25 August, 2024 01:50 PM IST | Mumbai | Dr. Nimit Oza
પ્રતીકાત્મક તસવીર
બૉલીવુડનું કોઈ મૂવી જોઈને હું ચોધાર આંસુએ રડ્યો હોઉં તો એ છે ‘ધ સ્કાય ઇઝ પિન્ક’. સત્ય ઘટના પર બનેલી આ ફિલ્મ હૃદયને હચમચાવી નાખે છે. એક જીવલેણ બીમારી સામે લાંબી લડત આપ્યા બાદ ૧૮ વર્ષની આઇશા ચૌધરી પોતાની બીમારી, સંઘર્ષો અને યાતના દરમ્યાન થયેલી પ્રતીતિઓ વિશે એક પુસ્તક લખે છે ‘માય લિટલ એપીફનીઝ’ અને પુસ્તક પ્રકાશિત થયાના એક દિવસ પછી તેનું મૃત્યુ થાય છે.
પુત્રીના અવસાન પછી તેની માતા અદિતિ ચૌધરીને એ ઘર છોડવું નથી હોતું. તે બાકીનું જીવન આઇશાની યાદો, તેના બેડરૂમ, તેની વસ્તુઓ અને તેના ફોટો સાથે વિતાવવા માગે છે; જ્યારે પિતા નિરેન ચૌધરીને તાત્કાલિક એ ઘર છોડીને લંડન ભાગી જવું છે. તે આઇશાના રૂમમાં નથી જઈ શકતા, તે તેનો ફોટો પણ નથી જોઈ શકતા. લંડન શિફ્ટ થતાં પહેલાં નિરેન ચૌધરી એક અદ્ભુત વાત કહે છે, ‘દુઃખ હર કિસીકો અંદર સે નિચોડ દેતા હૈ, થકા દેતા હૈ. બસ ફર્ક ઇતના હૈ કિ મૈં ઉસસે અલગ તરીકે સે ડીલ કરતા હૂં ઔર અદિતિ અલગ.’
શોકમાંથી બહાર આવવાનો રસ્તો ‘ગૂગલ મૅપ’ પર નથી મળતો, એ જાતે બનાવવો પડે છે. સ્વજનોના ફોટોને વીંટળાઈને તમે ગમે એટલું રડી લો, હકીકત એ છે કે જીવન નામની અનૈચ્છિક ઘટના ચાલતી રહે છે. આવો જ એક અદ્ભુત પ્લૉટ લઈને લખાયેલી નવલકથા એટલે ‘હૅમનેટ’. બ્રિટિશ લેખિકા મૅગી ઓ’ફેરેલ દ્વારા લખાયેલી આ કથા પણ સત્ય ઘટના પર આધારિત છે.
આ વાર્તા છે વિખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયરના જીવન પર. પત્ની એન્ને સાથેના લગ્નજીવન દરમ્યાન તેમને ત્રણ બાળકો થયાં. પહેલું બાળક સુઝાના અને ત્યાર પછી જન્મેલાં ટ્વિન્સ હૅમનેટ અને જ્યુડીથ. દીકરા હૅમનેટની ઉંમર જ્યારે ફક્ત ૧૧ વર્ષની હતી ત્યારે પ્લેગને કારણે તેનું અવસાન થયું. આ એ સમય હતો જ્યારે એક નાટ્યકાર અને લેખક તરીકે શેક્સપિયર ઑલરેડી સ્થાપિત થઈ ચૂકેલા.
કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે દીકરાના અંતિમ સંસ્કાર પછી તરત જ નાયક લંડન જવાની વાત કરે છે. એન્ને પોતાના પતિને પૂછે છે, ‘તમે આજે જ ચાલ્યા જશો? મને તમારી જરૂર છે.’ નાયક કહે છે, ‘હું ચાલ્યો જાઉં એ જ હિતાવહ છે. હું મારા કામને અધવચ્ચે નહીં છોડી શકું.’ પુત્રવિરહમાં ડૂબેલો નાયક એ જ દિવસે કામ પર લાગી જાય છે.
