સ્માર્ટનેસ સાથે જો આગળ વધવું હોય તો ટેક્નૉલૉજીનો સાચો ઉપયોગ કરવા માંડો

25 February, 2023 02:15 PM IST  |  Mumbai | Rashmin Shah

ઈશાન દૃઢપણે માને છે કે ટેક્નૉલૉજીને જો સાચી રીતે વાપરો તો એનાથી શ્રેષ્ઠ હથિયાર કોઈ નથી

ઈશાન રાંદેરિયા

રાઇટર , ડિરેક્ટર, ફિલ્મ-મેકર ઈશાન રાંદેરિયાનું  આખું ઘર સ્માર્ટ ગૅજેટ્સથી કનેક્ટેડ છે. ધારો કે ગાડીનો દરવાજો ખુલ્લો રહી ગયો હોય કે ગાડી બંધ કરવાનું ભૂલી જાય તો ફોન તેને અલર્ટ કરી દે છે. ઘરના એસી કે ટીવીને તે ફોનથી આ‌ૅપરેટ કરી શકે છે.  ઈશાન દૃઢપણે માને છે કે ટેક્નૉલૉજીને જો સાચી રીતે વાપરો તો એનાથી શ્રેષ્ઠ હથિયાર કોઈ નથી

સ્માર્ટ વર્ક. 
યસ, આજના જમાનામાં દુનિયા કરતાં આગળ રહેવું હશે તો હાર્ડ વર્કની સાથે સ્માર્ટ વર્ક કરતાં પણ આવડવું જોઈશે અને એમાં તમને બે ડગલાં આગળ રાખવાનું કામ કરશે ટેક્નૉલૉજીનો રાઇટ ઉપયોગ. અહીં ‘રાઇટ’ શબ્દ બહુ મહત્ત્વનો અને વજનવાળો સમજજો. આમ તો નવી પેઢીને ટેક્નૉલૉજી શું કરી શકે એ દિશામાં કોઈ ભાષણબાજીની જરૂર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે ટેક્નૉલૉજીને વાપરીએ એને બદલે ટેક્નૉલૉજી આપણને વાપરવા માંડે એવું બનતું હોય છે. એટલે જ ‘રાઇટ’, ‘યોગ્ય રીતે’ અથવા તો બુદ્ધિપૂર્વક જો તમે ટેક્નૉલૉજીનો ઉપયોગ આજના સમયમાં કરી શક્યા તો માઇન્ડ માય વર્ડ કે તમને આગળ વધતાં કોઈ રોકી નહીં શકે. મજાની વાત એ છે કે તમે જે પણ કામ સાથે સંકળાયેલા હો એ દરેક કામમાં સતત કંઈક નવાં-નવાં ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સમેન્ટ આવી જ રહ્યાં છે. એની સાથે તાલથી તાલ મિલાવતા રહો અને સાથે મહેનત અને પરિશ્રમની દિશામાં આગળ વધતા રહો તો તમારો સમય ખૂબ બચશે. જેમ કે કોવિડમાં જ્યારે મૂવમેન્ટ પર રિસ્ટ્રિક્શન્સ આવી ગયેલાં ત્યારે લોકો વિડિયો કૉન્ફરન્સિંગ તરફ અને વર્ચ્યુઅલ વર્કિંગ પૅટર્ન તરફ વળી ગયા અને ઘર-ઘરમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો હતો. ઝૂમ પર મેળાવડા થતા હતા અને ઝૂમ પર લોકો એન્ગેજમેન્ટ પણ કરી રહ્યા હતા. આ ટેક્નૉલૉજીનો કેવો જબરો બેનિફિટ છે. અફકોર્સ, બધી બાબતમાં આપણે ટેક્નૉલૉજી પર ડિપેન્ડ ન રહી શકીએ, પરંતુ જ્યાં સ્માર્ટલી એનો ઉપયોગ શક્ય છે ત્યાં વાય નૉટ. હું તો ૨૦૧૦થી વિડિયો કૉલ અને વિડિયો કૉન્ફરન્સિંગ ટૂલ વાપરતો થઈ ગયો હતો. મને યાદ છે કે હું અમેરિકા હતો ત્યારે પપ્પા સાથે વર્ષો પહેલાં વિડિયો કૉલથી વાત કરતો. આજે પણ મારા ફીલ્ડ સાથે કનેક્ટેડ કોઈ પણ લેટેસ્ટ ટેક્નૉલૉજી લૉન્ચ થવાની હોય એ પહેલાંથી જ એનું અપડેટ રાખતો હોઉં છું. મોટા ભાગે કોઈ પણ યુનિક ટેક્નૉલૉજી કે ફીચર લૉન્ચ થવાનું હોય ત્યારે એના માટે એક બઝ ક્રીએટ કરવામાં આવતો હોય છે અને હું કેટલાક બ્લૉગ્સ અને કેટલીક વેબસાઇટ નિયમિત ચેક કરીને જાતને એ બાબતમાં અપગ્રેડ કરતો રહું છું. 

