13 July, 2024 07:57 AM IST | Mumbai | Pallavi Acharya
અલ્પના બુચ
હકીકતમાં માત્ર એક દાયકા એટલે કે ૨૦૧૪થી જ ફુલટાઇમ ઍક્ટિંગમાં આવેલાં અલ્પના બુચ હિન્દી-ગુજરાતી ફિલ્મો, ટેલિવિઝન-સિરિયલો અને ગુજરાતી નાટકોમાં તેમના ટૅલન્ટેડ અને જબરદસ્ત પર્ફોર્મન્સથી જાણીતાં બની ગયાં છે. સમય અને સંજોગોને લઈને એક સમયે ઍક્ટિંગને ન્યાય નહીં આપી શકેલાં અલ્પનાબહેનને જ્યારે પણ એ તક મળી ત્યારે તેમની પ્રતિભા ઝળકી ઊઠી છે. ‘યમલા પગલા દીવાના ફિર સે’, ‘લવયાત્રી’ જેવી હિન્દી ફિલ્મો; ‘શરતો લાગુ’, ‘લવની લવ-સ્ટોરી’, ‘ઇટ્ટા કિટ્ટા’, ‘વિકીડાનો વરઘોડો’, ‘વેન્ટિલેટર’, ‘કેમ છો લંડન’, ‘મુસાફિર છું યારો’ જેવી ગુજરાતી ફિલ્મો તથા ‘સરસ્વતીચંદ્ર’, ‘પાપડ પોળ’, ‘શાહબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયા’, ‘બાલવીર’, ‘ઉડાન’, ‘અગ્નિફેરા’, ‘રૂપ - મર્દ કા નયા સ્વરૂપ’, ‘સાવધાન ઇન્ડિયા’, ‘ક્રાઇમ પૅટ્રોલ’ જેવા ટીવી-શોઝનાં અભિનેત્રી અલ્પના બુચે અલગ-અલગ સિરિયલોમાં તેમના વર્સટાઇલ રોલને લઈને ટૂંક સમયમાં જ ભારે લોકચાહના મેળવી; જેમાં ‘અનુપમા’ સિરિયલે છોગું લગાવ્યું છે. ‘અનુપમા’માં અનુપમાનાં સાસુ લીલા શાહ આજે ઘર-ઘરમાં જાણીતું પાત્ર છે. સિરિયલોમાં પ્રભાવશાળી ઍક્ટિંગ અને મજબૂત સ્ક્રીન-પ્રેઝન્સના કારણે આજે અલ્પનાબહેન ખૂબ લોકપ્રિય બની ચૂક્યાં છે.
અંગત-સંગત
મૂળ દ્વારકાનાં અલ્પનાબહેન
હિન્દી-ગુજરાતી ફિલ્મો અને નાટકોના આર્ટ-ડિરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઇનર છેલ વાયડા (છેલ-પરેશની જાણીતી જોડીવાળા)નાં દીકરી છે. મમ્મી પ્રોફેસર કુસુમ વાયડા સંસ્કૃતમાં સુવર્ણ ચંદ્રક વિજેતા છે. અગાઉ તે સંસ્કૃતનાં ટીચર હતાં. પછી સંસ્કૃત અને ગુજરાતી સાથે પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરીને વિલે પાર્લેમાં SNDT કૉલેજમાં સંસ્કૃતનાં પ્રોફેસર હતાં. અલ્પનાબહેનના ભાઈ સંજય છેલ ફિલ્મો-સિરિયલોના લેખક, ગીતકાર અને દિગ્દર્શક છે જેમણે ‘ખૂબસૂરત’, ‘માન ગએ મુગલ-એ-આઝમ’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે; રંગીલા’, ‘યસ બૉસ’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ જેવી ફિલ્મોના ડાયલૉગ્સ લખ્યા છે તથા ‘નયા નુક્કડ’, ‘ફિલ્મી ચક્કર’, ‘હમારી બહૂ માલિની ઐયર’ જેવી સિરિયલો લખી છે. અલ્પનાબહેનના પતિ મેહુલ બુચ હિન્દી અને ગુજરાતી સ્ટેજ, ફિલ્મ અને ટેલિવિઝનના જાણીતા ઍક્ટર છે. અલ્પનાબહેનની દીકરી ભવ્યા
આર્ટ-ડિરેક્ટર છે જે ‘વિક્રમ વેધા’, ‘રશ્મિ રૉકેટ’ જેવી ફિલ્મો માટે અસિસ્ટન્ટ આર્ટ-ડિરેક્ટર હતી અને ‘કમઠાણ’, ‘ઝમકુડી’ જેવી ગુજરાતી ફિલ્મોની આર્ટ-ડિરેક્ટર છે. ભવ્યા સ્ટુડિયો ડિઝાઇન નામની કન્સલ્ટિંગ એજન્સીની સ્થાપક અને ઓનર છે.
