19 May, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેવાકર્મ-સ્વધર્મ દ્વારા મુક્તિ મેળવી શકાય? મુક્ત થવું એટલે શું? મુક્ત થવું એટલે કોઈ પણ બંધનમાંથી છૂટવું. મુક્ત થવું એટલે મોકળાશની અનુભૂતિ થવી. આપણે હજારો કર્મ કરીએ છીએ પરંતુ આ કર્મોનો આપણા પર બોજો હોય છે. કોઈ એક શિક્ષકનો દાખલો લઈએ. શિક્ષકને જો શિક્ષક-કર્મમાં વિદ્યાર્થીઓના બૌદ્ધિક, માનસિક અને ભાવનાત્મક વિકાસમાં આનંદ ન મળતો હોય તો તે કેવી રીતે અધ્યાપન કાર્યનો આનંદ માણી શકશે? જ્યારે તે વિદ્યાર્થીઓનું હોમવર્ક તપાસશે ત્યારે તે વિના કારણે ગુસ્સે થશે. વિદ્યાર્થીઓના પ્રશ્નોથી ઉશ્કેરાઈ જશે. પ્રશ્નોત્તરીને તપાસતી વખતે આડીતેડી લીટીઓ દોરશે. જે કર્મમાં આંતરિક તેજ નથી, આનંદ, ઉત્સાહ અને વિશ્વાસ નથી તે કર્મ કરનાર પણ અસંતુષ્ટ રહેતો હશે તો એ યોગ્ય રીતે કર્મ નહીં કરી શકે અને તેથી સમાજને પણ નુકસાન થશે.
કર્મ ઉત્તમ થાય અને કંટાળાજનક ન રહે એ માટે તમને રુચિ હોવી જોઈએ. બીજી વાત એ છે કે તમે જેને ખાતર કર્મ કરી રહ્યા છો તેના માટે પ્રેમ હોવો જોઈએ. કર્મ માટે પ્રેમ અને એ કર્મના લાભાર્થીઓને માટે અપાર પ્રેમ... કર્મ બે કારણસર બોજારૂપ બની શકે છે. પ્રથમ એ કર્મ માટે અણગમો અને બીજું જે વ્યક્તિ માટે કર્મ કરવામાં આવે છે તેને માટે સ્નેહનો અભાવ. આ બે કારણોને દૂર કરવામાં આવે ત્યારે મુક્તિ સંભવ બની શકે છે. કર્મ નાનું હોય કે મોટું, એનું કોઈ મહત્ત્વ નથી. મહત્ત્વની વાત એ છે કે એ કર્મ કરવામાં તમે કેટલા સમરસ થઈ શકો છો. કર્મનું મૂલ્ય પોતાના ‘સ્વ’ને ભૂલી જઈને કર્મ પર એકાગ્ર થઈ જવા પર આધારિત છે. એમ કહેવામાં આવે છે કે રાત્રે નિવૃત્ત થતાં પહેલાં વ્યક્તિએ દિવસ દરમ્યાન કરેલાં કર્મો ભગવાનને સમર્પિત કરવાં જોઈએ. ‘હે ઈશ્વર, હજી પણ મારું કર્મ પૂર્ણ થયું નથી. હજી પણ મારી ફરજ બજાવતી વખતે મારી જાતને, મારા સ્વાર્થને ભૂલી શકતો નથી. મારાં કર્મોમાં હજી પણ સંપત્તિ અને સન્માનની ઇચ્છા રહે છે. પણ હું તમને ખાતરી આપું છું કે હું આવતી કાલ પછી જે કામ કરીશ એ આજે જે કર્યું છે એના કરતાં વધુ સારું કરવાનો પ્રયાસ કરીશ.’
પ્રખ્યાત શાયર ‘મરીઝ’ની પંક્તિઓ જીવનમાં અમલમાં મૂકવા જેવી છે. બસ, એટલી સમજ મને પરવરદિગાર દે... સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. ‘પરમસમીપે’ પુસ્તકમાંની પ્રખ્યાત કવિ મકરંદ દવેની પ્રાર્થના યાદ આવી રહી છે. ‘મારી નાનીમોટી નિર્બળતા જોઈ હું હતાશ નહીં બનું અને બીજાઓ કરતાં ચડિયાતી શક્તિ જોઈ ગર્વ નહીં કરું. પણ મારી નિર્બળતાને દૂર કરવા પ્રયત્ન કરીશ અને શક્તિને પચાવી જવાની શક્તિ મેળવીશ. સુખના દિવસોમાં મારી પોતાની આસપાસ સ્વાર્થની દીવાલ નહીં ચણું. જગત મને જે કંઈ આપે એ કૃતજ્ઞ ભાવે ગ્રહણ કરીશ અને સાંજ ઢળતાં મારી જાતને પૂછીશ, આજે તેં કોઈને આનંદનો કણ આપ્યો છે કે નહીં? મારું સઘળું છે માનીને જીવનને સ્વીકારીશ અને મારું કંઈ જ નથી માની મૃત્યુ માટે તૈયાર રહીશ.’
-હેમંત ઠક્કર