સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૨૨)

18 March, 2023 07:39 AM IST  |  Mumbai | Aashu Patel

શૈલજાએ વિચાર્યું કે આજે નહીં તો કાલે રશ્મિનો સામનો તો કરવો જ પડશે તો અત્યારે જ શા માટે નહીં? તેણે હિંમત કરીને રશ્મિનો કૉલ રિસીવ કરી લીધો

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૨૨)

‘પપ્પા, આ મારી લડાઈ છે. તમે વચ્ચે નહીં આવતા, પ્લીઝ. લોકોને મહેણાં મારવાની તક મળશે કે પૃથ્વીરાજ એટલો નબળો છે કે તેણે શાહનવાઝથી ડરીને પોતાના પિતાની મદદ માગવી પડી.’ પૃથ્વીરાજ તેના પિતા પ્રતાપરાજ સિંહને કહી રહ્યો હતો. પૃથ્વી પર ફાયરિંગ થયું છે એ જાણીને બેબાકળા બની ગયેલા પ્રતાપરાજ ઉત્તર પ્રદેશ સરકારની માલિકીના પ્લેનમાં મુંબઈ ધસી આવ્યા હતા અને પૃથ્વીને મળવા માટે હૉસ્પિટલમાં પહોંચી ગયા હતા. તેમણે કહ્યું હતું કે ‘તારા પર હાથ નાખીને શાહનવાઝે જિંદગીની સૌથી મોટી અને આખરી ભૂલ કરી છે. તે આજની રાત જોઈ નહીં શકે’ એટલે પૃથ્વી અકળાઈ ઊઠ્યો હતો.

‘ના, આ તારી એકલાની લડાઈ નથી, આ આપણા આખા ખાનદાનની લડાઈ છે. આપણા ખાનદાન પર હાથ નાખવાની એ બદમાશે હિંમત કરી છે. હું તેને છોડીશ નહીં.’ પ્રતાપરાજે બરાડો પાડતાં કહ્યું. ‘પ્લીઝ, પપ્પા. તમે મેદાનમાં ઊતરશો તો મારું અપમાન થશે. મને મારી રીતે આ લડાઈ લડવા દો, હું તેને ખતમ કરી દઈશ.’

પ્રતાપરાજે કહ્યું, ‘વાત ઘણી આગળ વધી ગઈ છે. હવે મારે મેદાનમાં ઊતર્યા વિના છૂટકો નથી.’ ‘પપ્પા, પ્લીઝ.’ પૃથ્વીરાજનો અવાજ પહેલી વખત તેના પિતાની સામે ઊંચો થઈ ગયો.
lll
મિલનકુમારની ચેમ્બર બહાર નીકળીને શૈલજાએ પોતાનો મોબાઇલ ફોન ઑન કર્યો. તે મિલનકુમારની ચેમ્બરમાં પ્રવેશી એ વખતે તેણે મોબાઇલ ફોન સાઇલન્ટ પર રાખ્યો હતો, પણ તે મિલનકુમાર સાથે વાત કરી રહી હતી એ દરમિયાન તેના પર રશ્મિ માથુરના કેટલાય કૉલ્સ આવી ગયા હતા. મોબાઇલ ફોનમાં વાઇબ્રેશન થવાને કારણે તે ડિસ્ટર્બ થતી હતી એટલે તેણે મોબાઇલ ફોન ફ્લાઇટ મોડ પર મૂકી દીધો હતો. તેણે મોબાઇલ ફોન શરૂ કર્યો એ સાથે રશ્મિ માથુરના કેટલાય મિસ્ડ કૉલ અલર્ટ્સ આવી ગયા. મિલનકુમાર સાથે સોદો પાર પડ્યો એટલે શૈલજા ખુશ થઈ ગઈ હતી. હવે તેના માટે દુનિયાની બીજી બધી વાતો ગૌણ બની ગઈ હતી. તેણે મોબાઇલ ફોન ઑન કર્યો એની થોડી સેકન્ડમાં જ રશ્મિનો કૉલ આવી ગયો.

