કૉલેજના છેલ્લા દિવસે વરસતા વરસાદમાં બાઇક પર વડોદરાથી મુંબઈ આવી ગયા ઍક્ટર બનવા

10 August, 2024 11:21 AM IST  |  Mumbai | Pallavi Acharya

એક સમયે આર્મીમાં જવા માગતા ધર્મેશ વ્યાસની એ ઇચ્છા પૂરી ન થઈ, પછી...

ધર્મેશ વ્યાસ

ધર્મેશ વ્યાસ એટલે એક વર્સેટાઇલ અદાકાર. ગુજરાતી અને હિન્દી નાટકો, સિરિયલો તથા ફિલ્મોમાં જોવા મળતા ધર્મેશભાઈ અભિનયના ક્ષેત્રમાં લાંબી ઇનિંગ્સ રમ્યા છે.

હું બદલાયો

મારાં લગ્ન પછી હું બહુ જ બદલાઈ ગયો છું... કેવી રીતે એ જણાવતાં ધર્મેશ વ્યાસ કહે છે, ‘લગ્ન પહેલાં લોકો મારી સાથે વાત કરતાં વિચારતા હતા કે આનો મૂડ કેવો હશે, તે કેવું રીઍક્ટ કરશે. ઇન્ડસ્ટ્રીમાં કામ મને એટલે મળતું હતું કેમ કે આઇ ઍમ અ વેરી કમિટેડ પર્સન; એક વાર હા કહું પછી કંઈ પણ થઈ જાય, એ કામ થઈ જ જાય. મારી વાઇફ સુર​િભના આવ્યા પછી હું બદલાયો. તેણે મને સ્ટેબલ કર્યો. અગાઉ હું આડેધડ કામ કરતો હતો, તેણે મને ઑર્ગેનાઇઝ કર્યો છે. તે મારી ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ છે. ઇન્ડસ્ટ્રીમાં પણ લોકો કહે છે કે સુરભિ આવ્યા પછી હું ચેન્જ થયો છું, મારી લાઇફ અને કરીઅર બધું જ ચેન્જ થયું છે. ફીલ્ડના લોકો તેને મારી ‘માસ્ટર કી‘ કહે છે. આજેય કોઈ પણ વસ્તુ હોય, હું તેને પૂછીને જ કરું છું.’

ધર્મેશ વ્યાસનાં વાઇફ છે સુરભિ ઝવેરી પણ ઍક્ટ્રેસ છે. તેમણે સાઉથની ત્રીસેક ફિલ્મો કરી છે, ગુજરાતી થિયેટર, સિરિયલો અને ‘સાથ નિભાના સાથિયા’ તથા ‘ઇશક મેં મરજાવાં’ જેવી હિન્દી સિરિયલો પણ કરી છે. હાલ ઍક્ટિંગમાંથી તેમણે બ્રેક લીધો છે અને ડબિંગ કરે છે. નેટફ્લિક્સની ‘મની હાઇસ્ટ’ વેબસિરીઝની બે સીઝન માટે તેમને બેસ્ટ વૉઇસ ઑફ ઇન્ડિયાનો અવૉર્ડ મળ્યો છે. ધર્મેશ વ્યાસ અને સુરભિ ઝવેરી નાટકોમાં મળ્યાં. બેત્રણ વર્ષ ફ્રેન્ડ રહ્યાં પછી પ્રેમમાં પડ્યાં અને પરણ્યાં.

કળા નાગરોના લોહીમાં છે

મૂળ સુરતના વડનગરા નાગર ધર્મેશ વ્યાસનું ઘર આજે પણ સુરતના નાગર ફળિયામાં છે. હવેલી જેવા આ ઘરમાં તેમનાં મમ્મી પલ્લવી વ્યાસ એકલાં રહે છે. ૮૮મા વર્ષે પણ તેઓ સુરત પોલીસ સાથે મળી સોશ્યલ વર્ક કરે છે.

