18 August, 2024 02:00 PM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર
કેટલીક વાર આપણે એવી મુશ્કેલીમાં ફસાઈ જઈએ કે શું કરવું એની સમજ ન પડે. મુશ્કેલી ઘરની હોય કે દેશની; એની તીવ્રતામાં વધઘટ હોઈ શકે, એના આવવામાં નહીં. ઘરની મુશ્કેલી હલ કરવા પરિવારનો સહકાર જોઈએ; સામાજિક દૂષણો દૂર કરવા વિવિધ સમાજે એક થવું પડે; દેશવ્યાપી સમસ્યાઓ માટે સરકાર, ન્યાયતંત્ર અને નાગરિકોએ જોડાવું પડે. બંગલાદેશમાં અત્યારે જે ઊથલપાથલ સર્જાઈ છે એ જોઈને અમૃત ઘાયલની પંક્તિ યાદ આવે છે...
શુષ્ક છું, બટકું નહીં તો શું કરું
અધવચે અટકું નહીં તો શું કરું
બેસવા દે છે ન બેચેની કશે
આમ હું ભટકું નહીં તો શું કરું
બંગલાદેશમાં વિદ્યાર્થીઓના આક્રમક આંદોલને સત્તાપલટ કરી નાખી. આ જોઈને ભારતમાં વિરોધ પક્ષના એક નેતાએ ગર્ભિત ચીમકી આપી કે આવું અહીં પણ થઈ શકે છે. આંશિક રીતે થઈ પણ ચૂક્યું છે. વિદેશી હાથાઓના દોરીસંચાર હેઠળ સમાન નાગરિક ધારા વિરોધનું આંદોલન ખાસ્સું ચાલ્યું. ખેડૂત-આંદોલન પણ રંગેચંગે સફળ રહ્યું. ખેડૂતોએ તો લાલ કિલ્લા પર માર્ચ કરી તલવારો તાણીને આપણી આબરૂ ધૂળધાણી કરી બતાવી. દુનિયા સામે નીચાજોણું થયું, પણ પોલીસ અને લશ્કરના સંયમને કારણે સત્તા ઉથલાવવાનું આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર પાર પડ્યું નહીં. વ્યક્તિગત હોય કે રાજકીય સ્તરે, વિરોધાભાસનું વલણ જોવા મળતું જ હોય છે એ બકુલ રાવલની વાતથી સમજાશે...
સંકટો હું ઘર મહીં ઊભાં કરું
બારસાખે ગણપતિ સ્થાપ્યા કરું
ઝાડવાં ભાગોળનાં વાઢી દીધાં
આંગણામાં લીમડા વાવ્યા કરું
સરકારે આ વખતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન ઉપાડ્યું છે. વૈશ્વિક તાપમાનમાં થતા ફેરફારોને કારણે હવે હજારો કે લાખો નહીં, કરોડો વૃક્ષોની જરૂર પ્રત્યેક દેશને છે. અમેરિકાના કૅલિફૉર્નિયા જેવા રાજ્યમાં છાશવારે જંગલો ખાખ થઈ જવાની દુખદ ઘટના સતત બનતી રહી છે. મેહુલ ભટ્ટ જિંદગીના એક સનાતન સત્ય તરફ નિર્દેશ કરે છે...
પડું-આખડું છું
પ્રયત્નો કરું છું
હું સર્જાઉં રોજ્જે
ને રોજ્જે મરું છું
સર્જન-વિસર્જનની પ્રક્રિયા કુદરતનો નિયમ છે. ઊર્જા ઘટતી જાય તો એની સામે નવી ઊર્જા સર્જાવી જોઈએ. ફૂલ અને પાંદડાં ખીલે છે અને ખરે છે. તેઓ ડાળીને વળગીને નથી રહેતાં, કારણ કે તેમણે નવી પેઢીને રસ્તો આપવાનો છે. જલન માતરી આવનજાવનની ફિલસૂફીને આબાદ વણી લે છે...
સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે
સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે
હું જો અનુકરણ ન કરું તો કરુંયે શું?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે
કુદરતની લીલા અપરંપાર છે. મહાકાય ખડકમાંથી પણ એક કુમળી કૂંપળ ફૂટી શકે છે. જીવમાંથી જીવ જન્મે એ ઘટના ભલે સહજ લેખાય, પણ સામાન્ય નથી. કુદરતની બદલાતી તાસીર અને તસવીર આપણને આકર્ષે પણ છે અને ભયભીત પણ કરે છે. યામિની વ્યાસ એને નિહાળે છે...
પળેપળનો બદલાવ જોયા કરું છું
ધરા શું, ગગન શું, સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં
ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?
ઠોકરો વગરનું જીવન સંભવ નથી. રસ્તાના પથ્થરોથી જ ઠોકર લાગે એવું નથી. સંજોગો ક્યારેક આપણને વિષમ સ્થિતિમાં મૂકી દે. સંબંધોમાં ખમવી પડતી ઠોકર આકરી અને અકારી હોય છે. જે મિત્ર કે સ્વજન પર વિશ્વાસ મૂક્યો હોય તે દગો કરે ત્યારે વિશેષ આઘાત લાગે. ઉત્તર પ્રદેશમાં સગીરા પર બળાત્કાર કરનાર સમાજવાદી નેતા નવાબ સિંહના કિસ્સાએ ચકચાર જગાવી છે. સગીરાનાં માતા-પિતાનો આક્ષેપ છે કે તેની સગી ફોઈએ જ આ ષડયંત્ર રચ્યું હતું. આવી ઘટના વખતે વિશ્વાસ હચમચી જાય. એમ થાય કે કોઈનું આલંબન લેવું નહીં કે કોઈનો ભરોસો કરવો નહીં. ભગવતીકુમાર શર્મા જાતને સાચવવાની શીખ આપે છે...
ખુશ્બૂ સ્મરણની એ જ તો છે મારી સંપદા
છેવટ સુધીયે ઓછી આ સિલ્લક નહીં કરું
એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ
સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું
લાસ્ટ લાઇન
ભીડથી ભરચક જગાને શું કરું?
તું ન હો એવી સભાને શું કરું?
છે અલગ તાસીર ને ન્યારું દરદ
અન્યની ઉત્તમ દવાને શું કરું?
કોઈના સંગાથનો લ્હાવો અલગ
એકલા માણી મજાને શું કરું?
શ્વાસમાં કંઈ હોય તો જીવી શકું
દોસ્ત, આ ખાલી હવાને શું કરું?
સ્હેજ પણ તારી ઝલક જેમાં નથી
એ બધીયે ભવ્યતાને શું કરું?
હરજીવન દાફડા
ગઝલસંગ્રહ : સહેજ પોતાની તરફ