સરનામા વિના સફર જ નહીં
ત્રણ દાયકાથી ઍક્ટિંગ કરી રહેલાં અલ્પના બુચની શરૂઆતથી જ ઍક્ટિંગમાં જવાની ઇચ્છા હતી, પણ ફિલ્મો અને નાટકો સાથે સંકળાયેલા આર્ટ-ડિરેક્ટર પિતાની જ આ ક્ષેત્રમાં કરીઅર બનાવવા માટે ના હતી એમ કહી એ સમયની હકીકતોને ઉજાગર કરતાં અલ્પનાબહેન કહે છે, ‘એ એક વિચિત્ર જમાનો હતો જેમાં કોઈ પરિવાર ખાસ કરીને ગુજરાતી પરિવારોમાં દીકરીઓ ઍક્ટિંગ કરે એ પસંદ નહોતું. લોકો તેમની દીકરીઓને થિયેટરમાં મોકલવા તૈયાર જ નહોતા એટલે મમ્મી અને પપ્પાની ચોખ્ખી ના હતી. સ્ટેજ પર કે ફિલ્મમાં કામ કરીએ એટલે ટ્રાવેલિંગ પણ કરવું પડે તો એની પણ ના હતી. હા, મમ્મીએ થોડી ઇચ્છા બતાવી.
તેનું કહેવું હતું કે લગ્ન નથી થયાં
અને હજી ફ્રી છે ત્યાં સુધી થિયેટર કરવું હોય તો કર. આમ કૉલેજમાં હું નાટકો કરવા લાગી.’
અલ્પનાબહેને સ્કૂલિંગ વિલે પાર્લે ઈસ્ટની લાયન્સ જુહુ હાઈ સ્કૂલથી કર્યું છે અને વિલે પાર્લેની એન. એમ. કૉલેજથી કૉમર્સમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન કર્યું. એ પછી ફાઇનૅન્શિયલ મૅનેજમેન્ટમાં ડિપ્લોમા કરનાર અલ્પનાબહેન કહે છે, ‘એ જમાનામાં છોકરીઓ વધુમાં વધુ ટીચિંગ અથવા લાઇબ્રેરી સાયન્સ કે એવામાં જ કરીઅર બનાવી શકતી હતી. ભણી રહે એટલે તેઓ લગ્ન કરી લે. હું પણ કરીઅર માટે કંઈ સિરિયસ નહોતી, પણ એટલી ખબર હતી કે સારી નોકરી મેળવીને પગભર થવું છે. મારી પહેલી જૉબ એક ઑડિટ કંપનીમાં અકાઉન્ટ્સની હતી. અકાઉન્ટ્સને લગતી થોડી જૉબ મેં કરી ખરી, પણ આ બધા મને રસના વિષયો ન લાગ્યા. કૉલેજમાં હતી ત્યારે ઑલ ઇન્ડિયા રેડિયો પર કૅઝ્યુઅલ અનાઉન્સર તરીકે કૉન્ટ્રૅક્ટ પર મને આમ જ કામ મળ્યું. મહિનામાં છ દિવસ જવાનું હતું એ હું કરતી હતી. એ પછી મને ઑલ ઇન્ડિયા રેડિયો પર અનાઉન્સર તરીકે પર્મનન્ટ જૉબ મળી, જે મેં ૧૮ વર્ષ સુધી કરી.’
૨૦૧૪માં અલ્પનાબહેન એ જૉબ છોડીને ફુલટાઇમ ઍક્ટિંગમાં આવી ગયાં.
ઇન્ટર-કૉલેજિયેટ કૉમ્પિટિશનમાં તેઓ પાર્ટ લેતાં હતાં. કૉલેજથી તેઓ નાટકો કરતાં હતાં પણ એમ જ મનોરંજન માટે. ઇન્ટરકૉલેજિયેટમાં ‘તાક ધિના ધિન’ નાટક કર્યું એ પછી પહેલું કમર્શિયલ નાટક ‘સાલ મુબારક’ સરિતા જોશી સાથે કર્યું અને તેમનો અભિનય વખણાયો. બાદમાં દર્શન જરીવાલા સાથે ‘એક સેલ્ફી સજોડે’ અને ટિકુ તલસાણિયા સાથે ‘થોડું લૉજિક થોડું મૅજિક’ કર્યું. નાટકો કરતાં હતાં ત્યાં મેહુલ સાથે લગ્ન થઈ ગયાં અને દીકરી ભવ્યા થઈ. નાટકો કેમ છોડી દીધાં એના જવાબમાં અલ્પનાબહેન કહે છે, ‘મેહુલ પણ ઍક્ટિંગમાં હતા. લગ્ન થયાં એટલે મમ્મીએ કહ્યું કે બેમાંથી એક જ ઍક્ટિંગમાં રહેશે. એ પછી દીકરી થઈ. બીજું, એ સમયે પણ
નાટકોમાં એટલા પૈસા નહોતા અને ફાઇનૅન્શિયલ ઇન્સિક્યૉરિટી પણ આજે છે એવી જ હતી.’
મનના કોઈક ખૂણે તેમની ઇચ્છા ઍક્ટિંગ માટે જ પનપી રહી હતી. મારે ઍક્ટિંગ કરવી જ હતી એમ કહી પોતાની કારકિર્દી માટેની મક્કમતા વિશે જણાવતાં અલ્પનાબહેન કહે છે, ‘મારે બનવું હતું એ હું ન બની શકી હોઉં એવું મારા જીવનમાં નથી બન્યું, કારણ કે એક નક્કર સપનું પામવાના ઝનૂનને હૈયામાં રાખી હું જીવન જીવી છું. મને સરનામા વગરની સફર પસંદ જ નથી.’
એક મોડ પર...
૧૮ વર્ષ ઑલ ઇન્ડિયા રેડિયોની જૉબ કર્યા પછી એ છોડીને ફરી રસના વિષય તરફ આવેલાં અલ્પનાબહેન જીવનમાં એક મહત્ત્વનો જે મોડ આવ્યો એની વાત કરતાં કહે છે, ‘તમારા ધ્યેય તરફની લાંબી મુશ્કેલ મુસાફરીમાં કોઈ એક વળાંક પર અચાનક અપેક્ષિત સમય પહેલાં જ્યારે મંઝિલ દેખાઈ જાય એ ક્ષણનો આનંદ અનોખો હોય છે. ‘અનુપમા’ સિરિયલનું મળવું એ કદાચ મારી જિંદગીનો સૌથી અદ્ભુત વળાંક કહી શકાય, જ્યાંથી મને જીવનની એક નોખી દિશા મળી. વાદળનું સપનું જોયું હોય અને આખું આકાશ મળી જાય ત્યારે મળેલા એ અનંત સુખ અને સંતોષ માટે હું ઈશ્વરની ઋણી છું. ‘અનુપમા’ પછી હવે મને લાગે છે આગળ વધુ શું હોય? નૅશનલ લેવલ પર મને આટલીબધી ખ્યાતિ મળી ગઈ!’
નોખું-અનોખું
અલ્પનાબહેનનો ફેવરિટ પોશાક સાડી છે. તેમનું માનવું છે કે સ્ત્રી સૌથી સુંદર સાડીમાં જ લાગે છે. આ એક એવું પરિધાન છે જેમાં કોઈ ત્રુટિ હોય તો પણ ઢંકાઈ જાય છે.
