1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૪૮)

02 July, 2023 08:00 AM IST  |  Mumbai | Rashmin Shah

‘અત્યારે તમે તમારા ભાઈને સમજાવીને મને રોકી લ્યો.’ કંસારી ઊભી રહી ગઈ હતી, ‘સવારે આપણે મા’રાજને પણ મળી આવીએ ને એવું લાગે તો તમે મને છોડી પણ દેખાડી દ્‍યો... બધુંય બેચાર દીમાં આપણે નક્કી પણ કરી નાખીએ.’

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા

‘ઈ બધી વાત પછી કરજે, પે’લા તું વઉનું વિચાર...’ ગોરધન સાતાએ દીકરાની સામે જોયું, ‘વઉ ન્યાં માધાપરમાં એકલી છે. હવે તારી ફરજ કે’વાય કે તું ન્યાં જઈને તેને લઈ આવ... જા નીકળ, માધાપર જઈ લેતો આવ કુંદનને.’

‘બાપુ, ઈ નહીં માને...’ પ્રભુએ જવાબ આપ્યો અને ફરીથી પોતાનાં કપડાંનું પોટલું બાંધવા પર ધ્યાન આપ્યું, ‘તમને તો ખબર છે, ઈ એનાં બા-બાપુ વિના આગળ પગ નઈ મૂકે ને મારા મગજની નસ ખરાબ થાશે...’

‘એકની એક છોકરી છે તો એટલું તો ર્‍યેને ભાઈ...’ ગોરધનભાઈ કુંદનનું મન સમજતા હતા, ‘બઉ એવું લાગે તો વેવાઈ ને વેવાણને પણ ભેગાં બેસાડી દેજે. ક્યાં તારે હનુમાન બની ઈ લોકોને ખભે બેસાડવાનાં છે?!’

lll

ભુજ અને ભુજને કારણે પાડોશી એવા માધાપર ગામમાં ટેન્શન આવ્યું, પણ અંજારમાં હજી શાંતિ હતી. રાતના સુનકાર વચ્ચે મ િસાઇલથી થતા અટૅકનો અવાજ સંભળાતો, તો ક્યારેક હવામાં તેજ લિસાટા છોડી પસાર થતાં ફાઇટર પ્લેન પણ દેખાતાં, પણ એ સિવાય હજી સુધી અંજાર, નવાં-નવાં બનેલાં આદિપુર કે કંડલામાં ટેન્શન પ્રસર્યું નહોતું. કંડલા પોર્ટને હવે પ્રાધાન્ય વધારે મળવા માંડ્યું હતું અને નવલખીનો ટ્રાફિક કંડલા તરફ ડાઇવર્ટ કરી દેવામાં આવ્યો હતો. કંડલા પર હુમલો ન થાય એવા હેતુથી ભારત સરકાર દ્વારા ઇન્ડ િયન નેવીને એ આખા વિસ્તારમાં તહેનાત કરી દીધી હતી, તો ભારતીય યુદ્ધજહાજ આઇએનએસ વિક્રાંત પર ફાઇટર પ્લેન પણ ગોઠવાયેલાં હતાં.

આઇએનએસ વિક્રાંત પર મૂકવામાં આવેલાં ૧૨ ફાઇટર પ્લેનમાંથી ૪ ફાઇટર પ્લેન પાકિસ્તાન દ્વારા થતા હવાઈ હુમલાને ખાળવાનું કામ કરતાં હતાં, તો ૪ ફાઇટર પ્લેન જહાજ પર તહેનાત રહેતાં હતાં. ભારતીય જળસીમાના સૌથી મોટા હિસ્સાને સુરક્ષ િત રાખવાની જવાબદારી વ િક્રાંતના શિરે હતી, તો સાથોસાથ વિક્રાંતે અરબી સમુદ્રની ભારતીય સીમામાં પાકિસ્તાન દાખલ ન થાય એના પર પણ નજર રાખવાની હતી.

lll

‘અલ્યા, સાચું કહું છું, નો સારું લાગે...’ બાપુની જેમ જ બાએ પણ પ્રભુને કહ્યું અને ટોક્યો પણ ખરો, ‘ગામના બધાય વાતું કરે કે જમાઈને તો તેની બૈરીની કંઈ પડી નો’તી...’

‘જમાઈને કોને પડી છે?!’ પ્રભુએ સહેજ કડવાશ સાથે કહ્યું, ‘ક્યો મને, કોણે પૃચ્છા કરી કે આંયા હું બરાબર છું કે નઈ? કોણે તમારી ને બાપુની પૃચ્છા કરી?!’

