15 August, 2021 04:59 PM IST | Mumbai | Aacharya Devvrat Jani
શિવલિંગ
આચાર્ય દેવવ્રત જાની
feedbackgmd@mid-day.com
બિલ્વ જેમ ભગવાન શિવ સાથે જોડાયેલું છે એવી જ રીતે મહાદેવ સાથે અન્ય વીસ પ્રતીક પણ જોડાયેલાં છે, જેને શુભત્વ સાથે સાંકળવામાં આવ્યાં છે. આ વીસ ચિહનોમાં પ્રથમ ક્રમે ત્રિશૂળ છે. શાસ્ત્રો કહે છે કે શસ્ત્ર તરીકે ત્રિશૂળ મહાદેવ દ્વારા આવિસ્કૃત થયું છે તો શાસ્ત્રો એ પણ કહે છે કે ત્રિશૂળ માત્ર શસ્ત્ર નહીં પણ સૂચક ચિહન પણ છે.
દૈનિક, દૈવિક અને ભૌતિક એમ ત્રિશૂળ ત્રણ પ્રકારનાં કષ્ટના વિનાશનું પણ સૂચક છે તો ત્રિશૂળ સત, રજ અને તમ એમ ત્રણ પ્રકારની શક્તિનું પ્રતીક પણ છે. ત્રિશૂળનાં ત્રણ શૂળ સૃષ્ટિના ઉદય, સંરક્ષણ અને સંચાલનનું પણ પ્રતિનિધિત્વ કરે છે. શિવપુરાણ મુજબ આ ત્રણના અધિપતિ મહાદેવ છે. શિવપુરાણને જ આધાર બનાવીને કહીએ તો ત્રિશૂળ મહાકાલેશ્વરના ત્રણ કાળ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને પણ દર્શાવે છે.
ત્રિશૂળ સ્વપિંડ, બ્રહ્માંડ અને શક્તિના પરમ પદથી એકત્વ સ્થાપિત હોવાના પ્રતીક સમાન પણ માનવામાં આવે છે તો ત્રિશૂળ માનવદેહસ્થિત નાડીઓનું પણ પ્રતીક છે. ત્રિશૂળનો સાંકેતિક સંદેશો એવો પણ છે કે ક્યાંયથી પણ જવાનું છે ઉપર, મહાદેવ પાસે જ. આ સાંકેતિક સંદેશ સમજવા માટે તમારે ત્રિશૂળનાં ત્રણ શૂળને જોવાં પડશે. ત્રણેત્રણ શૂળ ઉપરની તરફ તકાયેલાં છે. બે શૂળનો આકાર સહેજ ગોળાકાર સાથે બને છે, પણ એમ છતાં છેલ્લે એ શૂળ પણ ઉપરની દિશામાં ખેંચાય છે. ત્રિશૂળ દ્વારા મહાદેવનો એક સંદેશો એ પણ છે કે એક થઈને રહેવું અનિવાર્ય છે. એકતામાં જ સમભાવ છે અને એકતામાં જ સહજભાવ છે. એકતામાં જ અસ્તિત્વ છે અને એકતા થકી જ વાસ્તવિકતાની સરળતા છે.
ત્રિશૂળ શસ્ત્ર પણ છે અને શાસ્ત્ર પણ છે. એ હિંમત પણ આપે છે અને શૌર્ય જગાડવાનું કામ પણ કરે છે. ત્રિશૂળનાં ત્રણ શૂળ સુખ, શાંતિ અને સલામતીનાં પણ પ્રતીક છે જે આજના સમયમાં એકદમ વાજબી છે. શૌર્ય હોય તો જ શાંતિ અકબંધ રહે, જો શસ્ત્ર હોય તો સલામતી જળવાયેલી રહે અને જો હિંમતવાન હો તો સુખી જીવનની પ્રાપ્તિ થાય. ત્રિશૂળ ત્રણ લોકને પણ દર્શાવે છે. મહાદેવ ત્રણેય લોક પર રાજ કરે છે અને એ રાજનું પ્રતીક આ ત્રિશૂળ છે.
જો તમે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય તો તમને દેખાશે કે ત્રિશૂળ એવું શસ્ત્ર છે જે મહદંશે તમામ દેવીદેવતાઓના હાથમાં છે, જે દર્શાવે છે કે મહાદેવના સાથની અનિવાર્યતા તેમને પણ છે. તો આપણને તો સ્વાભાવિક રીતે મહાદેવની આવશ્યકતા રહેવાની. ત્રિશૂળનાં ત્રણ શૂળ મહાદેવનાં ત્રિનેત્રના પ્રતીક સમાન પણ છે.
ત્રિશૂળ પછીનું શિવજીનું જે પ્રતીક છે એ પ્રતીક આમ તો ત્રિશૂળ સાથે જોડાયેલું હોય છે, જે છે ડમરુ. ડમરુ નાદનું પ્રતીક છે. મહાદેવ જ્યાં હોય ત્યાં નાદ હોય એવા ભાવાર્થથી આ પ્રતીકને જોવામાં આવે છે. અહીં નાદનો અર્થ ઊંચો અવાજ ગણવામાં આવે છે. મહાદેવનો સાથ હોય તેના અવાજમાં પણ ડમરુની જેમ શૌર્ય છલકતું હોય છે.
મહાદેવ સંગીતના જનક છે. તેમના પહેલાં ક્યાંય કોઈ નાચ-ગાન કે પછી સંગીતના ક્ષેત્રમાં કોઈ જાતનો આવિષ્કાર નહોતો થયો. એવું માનવામાં આવે છે કે ડમરુ જગતનું પહેલું વાદ્ય છે. ડમરુ એવો નાદ આપે છે જે નાદ બ્રહ્માંડમાં નિરંતર છે. આ નાદ એ મહાદેવનો પ્રિય ધ્વનિ, એટલે કે ઓમ. સંગીતના અન્ય સ્વરમાં ઉતાર-ચડાવ હોય છે એ આવે અને જાય, પણ કેન્દ્રીય સ્વર નાદ છે અને નાદ અકબંધ રહે છે. વાણીનાં જે ચાર રૂપ છે એની ઉત્પત્તિ પણ નાદમાંથી જ થઈ છે. વાણીનાં એ ચાર રૂપ પર, પશ્યંતી, મધ્યમા અને વૈકરી છે. આ ચારેચાર રૂપમાં પણ નાદ છે અને નાદનો જનક ડમરુ છે.
લેખક આધ્યાત્મિક અને શાસ્ત્રોક્ત વિધિકાર છે. શાસ્ત્રોક્ત લેખન તેમ જ સેમિનાર થકી શિક્ષણમાં પણ નિપુણતા ધરાવે છે. શિવનાં જગદવ્યાપી સ્વરૂપનાં દર્શન કરાવતા શિવપુરાણની વાતો શ્રાવણના પવિત્ર મહિનામાં રોજેરોજ અહીં વાંચવા મળશે.