સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ પ્રકરણ ૧૮

18 February, 2023 02:58 PM IST  |  Mumbai | Aashu Patel

ટ્રૂ કૉલર ઍપને કારણે શૈલજાના મોબાઇલ ફોનની સ્ક્રીન પર ફ્લૅશ થયેલું નામ પ્રોડ્યુસર મિલનકુમારનું હતું! શૈલજાના મનમાં રોમાંચની લાગણી જન્મી ગઈ.

પ્રતીકાત્મક તસવીર

ટ્રૂ કૉલર ઍપને કારણે શૈલજાના મોબાઇલ ફોનની સ્ક્રીન પર ફ્લૅશ થયેલું નામ પ્રોડ્યુસર મિલનકુમારનું હતું! શૈલજાના મનમાં રોમાંચની લાગણી જન્મી ગઈ. મિલનકુમાર જેવો પાવરફુલ પ્રોડ્યુસર તેને કૉલ કરી રહ્યો હતો! તેણે તરત જ કોલ રિસીવ કર્યો. એ સાથે મિલનકુમારે કહ્યું, ‘મૈં મિલનકુમાર બોલ રહા હૂં, મુઝે તુમસે અર્જન્ટ બાત કરની હૈ. અભી હી મેરી ઑફિસ મેં આ જાઓ. મૈં લોકેશન ભેજતા હૂં.’
‘થૅન્ક યુ સો મચ ફૉર કૉલિંગ સર, લેકિન... સર... મુઝે જુહૂ પુલીસ સ્ટેશન પહૂંચના હૈ...’ શૈલજાએ ઉતાવળે કહ્યું.
મિલનકુમારે તેને બોલતાં અટકાવતાં કહ્યું : ‘તુમ્હે જુહુ પુલીસ સ્ટેશન નહીં જાના હૈ. તુમ મેરી ઑફિસ આ રહી હો. અભી ઇસી વક્ત.’
શૈલજા સહેજ અસ્વસ્થ થઈ ગઈ. પોતે જાણે મિલનકુમારની ઑફિસમાં નોકરી કરી રહી હોય એ રીતે તે આદેશના સૂરમાં બોલી રહ્યો હતો! તેના મનમાં મિશ્ર લાગણી ઊઠી રહી હતી. એક બાજુ તેને એ વાતનું સુખદ આશ્ચર્ય થઈ રહ્યું હતું કે મિલનકુમાર જેવો મોટો પ્રોડ્યુસર તેને કૉલ કહી રહ્યો હતો અને બીજી બાજુ મિલનકુમાર તેની સાથે જે ટોનમાં વાત કરી રહ્યો હતો એનાથી તેને અકળામણ થઈ રહી હતી. થોડી વાર માટે તેના મગજમાંથી એ વાત નીકળી ગઈ કે શાહનવાઝ અને મિલનકુમાર એક સિક્કાની બે બાજુ સમાન છે!   
જોકે તે કશી પ્રતિક્રિયા આપી શકે એ પહેલાં મિલનકુમારે કહ્યું, ‘મેરી નયી ફિલ્મ કે લિએ બાત કરની હૈ. તુમ મેરી ઑફિસ મેં આ જાઓ.’  
શૈલજાને આશ્ચર્યનો વધુ એક ઝટકો લાગ્યો. જોકે તેને યાદ આવી ગયું કે તે કેટલા અગત્યના કામે જઈ રહી હતી. તેણે કહ્યું, ‘સર મુઝે થોડા વક્ત દીજિએ. મૈં જુહુ પુલીસ સ્ટેશન જા કે આપકી ઑફિસ મેં આતી હૂં...’
‘મૈં તુમકો વહી બોલ રહા હૂં. તુમ્હે જુહુ પુલીસ સ્ટેશન નહીં જાના હૈ, તુમ્હે મેરી ઑફિસ આના હૈ,’ મિલનકુમારે ભારપૂર્વક કહ્યું.
‘પર...’ શૈલજા કશું બોલવા ગઈ.
‘મૈં તુમ્હે મેરી નયી ફિલ્મ કે લિએ લીડ રોલ મેં સાઇન કર રહા હૂં. ઔર તુમ્હે ગ્યારહ લાખ રૂપિયા સાઇનિંગ અમાઉન્ટ દે રહા હૂં.’
 શૈલજા થોડી સેકન્ડ માટે અવાચક થઈ ગઈ. તેને સમજાતું હતું કે મિલનકુમાર જેવો ખેપાની પ્રોડ્યુસર પોતાના જેવી સંઘર્ષ કરતી મૉડલને અગિયાર લાખ રૂપિયા સાઇનિંગ અમાઉન્ટ અને એક કરોડ રૂપિયા ફી આપવા તૈયાર થઈ જાય એ વાત જરા વધુપડતી છે!
તેણે કહ્યું, ‘આપ મિલનકુમારજી હી બોલ રહે હો ના?’
મિલનકુમારે કહ્યું, ‘હાં, મૈં મિલનકુમાર હી બોલ રહા હૂં. પૂરી ઇન્ડસ્ટ્રી કો માલૂમ હૈ મેરા ફોન નંબર.’ 
તેના અવાજમાં અહંકાર હતો અને સાથે તેની ધીરજ પણ ખૂટી રહી હતી.
‘પર, સર...’  
‘અભી કે અભી મેરી ઑફિસ મેં આ જાઓ વર્ના આજ હી મૈં કોઈ ઔર લડકી કો સાઇન કર લેતા હૂં.’
મિલનકુમારે અલ્ટિમેટમ આપી દીધું.
lll