‘આંયા કાંય થ્યું હોય તો પૃચ્છા કરેને દીકરા... આંય તો શાંતિ છે.’

‘તો શું થઈ ગ્યું, આંયા બૉમ્બના ભડાકા થાય એટલે ઈ બધાય તપાસ કરવા આવે.’

પ્રુભની લવારી ચાલુ રહી, જે સાંભળવાની બાની તૈયારી નહોતી એટલે બા ત્યાંથી હટીને અંદર ઓરડામાં આવી ગયાં અને નવેસરથી હુક્કો ભરતા પતિ ગોરધનની બાજુમાં જઈને બેસી ગયાં.

‘હું શું કહું છું?!’

‘બોલ તો ખબર પડે...’

‘વચ્ચે બોલવાનું બંધ કરી તમે મારી વાત સાંભરો...’ કંસારીબહેનની કમાન છટકી, ‘આ છોકરો તેના નાટકમાં જાશે ને આપણા ઘરમાં સારા ઘરની વઉ આવતી અટકશે.’

‘તું ખોટી માથાકૂટ રે’વા દે... અત્યારે એય ચિંતામાં છે.’ હુક્કામાં ભરાયેલા કોલસાને વધારે પ્રજ્વલ િત કરવા ગિરધરભાઈએ ફૂંકણીમાં ફૂંક મારવાનું શરૂ કરતાં પહેલાં પત્ની કંસારી સામે જોયું, ‘ઘરની બાઈ જ્યાં રે’તી હોય ન્યાં આમ બૉમ્બધડાકા હાલતા હોય તો જીવ અથરો થઈ જાય...’

‘માન્યું, પણ જો જીવ અથરો જાય તો માણસ સીધોયે થઈ જાય ને ઘરમાં બેસીને પોતાનું પોટલું બાંધવાને બદલે સાસરે જઈ ન્યાંનાં પોટલાં બાંધવા માંડ્યો હોય...’ કંસારીબહેનની અકળામણ હજી ઓસરી નહોતી, ‘જરાક વિચાર તો કરો, ન્યાં માધાપરમાં અત્યારે મારી ને તમારી કેવી વાતું થાતી હશે... વિચારો, તમારી બેનની શું વલે થાતી હશે, જેણે આપણને આવું વેંત ઊંચું ખોરડું દેખાડ્યું?!’

હુક્કાનો દમ મારતા ગોરધનભાઈની આંખ સામે એ દિવસ આવી ગયો જે દિવસે નાની બહેન દિવાળીએ સાતા પરિવારના સૌને ઘરે જમવા માટે માધાપર બોલાવ્યા હતા.

lll

‘શું તમને આમ અચાનક જમાડવાનું મન થયું દિવાળીબહેન?!’ પતિ માટે સાથે લીધેલું ભાતું ખોલતાં કંસારીબહેને નણંદ સામે જોયું, ‘આવવાની ના પાડી તો તમે તમારા છોકરાના સમ દેવા સુધી પહોંચી ગ્યાં... કાંય વાત?’

‘હા ભાભી, સોના જેવી મહામૂલી વાત છે.’ દિવાળીના ચહેરા પર ખુશી ઝળકતી હતી, ‘તમને નથી લાગતું પ્રભુને હવે ઠેકાણે પાડી દેવો જોઈએ?’

‘હુંયે તમારા ભાઈને કેટલા વખતથી કઉં છું, પણ બાપ-દીકરો બેય સંપીને વાત ટાળ્યા કરે છે...’ કંસારીએ મનનો ભય શબ્દોમાં વર્ણવી દીધો, ‘મને તો બીક છે, બેય જણ ક્યાંક ભણેલીગણેલી લાવીને ઘરમાં ઊભી રાખી દેશે તો નવેસરથી ઠામડાં ઊટકવાનું કામ મારે ચાલુ કરી દેવું પડશે.’

‘એવું નો થાય એટલે જ તમને બધાયને આંયા બોલાવ્યાં છે ભાભી...’ કંસારીનો હાથ પકડી દિવાળીએ રીતસર ભાભીને બહારની બાજુએ ખેંચ્યાં, ‘આંય જ તમને એવો સોના જેવો દાગીનો દઉં કે આખી જિંદગી તમે મને યાદ રાખો ને મારા મર્યા પછી મારી વાંહે ૧૦૦ ભામણ જમાડો...’

