રસિક દવેના અવસાન બાદ કેતકીબહેન કેમ વધુ કામ કરવા લાગ્યાં છે?

17 August, 2024 02:10 PM IST  |  Mumbai | Pallavi Acharya

વિખ્યાત અભિનેત્રી કેતકી દવે તેમના વિશેની તથા પતિ રસિક દવે વિનાની જિંદગીની ઘણી ઇમોશનલ વાતો મિડ-ડે સાથે શૅર કરે છે

કેતકી દવે, રસિક દવે

કેતકી દવે હાલમાં ગુજરાતી નાટક ‘પત્ની નચાવે એને કોણ બચાવે’માં કામ કરી રહ્યાં છે અને સાથે હિન્દી ટીવી-સિરિયલ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’નું શૂટિંગ કરી રહ્યાં છે. જાણીતાં અભિનેત્રી સરિતા જોષી અને જાણીતા નાટ્યકર્મી પ્રવીણ જોષીનાં દીકરી કેતકીએ થિયેટર અને હિન્દી તથા ગુજરાતી ફિલ્મોના અભિનેતા રસિક દવે સાથે લવ-મૅરેજ કર્યાં હતાં. ૨૦૨૨ની ૨૯ જુલાઈએ કિડનીની લાંબી બીમારી બાદ રસિક દવેનું અવસાન થયું હતું. તેમને દીકરી રિદ્ધિ અને દીકરો અભિષેક છે. રિદ્ધિ પરિણીત છે અને અભિષક તેમની સાથે છે.

ડગલે ને પગલે યાદ આવે

રસિક સાથેનું જીવન અને યાદો ખૂબ સરસ છે; તેઓ એક એવી પર્સનાલિટી હતા કે ક્યાંય પણ જાઉં, મને થાય છે કે અહીં રસિક હોત તો આમ બોલ્યા હોત; તેમના ડાયલૉગ યાદ આવે... થોડાં ઇમોશનલ થતાં કેતકીબહેન કહે છે, ‘તે હતા ત્યારે ચા અમે સાથે જ પીતાં, હવે મારે એકલીએ પીવી પડે છે. ક્યાંય પણ બહાર જવું હોય તો અમે સાથે જ જતાં. કોઈ પણ શૉપિંગ હોય, અમે સાથે જ કરતાં. અરે મારાં કપડાંની શૉપિંગમાં તેને ગમે એ મારી પાસે લેવડાવતા. તે મને કહેતા કે તને નથી ખબર, મને ખબર છે કે તારા પર શું સારું લાગશે. તે પસંદ કરે પછી એ ગમે છે કે નથી ગમતું એની હા કે ના હું કહું. મારી જ્વેલરી પણ તે જ પસંદ કરતા. એટલે અહીં બધે હું મિસ કરું. અમે સાથે પિક્ચર-નાટકો જોવા જતાં એ મિસ કરું છું. હમણાં નાટક કરું છું તો ડેફિનેટલી મિસ કરું છું, કારણ કે રિહર્સલમાંથી આવીને હું તેને કહેતી કે આમ થયું, તેમ થયું વગેરે... પણ હવે મારે આ બધી આદત પાડવી પડશે. જે માણસ સાથે આટલાં બધાં વર્ષો રહ્યાં એની યાદ ડગલે ને પગલે આવે.’

બધા નિર્ણય મારા પર આવ્યા

રસિકભાઈ ગયા પછી અચાનક ઘણુંબધું પોતાના પર આવી પડ્યું એની વાત કરતાં કેતકીબહેન કહે છે, ‘તેમને ખાવાનો બહુ શોખ. જમવાનો ઑર્ડર પણ તે જ આપે એટલે મને ત્રાસ ઓછો. તે જે ઑર્ડર કરે એ હું ખાઈ લઉં. હવે અચાનક એ પણ મારા પર આવી ગયું એથી થાય કે અરે શું ઑર્ડર કરવું? એક રીતે હું હવે વધુ સક્ષમ થતી ગઈ છું, કારણ કે પહેલાં મેં બધું છોડી દીધું હતું. તે હતા ત્યારે એમ કે તે કરી લેશે. ડિસિઝન બેઝિકલી મારા માટે પણ તે લઈ લેતા હતા એટલે મને શાંતિ હતી, પણ હવે બધા નિર્ણય મારે જાતે લેવા પડે છે એથી જાતને કહેવું પડે કે ભાઈ જરા સંભાળીને, હવે બધા નિર્ણય તારે જ લેવાના છે તો જરા સંભાળીને લેજે.’