‘ભાઈ, ભાઈ, વિશાલ સિંહને અપને બાબુ કો ગોલી માર દી!’
રઘુનો એક ગુંડો કાંપતા અવાજે કહી રહ્યો હતો. તેના ચહેરાનો રંગ ઊડી ગયો હતો. તેનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું.
રઘુનાં ગાત્રો પણ શિથિલ થઈ ગયાં. મોત તેની નજીક આવી પહોંચ્યું હતું! એમ છતાં તેણે સ્વસ્થતા જાળવવાની કોશિશ કરતાં પૂછ્યું : ‘કૈસે? વો બહાર ક્યૂં નિકલા થા?’
‘નહીં ભાઈ, આપને બાબુ કો ટેરેસ સે પુલિસ ક્યા કર રહી હૈ વો દેખને કો કહા થા ના. તો વો ટેરેસ સે ઝાંકને કી કોશિશ કર રહા થા ઉસ વક્ત ઉસકા ચહેરા જૈસે હી દિખા વો કમીનેને બાબુ કો ગોલી માર દી!’
ગુંડાની આંખોમાં અને અવાજમાં પણ ખોફ હતો. મૃત્યુનો સાક્ષાત્કાર થાય ત્યારે ભલભલા ગુંડાઓ કે દુનિયાના શક્તિશાળી માણસો પણ ધ્રૂજી ઊઠતા હોય છે. રઘુ પણ અંદરથી ફફડી ઊઠ્યો હતો. તેણે વિચલિત થઈને તિવારીને કૉલ લગાવ્યો, પણ તિવારીએ કૉલ રિજેક્ટ કરી દીધો.
રઘુના મનમાં એક વિચાર ઝબકી ગયો. તેણે તિવારીના ફોન પર એસએમએસથી એક મેસેજ મોકલાવ્યો: ‘શાહનવાઝનું કામ તમામ કરવાની વ્યવસ્થા થઈ ચૂકી છે. એના માટે થોડી અર્જન્ટ વાત કરવી છે.’
થોડીક સેકન્ડમાં રઘુના ફોન પર તિવારીનો કૉલ આવી ગયો.
‘અચ્છા બધી વ્યવસ્થા થઈ ગઈ છે? ક્યારે ઉડાવે છે તે &$%#@ને?’ તિવારીએ સવાલોની ઝડી વરસાવી દીધી.
રઘુએ કહ્યું, ‘એ બધી માહિતી હું પછી આપું છું. પહેલાં મારી વાત સાંભળી લો. તમારા સિંહે મારા એક ખાસ માણસને મારી નાખ્યો છે. તે હવે મારા એક પણ માણસને મારશે તો હું તમારા બધા કૉલનાં રેકૉર્ડિંગ્સ મીડિયાને આપી દઈશ અને સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ કરી દઈશ અને મારો એક વિડિયો રેકૉર્ડ કરીને એ પણ આખા દેશની ટીવી ચૅનલ્સ સુધી પહોંચાડી દઈશ કે શાહનવાઝને મારવા મને પ્રતાપરાજે તિવારી થ્રૂ સુપારી આપી હતી અને મેં એ સુપારી લેવાની ના પાડી એટલે તેમણે વિશાલ સિંહને મારા પર છોડી મૂક્યો!’
‘પાગલ થઈ ગયો છે તું!’ તિવારી બોલી પડ્યો.
‘હા, પાગલ થઈ ગયો છું,’ રઘુએ બરાડો પાડ્યો.
તિવારી પણ ઉશ્કેરાઈ ગયો. તેણે ધમકી આપી દીધી : ‘તું આ ભાષામાં વાત કરવાનો હો તો હું વચ્ચેથી નીકળી જાઉં. પછી તું જાણ અને વિશાલ સિંહ જાણે!’
હવે રઘુની ધીરજનો પણ અંત આવી ગયો હતો. એક બાજુ તેને મોતનો ભય સતાવી રહ્યો હતો અને બીજી બાજુ પોતાના માણસોની નજરમાં તે નીચે ઊતરી રહ્યો હતો. તેણે ફાટી જાય એવા અવાજે કહ્યું : ‘તમે મને બહુ દબાવી લીધો. મરી જ જવાનું હોય તો મને મંજૂર છે, પણ આ રીતે એ %$^&@ મારા માણસોને મારશે તો હું ચૂપ નહીં બેસી રહું! રઘુ વિશ્વાસઘાતીઓને માફ નથી કરતો. મેં તમને કહ્યું છે કે હું આજ રાત સુધીમાં તમારું કામ તમામ કરી દઈશ તો ત્યાં સુધી મારા એક પણ માણસને નુકસાન ન થવું જોઈએ. નહીં તો હું સામે તમને નુકસાન પહોંચાડીશ! અને હજી લખનઉના અનેક વિસ્તારોમાં મારા એક અવાજ પર કોઈનો પણ જીવ લેવા તૈયાર થાય એવા માણસો બેઠા છે એ ન ભૂલતા!’
બિલાડીને પણ કોઈ ડરાવીને દીવાલ સુધી લઈ જાય તો બિલાડી આક્રમક બનીને વળતો પ્રહાર કરતી હોય છે તો રઘુ તો લખનઉનો ડૉન હતો!
રઘુના અવાજની આક્રમકતાથી થોડી ક્ષણો માટે તિવારીને ડર લાગી ગયો. રઘુએ ભૂતકાળમાં મોટા-મોટા રાજકારણીઓનાં ખૂન કર્યાં હતાં અને કરાવ્યાં હતાં! બીજી બાજુ તેના મનમાં એ ભય પણ પેસી ગયો હતો કે રઘુ અત્યારનું કૉલ રેકૉર્ડિંગ પણ વાઇરલ કરી દે તો પોતાની રાજકીય કારકિર્દીનો અકાળે અંત આવી જાય, કારણ કે આવું કશું થાય તો પ્રતાપરાજ ઓળિયોઘોળિયો પોતાના પર નાખી દે અને પોતે એવું કહીને છટકી જાય કે ‘આ બધું તિવારીએ મારી જાણ બહાર કર્યું હશે. મને તો આ મામલા વિશે કશી જ ખબર નથી અને રઘુના કુટુંબ સાથે તો અમારી ખાનદાની દુશ્મની છે!’
તિવારીએ રીઢા રાજકારણીને છાજે એ રીતે પોતાના અવાજનો ટોન બદલતાં કહ્યું : ‘અરે! તું શાંત થા. હું સરને કહીને રસ્તો કાઢું છું.’
lll