‘એવો તે ચાંદનો ટુકડો માધાપરમાં ક્યારે આવ્યો દિવાળીબેન?’

‘અરે ભાભી આવ્યો નઈ, આંયા જ ઊગ્યો છે...’ કંસારીએ કહ્યું, ‘આજ સુધી એ ચાંદાને આપણે કોઈએ જોયો નો’તો... દી આખો ઘરમાં ને રાતે ચોપડિયુમાં માથું નાખીને એ ચાંદો ભણતો  ર્‍યો ને એમાં શરદપૂનમ થઈ પણ ગઈ...’

‘નણંદબા, ભણેલી છોડી ક્યાંક...’

‘ચિંતા કાઢી નાખો ભાભી...’ કંસારીએ ગળા પર હાથ મૂક્યો, ‘મા આશાપુરાના સમ, છોકરી ભણી છે, પણ ભણતરનો એક ટકો ઘમંડ નથી તેને... છોકરી હોશિયાર ને ચાલાક સાચી, પણ ચાલાકીને તેણે ક્યાંય મગજ પર ચડવા નથી દીધી. ગામમાંથી નીકળે તો તેની નજર નીચી હોય ને વડીલો મળે ત્યારે હાથ સીધા તેની ચરણરજ લેવા વળી ગયા હોય... દીકરી એવી કે કોઈને ચીંધી હોય તો દરેક પુણ્યતિથિએ લાડવા એ ઘરે બનાવે ને કાગવાસમાં કાગડાને ભાણું એ લોકો પીરસે.’

‘જરાક વધારે પડતાં વખાણ નથી કરતાંને બેન?!’ કંસારીએ શંકા દર્શાવી, ‘આવો દાગીનો હજી સુધી ક્યાંય ગોઠવાયા વિનાનો ર્‍યો હોય એ વાત માનવામાં નથી આવતી. જરાક પૂછો, નાનપણમાં હાથ દેવાય ગ્યો હશે ને કાં પેટે ચાંદલા થઈ ગ્યા હશે.’

‘ના માવડી ના... બધી તપાસ કરી લીધી ને પછી આપણા પ્રભુડાના ગ્રહ પણ જોવડાવી લીધા...’ દિવાળીએ ખુલાસો કર્યો, ‘પાદરમાં મા’રાજ આવ્યા’તા તેણે કીધું કે ભાદરવો ઊતરતાં પ્રભુની દોરી કોક છોકરીના હાથમાં સોંપાઈ જાશે.’

કંસારીની આંખોમાં ઉત્સાહ જોઈ દિવાળીએ કહી પણ દીધું.

‘કહેતાં હો તો અત્યારે પણ એ સાધુ પાસે લઈ જાઉં... હજી પાદરે જ બિરાજેલા છે. જાવાનું કાલે સવારે...’

‘તો તો ઊભાં થાવ નણંદબા, હવે તો મળી લેવું પડે એ બાવાજીને...’ કંસારી ઊભી થઈ ગઈ, ‘પ્રભુડાનો વરતારો સગા કાને સાંભળીશ તો હૈયે ટાઢક થાશે ને જીવ હેઠો બેસશે.’

lll

પ્રભુ નાનો હતો ત્યારે બાપા સાથે નળિયાં ચડાવવા છતે ગયો અને ત્યાંથી પડ્યો. માથામાંથી લોહીની ધાર શરૂ થઈ. તાત્કાલિક વૈદરાજ પાસે લઈ જવામાં આવ્યો. વૈદરાજે લોહી તો બંધ કરી દીધું, પણ સાથોસાથ ચેતવણી પણ આપી દીધી કે હવે બને તો પ્રભુ ઉપર બહુ કચકચ કરવી નહીં. માથામાં લાગેલો ઘા બહારથી તો રુઝાયો છે, પણ અંદરથી એને ભરાતાં લાંબો સમય લાગી શકે છે.

અંદરની બાજુએ ઘા રુઝાયો કે નહીં એ તો ક્યારેય કોઈ જાણી શક્યું નહીં, પણ પ્રભુને રોકવા-ટોકવાનું માબાપે બંધ કરી દીધું, જેને કારણે દોડવું’તું ને ઢાળ મળ્યા જેવો ઘાટ પ્રભુના જીવનમાં ઘડાયો. કોઈ રોકટોક નહીં, કોઈ વાતની આનાકાની નહીં અને કોઈ જાતનું દબાણ નહીં. છોકરો કહ્યા બહાર નીકળી ગયો. એક સમય એવો આવી ગયો કે માબાપને પોતાની ભૂલ સમજાઈ, પણ ત્યાં સુધીમાં ખાસ્સું મોડું થઈ ગયું હતું એટલે બન્ને મનોમન એવું આશ્વાસન લેવા માંડ્યા કે હવે પારકી જણી આવીને જ તેના કાન વીંધશે અને પ્રભુને સુધારશે, પણ એવો સમય આવે એવું પણ પ્રભુની વર્તણૂક પરથી લાગતું નહોતું. કોઈની પણ સાથે તોછડાઈથી વર્તી લેતો પ્રભુ છોકરી જોવા માટે રાજી નહોતો થતો અને એવામાં ફુઈ એવી દિવાળીએ ગોરધન અને કંસારીને માધાપર બોલાવ્યાં. સાધુમહારાજની વાત થઈ અને દિવાળીબહેનના મનમાં ફટાકડા ફૂટવા શરૂ થઈ ગયા. જેનો વર્તમાન નબળો હોય એ ભવ િષ્ય પર આંખો મીંચીને ભરોસો મૂકે.

lll

‘ઊભાં થાવ નણંદબા, હવે તો મળી લેવું પડે એ બાવાજીને...’ કંસારી ઊભી થઈ ગઈ, ‘પ્રભુડાનો વરતારો સગા કાને સાંભળીશ તો હૈયે ટાઢક થાશે ને જીવ હેઠો બેસશે.’

નણંદ ઘરની બહાર નીકળે એ પહેલાં તો કંસારીના પગ ઘરની બહાર પણ પહોંચી ગયા એટલે દિવાળીએ રીતસર ભાગતાં ભાભીની પાછળ જવું પડ્યું.

‘ભાભી, ત્યાં અત્યારે બીજા બધા બેઠા હશે હોં...’

‘છોને બેઠા, આપણે ક્યાં ઈ બધાયની રજા લેવાની છે...’ કંસારીની નજર રસ્તા પર હતી, ‘મા’રાજ હા પાડે એટલે બઉ થ્યું... મારે તો તેને પૂછવું છે.’

‘હા, પણ જો હું કહું કે હમણાં મૂંગાં રહેજો તો જરાક જીભ કાબૂમાં રાખીને બેસી રહેજો...’

‘એની ચ િંતા મેલી દ્‍યો, નણંદબા...’ કંસારીનો ઉત્સાહ રીતસર ઊછળતો હતો, ‘બધુંય સાચવી લઈશ...’

‘હા, પણ મને પૂછીને આગળ વધજો.’

‘કેમ?’ કંસારીના પગ રોકાઈ ગયા, ‘આવું કે’વાનું કાંય કારણ?!’

‘હા...’ વાત આવી રીતે રસ્તા પર કરવી પડશે એ તો દિવાળીએ પણ વિચાર્યું નહોતું, ‘ઘરમાં બધી વાત કરુંને તમને...’

‘ઉપર આકાશ ને નીચે ધરતી... માલધારીનું આનાથી મોટું કયું ઘર હોવાનું બહેન...’ કંસારીના મનમાં કાળવાણી ચાલતી હતી, ‘જો પ્રભુડાની કોઈ એવી વાત હોય તો મને અત્યારે જ કઈ દ્‍યો, હૃદય ધબકારા ભૂલે એની પે’લા...’

‘અરે, ભાભી એવી કોઈ ખરાબ વાત નથી...’ ભાભીની આંખોમાં શંકા અકબંધ રહેતાં દિવાળીએ પોતાના માથા પર હાથ મૂક્યો, ‘ક્યો તેના સોગન. બીક રાખવા જેવું કાંય નથી...’

‘હરિવાલા ને આશાપુરા મા સૌનું સારું કરે...’ કંસારીએ ફરી પગ ઉપાડ્યો, ‘વાત ભલે અત્યારે નો કરો તમે, પણ જરાક અણસાર દઈ દ્‍યો તો માની ચિંતા સાવ કોરાણે મેલાઈ જાય...’

‘ભાભી, સમજો તમે પ્રભુડાનું બધું નક્કી થઈ ગ્યું... તમે બસ, ખાલી વેવિશાળની તૈયરી કરો.’

‘હા, પણ બહેન, તમને કીધું એમ, ભણેલી છોડી ક્યાંક હેરાન...’