વધુ કામ થાય છે

રસિકભાઈ ગયા પછી જીવનમાં આવેલા બદલાવની વાત કરતાં કેતકીબહેન કહે છે, ‘એ હતા ત્યારે કામને સૅક્રિફાઇસ કરી હું તેની સાથે રહેવાનું વધુ પ્રિફર કરતી હતી. મને થતું કે અમે ઘરમાં સાથે વધુ રહીએ એટલે હું કામ ઓછું કરતી હતી. હું કામ કરું તો તેને વધુ સમય ન આપી શકું. હવે કામને વધુ સમય આપું છું. રસિક હતા ત્યારે હું તેના પર જ ડિપેન્ડન્ટ હતી. હવે છોકરાઓ પર ડિપેન્ડન્ટ નથી. હું હવે કોઈને બ્લેમ નથી કરી શકતી, હું જેકાંઈ કરું એની જવાબદારી મારી જ છે, મારી જાતને ખુશ રાખવાની જવાબદારી પણ મારી જ છે. એ રીતે હું ઇન્ડિપેન્ડન્ટ થઈ છું. અગાઉ રસિકને વધુ સમય આપતી હતી. હવે મને કામ માટે અને મારા માટે સમય વધુ મળી રહ્યો છે એટલે કામ વધુ થાય છે. બાકી રસિક સાથેનું જીવન અને તેની સાથેની યાદો ખૂબ અને સરસ છે.’

રિયલ નાની

રસિકભાઈના અવસાનના ચાર-પાંચ મહિનામાં જ તેમની દીકરી રિદ્ધિને દીકરો થયો, જેનું નામ પૃથ્વી છે. રિદ્ધિ હાલ મધરહુડ એન્જૉય કરી રહી છે. પૃથ્વી સાથેની મીઠી વાતોને વાગોળતાં નાની કેતકી દવે કહે છે, ‘રિદ્ધિના દીકરા પૃથ્વી સાથે મને બહુ લાગણી છે. તે રસિક જેવો જ લાગે છે. તે નાની-નાની કરતો ફરે અને વાતો કરે ત્યારે ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. મારા ઘરથી ૧૦ મિનિટના અંતરે એ લોકો રહે છે એથી હું ફ્રી હોઉં ત્યારે પૃથ્વી સાથે રહું, એની મજા આવે છે.’

ભાઈની બહેની

કેતકી ૭ વર્ષનાં હતાં ત્યારે બોર્ડિંગ સ્કૂલમાં ગયાં હતાં. એનું કારણ હતું તેમના ૯ વર્ષના ભાઈ શ્યામને મુંબઈનું વાતાવરણ સૂટ નહોતું થતું એટલે તેને કોઈ ડ્રાય વાતાવરણ હોય ત્યાં રાખવાનો હતો. આમ પુણેની દસ્તુર બોર્ડિંગ સ્કૂલમાં તેને મૂકવામાં આવ્યો હતો. ત્યારે કેતકીએ પણ જીદ કરીને એ જ સ્કૂલમાં ઍડ‍્મિશન લીધું કારણ કે તેણે કહ્યું કે ‘મારો ભાઈ જ્યાં હશે ત્યાં જ હું પણ રહીશ!’ બોર્ડિંગ સ્કૂલમાં ઍડ‍્મિશનની બાબતને પોતાના જીવનનો એક ટર્નિંગ પૉઇન્ટ ગણાવતાં કેતકીબહેન કહે છે, ‘બોર્ડિંગ સ્કૂલમાં લાઇફ જુદી લાગે, ઘણી બદલાઈ જાય. માબાપ વિના એકલા રહેવું પડે. સાથે સૂવા માટે કોઈ ન હોય. ત્યારે ફોન નહોતા. પેરન્ટ‍્સ યાદ આવે. રડવાનું મન થઈ આવતું. એ સમયે હું વધુ ઇન્ડિપેન્ડન્ટ બની. મારો નેચર હતો કે મમ્મીથી છૂટી પડું ત્યારે યાદ બહુ સતાવે, પણ પછી થાય કે મમ્મી હવે નથી આવવાની એટલે પાછું ભૂલી જાઉં. મારો નેચર જ એવો કે કોઈ પણ પરિસ્થિતિ હોય, હું ફરી પ્રેઝન્ટમાં આવી જાઉં અને પછી એન્જૉય કરવા માંડું. સ્કૂલમાં કોઈ ખરાબ રીતે વાત કરે તો લાગે કે મારી મમ્મી હોત તો? પણ પાછી ભૂલી જતી. હું સહેલાઈથી મનને વાળી લેતી હતી.’

ચારેક વર્ષ પછી તેઓ પાછાં મુંબઈ આવી ગયાં. હાલમાં તેમના ભાઈ સરિતાબહેન સાથે રહે છે.