શૈલજાએ વિચાર્યું કે આજે નહીં તો કાલે રશ્મિનો સામનો તો કરવો જ પડશે તો અત્યારે જ શા માટે નહીં? તેણે હિંમત કરીને રશ્મિનો કૉલ રિસીવ કરી લીધો.

તેણે કૉલ રિસિવ કર્યો એ સાથે જ રશ્મિએ ધડાધડ કેટલાય સવાલો કરી લીધા, ‘તું જુહુ પોલીસ સ્ટેશન નથી ગઈ? મારા ડ્રાઇવરે કહ્યું કે તે તને પ્રોડ્યુસર મિલનકુમારની ઑફિસે ઉતારી આવ્યો છે. તું જુહુ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જવાની હતી એને બદલે તું મિલનકુમારની ઑફિસે પહોંચી ગઈ? તને ખબર નથી કે શાહનવાઝ અને મિલનકુમાર એક જ સિક્કાની બે બાજુ છે? તેં જ તો મને કહ્યું હતું કે પેલી રાતે શાહનવાઝે તને મિલનકુમારની સાથે પણ બેડ પર જવા માટે દબાણ કર્યું હતું. પાગલ થઈ ગઈ છે તું?’

રશ્મિનો પત્રકાર તરીકે લાંબો અનુભવ હતો. તેને ખબર હતી કે કોઈ આક્રમક વલણ અપનાવે તો એક વખત તો સામેની વ્યક્તિ હેબતાઈ જ જાય. જોકે તેને ખબર નહોતી કે શૈલજા તેનાથી ઉંમરમાં નાની હતી, પણ તેણે જિંદગીમાં ઘણા અનુભવો કરી લીધા હતા. મુંબઈમાં સંઘર્ષ કરતી એકલી રૂપાળી મહત્ત્વાકાંક્ષી યુવતી તરીકે તેણે ઘણીબધી સ્થિતિનો સામનો કર્યો હતો. અને તેણે રશ્મિ તરફથી આવનારી પ્રતિક્રિયા માટે માનસિક રીતે તૈયારી કરી જ લીધી હતી.
તેણે સ્વસ્થ ચિત્તે કહ્યું, ‘મૅ’મ, મારે હવે શાહનવાઝ વિરુદ્ધ ફરિયાદ નથી નોંધાવવી. અને મેં મિલનકુમારની નવી ફિલ્મ સાઇન કરી લીધી છે.’
રશ્મિને મોટો ઝટકો લાગ્યો. શૈલજા જે રીતે તેની સમક્ષ શાહનવાઝ વિરુદ્ધ આક્રોશ ઠાલવીને ગઈ હતી, તેની વિરુદ્ધ ઇન્ટવ્યુ આપીને ગઈ હતી એને કારણે તેને કલ્પના પણ નહોતી કે શૈલજા આટલી ઝડપથી આટલો મોટો યુટર્ન લઈ શકે.
રશ્મિ થોડીક ક્ષણો સુધી વાસ્તવિકતા સ્વીકારી ન શકી, પરંતુ એ પછી તેનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેણે કહ્યું કે ‘તું શું બોલે છે એનું તને ભાન છે? તું મને બેવકૂફ બનાવી ગઈ! તું શું સમજે છે તારી જાતને, તું મારો ઉપયોગ કરી ગઈ, યુ %$&@#*$ !’ રશ્મિએ ગાળ આપી દીધી એટલે શૈલજાએ કહ્યું, ‘મૅ’મ, માઇન્ડ યૉર લૅન્ગ્વેજ. હું ગાળો ખાવા ટેવાયેલી નથી. મેં તમારો ઉપયોગ નથી કર્યો ઊલટું તમે તમારી ચૅનલ માટે મારો ઉપયોગ કરવા ઇચ્છતા હતા! ટીઆરપીની રેસમાં આગળ નીકળી જવા માટે તમે મારો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા ઇચ્છતા હતા! ઍનીવેઝ, મારે હવે કોઈની વિરુદ્ધ કશી ફરિયાદ નથી કરવી. મારે પાણીમાં રહીને મગર સાથે વેર નથી બાંધવું. જે થઈ ગયું એ થઈ ગયું, હું જે હેતુથી મુંબઈ આવી છું એ માટે મને તક મળી રહી છે. તો હવે હું બધું ભૂલીને, બધાને માફ કરીને આગળ વધવા ઇરછું છું અને હવે તમેય આ વાત ભૂલી જજો અને મારો ઇન્ટરવ્યુ તો સાવ ભૂલી જ જજો.’