પર્સનલ ફ્રન્ટ પર પણ મારાં ઘણાં ડે-ટુ-ડે કામ બહુ જ ઑટોમેટેડ ફૉર્મમાં મેં રાખ્યાં છે. જેમ કે મારું ઘર તમે જોશો તો લગભગ તમામ ઇલેક્ટ્રૉનિક્સ ટેક્નૉલૉજિકલી ઍડ્વાન્સ છે. અમારા ઘરના દરવાજાનું લૉક પણ હું મોબાઇલથી ખોલી શકું અને મારી ગાડીનો દરવાજો પણ જો ખુલ્લો રહી ગયો હોય કે ગાડીને બંધ કરવાનું ભૂલી જવાયું હોય તો મને મારો ફોન અલર્ટ કરી દે. અફકોર્સ, 
ઘરની લાઇટ, પંખા, એસી, ટીવી જેવી મોટા ભાગની વસ્તુઓમાં સ્માર્ટ ગૅજેટ સિસ્ટમ જ વાપરું છું. બીજું તમને કહું કે લોકો અત્યારે ઍપલના ફોનને સ્ટેટસ સિમ્બૉલ ગણે છે, પરંતુ હું આજે પણ ઍન્ડ્રૉઇડ ફોન વાપરું છું અને એ પણ એમાં રહેલાં લિમિટલેસ ફીચર્સને કારણે. મારી પાસે કમ્પ્યુટર અને લૅપટૉપ ઍપલનાં છે, પરંતુ ફોન તો ઍન્ડ્રૉઇડનો જ. આ બહુ મહત્ત્વનું છે. તમારે દેખાદેખીને બદલે તમારી યુઝેબિલિટી પર ખાસ ફોકસ કરવું જોઈએ. આજે તમે જોશો કે ઘણા ખરા લોકો હાઈ-એન્ડ ફોન તો લઈ લે, પરંતુ તેમને ફોન રિસીવ કરવાના કે બે સોશ્યલ મીડિયા ઍપ વાપરવા સિવાયના બીજા એક પણ ફીચરની ખબર જ નથી હોતી. તમારા અસિસ્ટન્ટની જેમ ૭૫ ટકા જેટલાં તમારાં કામ કરવા માટે જે ફોન ડિઝાઇન થયો છે એની પાસે તમે માત્ર બે કામ કરાવીને સંતોષ માની લો તો એ યોગ્ય ન જ કહેવાય.

   આજે મારા ઘરના ઇલેક્ટ્રૉનિક ડિવાઇસનું ઑપરેટિંગ તો મારા ફોનથી થાય જ છે, પરંતુ મારી લાઇફસ્ટાઇલના ક્વૉલિટી ચેકમાં પણ મને મારો ફોન મદદ કરે છે. જેમ કે પંદર મિનિટથી વધારે ઇન્સ્ટાગ્રામ નહીં જ જોવાનું અને જો આખા દિવસનું ભેગું કરીને પંદરની સોળ મિનિટ થાય એટલે ફોન તમને વૉર્નિંગ આપે અને ધારો કે તમે એને ફૉલો ન કરો એટલે ફોન લૉક થઈ જાય અને પછી પાછો જ્યારે તમે એને સ્વિચ્ડ-ઑફ કરીને સ્વિચ્ડ-ઑન કરશો ત્યારે જ એ વર્ક કરશે. બધી જ ઍપ્લિકેશનમાં મેં આ સેટિંગ રાખ્યું છે. જોકે એ પણ કહીશ કે દરેક લેટેસ્ટ મૉડલ મારી પાસે હોવું જોઈએ એવું માનનારો હું જરાય નથી. આઇ બિલીવ કે ચેક યૉર યુઝેબિલિટી. અત્યારે દર છ મહિને ફોનનું નવું વર્ઝન આવે છે, પરંતુ તમે જોશો તો સમજાશે કે હવે નવા વર્ઝનમાં કંઈ એવાં ઍડ્વાન્સ્ડ ફીચર્સ નથી હોતાં. ફોનની કંપનીઓ એ સૅચુરેશન પૉઇન્ટ પર પહોંચી ગઈ છે કે મેજર લેવલ પર ફોનના નવા વર્ઝન સાથે કોઈ ઍડ્વાન્સ્ડ ફીચર્સ તેઓ નથી આપી શકતી, કારણ કે મોટા ભાગનું તેમણે આપી દીધું છે. એ પછી પણ દેખાદેખીમાં હું વધારે બિનજરૂરી રૂપિયા ખર્ચીને લેટેસ્ટ વર્ઝન લેવાનો આગ્રહી નથી.

