14 July, 2024 12:23 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર
મુશળધાર વરસાદે મુંબઈને તાણી-તાણીને પાણી-પાણી કરી નાખ્યું. દર વર્ષે જુલાઈ મહિનામાં એકાદ-બે દિવસ તો એવા આવે જ જેમાં રસ્તાઓ જળબંબાકાર થઈ જાય. એક તરફ નાગરિકોએ હાલાકીનો સામનો કરવાનો આવે તો બીજી તરફ જળાશયોમાં ઠલવાતું પાણી હાશ પૂરી પાડે. મેટ્રો શહેરોમાં ગમે એટલા ખર્ચા વિકાસકાર્યો માટે થાય, પણ વરસાદના જોર સામે ઓછા જ પડે છે. દરેક શહેરને પોતાની તાસીર હોવાની. રમેશ પારેખ એને આબાદ પકડે છે...
આવી રહી છે રાસ મને શહેરની હવા
હું વર્તમાનપત્રમાં લાગ્યો છું ખૂંચવા
નહોતી ખબર કે શહેરના લોકો છે સાવ અંધ
આવ્યો તો હું રમેશ, અરીસાઓ વેચવા
જનતા પણ અંધ નથી અને શાસન પણ અંધ નથી. સવાલ છે એ કામકાજ પ્રત્યેની નિષ્ઠા અને સંચાલનનો છે. જો નગરપાલિકાના કેટલાક વિભાગોનો વહીવટ તાતા, અંબાણી કે એવી કોઈ મોટી કંપનીને સોંપવામાં આવે તો સુચારુ સંચાલન થઈ શકે. આપણે ત્યાં જવાબદેહી જાણે ક્વિઝ સ્પર્ધાઓ સુધી સીમિત રહી ગઈ છે. રમેશ પારેખના અરીસાને હર્ષ બ્રહ્મભટ્ટ જુદી રીતે પ્રતિબિંબે છે...
જો એને માણસો જેવું સૂઝે તો
અરીસાને કોઈ ચહેરો ખૂંચે તો
ઘણીયે વાર પંખીઓને જોઈ
વિચારે માછલી, દરિયો ઊડે તો
માણસને સૂઝે તો સારું સૂઝવું જોઈએ. કોઈ પ્રત્યે દ્વેષભાવ રાખીને કે બૂરું ઇચ્છીને આપણે અજાણપણે હયાતીનું અપમાન કરીએ છીએ. ગુલાબદાસ બ્રોકરના પુત્ર વિજય બ્રોકરે પોતાના પિતાને લખેલા પત્રમાં ટાંકેલો બ્રોકરસાહેબનો એક વિચાર સ્પર્શી ગયો. ‘દરેકની સારી બાજુ જ જોવી, જો સુખી થવું હોય તો.’ વ્યક્તિગત હિત માટે આ અભિગમ આદર્શ છે. કોઈની ભૂલ દર્શાવવામાં ઉતારી પાડવાનો નહીં, સુધારાત્મક નિર્દેશ ઉપકારક છે. મિહિર શાહનો હિટ ઍન્ડ રનનો કિસ્સો ખૂબ ગાજ્યો છે જેમાં ભૂલ છાવરવાની કોશિશ થઈ રહી છે. હેમાંગ જોશી દ્વિધા વ્યક્ત કરે છે...
દાઢમાં ખૂંચતી કણી પણ છે
એમ સગપણમાં લાગણી પણ છે
બે જ ઉપલબ્ધિ છે સફરની અહીં
સાથ છે ને સતામણી પણ છે
સફરની ઉપલબ્ધિ શું હોઈ શકે એ વિશે દરેકનો પોતપોતાનો દૃષ્ટિકોણ હોઈ શકે. કોઈ મંઝિલને સિદ્ધિ ગણે છે તો કોઈ સફરને સંતુષ્ટિ ગણે છે. કોઈનું સુખ સાધનો અને સગવડોમાં છે તો કોઈનું સુખ સંબંધોમાં છે. બૅન્કમાં કરોડો રૂપિયા પડ્યા હોય, પણ સ્વજનોથી દૂર એકલા રહેવાનું હોય ત્યારે આંકડાઓ એ ખાલીપો ભરી નથી શકતા. સુરેશ પરમાર સૂર એને વાંચવાની કોશિશ કરે છે...
નાજુક ક્ષણોને એ હદે ખૂંચે છે ખાલીપો
ફૂલોભર્યા એક છોડમાં પણ થૉર વાંચું છું
આંજી લીધો છે આંખમાં પડછાયો સૂર્યનો
દુનિયા મને વાંચે ને હું ઑર વાંચું છું
વાંચનની ટેવ છૂટી ગઈ છે એ કડવી હકીકત છે. એને કારણે પુસ્તકોનું ચલણ ઘટી ગયું છે. પુસ્તકોની વાત જવા દો, રોજિંદાં અખબારો અને સામયિકોએ પણ ટકવા માટે ઝઝૂમવું પડે છે. રેલવે-સ્ટેશન પર વ્હીલરના સ્ટૉલ અલોપ થઈ ગયા છે. ટીવી જેવાં માધ્યમોને કારણે બોલાતા શબ્દોનું ચલણ વધ્યું છે તો સામે વંચાતા શબ્દોનું મહત્ત્વ ઘટ્યું છે. કોઈ ચીજનું ચલણ ઓછું થતું જાય ત્યારે ધીમે-ધીમે એ ન્યુ નૉર્મલ બનતું જાય. રઈશ મનીઆર અવગણનાને સ્વીકારે છે...
તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો
એક પાનું જોકે સાવ એમાં કોરું રખાયું
કાંટા હવે ખૂંચે છે તો ઘા પણ નથી પડતા
ક્યારે તે રુઝાયું છે જે ફૂલોથી ઘવાયું
લાસ્ટ લાઇન
મગજના એક ખૂણામાં ઘણા વ્યવહાર ખૂંચે છે
પ્રથમ થોડો હતો, આખો હવે સંસાર ખૂંચે છે
અહીં પર આ ભણેલા ને ગણેલા માનવીઓની
સમજદારી ઉપર જામી ગયેલો ક્ષાર ખૂંચે છે
સહન થાતાં નથી લાખો-કરોડોનાં એ મંદિરો
અને એ પથ્થરો ઉપર લટકતા હાર ખૂંચે છે
જગતનું ખૂબ અવલોકન કરી લીધા પછી અમને
દિવસની હાજરીમાં લાગતો અંધાર ખૂંચે છે
ઘણાં થોથાંઓ ઊથલાવી અહીં જે જ્ઞાન પીરસાયું
એ ખોટી વારતાઓ ને એ ખોટો સાર ખૂંચે છે
ઘણી કોશિશ કરી લીધી હતી બાકાત રહેવાની
છતાંય ‘સ્તબ્ધ’ને સઘળુંય પારાવાર ખૂંચે છે
કૌશલ શેઠ ‘સ્તબ્ધ’