‘દાવાનળ’... લાઇવ! આગ સાથેનો અણધાર્યો ખેલ (પ્રકરણ ૫)

05 July, 2024 07:48 AM IST  |  Mumbai | Lalit Lad

ધૅટ્સ ઇમ્પૉસિબલ! આવી ને આવી ઘટના અહીં કલકત્તાના ફાર્મહાઉસમાં શી રીતે બની શકે?

ઇલસ્ટ્રેશન

આમ જુઓ તો ક્યાં પુણે અને ક્યાં કલકત્તા? ક્યાં મહારાષ્ટ્ર અને ક્યાં બંગાળ? છતાં મહારાષ્ટ્રની એક સ્વાતિ નામની ઍક્ટ્રેસ એ જ દિવસે કલકત્તામાં હતી જે દિવસે બંગાળી છાપાંઓના પહેલા પાને મન્મથરાય દાસગુપ્તાની સ્વર્ગસ્થ પત્ની માલિની દાસગુપ્તાની આગથી સળગતી તસવીર છપાઈ હતી!

અને જોગાનુજોગ તો જુઓ? પુણેથી આ નાટકની ટીમ અહીં કલકત્તામાં અહીંના મરાઠી સમાજના ગણેશોત્સવ પ્રસંગે એક કૉમેડી નાટક ભજવવા માટે આવી હતી!

થ્રીસ્ટાર હોટેલમાં ઊતરેલી સ્વાતિએ સવાર-સવારમાં રિસેપ્શન પાસે પડેલું એ છાપું જોતાં જ તેની ટીમના મેમ્બરોને ખુશખબરી આપી :

‘જુઓ! જુઓ! આપણા નાટકનો ફોટો છપાયો છે!’

નાટકના બધા કલાકારો ટોળે વળી ગયા, ‘પણ આમાં લખ્યું છે શું? ‘દાવાનળ’ નાટક વિશે લખ્યું છે? એ તો કદી કલકત્તામાં ભજવાયું જ નથી! તો પછી એનો રિવ્યુ હશે.

‘અલ્યા, રિવ્યુ કંઈ ફ્રન્ટ પેજ પર થોડો હોય?’

એકસામટી અડધો ડઝન ટિપ્પણીઓ પછી કોઈને સૂઝ્‍યું, ‘અલ્યા, કોઈ બંગાળી માણસને પૂછો, આમાં શું લખ્યું છે?’

હજી રિસેપ્શન પર કોઈ આવે અને વાંચીને સમજાવે એ પહેલાં સ્વાતિની નજર પેલા મોટા ફોટોમાં ઇન-સેટ કરેલા નાના ફોટો પર પડી. તે ચોંકી!

‘આ તો પેલો બિહારીલાલ પાંડે છે!’

સ્વાતિએ છાપું પેલા રિસેપ્શનિસ્ટ સામે ધરીને પૂછ્યું, ‘યે બિહારીલાલ પાંડે ઇધર કલકત્તા મેં ક્યા કર રહા હૈ?’

પેલાએ કીધું, ‘નહીં! યે બિહારીલાલ પાંડે નહીં હૈ! યે તો મન્મથરાય દાસગુપ્તા હૈ!’

‘મન્મથરાય દાસગુપ્તા?’ સ્વાતિની નાટકમંડળીની આખી ટીમ ચક્કર
ખાઈ ગઈ!

‘તો પછી ત્યાં પુણેમાં આપણી પાસે આખો સળગી મરવાનો સીન કરાવી ગયો એ માણસ કોણ હતો? કોઈ ડુપ્લિકેટ?’

સ્વાતિને એક વાતની પાકી સમજ પડતી હતી કે રિયલ લાઇફમાં ફિલ્મ કે નાટક જેવા આબેહૂબ ડબલ રોલ હોતા જ નથી! અને જો હોય તો એવો લાખોમાં એકનો સંજોગ હોય છે. તેણે પેલા બંગાળી બાબુને કહ્યું...

‘યે પૂરા ન્યુઝ પઢકર હમકો હિન્દી મેં સમજાઓ!’

બંગાળી બાબુએ જ્યારે સમાચાર વાંચી સંભળાવ્યા અને એની પાછળની ચાર વર્ષ પહેલાંની કહાણી કહી ત્યારે આખી નાટકમંડળી સ્તબ્ધ હતી!

‘મતલબ કે...’ સ્વાતિનું દિમાગ ભમી રહ્યું હતું, ‘પેલો બિહારીલાલ પાંડે એ જ આ મન્મથરાય દાસગુપ્તા હતો? અને શું ફક્ત એટલા માટે જ તેણે અમને આટલા બધા પૈસા આપીને ‘દાવાનળ’ નાટકનું દૃશ્ય લાઇવ ભજવવા કહ્યું હતું?’

