ત્યારથી બસ, માર્ગ છે, અડચણ નથી

20 October, 2024 12:20 PM IST  |  Mumbai | Hiten Anandpara

આપણી વચ્ચે હવે ઘર્ષણ નથી, જે હતી ક્યારેક એ અણબન નથી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

છે અને નથી વચ્ચેનો તફાવત માત્ર ભૌતિક જ નહીં, તાત્ત્વિક દૃષ્ટિએ પણ હોય છે. આપણી પાસે જે છે એની અવગણના કરીને આપણી પાસે જે નથી એનાં ગાણાં ગાવાનો સ્વભાવ સાર્વત્રિક જણાય છે. અનેક વિપરીત સંજોગો હોવા છતાં મન મક્કમ રાખીને જિંદગીનું ગીત ગાતા લોકો પ્રત્યે માન થાય. કિશોર બારોટની વાત સાથે સંમત થવાનું મન થશે...

કંઠમાં રૂંધાઈને ડૂમા થીજેલા છે છતાં

ગીત ગાતાં આવડ્યું છે, એટલું કાફી નથી?

ભાર જીરવાશે નહીં, નક્કી હૃદય ફાટી જશે

ક્ષણે આંસુ સર્યું છે, એટલું કાફી નથી?

આધુનિક જીવનશૈલીમાં હૃદય પરનો ભાર વધતો જ જાય છે. સ્ટ્રેસને કારણે અનેક રોગો ઘર કરી બેસે છે. કુમળા હૃદય પર બોજો વધારતા જ જઈએ તો એક દિવસ અચાનક એ મ્યુટ થઈ જવાની સંભાવના રહે છે. હૃદયમાં પ્યાર ભરવાનો હોય એના બદલે ભાર ભરીએ છીએ. હૃદયને આર્દ્ર બનાવવા માટે પ્રેમની અનુભૂતિ થવી જોઈએ. રિન્કુ રાઠોડ ‘શર્વરી’ કહે છે એવો આભાસ જિંદગીની કસોટી કરતો રહે...

હૃદયમાં ના મળી જગા તો તમને દોષ શાને દઉં?

તમે કહ્યું હતું અનેક વાર, ત્યાં કશું નથી

ભલે ને લાગતું કે પ્રેમમાં બધાંય સુખ મળે

કહે છે વિષયના જાણકારઃ ત્યાં કશું નથી

જ્યાં કંઈ ન હોય ત્યાં પણ કંઈક મળવાની સંભાવના રહે છે. થોડીક અનુકૂળતા મળે તો રણમાં પણ છોડ ઊગી શકે છે. એની સંખ્યા ભલે વધારે ન હોય પણ જિજીવિષાની નોંધ તો લેવી જ પડે. બંજર જમીનમાં પ્રાણ પૂરી નાનું વન કે ઉપવન ઘણા વિરલાઓએ સર્જી બતાવ્યું છે. તાજેતરમાં જેમની હત્યા થઈ એ રાજકારણી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગૅન્ગે સ્વીકારી છે. ગુરુ જાંબેશ્વરે ૧૪૮૫માં આ પંથની સ્થાપના કરી હતી. તેમણે આપેલા ધર્મસંદેશમાં પ્રકૃતિ કેન્દ્રસ્થાને છે. બિશ્નોઈ લોકો ઇકો-વૉરિયર્સ તરીકે ઓળખાય છે. પશુ, પંખી, વનસ્પતિને પણ તેઓ દેવનું સ્વરૂપ ગણે છે. સલમાન ખાન તેમના હિટ લિસ્ટમાં છે, કારણ કે તેના પર કાળિયારના શિકારનો આરોપ છે. હેમંત પુણેકર જોખમ સાથે પ્રશ્નને પણ વણી લે છે...

કેમ તમને છૂપાવું મારામાં?

હું મારામાં હેમખેમ નથી

જે કંઈ છે કેમ છે હેમંત?

અને જે છે નહિ કેમ નથી?

ઘણા સવાલોના જવાબો નથી હોતા. વિજ્ઞાન પણ એ બાબતે અચંબિત થઈ જાય છે. પુનર્જન્મના કિસ્સાઓ બહાર આવે ત્યારે જીવસૃષ્ટિના ચક્ર વિશે વિસ્મિત થઈ જવાય. ગર્ભમાં બાળકનું શરીર ઘડાતું હોય ત્યારે બધા અવયવો પોતપોતાની નિયત જગ્યાએ કઈ રીતે ગોઠવાતા હશે એનું આશ્ચર્ય કાયમ રહ્યું છે. કુદરત ખરેખર કરામતી છે. બરકત વિરાણી પ્રેમ અને પરમ બન્નેને સાંકળી લે છે... 

બસ એટલું કે એના ઉપર મારો હક નથી

એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી

જ્યાં હું હોઉં એવા ઘણાયે પ્રદેશ છે

જ્યાં તું હોય એવો કોઈ મુલક નથી

ચેતના સર્વત્ર ફેલાયેલી છે. આપણે એમાંથી ઊર્જા ગ્રહણ કરવાની હોય છે. કુદરતથી વિમુખ થવાને કારણે અને આધુનિક જીવનશૈલીના વિસ્તરેલા વલણને કારણે આરોગ્યના અનેક પ્રશ્નો રાષ્ટ્રીય સ્તરે મૂંઝવી રહ્યા છે. એમાં પણ નકલી દવા અને નકલી ડૉક્ટર્સનું ચલણ એવું વધ્યું છે કે સામાન્ય માણસને ખબર જ ન પડે. આના કારણે જીવ બચાવવા જતો દરદી જીવ ગુમાવવાની સ્થિતિમાં મુકાઈ જાય છે. તબીબી પ્રણાલી હોય, ડિજિટલ કરન્સી હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય; લેભાગુઓ હંમેશાં ફેલાયેલા રહેવાના. આપણે જ જાગૃત રહીને તેમની જાળમાંથી બચવું પડે. જિગર જોષી ‘પ્રેમ’ સતર્ક રહેવાનું કહે છે...

ગગનની પાર જઈનેય હું ટહુકી શકું

તમે હશો તો હશો પણ હું બંધિયાર નથી

તમારી સાથે મુલાકાત બાદ જાણ્યું છે

તમે તો વાતો કરી જાણો - જાણકાર નથી

લાસ્ટ લાઇન

આપણી વચ્ચે હવે ઘર્ષણ નથી

જે હતી ક્યારેક અણબન નથી

            જીવ-શિવમાં ઐક્ય આવ્યું ક્યાંથી ?

            સાચું પૂછો તો કોઈ કારણ નથી

આપણેમાં આપ આવે છે પ્રથમ

તારા-મારો હું તો ક્યાંયે પણ નથી

            લાખ ઝઘડયા પણ છૂટા ના થઈ શક્યા

            ને હતું આપણને વળગણ નથી

આપણે ના આપણામાં રહેતાં થયાં

ત્યારથી બસ, માર્ગ છે, અડચણ નથી

            આપણું ગામ કેવું પ્યારું છે

            ક્યાંય ચોરે ચોતરે ચણભણ નથી

- વિવેક મનહર ટેલર

columnists gujarati mid-day