નવરાત્રિ પહેલાં ચમકાવી લો ચહેરો

20 September, 2022 02:39 PM IST  |  Mumbai | Aparna Shirish

તહેવારોમાં ખાસ કરીને નવરાત્રિ પહેલાં યુવતીઓ ત્વચા અને શરીરની ખાસ માવજત કરવા માંડે છે, કેવી-કેવી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જાણી લો...

નવરાત્રિ પહેલાં ચમકાવી લો ચહેરો

અર્પણા શિરીષ 
feedbackgmd@mid-day.com

ગરબા રમવાની શોખીન યુવતીઓ નવરાત્રિના તહેવારની રાહ આખું વર્ષ જુએ છે. આખરે સૌથી લાઉડ મેકઅપ, હળવી જ્વેલરી અને કલરફુલ કપડાં પહેરવાનો મોકો ફક્ત આ એક જ ફેસ્ટિવલ આપે છે. જોકે આ તો વાત થઈ કપડાં અને ઍક્સેસરીઝની. અહીં બૅકલેસ ચોળી પહેરવી હોય તો પીઠ ફ્લોલેસ હોવી જરૂરી છે અને સાથે જ જો સુંદર દેખાવા માટે મેકઅપ લગાવવો હોય તો સ્કિન અંદરથી ગ્લૉઇંગ ને હેલ્ધી હોવી જરૂરી છે. આ વિશે વાત કરતાં ત્વચા વિશેષજ્ઞ ડૉ. મેઘના મૌર કહે છે, ‘ફેસ્ટિવલ્સ માટે યુવતીઓ ક્વિક રિઝલ્ટ આપે એવી ટ્રીટમેન્ટ કરાવવાનું પસંદ કરે છે. સ્કિન પૉલિશિંગ, બૅક પૉલિશિંગ, હેર રિમૂવલ, બ્રાઇટનિંગ વગેરે. આ ટ્રીટમેન્ટ સિવાય કેટલીક હોમ રેમેડીઝ અને સ્કિન કૅરથી પણ સ્કિનને હેલ્ધી બનાવી શકાય, જેથી એ હેવી મેકઅપથી ડૅમેજ ન થાય.’

સ્કિન પૉલિશિંગ | 

સ્કિન પૉલિશિંગ ફેસ તેમ જ પીઠ પર પણ કરી શકાય છે. આ ટ્રીટમેન્ટમાં ત્વચાના ઉપરના લેયરની ડેડ સ્કિન મશીનથી ટ્રીટમેન્ટ કરી હટાવવામાં આવે છે, જેથી ત્વચાનું નવું લેયર દેખાય અને એ ગ્લો કરે. સ્કિન પૉલિશિંગ અને બ્રાઇટનિંગની ટ્રીટમેન્ટ ચહેરો, પીઠ, હાથ અને પગ પર પણ કરી શકાય, જેમાં કેટલાંક પીલ્સ અને સીરમનો વપરાશ થાય છે, જે સ્કિનને ચમકાવે છે. 

હેર રિમૂવલ અને રિડક્શન | 

આજથી કેટલાંક વર્ષો પહેલાં લેઝર હેર રિમૂવલ થેરપી ખૂબ મોંઘી અને ગ્લૅમર વર્લ્ડ સુધી જ સીમિત માનવામાં આવતી, પણ આજે આવી ટ્રીટમેન્ટ ઘેરબેઠાં પણ કેટલીક કંપનીઓ કરી આપે છે. જોકે એ ડર્મેટોલૉજિસ્ટની સલાહ અને નિરીક્ષણ હેઠળ કરવી જોખમી પણ નીવડી શકે છે. ખેર, આ ટ્રીટમેન્ટની નવરાત્રિ પહેલાં ખૂબ ડિમાન્ડ હોય છે, કારણ કે સ્લીવલેસ અને બૅકલેસ ચણિયા-ચોળી પહેરવાં હોય ત્યારે વૅક્સિંગની પળોજણ કોને કરવી ગમે? 

ડૉ. મેઘના મૌર

ફેશ્યલ ટ્રીટમેન્ટ્સ | 

પ્રી-નવરાત્રિ સ્કિન ટ્રીટમેન્ટમાં ડિટેન ફેશ્યલ જેમાં ત્વચા પરની કાળાશ કે ટેન દૂર કરવા માટે ફેશ્યલ કરવામાં આવે છે. ટૂંકમાં કોઈ પણ ટ્રીટમેન્ટ જે ત્વચા પર ગ્લો આપે અને એને બ્રાઇટ બનાવે એ નવરાત્રિ પહેલાં ડિમાન્ડમાં હોય છે. 

હોમ રેમેડીઝ | 

નવરાત્રિ પહેલાં ઘરે જ સ્કિનને કઈ રીતે પ્રિપેર કરી શકાય એ માટે ડૉ. મેઘના મૌર કહે છે, ‘માઇલ્ડ સ્ક્રબ વડે સ્કિનને એક્સફોલિયેટ કરો, જેથી ડેડ સ્કિન દૂર થાય અને ત્વચા ગ્લો કરે. એ સિવાય પોતાની સ્કિનને સૂટ થતો ફેસ-પૅક પણ લગાવી શકાય. ત્વચા અંદરથી જ ચળકતી કરે એ માટે હેલ્ધી આહાર પણ જરૂરી છે. આ દિવસોમાં પોતાની ડાયટમાં ફળોનો ખાસ સમાવેશ કરો. ફળોમાં રહેલા ઍન્ટિઑક્સિડન્ટ્સથી સ્કિન હેલ્ધી અને ગ્લૉઇંગ બને છે.’ નવરાત્રિમાં ગરબા રમીને આવતાં ગમે તેટલું મોડું થાય તો પણ એ મેકઅપ કાઢીને ચહેરો ક્લીન કરીને જ સૂવું.કોઈ પણ કૉસ્મેટિક ટ્રીટમેન્ટ કરતાં પહેલાં ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી અને તેમની નિગરાની હેઠળ જ એ કરાવવી.

columnists beauty tips navratri