ડિગ્રી આપણે ભરેલી ફીની રસીદ બનીને રહી ગઈ છે

03 March, 2023 01:31 PM IST  |  Mumbai | Bhavini Lodaya

આગળની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ માટે ટૅલન્ટ સાથે શિક્ષણ મેળવવું, એવી એજ્યુકેશન સિસ્ટમ બનાવવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ પર વધારે સારી રીતે ધ્યાન આપે અને સારું રિઝલ્ટ લાવી શકે

પ્રીત સુનીલ છેડા

આજના યંગસ્ટર્સ પાસે ડિગ્રીઓ તો છે પરંતુ નોકરી નથી, કારણ કે આજે ભારતના ૪૫ ટકા ડિગ્રી-હોલ્ડરો એ નોકરી માટે એલિજિબલ નથી. આજકાલ લોકો માત્ર ડિગ્રી માટે જ ભણવું એમ વિચારે છે. માર્ચ અને એપ્રિલ મહિનો એટલે પરીક્ષાના દિવસો ગણાય અને આખું વર્ષ ન ભણતા વિદ્યાર્થીઓ ફક્ત પરીક્ષામાં પાસ થવા ખાતર ગોખણપટ્ટી કરીને ડિગ્રી મળી જાય એ માટે ભણી લેતા હોય છે. આમાં માત્ર વિદ્યાર્થીઓનો જ વાંક નથી, આપણી એજ્યુકેશન સિસ્ટમનું પણ એવી રીતે જ પ્રોગ્રામિંગ થયેલું છે. આપણી આ એજ્યુકેશન સિસ્ટમમાં બદલાવ આવવો વધારે જરૂરી છે.

આગળની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓ માટે ટૅલન્ટ સાથે શિક્ષણ મેળવવું, એવી એજ્યુકેશન સિસ્ટમ બનાવવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાના શિક્ષણ પર વધારે સારી રીતે ધ્યાન આપે અને સારું રિઝલ્ટ લાવી શકે.

આમ જોવા જઈએ તો ડિગ્રી એ એક પ્રકારે આપણે ભરેલી ફીની રસીદ જ કહેવાય છે. ૩૬ મિનિટના કૉલેજના લેક્ચરમાં ધ્યાન આપીને નહીં ભણવામાં આવે તો આગળ જતાં એની વિદ્યાર્થીઓએ જ કિંમત ચૂકવવી પડશે. આજકાલનાં બાળકો કૉલેજમાં લેક્ચર છોડીને એન્જૉય કરવા, ફરવા, જલસા કરવામાં વધારે માને છે. કૉલેજમાં આ બધા અનુભવો લેવા પણ જરૂરી છે, પણ એની સાથે-સાથે તમારે તમારા ભણતરમાં પણ એટલું જ ધ્યાન આપવાનું છે. પરીક્ષાઓમાં વેઠ ન ઉતારતાં એ ભણતર આત્મસાત કરી સાચા ડિગ્રી-હોલ્ડર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજકાલના યંગસ્ટર્સ જે વસ્તુ ગમે એની પાછળ જ મહેનત કરતા હોય છે, પણ એકાદા ન ગમતા વિષયમાં કેટી લાગી હોય તો એના પર ધ્યાન નથી આપતા, પણ હવે પરીક્ષાના દિવસોમાં અભ્યાસ તરફ ધ્યાન દઈ પોતાની ખામીઓને દૂર કરી સહેલાઈથી સારા માર્ક્સ મેળવી પાસ થવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.

તમે શું ભણ્યા છો કે કઈ ડિગ્રી તમારી પાસે છે એ વધારે મહત્ત્વનું નથી, તમને કેટલું આવડે છે અને કોઠાસૂઝ કેવી છે એ વધારે મહત્ત્વનું છે. આપણે આપણી આવડત પર વધારે કૉન્સન્ટ્રેટ કરવું પડશે. આજે આપણે સોશ્યલ મીડિયામાં લાઇક અને ડિસ-લાઇક કરવામાં એટલા બધા અટવાઈ ગયા છીએ કે આપણે આપણી પરીક્ષાઓ તરફ ધ્યાન જ નથી આપતા. પરીક્ષા સાથે-સાથે તમારા અંદરના ટૅલન્ટને પણ તમે પ્રોત્સાહન આપી શકો છો. આજના યુવાનો માટે મારો એટલો સંદેશો છે કે માત્ર પરીક્ષાઓમાં ઉત્તીર્ણ ન થાઓ, પણ તમારી અંદરની પ્રતિભાને પણ ખીલવો. 

- પ્રીત સુનીલ છેડા - ૧૮ વર્ષ, સ્ટુડન્ટ, ઘાટકોપર

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists