ચહેરા પર એપિલેટર વાપરી શકાય?

08 November, 2022 03:32 PM IST  |  Mumbai | Rupali Shah

બૉડી હેર દૂર કરવા માટે જે એપિલેટર આવે છે એના કરતાં ઘણું જુદું અને હૅન્ડી હોય એવું સ્મૉલ બ્રશ સાઇઝનું એપિલેટર આવે છે જે તમે ઇમર્જન્સીમાં વાપરી શકો છો, પણ એમાં શું ધ્યાન રાખવું એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

દાઢી પર બે-ચાર મોટા વાળ ઊગ્યા હોય કે પછી આઇબ્રો સેટ કરાવવાની રહી ગઈ હોય, કાનની બૂટ પાસેના વાળને કારણે ચહેરાનું નૂર ઘટી ગયું હોય અને અચાનક કોઈક ફંક્શનમાં હાજર રહેવાનું થાય ત્યારે મૂંઝવણમાં મુકાઈ જવાય છે. બ્યુટી-પાર્લર જવાનો સમય ન હોય અથવા તો નવા શહેરમાં હો જ્યાં બ્યુટી-પાર્લર શોધવાની માથાકૂટમાં પડવું ન હોય તો એવા સમયે અણગમતા વાળ દૂર કરવા માટે તમે ફેશ્યલ એપિલેટર હાથવગું રાખી શકો છો. 

શું છે આ એપિલેટર?

એપિલેટર ચહેરા પરના વાળ દૂર કરનારું એક મૉડર્ન બૅટરી ઑપરેટેડ ડિવાઇસ છે. આ ટચૂકડું ડિવાઇસ આમ તો વૅક્સિંગ જેવું જ કામ આપે છે છતાં આ ડિવાઇસમાં કોઈ પણ પ્રકારના વૅક્સનો ઉપયોગ નથી થતો. અલબત્ત, આ સાધન વાપરવા માટે સ્કિલની જરૂર પડે છે એટલે જો તમારો હાથ કેળવાયેલો ન હોય તો તકલીફ થઈ શકે ખરી.

ચહેરા પર વાપરવાની રીત

ચહેરા પરના વાળ દૂર કરવા મોટા ભાગે વૅક્સિંગ કે થ્રેડિંગનો વિકલ્પ જ બહેતર છે એવું માનતાં બ્યુટિશ્યન અસ્મિતા પટેલ કહે છે, ‘એમ છતાં જો ઇમર્જન્સીમાં ચહેરા પર એપિલેટર વાપરવું પડે તો પહેલાં ચહેરાની ત્વચાને એક્સફોલિએટ કરવી જરૂરી છે. આને લીધે ત્વચાનાં છિદ્રો ખુલ્લાં થાય છે અને ડેડ સ્કિન (મૃત કોષ) નીકળી જવાને લીધે વાળ સરળતાથી દૂર થાય છે. બારીકમાં બારીક વાળ દેખાઈ શકે એ માટે સરખો પ્રકાશ આવતો હોય એવી જગ્યાએ બેસવું જરૂરી છે. એપિલેટરની પોઝિશન ત્વચાની ૯૦ ડિગ્રી ઍન્ગલ પર રાખવી. ડિવાઇસને ત્વચા પર દાબવાને બદલે હળવાશથી ફેરવવાથી બેસ્ટ રિઝલ્ટ મળશે. એપિલેટરને હેર ગ્રોથની દિશામાં જ ચહેરા પર ફેરવવું.’ યોગ્ય રીતે વાપરવામાં આવે તો એપિલેટરને લીધે ઇનગ્રોન વાળ રહી નથી જતા કારણકે જે ભાગ પર એપિલેટર ફરતું જાય ત્યાંના નકામા વાળ એ મૂળમાંથી ખેંચી કાઢે છે. એપીલેટરથી કાઢેલા વાળ શેવિંગ, ડેપિલેટરી ક્રીમ કે ટ્વિઝિંગ કરતાં મોડા આવે છે. 

ચહેરા પર તો ન જ વાપરવું 

ચહેરાની ત્વચા ખૂબ સંવેદનશીલ હોય છે એટલે આ પ્રકારે વાળ ખેંચવાની પ્રક્રિયા બને ત્યાં સુધી ન કરવાની સલાહ આપતાં સેલિબ્રિટી બ્યુટિશ્યન ઉલ્હાસ કળમકર કહે છે, ‘એપિલેટરની અંદરના ટ્વીઝરથી વાળ ખેંચાય છે ત્યારે એક્ઝેક્ટલી વાળના મૂળમાંથી જ એ ખેંચાય એવું બનતું નથી. એને કારણે ત્યાંની ત્વચા કાળી પડી જાય એવું સંભવ છે. એનાથી વાળનો ગ્રોથ ઓછો થશે એવું પણ નથી. ચહેરાના અવાંછિત વાળ દૂર કરવા માટે આવા ટૂંકા રસ્તા બને ત્યાં સુધી ન અપનાવવા જોઈએ.’

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

 લાંબા સમયગાળા માટે એપિલેટરનો ઉપયોગ કરવાથી કદાચ ત્વચા ડાર્ક થવાની શક્યતા છે. ઓછી જગ્યામાંથી વાળ કાઢવાના હોય ત્યારે વૅક્સ કરવું વધુ સરળ રહે છે. વૅક્સ ન લાગ્યું હોય એ ભાગના વાળ નથી નીકળતા, પણ એપિલેટરમાં ન કાઢવા ઇચ્છો એવા વાળ પણ કોઈ વાર પ્લક થઈ જવાનો ચાન્સ રહે છે. એપિલેટર મશીનની સ્પીડ ઓછી પણ મક્કમ ગતિથી વ્યવસ્થિત ફેરવવી.  તમારા વાળ લાંબા હોય તો પહેલાં ટ્રિમ કરી લેવા બહેતર છે. ઇરિટેશન ઓછું કરવા માટે દરેક વખતે એપિલેટરનો ઉપયોગ કર્યા બાદ તમારી ત્વચા પર મૉઇશ્ચરાઇઝર લગાડવાનું ભૂલશો નહીં.

બૉડી હેર માટે શું બેસ્ટ?

બૉડી હેરની વાત કરીએ તો સવાલ એ થાય કે શેવિંગ કરવું બહેતર કે એપિલેટર વાપરવું? શેવિંગથી તમારા વાળ જલદી ઊગે છે અને તમારે ત્રણ કે ચાર દિવસમાં ફરી શેવિંગ કરવું પડે છે, પણ એપિલેટરથી વાળ રૂટમાંથી ઊખડે છે એટલે ઊગવાનો ગ્રોથ ધીમો હોય છે. સાધારણ રીતે એપિલેટરથી કાઢેલા વાળ ઊગવાનો સમયગાળો લગભગ ત્રણથી ચાર અઠવાડિયાંનો રહે છે. શેવિંગ પેઇનફુલ નથી હોતું પણ તમારી ત્વચા પર રેઝરને કારણે બળતરા થવાની શક્યતા છે. જ્યારે એપિલેટેશન મૂળમાંથી વાળ ઉખાડે છે એટલે થોડું પેઇનફુલ હોય છે. એટલે બને તો ફેસ ધોઈને ચોખ્ખો કરીને એપિલેટર કરવું વધુ યોગ્ય છે. ડ્રાય સ્કિન કરતાં ભીની સ્કિનને લીધે પેઇન ઓછું થાય છે.

columnists beauty tips