તે પોતાના નેક્સ્ટ નાટકની સ્ક્રિપ્ટ લખવામાં વ્યસ્ત થઈ જાય છે. તે એક એવી શાંત અને ખાનગી જગ્યા પર ચાલ્યો જાય છે જ્યાં કોઈ તેના સુધી પહોંચી ન શકે. ચાર દીવાલોની વચ્ચે પુરાયેલો નાયક રાત-દિવસ લખ્યા કરે છે. તેની આસપાસ ફક્ત ત્રણ જ વસ્તુઓ હોય છે : એક પલંગ, એક રાઇટિંગ ટેબલ અને અવિરત ચાલતો કૉફીનો કપ. દીકરાના મૃત્યુનું દુઃખ ભુલાવવા માટે તે પોતાના કામમાં ખોવાઈ જાય છે. પોતાની ઉદાસી, દુઃખ અને વેદનાનો સહારો લઈને તે એક નાટક લખે છે અને એ નાટકને પોતાના સ્વર્ગસ્થ પુત્રનું નામ આપે છે. ઇતિહાસનાં પાનાંમાં અમર થઈ ગયેલું અને દરેક સાહિત્યપ્રેમીના હૃદયમાં આજ સુધી જીવંત રહેલું એ નાટક એટલે ‘હૅમલેટ’. વ્યક્તિગત જીવનમાં બનેલી દુર્ઘટના અને દુઃખને શેક્સપિયરે એક ‘ટાઇમલેસ માસ્ટરપીસ’માં ફેરવી નાખ્યું. દીકરા ‘હૅમનેટ’ને ગુમાવીને તેમણે જગતને ‘હૅમલેટ’ આપ્યું. દીકરાનો શોક પાળવા માટે જો શેક્સપિયર રોકાઈ ગયા હોત તો નાટ્યજગતની સર્વોચ્ચ કૃતિ આપણને ન મળી હોત.
દુઃખ બહુ શક્તિશાળી હોય છે. એનો ઉપયોગ કરવાની કળા દરેકમાં નથી હોતી. એ બ્રેકઅપને કારણે હોય કે મૃત્યુને કારણે, આપણા અંગત જીવનમાંથી જ્યારે કોઈ ગમતી વ્યક્તિ વિદાય પામે છે ત્યારે આપણી અંદર ઊર્જાનું એક ભયંકર તોફાન સર્જાય છે. ઉદાસીમાંથી જન્મેલી એ ઊર્જાનો ઉપયોગ આપણે કાં તો શોક પાળવામાં કરી શકીએ છીએ ને કાં તો કોઈ સર્જનાત્મક કાર્યમાં. પ્રિયજનની ગેરહાજરીમાં મન ન લાગવા છતાં પણ અભાવ અને અણગમાનો યુનિફૉર્મ પહેરીને જેઓ જાતને કોઈ સર્જનાત્મક કામમાં ડુબાડી દે છે તેઓ શોકમાંથી જલદી ઊગરી શકે છે.
ખાલીપો બહુ ‘અટેન્શન સીકિંગ’ હોય છે. આપણે એને જેટલું ધ્યાન, ઊર્જા અને સમય આપીએ છીએ એટલો જ એ વિસ્તરતો જાય છે. જીવતરમાં પડેલાં ખાડા, ખોટ અને ખાલીપાને ભરવાનો એકમાત્ર ઉપાય ગમતી પ્રવૃત્તિઓનો ઢગલો છે. ઉદાસીના ખાડામાં વારંવાર સરી પડતા શોકગ્રસ્ત મનને સ્વસ્થ રાખવાનો શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે એને જવાબદારીઓના વજનથી બાંધી રાખવું. સ્વર્ગસ્થ થયેલું દરેક જણ પોતાની પાછળ બીજા કેટલાય એવા સ્વજનોને છોડી જતું હોય છે જેમને સાચવવાની જવાબદારી આપણી હોય છે. એ જીવિત રહી ગયેલા સ્વજનોની કાળજી માટે પણ આપણું શોકમુક્ત થવું અનિવાર્ય હોય છે. ગુમાવેલા સ્વજનનું એટલું માન તો રાખવું રહ્યું! જ્યાં સુધી આપણે તેમની પાસે પહોંચી ન જઈએ ત્યાં સુધી આપણા ભાગે આવેલી જિંદગીને સાર્થક કરતા રહીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ.