28 September, 2025 03:10 PM IST | Mumbai | Khyati Mashru Vasani
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
રવિવારની એક સવારે મીરા મોબાઇલ ફોન લઈને બેઠી-બેઠી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવાયેલી પોતાની તસવીરો જોઈને ખુશ થઈ રહી હતી. AIની સુવિધાનો ઉપયોગ કરીને સાડી પહેરેલાં ચિત્રો બનાવવામાં કંઈ ખોટું નથી એવું તે માનતી હતી. આમ છતાં તેના મનના ખૂણે વિચાર ઝબૂક્યો - શું મારે આવાં ચિત્રો બનાવવાની ખરેખર જરૂર છે?
આ જ સવાલને આપણે નાણાકીય જીવનની સાથે સાંકળીએ. આજની તારીખે કેટકેટલીય જગ્યાએ આપણને રોકાણની લોભામણી ઑફરો જોવા મળી રહી છે. રોજેરોજ ઘરેબેઠાં પર્સનલ લોન કે હાઉસિંગ લોન આપવાના ફોન આવતા હોય છે. આ સાથે જ શૅરબજારની ટિપ્સની તો ભરમાર છે.
મીરાએ વિવિધ પ્રકારની સાડીઓમાં પોતે કેવી દેખાય છે એ જોવા માટે AI આધારિત ફિલ્ટરનો ઉપયોગ કર્યો અને પોતાની અમુક મૂળ તસવીરો જાહેર કરી દીધી. એ જ રીતે લાખો સોશ્યલ મીડિયામાં આવતી ભ્રામક જાહેરાતોથી લલચાઈ જતા હોય છે.
નવા જમાનાની રોકાણ માટેની લલચામણી ઑફરોની પાછળ મોટું નુકસાન છુપાયેલું હોઈ શકે છે. તમારા ડેટાની ચોરી થઈ શકે છે અથવા નાણાંની ઉચાપત પણ થઈ શકે છે.
તમે AIનો ઉપયોગ કરો ત્યારે તમારી મૂળ તસવીર, તમારી પસંદ-નાપસંદ, તમારું સ્થળ વગેરે અનેક પ્રકારની માહિતી તમારી જાણ બહાર જમા થતી હોય છે. એને તમે ડિજિટલ પગેરું કહી શકો છો. આ બધો ડેટા ઉપયોગમાં લેવાય છે, એની મદદથી લોકો ભરપૂર કમાય છે તથા ઘણા લોકો એનો દુરુપયોગ કરે છે.
જલદીથી નાણાં કમાઈ લેવાની લાલચનો ભોગ બનીને આપણે ખરેખર તો આપણી ડિજિટલ સલામતીનો ભોગ આપીએ છીએ. તમારા KYC (નો યૉર કસ્ટમર) દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે છે. આવા તો ઢગલાબંધ કિસ્સાઓમાં ઘણા લોકોનાં બૅન્ક ખાતાં સાફ થઈ ગયાં છે.
આજકાલ બધા જ લોકો રોકાણની વિવિધ ઑફરોનો ઉપયોગ કરતા હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે, પરંતુ એમ કરવામાં અનેક જોખમો સંકળાયેલાં હોય છે.
આ જ વાતને મીરાના ઉદાહરણ સાથે સરખાવીએ. AIની મદદથી બનેલાં ચિત્રોમાં મીરા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી પરંતુ ખરી સુંદરતા તો તેના વ્યક્તિત્વમાં છે. તે સમજદાર, સાલસ, નમ્ર અને આત્મવિશ્વાસુ છે અને આ જ બધા ગુણ તેના વ્યક્તિત્વમાં ઝળકે છે. આ જ રીતે આપણું નાણાકીય સુખ આપણા ડેટા અને ઍસેટ્સની સુરક્ષામાં રહેલું છે, ભ્રામક જાહેરખબરોમાં કે અન્ય માધ્યમોમાં દેખાતી ઑફરોમાં નહીં. પોતાનું આર્થિક હિત શેમાં રહેલું છે એ સ્પષ્ટ રીતે સમજનાર અને વ્યવહારમાં એનો ઉપયોગ કરનાર વ્યક્તિ જ લાંબા ગાળે સંપત્તિસર્જન કરી શકે છે.
આજના સમયમાં દરેકે પોતાને એક સવાલ કરવો જોઈએઃ શું હું થોડો સમય સારું લાગે એ માટે બધું કામ બીજાઓની દેખાદેખી જ કરું છું કે પછી લાંબા ગાળે મારું હિત શેમાં રહેલું છે એ સમજીને સારી આદતો કેળવું છું?