ચાર વર્ષના હતા ત્યારે ધર્મેશ વ્યાસે પહેલું નાટક ‘યાત્રા’ કર્યું હતું. સુરત મ્યુનિસિપાલિટીની કમર્શિયલ કૉમ્પિટિશનમાં એ ભજવાયું હતું. આ પહેલા જ નાટકમાં તેમને બેસ્ટ ચાઇલ્ડ ઍક્ટરનું પ્રાઇઝ મળ્યું હતું. એ પછી સ્કૂલ અને કૉલેજમાં તેમણે ઘણાં નાટકો કર્યાં. જોકે આ કામ માટે પણ હું સિરિયસ નહોતો એમ કહી ધર્મેશ વ્યાસ કહે છે, ‘હું સારો સિંગર પણ હતો. મારાં મમ્મી અને મોટી બહેન પણ સારાં સિંગર છે. મમ્મી આજે પણ ગાય છે. વચલી બહેન હેમા શુક્લ ડૉક્ટર છે, તે કપિલ શુક્લને પરણી છે. કળા અમારા નાગરોના લોહીમાં છે. નાટકની પ્રવૃત્તિ અમારા ઘરમાં સતત ચાલતી હતી. હું નાટકો કરતો હતો પણ નક્કી નહોતું કે હું આ જ કરીશ. એમ તો હું ક્રિકેટ અને ટેબલટેનિસ પણ સારું રમતો હતો, નૅશનલ સ્વિમિંગમાં પણ જીતી આવેલો. એ ઉંમર એવી હતી કે શું કરવું એની ખબર જ નહોતી.’

ધર્મેશભાઈનો જન્મ અને ઘણોખરો ઉછેર પણ મુંબઈમાં. તેઓ ૬ મહિનાના હતા ત્યારે તેમની મમ્મીનો બહુ મોટો ઍક્સિડન્ટ થયો હતો અને ૩ વર્ષ તેઓ હૉસ્પિટલમાં હતા એટલે ધર્મેશભાઈ તેમની નાની પાસે મુંબઈ હતા. મમ્મી-પપ્પા સુરત રહેતાં હતાં. છ વર્ષ પછી તેઓ સુરત આવ્યા. આમ પણ તેમનું સ્કૂલિંગ અલગ-અલગ જગ્યા પર થયું છે, કારણ કે તેમના પિતા સ્વ. જયકિશોર વ્યાસ મોટા એન્જિનિયર હતા, સરકારી એમ્પ્લૉઈ હતા. ઉકાઈ, કાકરાપાર, દમણગંગા, નર્મદા સહિતના બધા જ ડૅમની ડિઝાઇન જયકિશોર વ્યાસે બનાવી હતી. તેમને પ્રેસિડન્ટ અવૉર્ડ પણ મળ્યા છે. પિતાની જ્યાં પણ બદલી થતી ત્યાં તેમનું સ્કૂલિંગ થતું. એમ તો ધર્મેશભાઈના નાના અને મામાઓ તેમને આર્મીમાં જવા આગ્રહ કરતા હતા, કારણ કે મમ્મી તરફનું બૅકગ્રાઉન્ડ આર્મીનું હતું. તેમના નાના રિટાયર્ડ બ્રિગેડિયર હતા, પાંચ મામાઓ પણ આર્મીમાં છે. ધર્મેશભાઈની ઇચ્છા આર્મીમાં જવાની હતી, પણ પપ્પા તેમને આર્મીમાં મોકલવા નહોતા ઇચ્છતા કારણ કે પરિવારમાં તે એક જ દીકરો છે. પપ્પાનાં ભાઈઓ અને બહેનોમાં ધર્મેશભાઈ સિવાય કોઈને દીકરો નહોતો અને તેથી તેમના પપ્પા તેમના માટે બહુ પઝેસિવ હતા. ધર્મેશભાઈ કહે છે, ‘આર્મીમાં જવા પપ્પાએ ચોખ્ખી ના પાડી હતી. તે કહેતા કે હું તેમની આંખ સામે જ રહેવો જોઉં. આમ અમારી વચ્ચે રાહુ-કેતુનો સંબંધ હતો, પણ હું સમજણો થયો પછી ખબર પડી કે તે સાચા હતા. સુરતમાં આર્ટ્સમાં ગ્રૅજ્યુએશન કર્યા પછી મને પૂછ્યા વિના જ તેઓ બરોડામાં ડ્રામા કૉલેજમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન માટે મારું ઍડ‍્મિશન કરાવી આવ્યા હતા.’