કેતકીબહેન વધુમાં કહે છે, ‘ત્યારે મને એ વાતની ખબર પડી ગઈ હતી કે લાઇફ ઇઝ ફૉર એન્જૉયમેન્ટ. તો દુખી શા માટે રહેવું? જીવન દુખી રહેવા માટે છે જ નહીં. દુઃખ તો આવે, પણ એમાંથી નીકળીને નૉર્મલ થઈ જાઓ એ મને ત્યારે સમજાઈ ગયું હતું. હું ૧૭ વર્ષની હતી ત્યારે મારા પપ્પા ગુજરી ગયા. મને બહુ તકલીફ થઈ હતી. મને થતું કે તેઓ ક્યારેય પાછા નહીં આવે? મને આમાંથી નીકળતાં વાર લાગી હતી, પણ વિચાર્યું કે આમાંથી નીકળવું જ પડશે; કોઈ ઑપ્શન જ નથી. હું એ શીખી કે દુઃખ આવે ત્યારે થાય કે હું એ સહન નહીં કરી શકું, પણ કરી શકાય છે; મનને વાળી લેવું પડે છે.’

પપ્પા સાથેનાં સંસ્મરણોને યાદ કરતાં કેતકીબહેન કહે છે, ‘‌તે મને બહુ પ્યાર કરતા હતા. તેમનું નાટક હું જોવા જતી, તેમને એ ગમતું. અલાઉડ હોય ત્યારે સ્ટેજ પાસેના એક્ઝિટ એરિયામાં હું જઈને ઊભી રહેતી. ચાલુ નાટકમાં પણ તેમની જેવી એક્ઝિટ થાય અને હું ત્યાં ઊભી હોઉં એટલે મને પૂછે... કેટિયું કોનું બેટિયું... એટલે હું કહું તમારું... અને એક પપ્પી આપું. એવરી એક્ઝિટમાં આમ પૂછે.’

ડૉક્ટર બનવું હતું

કેતકીબહેન કહે છે, ‘મારે તો ડૉક્ટર બનવું હતું, મને શોખ હતો, હજી પણ મને રસ છે. બૉડી વિશેનું ઘણું નૉલેજ મને છે, હું બાયોલૉજીમાં પણ સારી હતી. ટેન્થમાં રૅન્ક આવેલી એટલે મમ્મીએ કહ્યું કે તું ભણવામાં સારી છે તો ડૉક્ટર બન. હું મારી જાતે ભણી લેતી હતી એટલે મમ્મીને ચિંતા નહોતી પણ ઘરમાં બધાનું જોઈ-જોઈને ૧૩થી ૧૪ વર્ષની હતી ને મને ઍક્ટિંગની ધુણકી લાગી, મિરરમાં જોઈને એકલી-એકલી ઍક્ટિંગ કરતી હતી. આમ ફાઇનલી મેં નક્કી કરી લીધું હતું કે ઍક્ટિંગ જ કરવી છે. તેથી કૉલેજમાં આર્ટ‍્સમાં ઍડ‍્મિશન લીધું. એવામાં વળી મને થયું કે હું રિસેપ્શનિસ્ટ બનું. એટલે પ્રેસિડેન્ટ હોટેલમાં કેક શૉપમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કર્યું. એ લોકો કહે જુદા-જુદા ડિપાર્ટમેન્ટમાં કામ કરવું પડશે. એક મહિનો જૉબ કરી એટલે લાગ્યું કે આ કામ મારા માટે નથી તેથી જૉબ છોડી દીધી. ઍર-હૉસ્ટેસ થવા માટે પણ અપ્લાય કર્યું પણ પ્લેનમાં તો મને ચક્કર આવે છે, કેવી રીતે ઍર-હૉસ્ટેસ બનું? આ બધું ગ્લૅમરસ લાગતું હતું એટલે ટ્રાય કર્યું હતું. છેવટે નક્કી કરી લીધું કે કરવી છે તો ઍક્ટિંગ જ. હું જે નક્કી કરું એમાં પછી બે મન ન હોય, જે કરવું એ કરવું.’

સર્વન્ટના રૂમમાં જઈ વાંચતાં

કેતકીની હૉબી કહો કે પૅશન એ વાંચન છે. બચપણથી તેમને વાંચવાનો શોખ છે. નાનાં હતાં ત્યારે રોમૅન્ટિક અને સસ્પેન્સ સ્ટોરીઓ વાંચતાં અને મોટા થયા પછી નૉન-ફિક્શન વાંચન વધ્યું. મમ્મીને પણ ખબર હતી કે તે નૉવેલો વાંચે છે, પણ એ પહેલાં તેઓ ભણવાનું વાંચી લેતાં હતાં. કોઈને ખબર ન પડે એટલે ચોપડીઓ લઈ એક રૂમમાંથી બીજી રૂમમાં ભાગમભાગ કરતાં. ઘણી વાર સર્વન્ટના રૂમમાં પણ છુપાઈને વાંચતાં. આટલુંબધું વાંચતાં જોઈ મમ્મીને ચિંતા થતી કે તેની આંખો પર અસર થશે.

