતાં પ્રાઇમલીફ કન્સલ્ટિંગના ઓનર અને દાદરમાં રહેતા રાહુલ કુબાડિયા કહે છે, ‘હું સૉફ્ટવેર પર્સન છું. છેલ્લાં પચીસ વર્ષથી હું એક સૉફ્ટવેર કંપની ચલાવું છું. એટલે શરૂઆતમાં આ માધ્યમો થકી લોકોના કૉન્ટૅક્ટમાં રહેતો હતો, પરંતુ પછી મેં જોયું કે આ પ્લૅટફૉર્મનો ઉપયોગ લોકો જરૂરી કામ કરવા કરતાં નકામા મેસેજ, પોસ્ટ વગેરે કરવામાં કરી રહ્યા છે એટલે હું આ પ્લૅટફૉર્મથી દૂર થઈ ગયો હતો. ફેસબુક જ્યારે નવું-નવું આવ્યું હતું ત્યારે હું એમાં જૉઇન થયો હતો, પણ મારે મારા બિઝનેસને આગળ વધારવો હતો. જો હું સોશ્યલ મીડિયાની જાળમાં ફસાઈ જાત તો આજે હું કદાચ એક સફળ બિઝનેસમૅન ન બની શક્યો હોત. લગભગ ૧૫ વર્ષથી મેં ફેસબુક વાપર્યું જ નથી. રહી વાત ઇન્સ્ટાગ્રામની તો એ મેં ક્યારેય ખોલ્યું જ નથી. હું તો મારી વાઇફ અને મારાં બાળકોને પણ સોશ્યલ મીડિયાથી જેટલું દૂર રહી શકાય એટલું દૂર રહેવાની સલાહ આપું છું. મારે કોઈ સાથે વાત કરવી હોય તો હું ફેસ ટુ ફેસ અથવા તો નૉર્મલ કૉલ કરીને અથવા તો ઈ-મેઇલ થકી વાત કરું છું. આટલાં વર્ષોમાં મને કોઈ વાંધો આવ્યો નથી.’
આજે નહીં પણ પાંચ વર્ષ પહેલાં જ છોડી દીધું હતું
કાંદિવલીમાં રહેતાં ધરા શાહ કહે છે, ‘હું જૉબ કરું છું અને મારી ડૉટર પણ છે જે હવે મોટી થઈ રહી છે. હું આ મારી બન્ને જવાબદારી વચ્ચે પ્રૉપર બૅલૅન્સિંગ કરું છું. પહેલાં હું સોશ્યલ મીડિયા સાથે કનેક્ટ હતી પરંતુ મને એવું લાગ્યું કે આ મારી લાઇફનું બૅલૅન્સિંગ બગાડી રહ્યું છે. એટલે મેં એ વાપરવાનું જ બંધ કરી દીધું. મને ઘણા કહે છે કે આજના ટાઇમમાં સોશ્યલ મીડિયા ખૂબ ઉપયોગી છે, દુનિયામાં શું ચાલે છે એનાથી અપડેટેડ રહી શકાય. પણ સાચું કહું તો મને ચાર-પાંચ વર્ષ થઈ ગયાં છે સોશ્યલ મીડિયાને છોડીને, પરંતુ આજ સુધી મને એવું થયું નથી કે હું દુનિયાથી કનેક્ટેડ નથી. કોઈ ન્યુઝ હોય કે કોઈ સમસ્યા હોય તો તરત મારા ફૅમિલી અને ફ્રેન્ડ્સના મને ફોન આવી જાય. વચ્ચે કિડ્સની વર્કશૉપ હતી. હું સોશ્યલ મીડિયા પર નથી એની મારા ફ્રેન્ડ્સને ખબર છે એટલે તેમણે મને ફોન કરીને જાણ કરી કે આ દિવસે આ જગ્યાએ વર્કશૉપ છે તો તું આવી જજે. આમ મારી પાસે હવે ક્વૉન્ટિટીમાં નહીં પણ ક્વૉલિટીમાં ફ્રેન્ડ રહ્યા છે જે ખરા અર્થમાં મારા સાચા કૉન્ટૅક્ટ કહેવાય. બાકી તમે સોશ્યલ મીડિયા પર ગમે એટલા ફ્રેન્ડ્સ બનાવો, પણ જો તે તમને ક્યારે પણ કોઈ રીતે ઉપયોગી નથી થતા કે નથી તમારી કૅર કરતા તો પછી એવા મિત્રો બનાવવા અને તેમની અપડેટ જોવા માટે મારે શું કામ સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ રહેવું જોઈએ?’
બુક અને ફૅમિલી સાથે ટાઇમ મળ્યો
મલાડમાં રહેતાં હાઉસવાઇફ કેયૂરી દલાલ કહે છે, ‘ફેસબુક તો હું ચાર-પાંચ વર્ષથી વાપરતી જ નથી. મારું અકાઉન્ટ જ બંધ થઈ ગયું છે, પણ હું ઇન્સ્ટાગ્રામ પર હતી. જોકે એક સમય એવો આવ્યો જ્યારે મને થયું કે યાર, આ તો બહુ સમય ખાઈ જાય છે. ઘણી વાર એવું થતું કે મને મારો દીકરો કામ માટે બોલાવતો હોય અને હું રીલ જોવામાં એટલી મશગૂલ થઈ ગઈ હોઉં કે તેને ટોકી દઉં કે શું છે? કેમ બૂમ પાડે છે? થોડી વાર પછી મને રિયલાઇઝ થાય કે અરે, આ રીલ જોવાના ચક્કરમાં મારાથી મારા છોકરા પર ગુસ્સો થઈ જાય છે. એટલું જ નહીં, હું
બુક-લવર છું. ઇન્સ્ટાની રીલ જોવાના ચક્કરમાં મારાથી બુક પણ રીડ થતી નહોતી એટલે એક દિવસ નક્કી કર્યું કે બસ, બહુ થઈ ગયું અને ઇન્સ્ટા અકાઉન્ટ પણ બંધ કરી દીધું. આજે આ વાતને બે-ત્રણ મહિના થઈ ગયા છે અને મને હવે એટલું બધું રિલેક્સ્ડ લાગે છે કે ન પૂછો વાત. પહેલાં હું મોબાઇલ જોઈને સૂતી હતી, એને બદલે હું આજે રોજ બુક રીડ કરીને સૂવું છું. તેમ જ મારા દીકરા પર પણ હવે વધારે ધ્યાન આપી શકું છું.’
નાઓ નો મોર નૉનસેન્સ પોસ્ટ, બધાં અકાઉન્ટ બંધ
કાંદિવલીમાં રહેતાં રીમા જોશી કહે છે, ‘હું સિવિલ લૉયર છું. ઇન્ફર્મેશન અને જાણકારી મેળવવાના હેતુસર સોશ્યલ મીડિયા પર મેં મારું અકાઉન્ટ શરૂ કર્યું હતું, પરંતુ મેં જોયું કે જ્યારે પણ હું પેજ ઓપન કરું ત્યારે દસમાંથી માંડ એક પોસ્ટ કામની દેખાતી. પોસ્ટ જ નહીં, ઇમેજ પણ એટલી જ હેરાન કરી મૂકતી. લોકો પોતાની પર્સનલ ઇન્ફર્મેશન મૂકે, નાનામાં નાની માહિતી શૅર કરે, કામ વગરના ફોટો નાખે જે મારે કમ્પલ્સરી જોવા પડે એવું થઈ જાય. બીજાની લાઇફમાં શું ચાલી રહ્યું છે એ જોવા મેં સોશ્યલ મીડિયા પર મારું અકાઉન્ટ શરૂ કર્યું નહોતું. એટલે મને ધીરે-ધીરે સોશ્યલ મીડિયાથી નફરત થવા માંડી. ફ્રેશ થવા માટે પણ જો તમે આ પ્લૅટફૉર્મ પર જાઓ તો પણ તમને કંઈક ભળતું જ જોવા મળે. ઘણી વખત હું આવી પોસ્ટ જોઈને ગુસ્સે પણ થઈ જતી. એના કરતાં મને વિચાર આવ્યો કે સોશ્યલ મીડિયામાં હું જે હેતુ માટે જોડાયેલી હતી એ તો પૂરો જ થઈ રહ્યો નથી, એના બદલે મારો મૂડ ખરાબ થઈ જાય છે. મેં એવા એક-બે કેસ પણ જોયા છે જેઓ સોશ્યલ મીડિયા પર આવતી દેખાદેખીની પોસ્ટ અને વિડિયોને લઈને ડિપ્રેશનમાં આવી ગયા હોય. બસ, આ સાથે મેં આઠ મહિના પહેલાં જ મારાં બધાં અકાઉન્ટ બંધ કરી દીધાં. હવે માત્ર વૉટ્સઍપ પર જ છું, એ પણ મારે મારા ક્લાયન્ટ સાથે કૉન્ટૅક્ટમાં રહેવું પડે છે એટલે. છતાં એનો ઉપયોગ પણ મેં મર્યાદિત કરી દીધો છે. એટલે હવે હું એમ કહી શકું કે હું રિયલમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકું છું.’