‘બત્રા, મારું માથું દુખે છે. હમણાં મને ડિસ્ટર્બ ન કરતા. આજનું શૂટિંગ કદાચ કૅન્સલ કરવું પડશે,’
શાહનવાઝ ડિરેક્ટર કમલ બત્રાને કહી રહ્યો હતો.
‘નો પ્રૉબ્લેમ સર,’ બત્રાએ કહ્યું. પણ તેના પેટમાં તો ફાળ પડી હતી. એક બાજુ ટીવી ચૅનલોમાં શાહનવાઝે પૃથ્વીરાજ પર ગોળીબાર કરાવ્યો એ ન્યુઝ સતત દર્શાવાઈ રહ્યા હતા એટલે તેને ટેન્શન થઈ ગયું હતું. શાહનવાઝની ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય એ દરમિયાન એક દિવસ પણ બગડે તો ફિલ્મનું બજેટ એક કરોડ રૂપિયા જેટલું વધી જાય એ ચિંતા કરતાંય વધુ ટેન્શન તેને એ વાતનું હતું કે છેલ્લા ત્રણ દિવસનું શૂટિંગ બાકી હતું અને શાહનવાઝ પોલીસના ચક્કરમાં ફસાઈ જાય તો આખો પ્રોજેક્ટ જ લટકી પડે!
lll