અજાણી જગ્યાએ ડર

કેતકીને ડર કઈ વાતનો છે? તે કહે છે, ‘જગ્યા અજાણી હોય અને મને ખબર હોય કે અહીં જવાનું છે તો વાંધો નહીં પણ અજાણતાં જો કોઈ અજાણી જગ્યાએ કે ખબર વિના કોઈ અજાણ્યા રસ્તા પર પહોંચી જાઉં તો મને ત્યાં ડર લાગે છે. બીજું, પાણીનો મને ડર લાગે છે, હું ઊંડા પાણીમાં સ્વિમિંગ ન કરી શકું. હું ૭ વર્ષની હતી અને મને કોઈએ પાણીમાં નાખી દીધી હતી એટલે ડર બેસી ગયો છે.’

બહુ સતાવ્યા

જીવનમાં કોઈ અફસોસ છે કે નહીં એની વાત કરતાં કેતકીબહેન કહે છે, ‘પહેલેથી મારો સ્વભાવ ગુસ્સાવાળો. ટેન્શન, ચિંતા, ગુસ્સાને લઈને મેં મારી જાતને તો બહુ તકલીફ આપી જ છે, પણ મને પ્યાર કરતા આજુબાજુના લોકોને પણ મેં બહુ સતાવ્યા છે. મને જે જોઈએ એ ન થાય તો હું બીજાને તકલીફ આપતી હતી. હવે મને થાય છે કે તેમને સમજાવ્યા હોત, તેમને તેમની રીતે પગલાં લેવા હતાં તો લેવા દીધાં હોત. મને થાય છે કે મારો નેચર સારો હોત તો મને શાંતિ હોત અને બીજાને પણ હેરાન ન કર્યા હોત, મારી જિંદગી વધુ બેટર હોત. મારી નજીકનાને જ નહીં, પ્રોફેશનલી પણ હું બધાને હેરાન કરતી હતી. હવે નથી કરતી. યુવાનીમાં જો મારો આ નેચર ન હોત તો મને ઘણા ફાયદા થયા હોત, હું ઘણી આગળ હોત.’

તેરે પ્યાર મેં

નાટકના સેટ પર જ કેતકી રસિકભાઈના પ્રેમમાં પડ્યાં હતાં. યુવાનીનો એક ફની કિસ્સો જણાવતાં કેતકી કહે છે, ‘એક વાર રસિક સાથે હું બાઇક પર જઈ રહી હતી. પાછળ બેઠેલી હું બાઇક પરથી નીચે પડી ગઈ એની રસિકને ખબર જ નહીં અને તે આગળ જતો રહ્યો. આગળ જઈને તેને ખબર પડી એટલે પાછો આવ્યો. આવું તો બધું અમારી સાથે ઘણું થયું છે.’

રસિકભાઈને સરપ્રાઇઝ આપવી બહુ ગમતી. એક પ્રસંગ કેતકી કહે છે, ‘હજી અમારાં લગ્ન નહોતાં થયાં ત્યારની વાત છે. થર્ટીફર્સ્ટ હતી, હું શો માટે ગુજરાતમાં ક્યાંક હતી. અમે ફોન પર વાત કરી કે યાર આ વખતે આપણે સાથે નથી. નાટકના ઇન્ટરવલમાં હું બહાર આવી તો જોયું રસિક સામે ઊભા હતા.’

એક વાર રસિકભાઈએ કેતકી માટે ડાયમન્ડનો નેકલેસ લઈ આવીને ગિફ્ટ કર્યો તો એ જોઈ કેતકી ભડકી ગયાં. કહે, આ મને નથી જોઈતો; આટલી મોંઘી ગિફ્ટ કેમ લઈ આવ્યો? મને નથી ગમતી. રસિકભાઈએ તેને કહ્યું કે છોકરીઓને મોંઘી ગિફ્ટ ગમે, તું કેવી છોકરી છે? કેતકી એ ન લેવા અડી રહ્યાં એટલે રસિકભાઈએ છેવટે એ ગિફ્ટ પાછી આપી દેવી પડી.

columnists dhollywood news Gujarati Natak Gujarati Drama gujarati mid-day