અલ્પનાબહેન પાસે મોંઘી નહીં પણ અનોખી વસ્તુઓનું કલેક્શન છે. એનો તેમને શોખ છે. તે કહે છે, ‘મારી પાસે જે પ્રકારની જ્વેલરી છે એવી બહુ ઓછા લોકો પાસે હશે. મજૂરીકામ કરતી મહિલાઓ પહેરે એવી કૉઇનમાંથી બનેલી જ્વેલરી મારી પાસે છે. વિવિધ પ્રકારની નથણીઓનું કલેક્શન પણ મારી પાસે છે. ફરવું, સારી ફિલ્મો જોવી, મોંઘી નહીં પણ કંઈક જુદી, અનોખી વસ્તુઓનું શૉપિંગ કરવું અને પુસ્તકો વાંચવાનું મને ગમે છે.’
ફરવાનો શોખ અલ્પનાબહેનને છે, પણ હજી સુધી વધુ ક્યાંય તેઓ જઈ નથી શક્યાં. તેઓ કહે છે, ‘મારે ખૂબ ફરવું છે, વિયેટનામ જવું છે અને વેનિસ જવું છે. જ્યાં પણ જવા મળે, જવું છે. હિમાલય જોવો છે.’
ફૉરેનના કોઈ ફિલ્મ-પ્રોડક્શનમાં કામ કરવાની અલ્પનાબહેનની ઇચ્છા છે. તે કહે છે, ‘મારે ફૉરેન
ફિલ્મ-પ્રોડક્શનમાં કામ કરવું છે. એનું કારણ એ છે કે મારે એ લોકોની કાર્યપદ્ધતિ જાણવી છે અને સમજવી છે.’
માંજો સતાવે
સ્વભાવે નીડર અલ્પનાબહેનને આમ તો ખાસ કોઈ વાતનો ડર નથી તેથી જ તેઓ કહે છે કે ડર શબ્દને હું બહુ સિરિયસલી લેતી નથી, પણ પોતાના કેટલાક ફોબિયાની વાત તેમણે હળવા અંદાજમાં કહી.
અલ્પનાબહેનને ઉંદરની બીક લાગે છે. આમ થવા માટેનો એક પ્રસંગ તેમણે કહ્યો, ‘અમે વિલે પાર્લેમાં રહેતા હતા ત્યારે અમારો ટેરેસ ફ્લૅટ હતો. એક વાર ઘરમાં ઉંદરો ઘૂસી ગયેલા અને ખરાબ રીતે ઉંદરોએ અમારા ઘરમાં ત્રાસ મચાવ્યો હતો. કપડાંથી લઈને એ મારા પગનો અંગૂઠો કાતરી ગયા હતા. આ ઉંદરોને પકડવા અમે પાંજરું લાવ્યા હતા અને એમાં એવી જુદી-જુદી વસ્તુઓ મૂકતા હતા કે જેથી એ પકડાઈ જાય! પકડાય એટલે અમે એને છોડવા અમારા ફોર્થ ફ્લોરની ટેરેસ પર જતા. એને પાંજરામાંથી જેવો છોડીએ ત્યારે એ આમ જાણે પોતાને પાંખો હોય અને ફેલાવતો હોય એમ એકદમ ચટાઈ જેવો સપાટ થઈને નીચે જમ્પ મારતો અને પાછો નૉર્મલ થઈને દોડી જતો અને ત્યારે મને ડર લાગતો કે પાછો આવી જશે! ઉંદરની આ વાત કરું છું ત્યાં મને કંપારી છૂટી જાય છે.
‘બીજો ફોબિયા મને સ્પાઇરલ સીડીઓનો છે. સ્પાઇરલ સીડીના
રાઉન્ડ-રાઉન્ડ દાદરા જે પહેલાંના જમાનામાં હતા એવા મેટલના જ હોય છે. એમાં મને એવું લાગે કે મારો પગ સરકી જશે અને હું ધડ-ધડ કરતી નીચે પડી જઈશ, પહેલાંની ફિલ્મોમાં જેમ હિરોઇન પડી જતી હતી એમ પડી જઈશ.