કેમ કે છાપામાં જે ફોટો છપાયો હતો એમાં તો ચોક્કસપણે સ્વાતિ જ હતી! નાટકમંડળીએ સૌથી પહેલું કામ ન્યુઝ-ચૅનલ ઑન કરાવવાનું કર્યું. હજી એમાં એ જ ક્લિપ ચાલી રહી હતી! આબેહૂબ એ જ નાટકનું દૃશ્ય!

એ જ ફર્નિચરની ગબડાગબડી... એ જ ટેબલ-લૅમ્પનું પડવું... બલ્બનું ફૂટવું... સ્વાતિ અને રણજિતની ઝપાઝપી... એ જ કેરોસીનની બૉટલ વડે સાડી ભીંજવી નાખવી અને એ જ માચીસ વડે ભડભડ સળગી ઊઠતી સાડી...

‘ઇમ્પૉસિબલ! ધૅટ્સ ઇમ્પૉસિબલ!’ સ્વાતિ બબડી રહી હતી, ‘આવી ને આવી ઘટના અહીં કલકત્તાના કોઈ ફાર્મહાઉસમાં શી રીતે બની શકે? અને એ પણ ચાર વર્ષ પહેલાં? એનો મતલબ એમ થયો કે...’

lll

મતલબ સ્પષ્ટ હતો. બિહારીલાલ પાંડે નામનો માણસ હકીકતમાં મન્મથરાય દાસગુપ્તા જ હતો! તે છેક પુણે આવીને, સ્વાતિના ‘દાવાનળ’ નાટકના સળંગ પચીસ શો જોવા સુધીની ધીરજ રાખીને, સ્વાતિ અને તેની ટીમને વિશ્વાસમાં લઈને, પાણીની જેમ રૂપિયા ખર્ચીને આ DVD શૂટ કરાવવા જ આવ્યો હતો!

તો પછી પેલી પૅરૅલિસિસથી પીડાતી તેની માનું શું? તે ક્યાં છે? તે બિચારી ફરી નૉર્મલ થાય, બોલતી થાય એવા ‘પરોપકારી’ વિચારના પ્રવાહમાં આવીને જ તો સ્વાતિએ આ ‘લાઇવ’ સળગવાનું જોખમ ઉઠાવ્યું હતું.

સ્વાતિએ પેલા બંગાળી બાબુને પૂછ્યું, ‘યે મન્મથરાય કી માં કિધર હૈ?’

‘વો તો મર ગઈ! ૧૦ સાલ પહલે!’

મતલબ કે... એ પણ કોઈ હૉસ્પિટલમાંથી ઉપાડીને લાવવામાં આવેલી પૅરૅલિસિસની મામૂલી પેશન્ટ હતી? તેને બિચારીને તો કશી ખબર જ નહીં હોય કે તેને પુણેના પેલા ફાર્મહાઉસમાં શા માટે લાવવામાં
આવી હતી!

સ્વાતિને થયું કે મારે સીધો પેલા ઇન્સ્પેક્ટર બાસુને ફોન કરવો જોઈએ.

પણ તે અટકી ગઈ...

lll

ઇન્સ્પેક્ટર બાસુ પોતાના ટેબલ પર આંગળી વડે તબલાં વગાડતાં વિચારોમાં ખોવાયેલા હતા કે મન્મથરાય દાસગુપ્તા પાસેથી મળેલા ૫૦ લાખનું કરવું શું? સ્વિટ્ઝરલૅન્ડ–યુરોપની ટૂર કરવી? કે બૅન્ગકૉક-પટાયા જઈને જલસા કરવા?

એવામાં તેમના ટેબલ પરનો ફોન રણક્યો, ‘સર, કમિશનરસાહેબ વાત કરવા માગે છે...’

બાસુ ફોન ઉપાડતાંની સાથે જ ઊભા થઈ ગયા, ‘યસ સર!’

‘શું વાત છે બાસુ?’ કમિશનરસાહેબના અવાજમાં કટાક્ષ હતો, ‘આજકાલ બહુ મોટી-મોટી મર્ડર મિસ્ટરી સૉલ્વ કરી રહ્યા છો? જરા મારી ઑફિસ આવોને, તમને શાબાશી આપવાની છે!’

lll

બાસુ પોલીસ-કમિશનરસાહેબની વિશાળ કૅબિનમાં દાખલ થયા ત્યારથી તેમના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા. કમિશનરસાહેબે તેમને ખુરસીમાં બેસાડતાં કાચની કૅબિનની પેલે પાર દૂર ઊભેલી એક સાડી પહેરેલી મહિલાને દેખાડતાં પૂછ્યું,

‘આને તમે ક્યાંક જોઈ છે?’

