12 March, 2023 12:38 PM IST | Mumbai | Chandrakant Sompura
મને ધન કરતાં ધર્મ તોડવાનો આનંદ વધારે આવે છે
અને એ પછી તે એક મહિનો આ જ વિસ્તારમાં રહ્યો અને એ મહિના દરમ્યાન પ્રભાસ પાટણ વિસ્તારમાં આવેલાં અન્ય મંદિરોમાં તેણે લૂંટફાટ કરી અને એ મંદિરોનો પણ નાશ કર્યો
આપણે વાત કરીએ છીએ સોમનાથ મંદિરની, જેમાં આપણી વાત પહોંચી હતી ઈસવી સન ૧૦૨પમાં મહમદ ગઝનીએ પ્રભાસ પાટણ પર ચડાઈ કરી એ સમય પર.
એ યુદ્ધ આઠ દિવસ ચાલ્યું અને આઠમા દિવસે ગઝની સામે પ્રભાસ પાટણના રાજા ભીમદેવની હાર થઈ. કહે છે કે એ યુદ્ધમાં ગઝનીના હાથે કત્લેઆમ સર્જાયો હતો અને બાળકોથી માંડીને મહિલાઓ સહિતના નિર્દોષ લોકોનો ગઝનીની સેનાએ ભોગ લીધો હતો. આ યુદ્ધમાં ૫૦,૦૦૦થી વધારે હિન્દુઓનો જીવ ગયો હતો. કહેવાય છે કે રાજા ભીમદેવની સેના તો ત્રણ જ દિવસમાં નાશ પામી હતી, પણ સોમનાથ મંદિર બચાવવા માટે આ આખા રાજ્યના લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા અને નાનાં બાળકોથી લઈને મહિલાઓએ પણ તલવાર અને ભાલા ઉપાડી લીધા હતા અને મહાદેવના મંદિરની રક્ષા માટે કોઈ જાતનો વિચાર કર્યા વિના ધર્મને બચાવવા ખાતર યુદ્ધમાં જાતને હોમી દીધી હતી.
યુદ્ધ જીત્યા પછી જ્યારે મહમૂદ ગઝનીએ મહાદેવજીની મૂર્તિ તોડવાની શરૂઆત કરી ત્યારે બચી ગયેલા રાજ્યવાસી શિવભક્તોએ ગઝનીને એ સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી, પણ મહમૂદ ગઝનીએ એ સ્વીકારવાની ના પાડતાં કહ્યું કે મને ધન કરતાં ધર્મ તોડવામાં વધારે મજા આવે છે, હું એ આનંદ લઈશ!
ધન સ્વીકારવા તૈયાર નહોતો થયો એટલે ગઝની પર એ સમયે અમુક ભૂદેવ અને ક્ષત્રિયોએ હુમલો કર્યો હતો, પણ એ સૌને એ જ ઘડીએ મારી નાખીને ગઝનીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું. તેને લૂંટફાટ કરતાં પણ વધારે આનંદ વિકૃતિમાં આવતો હતો અને ભારતીય સંસ્કૃતિમાં ધર્મને જે મહત્તા આપવામાં આવતી હતી એનું નિકંદન કાઢવાની ખુશી તે પોતાની સેના સામે લેવા માગતો હતો. તે સેનાને શીખ આપવા માગતો હતો કે જો હિન્દુઓને તોડવા હોય તો એ લોકોનો ધર્મ તોડવો અને ધર્મ તોડવા માટે તેમના ભગવાનની મૂર્તિઓ તોડવી. તમે જુઓ, ઇતિહાસનો અભ્યાસ કરશો તો તમને દેખાશે કે જેટલા મુસ્લિમ શાસકોએ આ દેશ પર હુમલો કર્યો છે એ સૌએ મંદિર તોડવાનું એક કામ તો કર્યું જ છે. બાબર જ હતો જેણે અયોધ્યામાં રામલલ્લાનું મંદિર તોડ્યું અને એ જગ્યાએ મસ્જિદ બનાવી. આ મસ્જિદ માટે ખુદ મૌલવીઓ કહી ચૂક્યા છે કે જ્યાં અમુક સમય સુધી નમાજ પઢવામાં ન આવી હોય એને કુરાન મસ્જિદ તરીકે સ્વીકારતું નથી, એ જગ્યા માત્ર અને માત્ર એક ઇમારત છે. સૌથી સારી વાત એ રહી કે એનો અંત સુખદ આવ્યો અને બન્ને પક્ષને પોતપોતાના ધર્મની આસ્થા મુજબ જગ્યા મળી.