ટેક્નૉલૉજી તમારો સમય, એનર્જી અને પૈસા બચાવી શકે છે એ પણ હવે પ્રૂવ થઈ ગયું છે. જેમ કે એક સમય હતો જ્યારે ત્રીસ સેકન્ડની ઍડ ફિલ્મનું એડિટિંગ થઈ ગયા પછી એનું ફાઇનલ વર્ઝન દેખાડવા માટે અમારે ક્લાયન્ટ પાસે જવું પડતું. ધારો કે તે મુંબઈમાં ન હોય તો એટલું ટ્રાવેલ કરીને પહોંચવું પડતું અને એ પછીયે ધારો કે તમને કરેક્શન આપવામાં આવે તો ફરીથી એ સુધારા-વધારા કરીને કામ પતાવવું પડતું. હવે એની જરૂર નથી રહી. ત્રીસ સેકન્ડ કે એક મિનિટની કન્ટેન્ટ માટે ઍટ લીસ્ટ દિવસોના દિવસો માત્ર એને રાઇટ વ્યક્તિને દેખાડવા માટે ખર્ચવાની જરૂર જ નથી રહી. તમે બધા જ કી-પર્સન કહેવાય એ લોકો વિડિયો કૉન્ફરન્સિંગથી કનેક્ટ થાઓ અને જે પણ કરેક્શન આવે એ વર્ચ્યુઅલી લાઇવ ત્યાં ને ત્યાં કરીને કામ પૂરું કરો. આવી સ્મૂધનેસની કલ્પના પણ પહેલાં ક્યાં લોકો કરતા હતા. આજે હું મારો બધો જ ડેટા ક્લાઉડ પર રાખું છું. મારી સ્ક્રિપ્ટથી લઈને મેં બનાવેલી ફિલ્મો અને ઍડ ફિલ્મો મારાથી એક ટચ દૂર છે. હું દુનિયામાં કોઈ પણ ખૂણામાં કેમ ન હોઉં, મારી પાસે લૅપટૉપ હોય કે ન હોય; માત્ર એક ટચથી હું મારા ફોનમાં કે કોઈ બીજાની સિસ્ટમ પર બેસીનેય મારા અકાઉન્ટમાં જઈને લોકોને મારું કામ દેખાડી શકું છું. ટેક્નૉલૉજી તમને સેન્સ ઑફ ફ્રીડમ આપે છે - જો તમે ટેક્નૉલૉજીને વાપરતા હો અને નહીં કે ટેક્નૉલૉજી તમને વાપરવા માંડી હોય. તમારે એના ગુલામ નથી બનવાનું, પણ એને તમારી ગુલામ બનાવવાની છે. તમારા કલાકોના કલાકો સોશ્યલ મીડિયામાં ખવાઈ જતા હોય અથવા તો ક્રીએટિવલી ગ્રો થવાનું પર્સનલ ફ્રન્ટ પર છોડી દીધું હોય તો ટેક્નૉલૉજી તમને પ્રોગ્રેસ નહીં પણ પતન આપશે. 
ટેક્નૉલૉજીની મોટી વાત એ જ કે આજે તમારી સામે નૉલેજનો ખજાનો ખૂલી ગયો છે. તમે એ ખજાનાની કિંમત કરી તમને ઉપયોગી માહિતી લઈને આગળ વધો તો ટેક્નૉલૉજી તમારા માટે આશીર્વાદ છે, પરંતુ તમે એમાં અટવાઈને તમારા ગોલથી દૂર નીકળી જાઓ તો એ જ ટેક્નૉલૉજી તમારા માટે અભિશાપ છે. મારી દૃષ્ટિએ આજના સમયમાં જો તમારે દુનિયા સાથે રહેવું હોય તો તમારી ડે-ટુ-ડે લાઇફને અસર કરતાં હોય, તમારા કામ સાથે સંકળાયેલાં હોય એટ લીસ્ટ એટલાં ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સમેન્ટને તમારે સ્વીકારવાનું અને શીખતા રહેવાનું જરૂરી છે. કમસે કમ તમે એનાથી અવેર રહો એ ખૂબ જરૂરી છે. જો એમ ન થયું તો તમે પછાત રહી જશો, કારણ કે દર છ મહિને અત્યારે ટેક્નૉલૉજીની દુનિયામાં મેજર ફેરફારો દેખાઈ રહ્યા છે. તમારી સફળતાની યાત્રાને સ્મૂધ બનાવવામાં આ ટેક્નૉલૉજી બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અફકોર્સ,  ટેક્નૉલૉજી ગમે એટલી ઇન્ટેલિજન્ટ થઈ જાય તો પણ હ્યુમન ક્રીએટિવિટી કે હ્યુમન ઇન્ટેલિજન્સને તો એ ક્યારેય બીટ કરી જ નહીં શકે.

સક્સેસ-મંત્ર : ૧૮

કામને સરળ અને ઝડપી બનાવવા માટે ટેક્નૉલૉજીનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરો તો એ તમારી સક્સેસ-જર્નીને સ્મૂધ કરી શકે છે. ટેક્નૉલૉજીનો સાચો ઉપયોગ પ્રોગ્રેસ તરફ લઈ જશે અને ખોટો ઉપયોગ પતન તરફ. 

વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com

columnists Rashmin Shah