બાસુ ગૂંચવાયા. ‘સર... આ તો...’

‘દૂરથી માલિની દાસગુપ્તા જેવી નથી લાગતી? લાગે છેને?’

બાસુએ હા પાડી.

એ પછી કમિશનરે ડ્રૉઅરમાંથી એક મરાઠી નાટકનું પોસ્ટર કાઢ્યું. એમાં મરાઠીમાં લખ્યું હતું, ‘અત્યંત લોટપોટ કરણારં કૉમેડી નાટક... દેખણી બાયકો મિત્રાંચી...’ એમાં હીરો-હિરોઇનના ફોટો હતા. હિરોઇનનો ફોટો બતાવીને કમિશનરસાહેબે પૂછ્યું, ‘આ ચહેરો પેલી માલિની દાસગુપ્તા જેવો લાગે છે?’

ઇન્સ્પેક્ટર બાસુના કપાળે પરસેવો વળી ગયો. હથેળી વડે લૂછતાં તેઓ બોલ્યા, ‘આમ તો પહેલી નજરે સેમ લાગે, પણ આની આંખો જરા મોટી છે અને નાક થોડું લાંબું લાગે છે, મીન્સ કે સેમ ટુ સેમ તો ન જ કહી શકાય...’

‘વેરી ગુડ!’ કમિશનરસાહેબે બેલ વગાડીને સૂચના આપી કે બહાર ઊભેલાં અભિનેત્રી સ્વાતિજીને અંદર મોકલો.

સ્વાતિ અંદર આવી એ પછી કમિશનરે તેની ઓળખાણ આપતાં કહ્યું, ‘બાસુજી, આ સ્વાતિજી છે. મરાઠી ‘દાવાનળ’ નામના એક નાટકમાં ઑન-સ્ટેજ સળગી જવાનું જે દૃશ્ય તે ભજવે છે એને કારણે એ નાટક ૨૦૦ શો પછી પણ હજી હાઉસફુલ જઈ રહ્યું છે!’

‘જી, કૉન્ગ્રેચ્યુલેશન્સ.’

‘જોવાની વાત એ છે...’ કમિશનરસાહેબનો અવાજ હવે જરા કડક થયો, ‘તમે જે પેલી DVDની ‘શોધ’ કરી છે એમાં જે દૃશ્ય છે એ આમના નાટક ‘દાવાનળ’માંથી જ સીધું ઉઠાવ્યું હોય એવો તેમનો આરોપ છે.’

બાસુ હવે ભારે ગૂંચવાયા. નકલી હસતાં તેઓ બોલ્યા, ‘એમાં તો સર, કૉપીરાઇટ શી રીતે લાગી શકે? કેમ કે આપણને જે DVD મળી છે એ તો ફાર્મહાઉસના CCTV કૅમેરા વડે મળીને?’

‘ઓહ  CCTV!’ કમિશનર બોલ્યા, ‘સારું યાદ કરાવ્યું...’ ટેબલ પરની બેલ મારીને તેમણે સૂચના આપી, ‘પેલા CCTVના કારીગરને મોકલોને.’

અડધીપડધી વધેલી દાઢી અને લઘરવઘર કપડાં સાથે એક માણસ અંદર દાખલ થયો.

‘આ જ છેને તમારો, શું નામ છે... મધુકર મોહાંતી? જેણે CCTV સિસ્ટમમાંથી ફુટેજ કાઢી લીધાં હતાં? રાઇટ?’

ઇન્સ્પેક્ટર બાસુના આખા શરીરે હવે પરસેવો વળી ગયો, કેમ કે તેઓ પોતે જાણતા હતા કે આ મધુકર મોહાંતી તો એક મામૂલી ખિસ્સાકાતરુ હતો, જેને પોલીસે ૫૦,૦૦૦ની લાલચમાં ‘સાક્ષી-કમ-બ્લૅકમેઇલર’ બનાવી દીધો હતો.

કમિશનરસાહેબે બાજુમાં ઊભેલા પોલીસ અધિકારીને કહ્યું, ‘જરા આ ટપોરીને ૧૦-૧૫ મિનિટ માટે વૉશિંગ મશીનમાં નાખોને... જોઈએ તે શું બોલે છે?’

‘એની જરૂર નહીં પડે!’ સ્વાતિ વચમાં બોલી ઊઠી, ‘હું તેને થોડા સવાલ કરીશ એમાં જ મામલો સ્પષ્ટ થઈ જશે.’