રશ્મિનો રોષ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. તેણે કહ્યું, ‘તું બે ટકાની છોકરી મારી વિરુદ્ધ, રશ્મિ માથુર વિરુદ્ધ જઈ રહી છે. તું મને બેવકૂફ બનાવવાની કોશિશ કરી રહી છે. હું હમણાં જ તારો ઇન્ટરવ્યુ મારી ચૅનલ પર ટેલિકાસ્ટ કરું છું. શાહનવાઝે તારાં કપડાં ખાનગીમાં ઉતાર્યાં હતાં. હવે તું જોજે. હું તારાં કપડાં આખી દુનિયાની સામે ઉતારીશ. તેં રશ્મિ માથુરની બીજી સાઇડ જોઈ નથી, છોકરી. તું બહુ મોટી ભૂલ કરી રહી છે.’

તેણે ફરી થોડી ગાળો આપી દીધી.
શૈલજાએ કહ્યું, ‘મૅ’મ, હું તમને ફરી વખત વિનંતી કરું છું કે તમે ગાળ ન આપો.’
રશ્મિએ તેને કહ્યું, ‘સાલી, @$#*& તું મને ધમકી આપીશ? રશ્મિ માથુરને?  હું તને બતાવીશ કે રશ્મિ માથુરનો પાવર શું છે.’
શૈલજાએ કહ્યું, ‘મૅ’મ, હું હજી તમારી સાથે રિસ્પેક્ટથી વાત કરી રહી છું. મને તમારા માટે રિસ્પેક્ટ છે, પરંતુ મને મારું સ્વમાન પણ એટલું જ વહાલું છે.’
રશ્મિ ઓર ઉશ્કેરાઈ ગઈ. તેણે કહ્યું, ‘હવે તું છે અને હું છું! શાહનવાઝ તો તને છોડી દેશે પણ હું તને નહીં છોડું. હું તારો ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ કરીશ, પછી તારા હાથમાં એ ફિલ્મ કેમ રહે છે એ હું જોઈશ. હું આ ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ કરું પછી તને મળેલી ફિલ્મ અને સાઇનિંગ અમાઉન્ટ તારા હાથમાંથી કેવી રીતે સરકી જાય છે એ જોજે!’

