16 November, 2022 04:07 PM IST | Mumbai | Rashmin Shah
ચિંતામણિ ખાનોલકર અને કોંડુરા બુક
આજકાલ ફિલ્મ ‘કાંતારા’ની વાતો બહુ થાય છે, પણ આ ‘કાંતારા’થી પણ ચાર ચાસણી ચડે એવી ‘કોંડુરા’ નામની નવલકથા મરાઠી રાઇટર ચિંતામણિ ખાનોલકરે છેક સાઠના દશકમાં લખી હતી. એ નવલકથાએ ફિલ્મમેકર્સ પર એ સ્તર પર અસર કરી હતી કે સિત્તેરના દશકની શરૂઆતમાં તો ઑલરેડી ત્રણ મેકર્સ ચિંતામણિ પાસે રાઇટ્સ લેવા પણ પહોંચી ગયા. હવે ચિંતામણિએ નક્કી કરવાનું હતું કે તે રાઇટ્સ કોને આપે અને શું કામ આપે. ચિંતામણિએ રાઇટ્સ કોને આપ્યા એની વાત કરતાં પહેલાં ચિંતામણિ ખાનોલકરને મળવું જોઈએ.
પ્રતિષ્ઠિત રાઇટરને ગુજરાતીઓ ઓછા ઓળખતા હોય એવું બની શકે પણ મરાઠી સાહિત્યપ્રેમી પ્રજા તેમને ભગવાનથી સહેજ પણ ઓછા ઊતરતા નથી માનતી. નાટક અને કવિતાઓ ઉપરાંત તેમણે નવલકથા પર પણ કામ કર્યું. મરાઠી નાટકો માટે તેમણે કરેલા કામ માટે સંગીત નાટક અકાદમી અવૉર્ડથી તેમનું સન્માન કરવામાં આવ્યું તો તેમના કવિતા સંગ્રહ બદલ તેમને સાહિત્ય અકાદમી અવૉર્ડથી પણ નવાજવામાં આવ્યા.
સર્જક હોય એ જ પ્રકારે ચિંતામણિ ખાનેલકર પોતે ધૂની પણ એવા જ. તેમણે બાપીકી જાગીરની રેસ્ટોરન્ટ પણ ચલાવી અને રેડિયોમાં નોકરી પણ કરી. જોકે લેખન પ્રત્યેની રુચિને કારણે એ રેસ્ટોરન્ટ બિઝનેસ સર્વાઇવ ન થઈ શક્યો અને એક દિવસ તેમણે મુંબઈ માટે પોતાનું વતન છોડી દીધું. વતન છોડવાનું કારણ સમજાવતાં તેમણે કહ્યું હતું, ‘અહીં હું શ્વાસ લઉં છું પણ મારે જીવવું છે, મને સંઘર્ષ જોઈએ છે અને સંઘર્ષ તકલીફોમાંથી જ પ્રાપ્ત થાય.’
કેવી ઉમદા ફિલોસૉફી! આજે જ્યારે માણસ શાંતિની શોધમાં નીકળે છે ત્યારે ચિંતામણિ સંઘર્ષની તલાશમાં નીકળતા હતા.
ત્રણ પ્રોડ્યુસર, એક નૉવેલ | ‘કોંડુરા’ ૧૯૬૬માં લખાઈ. એ નવલકથા જે કોઈ વાંચે એને વિચારોમાં ગર્ત કરી દેવાની ક્ષમતા ધરાવતી હતી પણ અફસોસ કે આ નવલકથાને સાહિત્યના એક પણ અવૉર્ડ નથી મળ્યા. અલબત્ત, ‘કોંડુરા’થી ચિંતામણિ ખાનોલકરને દામ ખૂબ મળ્યા, જે તે પોતે પણ સ્વીકારે છે.
‘કોંડુરા’ માટે ચિંતામણિ પાસે ત્રણ પ્રોડ્યુસર રેડી હતા, જે એના પર ફિલ્મ બનાવવા માગતા હતા. આ ત્રણમાંથી એક પ્રોડ્યુસર તો ઍક્ટર અમોલ પાલેકર પોતે જ હતા. અમોલ પાલેકરે ઑલરેડી ચિંતામણિના મરાઠી નાટક ‘કાલાય તસ્મૈય નમઃ’ પરથી બનેલી ફિલ્મ ‘અનકહી’માં કામ કર્યું જ હતું. અમોલ પાલેકરની બહુ ઇચ્છા હતી કે ‘કોંડુરા’ પરથી ફિલ્મ બને અને એમાં તે લીડ રોલ કરે પણ ચિંતામણિએ નૉવેલના રાઇટ્સ શ્યામ બેનેગલને આપ્યા અને શ્યામ બેનેગલે એ જ ટાઇટલ સાથે ફિલ્મ બનાવી.
ફિલ્મ ‘કોંડુરા’ વિશે થોડી વાત... | ફિલ્મ બને તો ‘કોંડુરા’માં જે લીડ રોલ અમોલ પાલેકરને કરવો હતો એ લીડ રોલ માટે શ્યામ બેનેગલ અનંત નાગને લાવ્યા તો સાથે સ્મિતા પાટીલ, અમરીશ પુરી અને મરાઠી થિયેટરના દિગ્ગજ એવા સત્યદેવ દુબેને પણ તેમણે કાસ્ટ કર્યા.
નવાઈ લાગે એવી વાત તો એ છે કે શ્યામ બેનેગલની આ ફિલ્મમાં કોરિયોગ્રાફી બીજા કોઈએ નહીં પણ હિન્દી ફિલ્મોના લેજન્ડ ગણાય એવા ડિરેક્ટર ગોવિંદ નિહલાણીએ કરી હતી. માત્ર એકત્રીસ દિવસમાં શૂટ થયેલી આ ફિલ્મ માટે નિહલાણીએ કૅમેરા સ્ટૅન્ડનો ઉપયોગ જ નહોતો કર્યો અને આખી ફિલ્મનું શૂટ ખભા પર કૅમેરા રાખીને કર્યું હતું. શ્યામ બેનેગલે માત્ર હિન્દી જ નહીં, હિન્દીની સાથેસાથે બંગાળીમાં પણ બનાવી.