‘તો તમારું જોડું ને મારું માથું ભાભી...’ દિવાળીને ગળા સુધી ભરોસો હતો જે તેના શબ્દોમાં પ્રસરી ગયો, ‘ઘર આખું દીપાવી દ્‍યે એવી છોકરી છે, મળ્યા પછી તમે મારી સાટુંયે પાંચ તોલાનો દાગીનો કરાવી નાખશો. જોજો તમે...’

દિવાળીને મુદ્દો પણ યાદ આવી ગયો એટલે તેણે તરત જ ચોખવટ પણ કરી દીધી.

‘એ લોકો કે પછી એ લોકોનાં કોઈ સગાં ન્યાં હોય ને તમે પ્રભુ વિશે મા’રાજને કાંય પૂછો તો ભાંગરો ન વટાઈ જાય એટલે તમને રોકું છું...’

‘સમજી ગઈ...’ કંસારીએ દિવાળીની ચિંતા હળવી કરી, ‘જ્યાં સુધી તમે નઈ ક્યો ત્યાં સુધી બેનબા, આ મોઢામાંથી હરફ નઈ કાઢું. ખાતરી રાખજો.’

lll

સાધુમહારાજને મળ્યાને પંદર મિનિટ પસાર થઈ ગઈ અને મોંસૂઝણું અજવાળું પણ ઓસરી ગયું, પણ દ િવાળીએ ઇશારત કરી નહીં એટલે કંસારી ભારે હૈયે મહારાજ સામે બેસી રહી. એક પછી એક નીકળતા ગયા, પણ ખાટલે મોટી ખોડ, એક જતા હતા અને મહારાજને મળવા માટે બે જણ આવી જતા હતા.

‘બેન, વારો આવશે કે નઈ?’

‘આવશે ભાભી, આવશે... જરા ધીરજ રાખો.’

બીજી પંદરેક મિનિટ પસાર થઈ અને જાણે મહારાજ જાણી ગયા હોય એમ તેમણે કંસારી સામે જોયું.

‘આપને સવાલ પૂછવો છે કે પછી સીધો જ જવાબ આપી દઉં?’

કંસારીની આંખો પહોળી થઈ અને એમાં ભીનાશ પણ પ્રસરી.

‘મા’રાજ, આપ તો જ્ઞાનીપુરુષ છો... મન જાણી લીધું એટલે વાત પૂરી...’

‘પણ તમારે મન જાણવું પડશે. જો મન જાણશો નહીં તો હાથમાં આવેલો હીરાનો ટુકડો હાથમાંથી નીકળી જશે...’ સાધુમહારાજે ધીમેકથી આંખો બંધ કરી, ‘દીકરીને ઘરમાં લાવો છો એ જ વાત મનમાં રાખજો, જો તેને પુત્રવધૂ ગણીને આગળ વધ્યાં તો એ દીકરી હવામાં ઓગળી જશે, પણ જો દીકરી ગણી રાખી તો તમને બધાને એક નવી ઊંચાઈનો અનુભવ કરાવશે એ છોડી...’

‘તમારા શબ્દો કાયમ યાદ રાખીશ મા’રાજ...’

‘તમે... પણ બીજાનું શું??!’ મહારાજે ચેતવણીના સૂર સાથે કહ્યું, ‘એ બધાનો પણ એ જ વર્તાવ હોવો જોઈએ. પ્રભુએ પ્રભુને હીરો આપ્યો છે. હવે નક્કી તેણે કરવાનું છે. પારખતાં ન આવડે ને કાચ ગણવાની ભૂલ કરી ગયો તો જિંદગીભર પસ્તાશે એ નક્કી છે. એ પણ ને તમે બન્ને પણ...’

સાધુમહારાજના પગમાં કંસારીએ લંબાવી દીધું.

‘મા’રાજ, બધું તમારા હાથમાં છે... કાંઈક એવું કરો કે હીરો ઘરને નવી ચમક આપી જાય. કાંઈક એવો રસ્તો દેખાડો...’

‘ચેતવવાનું કામ મારા હાથમાં છે. ચેતવું અને નવો માર્ગ બનાવવો એ તો તમારા સંસારીની ફિતરત છે...’ નજર ફેરવતાં પહેલાં મહારાજે બન્ને હાથ ઊંચા કર્યા, ‘જય જય મહાબલી...’