શૈલજાએ કહ્યું, ‘મૅ’મ, તમે ભૂલી ગયા કે મેં પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી જ નથી! અને હા, તમે મારો ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ કરશો તો હું તમારી વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરીશ કે રશ્મિ માથુરે મને ધમકી આપીને તેના સ્ટુડિયોમાં બોલાવીને જબદસ્તીથી મારી પાસે આ વાતો બોલાવડાવી છે એટલે તમારી ભલાઈ પણ એમાં 
જ છે કે તમે પણ આ વાતો ભૂલી જાઓ. હું તો આ વાત ભૂલી જવા ઇચ્છું જ છું.’
‘આ વાત હવે તું આખી જિંદગી નહીં ભૂલી શકે, છોકરી! તું જો હવે હું શું કરું છું!’
રશ્મિએ જોરથી બરાડો પાડ્યો અને કૉલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો.
lll
તું કોઈ પણ હિસાબે શાહનવાઝને એટલો ઉશ્કેરજે કે તે તને મારવા માંડે. એ વખતે તું તેને એક તમાચો ઝીંકી દેજે અને પછી તરત જ વૅનિટી વૅનમાંથી બહાર દોડજે. તે તારી પાછળ દોડશે. તે બધાની વચ્ચે તને મારવા માંડશે. એ તારા પર હુમલો કરે ત્યારે પહેલાં થોડો માર ખાજે. ‘બચાવો, બચાવો” એવી બૂમો પાડજે અને પછી સ્વબચાવમાં વળતો હુમલો કરજે અને તેને મારી નાખજે.’
‘મારી નાખું? શાહનવાઝને?’
આફતાબના અવાજમાં થોડીક ધ્રુજારી આવી ગઈ.
‘હા, મારી નાખવાનો છે તે હલકટને! તેણે તારા પર હાથ ઉપાડ્યો છે. મારા નાના ભાઈને માર્યો છે. એની સજા તેને મળવી જ જોઈએ.’
‘પણ ભાઈ, ત્યાં તેના પર્સનલ સિક્યૉરિટી ગાર્ડ્સ અને તેની સુરક્ષા માટે અપાયેલા પોલીસ કમાન્ડોઝ હશે...’
‘આફતાબ, મારાથી શક્ય હોત તો આ કામ હું જાતે જ કરત, પણ હું તારા સેટ પર આવું તો ય શાહનવાઝ સુધી તો પહોંચી જ ન શકું. તેની વૅનિટી વૅન સુધી હું પહોંચી ન શકું. એટલે તું કોઈ પણ હિસાબે શાહનવાઝની વૅનિટી વૅનમાં ઘૂસી જજે અને તેને ઉશ્કેરીને બહાર લઈ આવજે. તે તને બધાની વચ્ચે મારતો હોય ત્યારે તારે એ નિશ્ચિત કરવાનું છે કે તે મરી જાય. તું શું કરીશ એ હું નથી જાણતો, પણ તારે આ કામ કરવું જ પડશે.’
‘ભાઈ, હું શાહનવાઝને મારી નાખીશ તો મારી કરીઅર ખતમ થઈ જશે.’
આફતાબના અવાજમાં થોડો ડર હતો.
‘તારી કરીઅરની ચિંતા તું ન કરતો. તું રહેમાનનો નાનો ભાઈ છે. હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. આપણી પાસે દસ કરોડ રૂપિયા આવવાના છે. હું તને લઈને ફિલ્મ બનાવીશ, તને હીરો તરીકે લૉન્ચ કરીશ. તું માત્ર શાહનવાઝને મારી નાખ. બાકીનું બધું હું સંભાળી લઈશ. અબ્દુલચાચા સાથે મારી વાત થઈ ગઈ છે. તે તને બચાવી લેશે. તેમણે કેટલાય ખૂનીઓને ફાંસીએ ચડતા કે જેલમાં જતા બચાવ્યા છે. અબ્દુલચાચાને તારા માટે લાગણી છે. એટલે તેઓ તને કશું નહીં થવા દે.’

થોડી વાર સુધી રહેમાન આફતાબને સમજાવતો રહ્યો. છેવટે આફતાબ સંમત થયો. તેના મનમાં પણ શાહનવાઝ માટે ઝનૂન તો હતું જ, પરંતુ તેને પોતાની કરીઅરની ચિંતા હતી.
આફતાબ શાહનવાઝને મારી નાખવા માટે તૈયાર થઈ ગયો એ પછી રહેમાને તેને કહ્યું, ‘આ કામ આજે જ કરવાનું છે.’
‘આજે જ?’
આફતાબને આંચકો લાગ્યો.
lll
રહેમાન ગયો એ પછી અબ્દુલચાચાએ થોડો વિચાર કર્યો. જે ગુનો થયો નહોતો એ ગુનામાં આરોપી વતી કેસ લડવા માટે રહેમાને તેમને દસ લાખ રૂપિયા ઍડ્વાન્સ અપાવી દીધા હતા.
તેમણે રહેમાનને હા તો પાડી દીધી હતી, પણ શાહનવાઝનું ખૂન થાય તો તેના કેવા પ્રત્યાઘાત આવશે એ વિચારતાં-વિચારતાં તેઓ અસ્વસ્થ થઈ ગયા.
થોડી વાર વિચાર્યા પછી તેમણે મોબાઇલ ફોન હાથમાં લીધો અને એક નંબર લગાવ્યો.
સામેથી કોઈ વ્યક્તિએ કૉલ ઉઠાવ્યો એ સાથે તેઓ ઉતાવળે બોલવા લાગ્યા.
તેમણે જે શબ્દો કહ્યા એના પ્રત્યાઘાતમાં સામે છેડેથી જે કહેવાયું એની તેમણે કલ્પના પણ કરી 
નહોતી!
 
વધુ આવતા શનિવારે...

columnists ashu patel