સ્કૂલમાં ફોડ્યો બૉમ્બ

સ્કૂલ સમયમાં હું બહુ અળવીતરો અને બહુ તોફાની, મને કન્ટ્રોલ મારી મમ્મી જ કરી શકતી અને હવે મારી વાઇફ કરે છે એમ જણાવતાં ધર્મેશ વ્યાસ કહે છે, ‘મારાં તોફાનોના કારણે મને બેથી ત્રણ વાર સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો એટલે સુરતમાં પણ ત્રણેક વાર સ્કૂલ બદલવી પડી હતી. સુરતની ઝેવિયર્સ સ્કૂલમાં સેવન્થમાં હતો ત્યારની વાત છે. ચેકિંગ માટે ફાધર સ્કૂલમાં આવ્યા હતા અને ત્યારે મેં સ્કૂલના બાથરૂમમાં બૉમ્બ ફોડ્યો હતો એટલે સ્કૂલે એક મહિના માટે મને સસ્પેન્ડ કર્યો. ટેરેસ પર જવું હોય તો મને દાદરથી જવાની જરૂર ન પડે, પાઇપ પકડીને હું ઉપર ચડી જતો એટલે મને બધા વાંદરો કહેતા હતા.’

રસ જાગ્યો

બરોડાની પર્ફોર્મિંગ આર્ટ્સ ઍન્ડ ડ્રામેટિક્સ કૉલેજમાં ઍડ‍્મિશન લીધું ત્યારે શરૂઆતમાં હૉસ્ટેલમાં રહેવાનું ગમતું નહોતું પણ ૩ મહિના પછી રસ પડવા લાગ્યો. ધર્મેશ વ્યાસ કહે છે, ‘મને ઍક્ટિંગનો ચસકો લાગ્યો અને ગોલ્ડ મેડલ લઈને બહાર નીકળ્યો. મેં નક્કી કર્યું હતું કે હું ઍક્ટિંગ જ કરીશ, કૉલેજનાં ૩ વર્ષ પૂરાં થશે એટલે મુંબઈ જઈશ. કૉલેજનો છેલ્લો દિવસ હતો. એ જ દિવસે સાંજે વરસતા વરસાદમાં હું બાઇક પર વડોદરાથી મુંબઈ આવી ગયો. આવીને પહેલો ફોન સરિતા જોશીને કર્યો, રિસીવ ન થયો એટલે હોમી વાડિયાને કર્યો. હું બરોડા હતો ત્યારે દૂરદર્શન શરૂ થયેલું અને એના પરની સિરિયલોમાં કામ કરવા હું આવતો હતો. સિદ્ધાર્થ રાંદેરિયા, સરિતાબહેન અને હોમી વાડિયા સાથે કામ કરતો હતો તેથી તેમણે કહેલું કે મુંબઈ આવે ત્યારે ફોન કરજે. હોમીભાઈ કહે, ક્યાં છે તું? કહે, પેન-પેપર હાથમાં લે અને મારું ઍડ્રેસ લખ અને ઘરે આવ. ઘરે ગયો તો પૂછ્યું, નાટકમાં કામ કરીશ? હું નાટકમાં કામ કરવા તો ગયો હતો. આ સાલ હતી ૧૯૮૮ની. એ દિવસથી લઈને આજ સુધી કામ સતત મારા હાથમાં છે. હું લકી છું કે મને કામ મેળવવામાં કોઈ તકલીફ નથી પડી. ભગવાનની દયા છે. સતત કામ મળતું રહે છે. મને આના સિવાય બીજું કંઈ આવડતું નથી. હવે ફિલ્મનું દિગ્દર્શન પણ કરવાનો છું. હું એક જ કામથી બહુ જલદી થાકી જાઉં છું તેથી નાટક કરીને કંટાળું એટલે સિરિયલો કરું, એનાથી કંટાળું એટલે ફિલ્મો કરું, દિગ્દર્શન કરું. મને ચેન્જ જોઈએ.