આપણે ફરી મૂળ વાત પર આવીએ.
ગઝનીએ સોમનાથ મંદિર લૂંટ્યું તો ખરું પણ એ પછી પણ તેણે મંદિરમાં અઢળક તોડફોડ કરી અને પછી એ મંદિરને સળગાવી દઈને એનો વિનાશ કર્યો, જેમાં મંદિરના ચંદનના જે પિલર બનાવવામાં આવ્યા હતા એ સળગી ગયા. કહે છે કે મહમૂદ ગઝની એક મહિના સુધી સોમનાથમાં જ રહ્યો હતો અને આ સમય દરમ્યાન તેણે પ્રભાસ પાટણનાં બીજાં ઘણાં મંદિરોમાં પણ લૂંટફાટ ચલાવી અને એ મંદિરોનો પણ નાશ કર્યો હતો.
મહમૂદ ગઝની જ્યારે આ બધું કરતો હતો એ દરમ્યાન રાજા પરમદેવે સેના ઊભી કરી ચડાઈ કરી ત્યારે એ યુદ્ધ પછી ગઝની સોમનાથથી ભાગ્યો હતો. જો વાત સાચી હોય તો એ પછી ગઝનીને પણ ખાસ કોઈ રસ રહ્યો નહોતો. તેણે પૂરતા પ્રમાણમાં લૂંટફાટ કરી લીધી હતી અને એ લૂંટફાટમાં મળેલાં હીરા-મોતી અને ઝવેરાતોને કારણે તેની સેનામાં પણ ફાટફૂટ પડવા માંડી હતી, જેને લીધે એ પણ વેરવિખેર થઈ ગઈ હતી. ગઝનીએ સોમનાથમાંથી નીકળી જવામાં શાણપણ માન્યું અને તે રવાના થઈ ગયો હતો.
ગઝની ગયાના બે દસકા સુધી સોમનાથ મંદિર એમ જ રહ્યું અને ત્યાર પછી ઈસવી સન ૧૦૨૬માં એનો જીર્ણોદ્ધાર શરૂ થયો, જે છેક ઈસવી સન ૧૦૪૨ સુધી ચાલ્યો. આ જીર્ણોદ્ધાર અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજા ભીમદેવે ચોથા તથા માળવાના પરમાર રાજા ભોજ દ્વારા કરવામાં આવ્યું હતું. જીર્ણોદ્ધારની પ્રક્રિયા ભલે લાંબી ચાલી, પણ એમ છતાં મંદિરનું કામ નબળું હતું, જેને માટે બન્ને રાજવી પરિવારની આર્થિક પરિસ્થિતિને જવાબદાર માનવામાં આવે છે. જોકે તેમણે પોતાની એ નબળી આર્થિક સ્થિતિ વચ્ચે પણ રાજની તિજોરી ખુલ્લી મૂકી દીધી હતી અને એ પછી પણ કામ પ્રમાણમાં નબળું જ થયું હતું.
સોમનાથ મહાદેવના મંદિરની હવે પછીની વાતો આપણે કરીશું આવતા રવિવારે, જેમાં મંદિરની જાહોજલાલી અને એના ત્યાર પછીના નવનિર્માણની વાતનો સમાવેશ કરીશું.