સ્વાતિએ પેલા ટપોરીને પૂછવા માંડ્યું, ‘નાનામાં નાની સાઇઝનો CCTV કૅમેરા કેટલાં સેન્ટિમીટરનો આવે? નૉર્મલ કૅમેરાનો શું ભાવ ચાલે છે? કૅમેરામાં જે દૃશ્ય ઝડપાય એને લૅપટૉપમાં શી રીતે લઈ શકાય? કૅમેરાનો બધો ડેટા શેમાં રાખવામાં આવે છે?  KB, GB અને USB વચ્ચે શું ફરક હોય છે?’

સ્વાભાવિક છે કે પેલો ટપોરી ગેંગેંફેંફેં થઈ ગયો! સ્વાતિએ હવે કહ્યું, ‘બસ, હવે તેને બે મિનિટ માટે જ ધોલાઈ મશીનમાં નાખો, બધું બકી મારશે!’

ઇન્સ્પેક્ટર બાસુ હવે સંપૂર્ણપણે ઉઘાડા પડી ચૂક્યા હતા. કમિશનરસાહેબે પૂછ્યું, ‘સાચું બોલજો, મન્મથરાય પાસેથી કેટલા રૂપિયા લીધા છે?’

‘પચાસ... માત્ર પચાસ...’

કમિનશરસાહેબે સ્મિત સાથે સ્વાતિને કહ્યું, ‘આપ બહાર બેસો, હું આપને પછી મળું છું.’

lll

સ્વાતિ બહાર આવીને બેઠી. થોડી ક્ષણ પછી બાસુ પરસેવો લૂછતા બહાર આવ્યા અને પૂંછડી દબાવીને ભાગતા કૂતરાની માફક જતા રહ્યા!

દસેક મિનિટ થઈ હશે ત્યાં સ્વાતિએ જોયું કે એક સફેદ મર્સિડીઝ કાર આવીને ઑફિસની બહાર ઊભી રહી. એમાંથી બીજું કોઈ નહીં, પણ મન્મથરાય દાસગુપ્તા ઉર્ફે બિહારીલાલ પાંડે નીકળ્યા!

તેઓ સડસડાટ સીધા કમિશનરસાહેબની કૅબિનમાં ગયા! માંડ પાંચેક મિનિટમાં તેઓ બહાર આવી ગયા! એ વખતે તેમણે સ્વાતિ સામે જોયું સુધ્ધાં નહીં!

સ્વાતિ વિચારી રહી હતી કે આ શું ખેલ ચાલી રહ્યો છે? ત્યાં અંદરથી એક પોલીસ અધિકારી આવ્યા અને સ્વાતિની બાજુમાં બેઠા.

‘જુઓ સ્વાતિજી, આખો કેસ કોર્ટમાં છે. નવા પુરાવા આવ્યા પછી તમે વધુ નવા પુરાવા લઈને આવ્યા છો... હવે એવું છે કે મિસ્ટર દાસગુપ્તાની કાયદેસર રીતે ધરપકડ કરીને ઇન્ક્વાયરી માટે તેમની પોલીસ-કસ્ટડી લેવી પડશે. એમાં વૉરન્ટ... નોટિસ... કોર્ટ પ્રોસીજર વગેરેમાં થોડો સમય લાગી શકે છે.’

‘જી... તમે કહો તો હું બે-ત્રણ દિવસ માટે કલકત્તામાં રોકાઈ શકું છું.’

‘એટલું સિમ્પલ નથી...’ અધિકારીએ સ્મિત રેલાવતાં કહ્યું, ‘અમે તમારું સ્ટેટમેન્ટ પણ લઈ શકીએ. લીગલ પ્રોસીજર પણ આગળ વધારી શકીએ, પરંતુ... એ પછી જ્યારે-જ્યારે કેસ આગળ વધે ત્યારે તમારે છેક પુણેથી કલકત્તાની કોર્ટમાં વારંવાર આવવું પડે... તમારે જો ધક્કા ખાવા જ હોય તો મને વાંધો નથી, પણ જો ધક્કા ન ખાવા હોય તો...’

સ્વાતિ સ્માર્ટ હતી. તે સમજી ગઈ. તેણે તરત જ પૂછ્યું, ‘જો ધક્કા ન ખાવા હોય તો મન્મથરાય મને કેટલા રૂપિયા આપશે?’

lll

તમે નહીં માનો, પણ માત્ર સાડાત્રણ મિનિટનો એક ‘લાઇવ’ સીન ભજવવા માટે સ્વાતિને જે રકમ મળી એવી માતબર રકમ આજ સુધી કોઈ નાટ્ય-અભિનેત્રીને મળી નથી.

વર્લ્ડ રેકૉર્ડ છે, એક જાતનો!

(સમાપ્ત)

columnists gujarati mid-day