‘ત્રીજો ભય મને માંજાનો છે. માંજો હોય તો મને એવું લાગે કે હમણાં એ પતંગ નીચે આવશે અને ટક... કરતો મારા ગળાને ચીરી નાખશે. આવી કેટલીક વસ્તુઓનો મને ફોબિયા છે, બાકી કોઈ વાતનો મને ડર નથી.’
આઇ લવ યુ?
કોણે આઇ લવ યુ પહેલાં કહેલું? અલ્પનાબહેન કહે છે, ‘હજી પણ આઇ લવ યુ તો નથી કહ્યું, પણ હા, મેહુલે મને ફોન કરીને પૂછ્યું હતું કે તારા ઘરે કોઈ પ્રૉબ્લેમ તો નહીં થાયને? મારા ઘરે પ્રૉબ્લેમ નથી. આમ અઠવાડિયામાં તો અમે અમારા ઘરે લગ્ન માટે જણાવી પણ દીધું.’
અલ્પનાબહેન અને મેહુલભાઈ બન્ને કાન્તિ મડિયાનું નાટકોનું જે ગ્રુપ હતું એમાં સાથે હતાં. ૧૯૮૯માં તેઓ ડ્રામા વર્કશૉપમાં એ રીતે મળ્યાં કે આ વર્કશૉપ મેહુલ સાતેક મહિનાથી કરી રહ્યા હતા પણ અલ્પનાને ડિરેક્ટરે પૂછ્યું કે એક ઍક્ટ્રેસ નથી તો તું રિપ્લેસ કરીશ? અને તેઓ મળ્યાં. એક વર્ષ સુધી તો તેઓ કૉમન ફ્રેન્ડ્સ જ હતાં પણ અલ્પનાબહેનને મેહુલભાઈની કામની સ્ટાઇલ, દેખાવ વગેરે આકર્ષતાં હતાં. અલ્પનાબહેને તેની ફ્રેન્ડ છાયા વોરાને પોતાની ફીલિંગ કહી તો છાયાએ આડકતરી રીતે મેહુલની ફીલિંગ પણ જાણી લીધી. અલ્પનાબહેન કહે છે, ‘એ જમાનામાં આઇ લવ યુ કહેવું એટલે... આજ જેવો એ જમાનો નહોતો. મારો લવ ઍટ ફર્સ્ટ સાઇટ નહોતો. ખબર નહીં કેવી રીતે થઈ ગયું! પ્રેમનો મીનિંગ મને બહુ સમય પછી સમજાયો એટલે મારો ફર્સ્ટ લવ કદાચ લવ નહીં ઍટ્રૅક્શન હતું.’
જીવને બહુ આપ્યું
આ મળ્યું, ન મળ્યું, આમ ન કર્યું હોત તો સારું, તેમ કર્યું હોત તો સારું જેવા અફસોસ જીવનમાં હોય છે. અલ્પનાબહેન કહે છે, ‘અફસોસ સહુને હોય, પણ હું ચોક્કસપણે માનું છું કે જો જીવનમાં સફળ થવું હોય તો અફસોસના અવરોધોને અવગણવા જ પડે. મને જીવનમાં કોઈ જ અફસોસ નથી. મેં તો જે વિચાર્યું નહોતું એ જીવનમાં મળ્યું છે, પછી અફસોસ કરવાનું જ ક્યાં રહે છે?’
જીવનની કેટલીક યાદગાર ઘટનાઓ વિશે વાત કરતાં અલ્પનાબહેન કહે છે, ‘મારા જીવનની એક યાદગાર ઘટના એ છે કે જ્યારે મને જાણ થઈ કે હું પ્રેગ્નન્ટ છું અને બીજી ઘટના છે સંજય લીલા ભણસાલીને ત્યાંથી ફોન આવ્યો કે તમે ‘સરસ્વતીચંદ્ર’ માટે સિલેક્ટ થયાં છો.’