નખના નવા નખરા

22 November, 2022 04:19 PM IST  |  Mumbai | Aparna Shirish

હાલમાં નખ પર હીરાજડિત રિંગ પહેરવાનો ટ્રેન્ડ છે. જોતાં જ મન મોહી જવાય એવી ડિઝાઇનો જોઈને તરત આ ટ્રેન્ડમાં જોડાવાનું મન થઈ જાય એ સ્વાભાવિક છે, પણ એ ખરેખર પ્રૅક્ટિકલ છે કે નહીં એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

નેઇલ આર્ટના શોખીનો માટે એક નવી ઍક્સેસરી માર્કેટમાં આવી છે. નખ પર ખાસ પહેરવા માટેની નેઇલ રિંગ. ઍક્સેસરીઝ ઓવરઑલ લુકને કમ્પ્લીટ કરવાનું કામ કરે છે. ઍક્સેસરીઝ એક ઍડ ઑન ચાર્મ બની તમને ભીડમાં જુદા દેખાવામાં મદદરૂપ બને છે. સ્ત્રીઓ માટે હાથની ઍક્સેસરીઝની વાત કરીએ તો બ્રેસલેટ્સ અને રિંગ્સમાં ખૂબ નવી-નવી ડિઝાઇન્સ આવતી રહે છે. રિંગ્સમાં હથેળી પર પહેરવા માટે પામ રિંગ, આંગળીમાં અડધે સુધી પહેરી શકાય એવી નકલ રિંગ લોકપ્રિય હતી અને હવે આવી છે નેઇલ રિંગ્સ. નેઇલ રિંગ્સ નવી તો નથી, પણ હાલમાં ટ્રેન્ડિંગ છે.

શું છે નેઇલ રિંગ | નખના જ આકારની અને નખ પર પહેરવાની આ રિંગ્સ મેટલની હોય છે. રિયલ ગોલ્ડ અને સિલ્વરની પણ બને છે. કેટલીક બ્રૅન્ડ્સ તો ડાયમન્ડવાળી નેઇલ રિંગ પણ બનાવે છે. નેઇલ રિંગ પહેરો એટલે નેઇલ આર્ટ કરાવવાની જરૂર નહીં. નખ નાના હોય કે વધતા ન હોય ત્યારે આ ઍક્સેસરી પહેરી શકાય. નેઇલ રિંગ્સમાં સિંગલ નેઇલ રિંગથી લઈને સેટ ઑફ ટૂ કે પછી સેટ ઑફ ફાઇવ ફિંગર્સ પણ મળી રહે છે. ડિઝાઇનમાં આખો નખ ઢંકાઈ જાય એવી તેમ જ નખની ફરતે ફક્ત બૉર્ડર બને એવી રિંગ્સ પણ મળે છે. 

પ્રૅક્ટિકલ છે? | નેઇલ રિંગ શું તમે રોજ પહેરી શકશો? આનો જવાબ આપતાં નેઇલ આર્ટિસ્ટ હિનલ ગાલા કહે છે, ‘નેઇલ રિંગ્સ ભલે દેખાવમાં આકર્ષક લાગતી હોય, પણ એને પહેરી રાખવી પ્રૅક્ટિકલ નથી. નેઇલ રિંગ્સ તમારા નખ પર ફિટ થાય તો ઠીક, નહીં તો ફેક લાગે છે. લુઝ હશે તો વારંવાર પડી જશે. એમાં જો સ્ટોન સ્ટડેડ હશે કે કૉર્નર્સ હશે તો તમારા આઉટફિટમાં એ વારંવાર ફસાઈ જશે અને ડ્રેસને ડૅમેજ કરશે. વળી તમે આ નેઇલ રિંગ પહેરીને કોઈ ચીજ ઉપાડી નહીં શકો કે કોઈ કામ નહીં કરી શકો એટલે ટૂંકમાં એ રિકમાન્ડેડ નથી.

શું કરી શકાય? | નેઇલ આર્ટ એવું હોવું જોઈએ જે ક્લાસિક લાગે. એકાદ પ્રસંગ માટે એ કરાવો તો બીજે જ દિવસે જોવાનો કંટાળો ન આવવો જોઈએ. આ વિશે હિનલ કહે છે, ‘નેઇલ ઍક્સેસરી એકાદ ફોટોશૂટ માટે કે એકાદ કલાકના પ્રસંગ માટે ઠીક છે, પણ નેઇલ એક્સટેન્શન કે નેઇલ આર્ટ કરાવો ત્યારે સોબર અને ફૉર્મલ લુક પસંદ કરી શકાય. નખમાં આજકાલ સિમ્પલ વાઇટ, હૉટ પિન્ક અને હવે પાર્ટી સીઝન આવશે એ માટે ગ્લિટરવાળા નેઇલનો ટ્રેન્ડ છે. આ ટ્રેન્ડ એવા છે જે કેટલાય દિવસ પછી પણ નખ પર જોવા ગમશે.’

નેઇલ આર્ટ સિવાય સ્ટિક ઑન નેઇલ પણ ખૂબ ચાલી રહ્યા છે, જે પ્રસંગ દરમ્યાન નખ પર ચીટકાડ્યા પછી કાઢીને રાખી શકાય. નખના રંગ અને ઍક્સેસરી એ ક્લાસિક અને વર્સેટાઇલ હોવાં જોઈએ તો જ સારાં લાગશે.

columnists beauty tips