મહાબલી હનુમાનજીને આપવામાં આવતો આ સાદ ચર્ચાના પૂર્ણવ િરામ સમાન હતો. જોકે કંસારીને એની ખબર નહોતી એટલે તેણે વાત આગળ વધારવાની શરૂઆત કરી, પણ દિવાળીએ તરત જ ભાભીને રોકી લીધી.

‘ભાભી, હવે વધારે નઈ પૂછવાનું...’

કંસારીએ ફરી એક વાર આશીર્વાદ લીધા અને પછી દિવાળી સાથે ત્યાંથી રવાના થઈ. બહુ સારી વાત સાંભળવા મળી હતી, પણ કમનસીબ એ હતાં કે સારી કહેવાય એવી વાત સાથે ભયવાણી પણ જોડાયેલી હતી.

‘નણંદબા, મા’રાજે જે કાંય કીધું એનો અરથ શું કાઢવાનો?’

‘એ જ કે દીકરી બહુ સારી છે. ઘરમાં આવીને ઘરનું નામ રોશન કરી દેશે...’

‘પણ બીજું જે કાંય કીધું...’

દિવાળીએ વ્યવહારુ રસ્તો કાઢ્યો.

‘એ બધા પર ધ્યાન નહીં દેવાનું. આપણે તો એક જ વાત પકડી લેવાની કે દીકરી હવે બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી...’ દિવાળીના મનમાં મહારાજ માટેનો અહોભાવ અદકેરો થઈ ગયો હતો, ‘તમે જોયુંને, પૂછવું પણ પડ્યું નહીં તમારે ને ભાભી, જોયું, મા’રાજને પ્રભુનું નામ પણ ખબર હતી ને એય ખબર હતી કે તમારા મનમાં છોકરી માટે પણ વલોપાત ચાલે છે.’

‘હા, પણ મનમાં એમ તો પ્રભુડાનું પૂછવાનું પણ હતુંને...’ કંસારીએ કહ્યું, ‘તેનું ક્યાં કાંય બોલ્યા મા’રાજ...’

ચાલતાં-ચાલતાં જ કંસારીને વિચાર આવી ગયો.

‘બેન, જો તમે સાથ દ્‍યો તો મારું કામ થઈ જાય...’

‘મારો સાથ તમારી ભેળો જ છે, પણ કરવાનું શું છે?’

‘અત્યારે તમે તમારા ભાઈને સમજાવીને મને રોકી લ્યો.’ કંસારી ઊભી રહી ગઈ હતી, ‘સવારે આપણે મા’રાજને પણ મળી આવીએ ને એવું લાગે તો તમે મને છોડી પણ દેખાડી દ્‍યો... બધુંય બેચાર દીમાં આપણે નક્કી પણ કરી નાખીએ.’

‘તમને રોકી લેવામાં મને શું વાંધો હોય ભાભી...’ દિવાળીએ પણ હરખાતાં-હરખાતાં જ કહી દીધું, ‘હું તો ઇચ્છું કે કુંદન આપણા ઘરે આવી બધાયનું નામ ઉજાળે ને સાતા પરિવારમાં વર્ષો સુધી મારી વાત થ્યા કરે કે છોકરી ગોતવાનું કામ તો દિવાળીને જ આવડે...’

‘અરે, વાતું નઈ થાય તો તમને પ િતૃ ભેળા ઊભા કરવાનું કામ મારું...’ કંસારીનો ઉત્સાહ ઘૂઘવાટા મારવા માંડ્યો હતો, ‘ઘરે પોગી એની પે’લા આપણે નક્કી કરી લઈ... હવે હું આંયા રાત રોકાઈ જાઉં છું. બરાબરને?’

‘હા, ને તમને રોકાવાનું મારે કે’વાનું છે...’

‘ને તમારા ભાઈને સમજાવવાના પણ છે...’

‘એ હા મારા ભાભી... બધી જવાબદારી મારી...’

દિવાળીના મનમાં ફટાકડા ફૂટવા માંડ્યા હતા. કુંદનને લાયક સારું ઘર મળી જાય તો ખત્રી પરિવાર પણ વધાવો કરશે ને ભાઈ-ભાભી પણ વધાવો દેશે.

એ બેય વધાવામાં મારી છોડીનું વેવિશાળ થઈ જાશે.

દિવાળીના મનમાં ઝબકી ગયેલો વ્યવહારુ સ્વાર્થ લગીરે ખોટો નહોતો.

 

વધુ આવતા રવિવારે

columnists Rashmin Shah