નિકલ પડો

મારું પૅશન ઍક્ટિંગ છે અને એના કારણે જ હું આજે ટકી રહ્યો છું એમ જણાવતાં ધર્મેશ વ્યાસ કહે છે, ‘શૂટિંગ ન હોય તો હું ઘરની બહાર નથી નીકળતો, મને મારી વાઇફની કંપની ગમે છે. તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે. શૂટિંગ ન હોય ત્યારે બધો સમય તેનો જ. કોઈ વાર કશું નક્કી કર્યા વિના અમે બહાર નીકળી જઈએ અને નીકળ્યા પછી નક્કી કરીએ કે ક્યાં જઈશું. મારી કોઈ ઇચ્છા અધૂરી નથી, બસ જીવું ત્યાં સુધી કામ કરતો રહું અને લોકોને એન્ટરટેઇન કરતો રહું. ભગવાન સિવાય હું કોઈથી ડરતો નથી. જીવનમાં એક ઍટિટ્યુડ મેં રાખ્યો છે - મારી પાસે બે જ વસ્તુ છે, હા કે ના; વચ્ચેનો રસ્તો જ નથી અને બીજી વાત કે મારી ભૂલ હોય તો હજાર લોકો વચ્ચે પણ સૉરી કહેતાં મને શરમ નથી આવતી પણ જો મારી ભૂલ ન હોય તો ભલભલો માણસ કેમ ન હોય, હું તેને છેક સુધી નડી જાઉં, જે મારી માએ શીખવ્યું છે.’

મૈં ના ભૂલૂંગા

મારી લાઇફનો એક કિસ્સો હું નહીં ભૂલી શકું એમ જણાવતાં ધર્મેશ વ્યાસ કહે છે, ‘ઍક્ટ્રેસ પલ્લવી જોષીના પતિ વિવેક અગ્નિહોત્રી સાથે સ્ટાર પ્લસની હિન્દી સિરિયલ હું કરી રહ્યો હતો. એક એપિસોડમાં પહેલા માળથી મારે જમ્પ મારવાનો  સ્ટન્ટ કરવાનો હતો. મેં આ સ્ટન્ટ કર્યો અને ઓકે પણ થઈ ગયો. એ સમયે મારી ૬ સિરિયલો ઝી પર ઑન ઍર હતી. સીન ઓકે થયો, પણ વિવેક કહે હજી એક વાર સીન લઈએ. પ્રોડ્યુસરે ના પાડી કે તને જે જોઈએ એ મળી ગયું છે તો શું કામ રિસ્ક લે છે? મેં બીજો જમ્પ માર્યો ને મારા પગને મેજર ફ્રૅક્ચર આવ્યું. પગના ૩ ટુકડા થઈ ગયા. ડૉક્ટરે કહ્યું ૬ મહિનાનો ખાટલો છે. બધી સિરિયલોએ મને સાઇડટ્રૅક કરી દીધો. પહેલી વાર એવું થયું કે મારી પાસે કોઈ કામ નહોતું. મેં ડ્રાઇવરને કહ્યું, ગાડી કાઢ. હું નીકળી પડ્યો બાય રોડ મનાલી જવા. ત્યારે હું મૅરિડ નહોતો. ફરતો-ફરતો અઢી મહિને ફ્રેશ થઈને પાછો આવ્યો. મારું પ્લાસ્ટર ખૂલ્યું. સારી રિકવરી હતી. ચૅનલે બીજા જ દિવસે બોલાવી કામ શરૂ કર્યું.’

columnists Gujarati Natak dhollywood news gujarati mid-day vadodara