‘તું હમણાં શાહનવાઝ સરથી દૂર જ રહેજે. અત્યારે તેમનો મૂડ ખરાબ છે. 
ડિરેક્ટર કમલ બત્રા અસિસ્ટન્ટ ડિરેક્ટર આફતાબને કહી રહ્યો હતો. થોડા દિવસો અગાઉ શાહનવાઝે આફતાબને બહુ ખરાબ રીતે માર્યો હતો. એ પછી ખૂબ વિવાદ થયો હતો અને છેવટે શાહનવાઝે આફતાબને ‘સૉરી’ કહીને મામલો શાંત પાડવો પડ્યો હતો. તેણે આફતાબને આર્થિક વળતર પણ આપ્યું હતું. અત્યારે આફતાબને લીધે ક્યાંક ફરી શાહનવાઝનો મૂડ વધુ ન બગડે એની તકેદારી રાખવી પડે એમ હતી.
‘જી, સર.’ આફતાબે કહ્યું. 
જોકે ત્યારે તેને કે બત્રાને કલ્પના પણ નહોતી કે થોડી મિનિટ પછી જ શું થવાનું હતું!
અને એ પણ આફતાબને કારણે જ!
lll
‘આ શૈલજાનો હજી સુધી કૉલ કેમ ન આવ્યો?’  
રશ્મિ સ્વગત બબડી અને તેણે શૈલજાને કૉલ લગાવ્યો, પણ તેનો નંબર સતત વ્યસ્ત આવતો હતો એટલે રશ્મિએ પોતાના ડ્રાઇવરને કૉલ લગાવ્યો અને પૂછ્યું : ‘રાઠોડ, વો લડકી કો જુહુ પુલીસ સ્ટેશન છોડ દિયા ના?’
‘નહીં મૅડમ, વો તો જુહુ પુલીસ સ્ટેશન નહીં ગઈ હૈ. વો તો સાંતાક્રુઝ ગઈ હૈ.’
‘ક્યા? સાંતાક્રુઝ?’
રશ્મિના અવાજમાં આશ્ચર્ય, ઉત્સુકતા અને આશંકા ભળી ગયાં.
‘વૉટ? વો પુલિસ સ્ટેશન નહીં ગઈ હૈ?’ તેનો અવાજ તરડાઈ ગયો.
‘હાં મૅડમ ઉસકો તો મૈં સાંતાક્રુઝ છોડ કે આયા.’
‘સાંતાક્રુઝ મેં કહાં?’ રશ્મિ માંડ-માંડ બોલી શકી.
‘વો કોઈ પ્રોડ્યુસર કી ઑફિસ મેં ગઈ હૈ. ઉસને મુઝે કહા કિ મુઝે યહાં છોડ દો. યહાં સે મૈં અપને આપ જુહુ પુલીસ સ્ટેશન ચલી જાઉંગી.’
‘પ્રોડ્યુસર? કૌન?’ રશ્મિ વિહ્વળ બની ગઈ હતી.
‘શાયદ મિલનકુમાર યા ઐસા કુછ નામ વો બોલ રહી થી!’ ડ્રાઇવરે કહ્યું.
રશ્મિને લાગ્યું કે તેના પગ તળેથી ધરતી સરકી રહી છે!  

વધુ આવતા શનિવારે... 

columnists gujarati mid-day ashu patel